Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 36)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

પરિચિત જગતની સમાંતરે બીજું જગત

  • પ્રકાશન તારીખ16 Dec 2018
  •  

જાપાનના સુપ્રસિદ્ધ લેખક હારુકી મુરાકામીની ગયા વર્ષે પ્રકાશિત થયેલી નવલકથા ‘કિલિંગ કોમેન્ડેટર’ના એક અંશ ‘વિન્ડ કેવ’માં કથાનાયક વર્ષો પહેલાં મૃત્યુ પામેલી એની નાની બહેનના અવસાનની વેદના ભૂલી શક્યો નથી એ વાત કેન્દ્રમાં છે. મુરાકામીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું: ‘આપણા ભાવજગત પર થયેલા જખમ ત્રણ પ્રકારના હોય છે. એક બહુ જલદી રુઝાઈ જાય છે, બીજાને થોડી વાર લાગે છે, જ્યારે ત્રીજા પ્રકારના જખમ જિંદગીભર આપણી સાથે રહે છે.’

બીજા જગતનું માળખું કે એનો અર્થ શબ્દોમાં સમજાવી શકાતો નથી, પરંતુ એ હોય છે. ક્યારેક આપણને એની ઝલક અકસ્માતે મળી જાય છે

‘વિન્ડ કેવ’ની વાર્તા આ પ્રમાણે છે. ભાઈ પંદર વર્ષનો હતો ત્યારે એનાથી ત્રણ વર્ષ નાની બહેન કોમિચિ મૃત્યુ પામી હતી. એને જન્મથી જ હાર્ટનો પ્રોબ્લેમ હતો. ભાઈને કોમિચિની ખૂબ ચિંતા રહેતી. એ એને બચાવી લેવા પોતાનો જીવ દેવા પણ તૈયાર હતો. કોમિચિ બાર વર્ષની થઈ ત્યારે એની તબિયત બગડી અને એ અવસાન પામી. એને સુંદર પોશાક પહેરાવીને કોફીનમાં મૂકવામાં આવી તે એનું છેલ્લું દર્શન હતું. એના મોઢા પર મૃત્યુની કોઈ નિશાની નહોતી, જાણે એ શાંતિથી સૂતી હોય અને જરાક જેટલી ઢંઢોળતાં બેઠી થઈ જશે.


કોમિચિને સાંકડા કોફીનમાં મૂકી તે ભાઈને ગમ્યું નહોતું. એને લાગે છે કે બહેનના શરીરને વિશાળ મેદાનમાં મૂકવું જોઈતું હતું. આજુબાજુ લીલું ઘાસ ઊગ્યું હોય અને હવામાં ફૂલોની સુગંધ આવતી હોય. ભાઈ બહેનની યાદ જીવતી રાખવા માટે એનાં ચિત્રો બનાવતો રહે છે અને કલ્પના કરતો રહે છે કે એ જીવતી હોત તો એણે કેવી સુંદર જિંદગી વિતાવી હોત.


એ કોમિચિની અંતિમક્રિયા વખતે ખાડામાં ઉતારવામાં આવતું કોફીન જોઈ શક્યો નહોતો. દૂર એકલો બેસીને ખૂબ રડ્યો હતો. એને બે વર્ષ પહેલાં બનેલી એક ઘટના યાદ આવે છે. તે વખતે એની ઉંમર તેર વર્ષની હતી અને કોમિચિ દસ વર્ષની. ભાઈબહેન જાપાનના માઉન્ટ ફૂજીમાં રહેતા મામા પાસે ગયાં હતાં. મામા એમને ફૂજી પર્વતમાં આવેલી વિન્ડ ગુફા જોવા લઈ ગયા હતા. મામાએ સમજાવ્યું હતું કે ગુફાઓ બે પ્રકારની હોય છે– વિશાળ અને સાંકડી. વિશાળ ગુફામાં માણસો અંદર જઈ શકે છે, સાંકડી ગુફાનું પ્રવેશદ્વાર બહુ જ સાંકડું હોવાથી એમાં પ્રવેશ કરી શકાતો નથી.

મામા અગાઉ ઘણી વાર ગુફામાં જઈ આવ્યા હતા એથી ભાઈબહેન એકલાં અંદર ગયાં. ફલેશ લાઇટ સાથે હતી. આગળ જતાં ગુફાની છત નીચી થતી ગઈ હતી. વાંકાં વળીને ચાલવું પડ્યું હતું. ઠંડી વધી ગઈ હતી. ભાઈએ કોમિચિનો હાથ પકડી રાખ્યો હતો. બહુ અંદર ગયાં પછી કોમિચિએ ગુફાના ખડકમાં એક સાંકડી ગુફાનું સસલાના દર જેવું પ્રવેશદ્વાર જોયું. કોમિચિએ લુઇસ કેરોલની ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’ વાર્તા બહુ વાર વાંચી હતી. એમાં એલિસ નામની છોકરી અકસ્માતે સસલાના દર જેવી સાંકડી જગ્યાની પેલી બાજુ આવેલા વિસ્મયકારી પ્રદેશમાં પહોંચી જાય છે. કોમિચિ માનતી હતી કે એલિસનો વિસ્મયકારી પ્રદેશ વાર્તાકારની કલ્પના નથી, વાસ્તવમાં પણ એવી જગ્યા હોય છે.


કોમિચિ તે ગુફામાં જવાની હઠ કરે છે. એને એમ જ છે કે એની પાછળ પેલો વિસ્મયકારી પ્રદેશ આવેલો છે. એ દૂબળી-પાતળી હોવાથી અત્યંત સાંકડા પ્રવેશદ્વારમાંથી અંદર ઘૂસી શકે છે. ભાઈ માટે તે શક્ય નથી. સાંકડી ગુફામાં પ્રવેશ કરતી કોમિચિ જાણે ધીરેધીરે ગાયબ થઈ રહી હતી. ઘણો સમય વીત્યા પછી પણ એ પાછી આવતી નથી. ભાઈને ચિંતા થાય છે. એ એના નામની બૂમો પાડતો રહે છે, પરંતુ અંદરથી જવાબ આવતો નથી. ડર લાગે છે કે એ હવે ક્યારેય પાછી આવશે નહીં. બહુ વાર પછી એનું માથું બહાર આવે છે, પછી આખું શરીર.


ઉત્તેજિત કોમિચિ કહે છે કે એ સાંકડા માર્ગમાંથી ખૂબ ઊંડે સુધી પહોંચી ત્યાં એણે વિશાળ વર્તુળાકાર જેવી જગ્યા જોઈ. કોમિચિને લાગે છે કે એ જગ્યા એના માટે જ બનાવવામાં આવી હતી. કહે છે: ‘ત્યાં અપૂર્વ શાંતિ હતી. અંધારું એટલું ગાઢ હતું કે હું મારા હાથમાં પકડી શકું. મારું આખું શરીર એ અંધારામાં અલોપ થઈ ગયું હતું.’


વર્ષો પછી પણ ભાઈ એ વાત ભૂલી શક્યો નથી. એ વિચારે છે: કદાચ કોમિચિ પેલી ગુફામાં પ્રવેશી તે દિવસે જ એણે આ દુનિયા છોડી દીધી હતી. માત્ર હું માનતો હતો કે એ જીવે છે. સાંકડી ગુફાની અંદર ખાસ એના માટે જ બનાવવામાં આવેલી વર્તુળાકાર જગ્યા એ અગાઉથી જોઈ આવી હતી.


‘વિન્ડ કેવ’ કથાના સર્જક હારુકી મુરાકામી કહે છે: ‘જીવન વિશે મારો બેઝિક ખ્યાલ છે કે આપણા પરિચિત જગતની સમાંતરે બીજું એક જગત આવેલું હોય છે. એ જગતનું માળખું કે એનો અર્થ શબ્દોમાં સમજાવી શકાતો નથી, પરંતુ એ હોય છે. ક્યારેક આપણને એની ઝલક અકસ્માતે મળી જાય છે, પરંતુ એ શું છે તે આપણે સમજી શકતાં નથી.’
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP