જિજ્ઞાસા જેવી પવિત્ર બાબત કોઈ નથી

article by vinesh antani

વીનેશ અંતાણી

Dec 09, 2018, 12:05 AM IST

થોડા સમય પહેલાં હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમમાં એક વક્તાએ કહ્યું હતું કે જિજ્ઞાસા – કુતૂહલવૃત્તિ – બાળકના વિકાસમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પોતાનાં રમકડાંના ભાગ છૂટા કરીને ફરી જોડવા મથતું બાળક આવતીકાલે મહાન વૈજ્ઞાનિક, વિચારક, કળાકાર કે ઉમદા અને જીવંત માણસ બનવાની શક્યતા ધરાવે છે. પરંતુ સફળતાના ભ્રામક ખ્યાલમાં બાળક થોડું મોટું થાય ત્યારથી આપણે એના પર પરીક્ષામાં વધારે ગુણ મેળવવાની કે જીવનની જીવલેણ હરીફાઈમાં પહેલા નંબરે જ રહેવાની જવાબદારી નાખીને એનામાં રહેલા બાળકનું ખૂન કરી નાખીએ છીએ.

જિજ્ઞાસાથી પ્રેરણા મળે છે, પ્રેરણાથી આંતર્દૃષ્ટિ ઊઘડે છે ને વિકસિત આંતર્દૃષ્ટિને લીધે જીવન તરફનો અભિગમ બદલાઈ જાય છે

દરેક બાળક એના આગવા વિસ્મયલોકમાં જીવે છે. શિશુમાં વિકસી રહેલી જિજ્ઞાસાવૃત્તિને લીધે જ એ દરેક ચીજોને સ્પર્શ કરવા માગે છે, સ્વાદ ચાખવા માગે છે, સૂંઘવા ઇચ્છે છે, પલંગ કે ખુરસી પર જાતે ચઢવાનો પ્રયત્ન કરે છે, ધ્યાનથી જુએ છે, એકાગ્રતાથી સાંભળે છે. આવી અનેક પ્રવૃત્તિમાં રચ્યુંપચ્યું રહેતું બાળક કશુંક નવું શીખતું રહે છે. થોડું મોટું થયેલું બાળક નવી રમત રમવા પ્રેરાય છે, નવા શબ્દો શીખે છે. એના માટે માહિતીનો ખજાનો ઊઘડતો રહે છે.


દરેક બાળક એની જિજ્ઞાસા અલગ અલગ રીતે પ્રદર્શિત કરે છે. એક શિક્ષક વર્ગમાં દેડકું લાવ્યા. બધાં બાળકો ઉત્તેજિત થઈ ગયાં. કેટલાંક દેડકાંને અડકવા ઉત્સુક હતાં. કેટલાંક દૂરથી જોતાં જોતાં પ્રશ્નો પૂછવા લાગ્યાં કે દેડકાને દોસ્તો હોય? એમને ભય લાગે? દેડકાં રડે? પહેલા પ્રકારનાં બાળકોને દેડકાના પ્રત્યક્ષ દેખાતા બાહ્ય રૂપ વિશે કુતૂહલ થયું હતું, બીજા પ્રકારનાં બાળકોને દેડકાના આંતરિક સ્વરૂપ, એનામાં રહેલી લાગણીઓ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ હતી. બાળસહજ જિજ્ઞાસાનું સ્વરૂપ ગમે તે હોય, નજરે દેખાતા પદાર્થ વિશે જાણવાની ઉત્કંઠા એકસમાન હોય છે. કહેવાયું છે કે આપણે બાળકની નજરે જોઈ શકીએ તો વયના કોઈ પણ તબક્કામાં આસપાસની દુનિયા વિસ્મયકારી જ લાગશે.


કુતૂહલવૃત્તિ ઘણી નવી શોધોનું પ્રેરકબળ છે. આ વિશ્વમાં થયેલી દરેક નવી શોધ, નવા વિચાર, નવી શરૂઆતનો પાયો માનવસહજ જિજ્ઞાસાવૃત્તિમાં રહેલો છે. બાળપણમાં આપણે આપણી આસપાસનું બધું જ જાણવા માગીએ છીએ. પુખ્ત ઉંમરમાં આવી જતું ભારણ આપણી બાળસહજ જિજ્ઞાસાને કચડતું જાય છે. જિજ્ઞાસાના અભાવથી જીવનમાં સ્થગિતતા આવે છે.

આવી સ્થગિતતા ગંભીર બાબત છે કારણ કે એનાથી લોકોમાં ભ્રામક આત્મસંતોષનો ભાવ જન્મે છે અને આપણે નવા પરિવર્તન માટેની તૈયારી ગુમાવી બેસીએ છીએ. જિજ્ઞાસાથી પ્રેરણા મળે છે, પ્રેરણાથી આંતર્દૃષ્ટિ ઊઘડે છે ને વિકસિત આંતર્દૃષ્ટિને લીધે જીવન તરફનો અભિગમ બદલાઈ જાય છે. એમાંથી નવી શક્યતાઓ ઊઘડે છે અને નવું સર્જન શક્ય બને છે. કુતૂહલવૃત્તિ માણસને અંદરથી બળ આપે છે, ચેતનવંતો રાખે છે અને અજાણ્યા પ્રદેશ ખેડવાની દિશા ખોલે છે.


કુતૂહલવૃત્તિ બાળકનો જ ઇજારો હોઈ શકે નહીં. જિજ્ઞાસા જીવંત રહી હશે એવી વ્યક્તિ આંખ સામે દેખાય છે તેને જેવું ને તેવું સ્વીકારી લેતી નથી. એને પ્રશ્નો થાય છે. એ એના મૂળમાં જવા માગે છે. ન્યૂટને રોજ બનતી એક ઘટના જોઈ – સફરજન ઝાડ પરથી નીચે પડ્યું. એને બાળસહજ પ્રશ્ન થયો કે ડાળી પરથી છૂટું પડેલું સફરજન નીચે ધરતી કેમ પડ્યું, એ ઉપર આકાશમાં કેમ ન ગયું. પરિણામ? લાંબા અને વિગતવાર સંશોધન પછી ન્યૂટન ગુરુત્વાકર્ષણના બળની મહાન શોધ કરી શક્યો.

ન્યૂટને કહ્યું છે કે પ્રશ્નો પૂછવા ક્યારેય બંધ કરવા નહીં. જિજ્ઞાસાથી માણસ સક્રિય રહે છે, એની નિરીક્ષણશક્તિ વિકસે છે, નવા વિચાર જન્મે છે, નવી શક્યતાઓ ઊઘડે છે અને જીવનમાં ઉત્તેજના ટકી રહે છે. જિજ્ઞાસા માણસમાં કશુંક જુદું અને નવું કરવાની ધધકતી ઇચ્છા જન્માવે છે. એવા લોકો સ્થગિતતામાં જકડાઈ જતા નથી. વિજ્ઞાન-ટેક્નોલોજીની જેમ કળાના વિવિધ ક્ષેત્રમાં પણ અલગ રીતે નવું નવું કરતા રહેવાની તીવ્ર ઇચ્છા નવા સર્જનાત્મક આયામ સુધી લઈ જાય છે.

[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી