Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 39)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

થોભો, જુઓ અને આગળ વધો

  • પ્રકાશન તારીખ30 Dec 2018
  •  

આવતી કાલે 31મી ડિસેમ્બરે રાતે બાર વાગે 2018ની સાલ થંભી જશે. અટકવું જ પડે, નહીંતર 2019ની કે ભવિષ્યની બીજી સાલ પ્રવેશ કરી શકે નહીં. ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થાય તે સાથે વાહનોને થંભાવી દેવાં પડે, નહીંતર અકસ્માત થાય.

જિંદગી ઝપાટાભેર જીવી લેવાની નથી. એની ક્ષણેક્ષણને માણવાની હોય છે. થોડી વાર માટે પણ થંભી શકે એને સમગ્ર સમયને મોઢામોઢ થવાની તક મળે છે

વયના જુદા જુદા તબક્કામાં આપણે અગાઉ કરતાં તે બાબતો કરવી બંધ કરવી જ પડે. જૂનું અટકે તો એમાંથી નવું સર્જાય. આપણે એકના એક માર્ગ પર વણથંભ્યા ચાલ્યા કરીએ એને યાત્રા કહેવાય નહીં, એ તો નિરર્થક રઝળપાટ થઈ. પ્રવાસમાં નીકળેલા લોકો ક્યાંય થંભ્યા વિના ચાલ-ચાલ કર્યા કરે કે સડસડાટ પસાર થઈ જાય એમાં પ્રવાસનો ખરો આનંદ મળતો નથી. કોઈ જોવાલાયક સ્થળે અટકો, એનો આનંદ માણો, નવું જાણો અને પછી આગળ વધો તો પ્રવાસનો હેતુ સર થાય.


એક પિતા પરિવારને લઈને લોન્ગ ડ્રાઇવમાં નીકળ્યો. ઘણા કલાક કાર ચલાવ્યા જ કરી પછી કંટાળેલાં સંતાનોએ સાંજે કહ્યું: ‘પપ્પા, થોડી વાર તો ઊભા રહો.’ એ લોકો દરિયાકિનારા પાસેથી પસાર થતાં હતાં. સૂરજ દરિયાની વચ્ચે આથમતો હતો. આકાશમાં અને દરિયાનાં મોજાં પર અવનવા રંગોની રંગોળી દોરાઈ હતી, સંતાનો આનંદથી બોલી ઊઠ્યાં: ‘અમે આવું કશુંક જોવા માટે તો તમારી સાથે નીકળ્યાં હતાં.’


શાણા માણસો જીવનમાં આગળ વધવાની શિખામણ આપે છે તેમ વચ્ચે વચ્ચે પોરો ખાઈ લેવાની સલાહ પણ આપે છે. તો જ થાક ઊતરે, તો જ નવી શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. જેટલું મહત્ત્વ સતત કશુંક કરતા રહેવાનું છે એટલું જ મહત્ત્વ યોગ્ય સમયે અટકવાનું કે ઘણું બધું હંમેશને બંધ કરવાનું પણ છે.


મહાન સર્જક અર્નેસ્ટ હેમિન્ગવે કહેતા કે લખવા માટે નિયત કરેલો સમય પૂરો થાય ત્યારે લખવાનું ગમે તેટલું સારું ચાલતું હોય, છતાં તે બંધ કરવું જોઈએ. ત્યાર પછી પણ સર્જકના મન-મગજના અજાણ્યા ખૂણામાં નવા સર્જનાત્મક વિચારોનો પ્રવાહ તો ચાલુ જ રહેશે. બીજે દિવસે લખવાનું શરૂ કરશો ત્યારે નવી તાજગી સાથે કામ કરી શકાશે.


ટકી રહેવા માટે અટકવું પડે અને અટકવા માટે સમય કાઢવો પડે. વિરામનો આવો સમય સૌથી વધારે ઉત્પાદક હોય છે. એવા સમયે વ્યક્તિ પોતાના વિશે નવેસરથી લેખાંજોખાં માંડી શકે છે.

અત્યાર સુધી શું સિદ્ધ કર્યું, કેવી ભૂલો કરી, હજી કેટલું કરવાનું બાકી છે – જેવી બાબતોનો પુન:વિચાર કરવાથી આગળનો માર્ગ સ્પષ્ટ બને છે. ઘણી વાર અતિ વ્યસ્તતામાંથી ચોરી લીધેલા વિસામાના સમયે જિંદગીને નવેસરથી જોઈ શકાય છે. પચાસની આરે આવેલી એક મહિલા એની કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતી. એનો બધો સમય કંપનીની સફળતા માટે અને પતિ-સંતાનોની સગવડ સાચવવા પાછળ જ ખર્ચાતો હતો. એ શારીરિક અને માનસિક રીતે ખૂબ થાકી ગઈ હતી.

એક દિવસ એણે ઓફિસમાંથી થોડા દિવસની રજા લીધી અને એકલી દરિયાકિનારે ચાલી ગઈ. ત્યાં એણે નિરાંતે પોતાના વિશે ઊંડો વિચાર કર્યો. એને સમજાયું કે એ અત્યાર સુધી બીજા લોકો માટે જ જીવી છે, જાત માટે કશું કર્યું નથી. એણે અણધાર્યો નિર્ણય લીધો. પાછી જઈને પહેલું કામ કંપનીમાંથી રાજીનામું આપવાનું કર્યું. ઘરની જવાબદારી ઓછી કરી.


વિચારકો કહે છે કે આપણું ધ્યેય પાર પાડવા માટે બધું કરી ચૂક્યા હોઈએ, છતાં ધાર્યું પરિણામ મળતું ન હોય ત્યારે થોડો સમય થંભી જવું, રિલેક્સ થઈ જવું. શક્ય છે કે એ ટૂંકા વિરામમાં આપણે ધારેલાં કામ વિશે અલગ દૃષ્ટિકોણથી વિચારણા કરી શકીએ. એવી સલાહ પણ મળે છે કે એકીસાથે ઘણાં કામ હાથ ધરવાનું બંધ કરવું જોઈએ. પ્રાથમિકતા નક્કી કરીને એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એક ડગલું માંડો, પછી બીજું અને પછી ત્રીજું. આગળ જતાં દરેક પડાવ પર ઊભા રહી, શ્વાસ ખાઈ, પછી આગળનું ડગલું ભરવું જોઈએ.


જિંદગી ઝપાટાભેર જીવી લેવાની નથી. એની ક્ષણેક્ષણને સમજવાની અને માણવાની હોય છે. થોડી વાર માટે પણ થંભી શકે એને સમગ્ર સમયને મોઢામોઢ થવાની તક મળે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP