બાળપણની ધૂળમાં દટાયેલી કુંઠા

article by vinesh antani

વીનેશ અંતાણી

Nov 25, 2018, 12:05 AM IST

સાત વર્ષનો સોહન લાગણીશીલ અને સમજદાર છોકરો હતો. એનાથી એક વર્ષ નાનો ભાઈ રમેશ તોફાની અને બળવાખોર હતો. એ સોહનને વાતેવાતે પરેશાન કરતો. એની ચીજો લઈ લે, ખાવાનું ઝૂંટવી લે, મારકૂટ કરે. સોહન રડતો રડતો મા પાસે ફરિયાદ લઈને જાય, પરંતુ મા એની વાત સાંભળે નહીં. દર વખતે કહે: ‘તું મોટો ભાઈ છો, તારે રમેશને સાચવવો જોઈએ કે એની ફરિયાદ કરવી જોઈએ?’ સોહન હતાશ થઈ જતો. એક વાર રમેશે એને બહુ માર માર્યો. તે વખતે મા રસોડામાં હતી અને પિતા ઑફિસ ગયા હતા. સોહનને રડતો સાંભળીને મા આવી. એણે કશું જ પૂછ્યા વિના સોહનને બે-ત્રણ ધબ્બા મારી દીધા. ‘રોજ રોજના કજિયા!’ સોહન એને સમજાવવા ગયો, પણ એ સાંભળવા તૈયાર નહોતી. ‘હું તમારી વાતમાં પડું કે મારું કામ કરું? તું જાણ ને તારું કામ જાણે. હવેથી તું જ તારા નાના ભાઈ સાથે ફોડી લેજે. મારી પાસે આવતો નહીં.’

લીનાને લાગવા માંડ્યું હતું કે એ ઘરમાં વધારાની વ્યક્તિ છે. એના મનમાં ઘર કરી ગયેલી ઉપેક્ષાની લાગણી એને બધાંથી દૂર રાખે છે. એનું સાચું વ્યક્તિત્વ બાળપણની ધૂળમાં દટાતું ગયું

માનાં આવાં વલણથી સોહનના બાળમાનસ પર અવળી અસર થઈ. મા રમેશને બીજા કોઈ કારણે ધમકાવતી, પરંતુ એણે સોહન સાથે કશું ખોટું કર્યું હોય તો એ સોહનની વાત સાંભળવા તૈયાર થતી જ નહીં. સોહનના મનમાં એક ગ્રંથિ ઘર કરી ગઈ કે એ ગમે તેટલો સાચો હશે, પણ મા એની વાત સાંભળશે નહીં. ધીરેધીરે સોહનને લાગવા માંડ્યું કે મા પાસે એનું કશું જ મહત્ત્વ નથી. સાથેસાથે એને એવો માનસિક સંદેશ પણ મળ્યો કે એ સાવ એકલો છે, ઘરમાં કે બહાર એને કોઈનો સહકાર મળવાનો નથી. સોહન વધારે સંકોચાતો ગયો. એ મોટો થયો પછી પણ બાળપણમાં એની ઘવાયેલી લાગણી, એકલતા અને અસહાયતાની લાગણીમાંથી બહાર નીકળી શક્યો નહીં. એ અતડો બની ગયો. એ એની સામે ઊભી થતી પરિસ્થિતિમાં અન્ય વ્યક્તિનો સાથ લઈ શકતો નહોતો. મનમાં જ હિજરાયા કરતો.


બીજું દૃષ્ટાંત લૅવી નામના નવ વર્ષના છોકરાનું છે. એક વાર એનાથી મોટી ઉંમરના છોકરાઓએ એને સ્કૂલમાં બહુ હેરાન કર્યો. એ અપમાનીત થયો હતો અને એને ખૂબ આઘાત લાગ્યો હતો. એ સ્કૂલમાં બધાની વચ્ચે રડ્યો હતો એ કારણે એનું સ્વમાન ઘવાયું હતું. એ ઇચ્છતો હતો કે એનાં માતાપિતા એની વાત સાંભળે અને સ્કૂલમાં આવીને આચાર્યને ફરિયાદ કરે. એ સ્કૂલમાંથી ઘેર ગયો ત્યારે એનાં માતાપિતાએ એની ફરિયાદ પર ધ્યાન જ આપ્યું નહીં. માતાપિતા બંને નોકરી કરતાં હતાં અને ખૂબ વ્યસ્ત રહેતાં હતાં. ત્યાર પછી બે-ત્રણ વાર એવું કશુંક બન્યું ત્યારે પણ લૅવીએ માતાપિતાને વાત કરી, પરંતુ એમણે એને અધકચરું આશ્વાસન આપી, સારા વર્તન માટે સલાહ આપી બધું ભૂલી જવાનું જણાવ્યું. એ કારણે લૅવી બે બાજુથી અપમાનની લાગણી અનુભવતો રહ્યો. એ મોટો થયો પછી પણ કોઈને એની ચિંતા નથી એવી બાળપણમાં વિકસેલી લાગણીને લીધે સતત અસલામતી અનુભવવા લાગ્યો.


પચીસ વર્ષની લીના કોઈને એની નજીક આવવા દેતી નથી, કોઈ સાથે મૈત્રી બાંધી શકતી નથી. નાનપણથી જ એના મનમાં એવો ડર પેસી ગયો છે કે એ કોઈને પણ એની નજીક આવવા દેશે તો એ પોતે દુ:ખી થશે અને સામેની વ્યક્તિને પણ દુ:ખી કરશે. આ પ્રકારના ભયને લીધે એનું જીવન એકાકી થઈ ગયું છે. એ કોઈની સાથે હળીમળી શકતી નથી, એમની સાથે મુક્ત મને વાતચીત કરી શકતી નથી, પોતાના કોચલામાં જ ભરાઈ રહે છે. એ દરેક જગ્યાએ પોતાને ‘આઉટ ઓફ પ્લેસ’ અનુભવે છે.


લીનાની આવા પ્રકારની માનસિક પરિસ્થિતિનાં મૂળ પણ એના બાળપણમાં પડેલાં છે. એનાં માતાપિતા બિઝનેસમાં ખૂબ સફળ વ્યક્તિ હતાં. લીના નાની હતી ત્યારે તેઓ એમનો બિઝનેસ જમાવવા માટે રાતદિવસ મહેનત કરતાં હતાં. લીનાના બાળપણમાં એને સાથ આપવાનો કે હૂંફ આપવાનો એમની પાસે સમય જ નહોતો. લીનાને નાનપણથી લાગવા માંડ્યું હતું કે એ ઘરમાં વધારાની વ્યક્તિ છે. કોઈને એની જરૂર નથી. હવે એના મનમાં ઘર કરી ગયેલી ઉપેક્ષાની લાગણી એને બધાંથી દૂર રાખે છે. એનું સાચું વ્યક્તિત્વ બાળપણની ધૂળમાં દટાતું ગયું, સાચી લીના એમાંથી બહાર નીકળી શકી નથી.


એવું જ જેર્મી નામના યુવક સાથે બન્યું હતું. એ બાળક હતો ત્યારે ગરીબીમાં જીવતાં એનાં માબાપ ચોવીસે કલાક ડિપ્રેશનમાં રહેતાં હતાં. એની સીધી અસર જેર્મી પર પડી. એ ક્યારેય હસમુખ વ્યક્તિ બની શક્યો નહીં. મોટા થયા પછી એ આર્થિક રીતે સધ્ધર થયો છે, પ્રેમાળ પત્ની મળી છે, બંને સંતાનો સમજુ અને હોશિયાર છે, છતાં એ કોઈ પણ બાહ્ય કારણ વિના ચોવીસે કલાક ઉદાસ, નારાજ અને ગમગીન રહે છે.


આપણે બાળપણને ભૂતકાળની બાબત માનીએ છીએ, પરંતુ મનોવૈજ્ઞાનિકો એવું માનતા નથી. તેઓ પુખ્ત વ્યક્તિની ઘણી કુંઠાઓનાં મૂળ બાળપણમાં જુએ છે.

(તસવીર પ્રતીકાત્મક છે)
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી