નવી માંડણી, નવા સાથિયા, નવી સમજણ

article by vinesh antani

વીનેશ અંતાણી

Nov 18, 2018, 12:05 AM IST

મિત્ર સુરેશ મહેતાએ એના પ્રથમ પ્રકાશ્ય પુસ્તક ‘અંતરયાત્રા’માં એક કિસ્સો નોંધ્યો છે. થોડાં વર્ષ પહેલાં ઍમ્સ્ટરડામના ઍરપોર્ટ પર કનેક્ટિન્ગ ફ્લાઇટની રાહ જોતો વેઇટિંગ લાઉન્જમાં બેઠો હતો. બાજુમાં સ્કોટિશ દંપતિ બેઠું હતું. બંનેની ઉંમર લગભગ એંસીની આસપાસ હશે. પત્ની પ્રજ્ઞાચક્ષુ હતી. પતિ એની પોકેટબુકમાંથી અંગ્રેજી કવિ શેલીની કવિતા મૃદુ અવાજમાં પત્નીને સંભળાવતો હતો. પત્ની પતિના ખભા પર માથું ઢાળી રસપૂર્વક સાંભળતી હતી. થોડી વાર પછી પત્નીને ઊંઘ આવી ગઈ. પતિ સંભાળીને ઊભો થયો. સામે આવેલી ફ્લોરિસ્ટ શોપમાં ગયો. ત્યાંથી સુંદર બૂકે લાવ્યો. એણે પત્નીને કુમાશથી જગાડી અને ‘એની અંધ આંખોને ફૂલોની સુગંધ પહોંચે’ એ રીતે એના હાથમાં બૂકે મૂક્યું. પછી વૃદ્ધ સુરેશ તરફ જોઈને બોલ્યો: ‘આજે અમારા લગ્નની પંચાવનમી તિથિ છે.’ સુરેશને લાગે છે કે વૃદ્ધ દંપતિના મોઢા પર દેખાતી કરચલીઓ જાણે એમની પ્રેમાળ દામ્પત્યસફરની પગદંડીઓ હતી. એ કયું બળ હશે, જેને કારણે એંસીની આસપાસ પહોંચેલાં પતિપત્ની દામ્પત્યની લાંબી અને કઠિન સફર ખેડ્યા પછી પણ એમના સંબંધમાંથી ફૂલોની સુંગંધ માણી શકતાં હશે?

પતિપત્નીએ વૃદ્ધાવસ્થામાં અલગ પ્રકારના હનીમૂનની તૈયારી કરવી પડે છે, જેમાં શરીરનું મૂલ્ય ઓછું હોય અને માનસિક એકત્વની અરસપરસ વધારે જરૂર હોય

સુપ્રસિદ્ધ લેખક માર્ક ટ્વેઈને લખ્યું છે: ‘દામ્પત્યજીવન પા સદી જેટલું જૂનું ન થાય ત્યાં સુધી કોઈ પણ પત્ની કે પતિને પ્રેમનો સાચો અર્થ સમજાતો નથી.’ એ પરિપક્વ દામ્પત્ય અને સંપૂર્ણ પ્રેમની વાત કરી રહ્યા હતા. સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે દામ્પત્યજીવનનો અર્થ બદલાતો જાય છે. આરંભના ઉછાળ શમીને સ્થિર પ્રવાહ જેવા બની ગયા હોય છે.

અરસપરસનો સંબંધ બાહ્ય અને આંતરિક સંઘર્ષોની કઠિન કસોટીમાંથી પસાર થયો હોય છે. અંગત અપેક્ષાઓ ઓછી થઈ હોય છે અથવા એનું સ્વરૂપ બદલાયું હોય છે. જીવન બેતાલાંને પસાર કરીને દાંતની બત્રીસીના સૌંદર્યને પારખવાની દૃષ્ટિ સુધી પુખ્ત બન્યું હોય છે. ઉંમરના આ તબક્કામાં જુદા અર્થમાં ‘સહજીવન’નો આરંભ થાય છે. એક નવી માંડણી, નવા સાથિયા, નવો પ્રેમ, નવી સમજણ, નવી આત્મીયતા અને પરસપર સાથની અલગ પ્રકારની આવશ્યકતા. વયના આ મુકામ સુધી પહોંચતાં સુધી મોટા ભાગે ઘણીખરી જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય અથવા પૂરી થવાના આરે હોય. સંતાનો જીવનમાં એમના પંથે પડી ચૂક્યાં હોય છે.


વયના આ મુકામે પતિપત્નીને લાગે છે કે તેઓ એકલાં પડી ગયાં છે. બાકીનું જીવન ‘ઘસડી’ લેવા માગતાં ન હોય તો પતિપત્નીએ વૃદ્ધાવસ્થામાં અલગ પ્રકારના હનીમૂનની તૈયારી કરવી પડે છે, જેમાં શરીરનું મૂલ્ય ઓછું થઈ ગયું હોય અને માનસિક એકત્વની અરસપરસ વધારે જરૂર હોય. લગ્નજીવનના આરંભમાં અનુભવેલી અને માણેલી એક હોવાની ઉત્કટતા વચ્ચેનાં વર્ષોમાં ઘસાઈ ઘસાઈને સપાટ થઈ ગઈ હોય, એને ઉંમરના આ તબક્કે ફરીથી ચકચકિત કરવાની જરૂર છે.


લગ્નજીવન વિશેના સલાહકારો વૃદ્ધાવસ્થામાં લગ્નજીવનની સુગંધ જાળવી રાખવા માટે પતિ અને પત્ની વચ્ચે ગાઢ ‘સંવાદ’ પર વિશેષ ભાર મૂકે છે. તેઓ કહે છે કે આ ઉંમરે પતિપત્નીએ એમની બદલાયેલી શારીરિક અને માનસિક સ્થિતિ, અસલામતીની લાગણી, તબિયતની ચિંતા, એકલતા અને ઉપર તોળાતો મૃત્યુનો ભય – એ બધાં વિશે એકબીજા સાથે મોકળા મને સંવાદ સાધવો જોઈએ. સાથીદારની લાગણીઓ વિશે સ્પષ્ટ સમજણ કેળવવાથી એક નવી સમજણ જન્મે છે. એ સમજણ એમને સધિયારો આપે છે, વૃદ્ધાવસ્થાને અર્થપૂર્ણ અને સક્રિય બનાવવામાં મદદ કરે છે.


જીવનના સંધ્યાકાળે પહોંચેલાં દંપતિના દામ્પત્યજીવનના અભ્યાસી અને કાઉન્સિલર સ્ટુઅર્ટ હેન્સ્ટરહમ એમને સલાહ આપતાં કહે છે: ‘તમે તમારા સાથીદાર વિશે વધારે જિજ્ઞાસુ બનો. એક વાત બરાબર સમજો કે તમારા પ્રેમનાં ઘણાં પાસાં છે. અરસપરસ પારદર્શક બનવાથી તમે એકબીજાની ભીતરનું જગત વધારે ચોખ્ખું જોઈ શકશો. તમને દેખાશે કે અંદરનું કશુંય ભૂંસાયું નથી, આ વર્ષોમાં ઝાંખું પડ્યું હતું એને ફરી અજવાળવાની જ જરૂર છે.’

[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી