ડૂબકી / કામની વ્યસ્તતા અને જીવનનો આનંદ

article by vinesh antani

વીનેશ અંતાણી

Jan 20, 2019, 12:05 AM IST

અમેરિકાનો બહુ મોટો બિઝનેસમેન વેકેશન લઈને મેક્સિકો ગયો હતો. એ દરિયાકિનારે બેઠો હતો. સવારના માંડ અગિયાર વાગ્યા હતા. એણે એક માછીમારને દરિયામાંથી માછલીઓ પકડી કાંઠે હોડી લાંગરતો જોયો. બિઝનેસમેનને નવાઈ લાગી કે એ આટલો વહેલો એનું કામ આટોપે છે? એણે એને પૂછ્યું, ‘હજી બપોર પણ નથી થયો અને તું પાછો આવી ગયો?’ માછીમારે કહ્યું, ‘મને જોઈતી હતી એટલી માછલી પકડી લીધી. અમારા કુટુંબના ભરણપોષણ અને વેચવા માટે આટલી પૂરતી છે.’ બિઝનેસમેને પૂછ્યું કે એ હવે આખો દિવસ નવરો બેસીને શું કરશે.

માછીમારે કહ્યું, ‘ઘેર જઈશ, મારાં સંતાનો સાથે રમીશ, પત્ની સાથે સમય ગાળીશ, સાંજે મિત્રો સાથે ગપ્પાં મારીશ.’ બિઝનેમેન હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનું ભણ્યો હતો. એ માછીમારને ‘બિઝનેસ’ના પાઠ ભણાવવા લાગ્યો, ‘તારે આખો દિવસ કામ કરવું જોઈએ. વધારે માછલી પકડાય તો વધારે આવક થાય.’ માછીમારે પૂછ્યું, ‘પછી?’

  • જે લોકો અંગત જીવનથી સંતુષ્ટ નથી તેઓને એમના કામમાં પણ જરૂરી સંતોષ મળતો નથી. આપણે કામમાં એટલા વ્યસ્ત ન થઈ જઈએ કે જીવવાનું પણ ભૂલી જઈએ

‘લે, તું સાદી વાત પણ સમજતો નથી? પૈસા આવે તો તું મોટી બોટ ખરીદી શકે, ધંધો વધે પછી શહેરમાં રહેવા જા, તારી ફિશિંગ કંપની શરૂ કર. કેટલા બધા પૈસા મળે તને!’ માછીમારના કપાળે સળ પડ્યા. એણે પૂછ્યું, ‘પછી?’ બિઝમેસમેન, ‘બસ, પછી તો પૈસા જ પૈસા છે. આરામથી તારી પત્ની-સંતાનો સાથે જીવી શકશે.’ માછીમાર વિચારમાં પડ્યો. પૂછ્યું, ‘એવું કરતાં કેટલાં વર્ષ લાગે?’ બિઝનેસમેન, ‘પચીસેક વર્ષ તો સહેજે થાય.’ માછીમાર ખડખડાટ હસ્યો. ‘હું અત્યારે પણ કરી શકું છું એના માટે મારે પચીસ વર્ષ રાહ જોવાની શી જરૂર છે? અત્યારે જ સમય છે કે હું મારા પરિવાર અને મિત્રો સાથે મજા કરું. બુઢ્ઢો થાઉં પછી હું શું મજા કરવાનો હતો!’


માછીમાર સમજી શક્યો હતો તે સત્ય અમેરિકન બિઝનેસમેન સમજી શક્યો નહોતો. માછીમાર પૈસા રળવા માટે કામના સમય અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવી શક્યો હતો. એ એનાં સંતાનો, પત્ની અને મિત્રો સાથે પણ સમય ગાળવા ઇચ્છતો હતો. આર્થિક પ્રવૃત્તિની આંધળી દોડધામમાં ઉંમર પસાર થઈ જાય અને સંતાનો મોટાં થઈ જાય કે પત્ની ઘરમાં બેસીને રાહ જોયા કરે એવી જિંદગી એને જોઈતી નહોતી.


બધા લોકો એવું કરી શકતા નથી. કામ અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવી આજના સમયમાં ખૂબ મહત્ત્વની બની ગઈ છે. એમાં પણ પતિ અને પત્ની બંને આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેતાં હોય ત્યારે તો આ વાત અલગ પ્રકારે પણ મહત્ત્વ ધારણ કરે છે. વધારે પૈસા કમાવા માગતા લોકો સાચા સુખની વ્યાખ્યા ભૂલી ગયા છે. ગરીબ લોકો બે છેડા ભેગા કરવા માટે વધારે કામ કરે તે વાત જુદી છે, પરંતુ પ્રમાણમાં પૈસેટકે સુખી થયેલા અને ધનાઢ્ય લોકો પણ આ પ્રકારની દોટમાંથી બહાર નીકળી શકતા નથી. એ લોકો ભૂલી જાય છે કે પ્રસન્ન અને હળવાશભરી જિંદગી પણ જીવનનો મુખ્ય હેતુ છે. એ વિશે સભાનતા જાગે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.


અલબત્ત, કેટલાક લોકો સમયસર ચેતી જઈને કામ અને અંગત જિંદગી વચ્ચે સુમેળ સાધવા પોતપોતાની રીતે માર્ગ શોધવાના પ્રયત્ન કરે છે. એક બહુ મોટી કંપનીના સ્થાપક ઇથેન ઇમ્બોડેન કહે છે, ‘મેં એક સત્ય સાથે સમાધાન કરી લીધું છે કે કામનો કોઈ અંત નથી. મેં મારી કંપની શરૂ કરી ત્યારે મારે પુષ્કળ કામ કરવાનું હતું જ, પરંતુ સફળતા મળ્યા પછી વધારે સફળ થવાના પ્રયત્નોમાં હું કામના બોજમાંથી બહાર નીકળવાનું ભૂલી ગયો.

આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ. હું હવે મોડોમોડો પણ મારા અંગત જીવનમાં પાછો ફર્યો છું અને જે કંઈ બચ્યું છે તેનો આનંદ માણવાનો પ્રયાસ કરું છું.’


સાદી વાત છે: જે લોકો અંગત જીવનથી સંતુષ્ટ નથી તેઓને એમના કામમાં પણ જરૂરી સંતોષ મળતો નથી. આપણે કામમાં એટલા વ્યસ્ત ન થઈ જઈએ કે જીવવાનું પણ ભૂલી જઈએ. ⬛[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી