સિનિયર ટુરિઝમ: નવી ક્ષિતિજનો ઉઘાડ

article by vinesh antani

વીનેશ અંતાણી

Oct 21, 2018, 12:29 PM IST

એક મહિલાના પતિનું પ્રમાણમાં નાની વયે અવસાન થયું. તે પછી એણે નોકરી કરી, દીકરાને સારી રીતે ભણાવ્યો. દીકરો પરણીને વિદેશમાં કામ કરવા ગયો. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એ બહેન નવરાં પડ્યાં. ઘરમાં એમના સિવાય કોઈ રહ્યું નહોતું. એ સિનિયર સિટિઝન્સના ગ્રુપમાં જોડાયાં. એ લોકો સપ્તાહમાં એક વાર મળે, સામાજિક સેવાનાં કામ કરે. એક વાર એમને દક્ષિણ ભારતનો પ્રવાસ કરવાનો વિચાર આવ્યો. ખાસ સિનિયર સિટિઝન્સ માટેની કન્ડક્ટેટ ટૂરમાં જોડાયાં. એ અનુભવ પછી એમને પ્રવાસ કરવાનો ચસકો લાગ્યો. છેલ્લે એમનું ગ્રુપ સિંગાપોર – મલેશિયાની ટૂર કરી આવ્યું.

અત્યારના વડીલો ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બાકી બચેલું જીવન આનંદથી જીવી લેવાનો ખ્યાલ સમજાયો છે

થોડાં વર્ષ પહેલાં અમે ટ્રેનમાં હૈદરાબાદથી બેંગલુરુ જતાં હતાં. અમારા કમ્પાર્ટમેન્ટમાં પંચોતેર–સિત્તેર વર્ષનું એક દંપતી હતું. બંને ખુશમિજાજ હતાં. તેઓ મૈસૂરના દશેરાની ઉજવણી જોવા જતાં હતાં. ત્યાંથી કૂર્ગ જવાનાં હતાં. બધી જગ્યાએ હોટલ વગેરેનાં બુકિંગ કરાવી લીધાં હતાં. બે દીકરા યુ.એસ. અને ઓસ્ટ્રેલિયામાં કામ કરતા હતા. દીકરી પરણીને દિલ્હીમાં રહેતી હતી. ખૂબ વ્યસ્ત જીવન ગાળ્યા પછી બંને ઘરમાં એકલાં થઈ ગયાં ત્યારે એમણે પ્રવાસમાં નીકળી પડવાનું વિચાર્યું. જાતે જ પ્રવાસનું આયોજન કરે, દર વર્ષે નવાં સ્થળમાં જાય, હરે-ફરે, મજા કરીને ઘેર પાછાં આવી જાય. થોડા વખતમાં નવા પ્રવાસનું આયોજન શરૂ કરે. એમણે કહ્યું કે એવા પ્રવાસોથી બુઢાપાનો સમય બોજારૂપ લાગતો નથી. બંનેની જિંદગી નોકરી અને સંતાનોને મોટાં કરવામાં જ પસાર થઈ હતી. એમને પોતાની રીતે જીવવાનો સમય મળ્યો નહોતો. હવે સમય જ સમય છે, આરામદાયક પ્રવાસ કરવા માટે પૂરતા પૈસા છે, બધું ઓન લાઈન કરી શકાય છે. એ લોકો એનો લાભ લેવા માગે છે.


થોડા સમય પહેલાં કેરળમાં ભયાનક પૂર આવ્યું ત્યારે અમે કોચીનની નજીક દરિયાકાંઠાના રિસોર્ટમાં હતાં. મુંબઈનું એક ગુજરાતી વૃદ્ધ યુગલ પણ ત્યાં આવ્યું હતું. એ લોકો વીસ દિવસથી પ્રવાસ કરતા હતા. હવે મુનાર જવાનું બાકી હતું. એવા જ સમયમાં પૂરના સમાચાર આવ્યા. એમનો આગળનો પ્રવાસ ખોરંભાઈ ગયો. કોચીનનું એરપોર્ટ અનિશ્ચિત મુદ્દત માટે બંધ થવાથી મુંબઈ પાછા જવાની ફ્લાઇટ કેન્સલ થઈ. આવી અનિશ્ચિતતામાં પણ એમને ઉચાટ થયો નહોતો. એમણે કહ્યું હતું: ‘પાછલી ઉંમરે પ્રવાસમાં નીકળવાનો મોટો ફાયદો એ છે કે ઘરે પાછા જવાની ઉતાવળ હોતી નથી.’


ઓસ્ટ્રેલિયાનો કૅથ રાઈટ પંચાણું વર્ષનો થયો ત્યાં સુધી પીઠ પર થેલો બાંધી જુદા જુદા દેશોનો પ્રવાસ કરતો રહ્યો હતો. એની પંચાસી વર્ષની ઉંમરે પત્નીનું અવસાન થયું. સંતાનો એમના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. એણે જીવનમાં અચાનક આવી પડેલી એકલતાથી બચવા માટે પ્રવાસ કરવાનું શરૂ કર્યું. એ સતાણું વર્ષની ઉંમરે અવસાન પામ્યો ત્યાં સુધીમાં એણે ત્રેવીસ દેશોનાં એકસો નવ શહેરોનો પ્રવાસ પૂરો કર્યો હતો. ક્યારેક એકલો નીકળી પડે, ક્યારેક કન્ડક્ટેડ ટૂરમાં જોડાય. એણે કહ્યું હતું: ‘જિંદગી આવી રીતે પણ જીવી શકાય એની મને જાણ નહોતી.’ શેરીલ નામની એક મહિલા પાંસઠમા વર્ષે જીવનમાં એકલી પડી. તે સમયે એના હાથમાં પેટ્રિસિઆ શ્વલ્ટ્ઝનું ‘વન થાઉસન્ડ પ્લેસિસ ટુ સી બિફોર યુ ડાય’ પુસ્તક આવ્યું. એમાંથી પ્રેરણા લઈ એણે પ્રવાસ કરવાનું શરૂ કર્યું.


સિનિયર ટુરિઝમનો ખ્યાલ દુનિયાભરમાં ઝડપથી વિકસ્યો છે. મેડિકલ સાયન્સની નવીન શોધોથી લોકોની આવરદા વધી છે. લોકોમાં પૈસા સંઘરી રાખવાને બદલે ખર્ચ કરીને જિંદગીની મજા માણી લેવાની સમજ વિકસી છે. સંતાનોથી અલગ પડીને વૃદ્ધાવસ્થાને ઘસડીને જીવી લેવાની જરૂર નથી. જિંદગીની ગુણવત્તાના ખ્યાલો બદલાયા છે. એવાં અનેક કારણોસર અત્યારના વડીલો ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બાકી બચેલું જીવન આનંદથી જીવી લેવાનો ખ્યાલ સમજાયો છે.


વૃદ્ધાવસ્થા જીવનનો અંત નથી. દોડધામ અને જવાબદારીઓમાંથી મુક્ત થયા પછીનો સમય નવી શક્યતાનો સમય હોઈ શકે.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી