વાવાઝોડાની વચ્ચે પણ નાચતા રહેવું

article by vinesh antani

વીનેશ અંતાણી

Sep 30, 2018, 12:05 AM IST

બહુ ચવાઈ ગયેલા સૂત્ર જેવું વાક્ય છે: તમે કેટલાં વર્ષ જીવ્યા તે મહત્ત્વનું નથી, કેવી રીતે જીવ્યા તે મહત્ત્વનું છે. મૂળ બ્રિટિશ એન્ગલો-ઇન્ડિયન લેખક ગ્લૅન ડ્યુકનને કોઈએ જીવન જીવવાની સાચી રીત કઈ તેવો સવાલ પૂછ્યો ત્યારે એણે જવાબ આપ્યો હતો: ‘કોઈએ કેવી રીતે જીવવું તે તો હું કહી શકું નહીં, પરંતુ મારા મનમાં એક વાત સ્પષ્ટ છે કે જીવવું તો જોઈએ જ.’ એમાં ઉમેરી શકાય કે માણસને શોભે તે રીતે જીવવું જોઈએ. વિચારકો એમ પણ કહે છે કે આપણા જીવનનો અંત કેવો આવશે તેવું વિચારીને ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંક એવું ન બને કે આપણે જીવવાની શરૂઆત જ કરી શકીએ નહીં.

આપણે જાતને કહેતા રહીએ કે હું જે કરવા માગું છું તે કરી જ શકું તેમ છું. એ પ્રકારની વિચારસરણી આપણામાં કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાની દિશા ખોલી આપે છે

કેવી રીતે જીવવું તે પ્રશ્નનો મહાન ચિંતકોથી માંડીને સામાન્યમાં સામાન્ય માણસ વિચાર કરતા રહે છે. તત્ત્વચિંતકો અસ્તિત્વનો અર્થ શોધવાની ભારેખમ મથામણ કરે છે, જ્યારે સામાન્ય માણસ સપાટી પર વિચાર કરે છે. સામાન્ય માણસ કહેશે: ભણવું-ગણવું, સારી આર્થિક વ્યવસ્થા ઊભી કરવી, જાત અને કુટુંબની સુખાકારી માટે શક્ય એટલું બધું કરી છૂટવું, તબિયત સાચવવી, મનોરંજનનાં સાધનોનો પૂરો કસ કાઢવો, નિવૃત્ત થવું અને પછી મૃત્યુ પામવું. એની વિચારસરણી આંટીઘૂંટી વગરની સીધીસટ હોય છે. આ રીતે જીવવાનું વિચારવું એટલે શહેરમાં પ્રવેશ કર્યા વિના રિંગ રોડ પરથી બારોબાર પસાર થઈ જવું.


એ રૂટિન જિંદગી જીવી જવા માટેના ઉત્તર હોય છે. એમાં માનવ અસ્તિત્વના ગંભીર વિચારોને સ્થાન હોતું નથી. એમાં કશું ખોટું પણ નથી. જરૂરી નથી કે દરેક વ્યક્તિ ચિંતકોની જેમ જીવનના અર્થને ગહનતાથી તપાસે. રિંગ રોડ પરથી પસાર થઈને જીવી લેવા માગતા લોકો એમની રીતે સુખી, પ્રસન્ન અને સંતોષભર્યું જીવન જીવી પણ લે છે.


ઘણા લોકો એમના જીવનમાં કશુંક બનવાની રાહ જોતા રહે છે અને એમાં જ આખું જીવન વીતી જાય છે. તેઓ કશુંક પણ શરૂ કરતાં પહેલાં સામે દેખાતી પડકારભરી પરિસ્થિતિનો જ વિચાર કર્યા કરે છે. કહેવાયું છે કે વાવાઝોડું પસાર થઈ જવાની રાહ જોયા વિના કશું વળવાનું નથી, વાવાઝોડાની સાથે વરસતા ધોધમાર વરસાદમાં નાચતાં-ગાતાં શીખી લઈએ તો જીવન જીવવાનો યોગ્ય માર્ગ મળે. સકારાત્મક વિચારસરણીના પુરસ્કર્તા નૉર્મન વિન્સેન્ટ પિલ કહે છે તેમ દરેક વ્યક્તિના જીવનમાં અડચણો આવે જ છે. એમાંની બધી જ અડચણો કાલ્પનિક નથી હોતી અને એમાંથી બહાર નીકળવું એટલું મુશ્કેલ પણ હોતું નથી. પડકારનો સામનો કરવા આપણે કેવો માનસિક અભિગમ ધરાવીએ છીએ તે સૌથી અગત્યનું છે.


ધંધામાં સફળતા મળતી ન હોવાથી રાતદિવસ પરેશાન રહેતા પિતાને અચાનક ખ્યાલ આવ્યો કે એની આઠ-નવ વર્ષની દીકરી હંમેશાં ખુશ જ હોય છે, જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન, ગીતો ગાતી, સ્મિત વેરતી હોય. એક દિવસ પિતાએ દીકરીને પૂછ્યું: ‘બેટા, તું હંમેશાં ખુશ કેમ હોય છે?’
દીકરીને પિતાના પ્રશ્નથી નવાઈ લાગી કારણ કે ખુશ હોવું એના માટે અત્યંત સ્વાભાવિક હતું, એને પોતાને ખબર જ નહોતી કે જે રીતે રહે છે તેને ખુશ હોવું કહેવાય. પિતાએ બીજો પ્રશ્ન પૂછ્યો: ‘તું કયા કારણે હંમેશાં ખુશ રહે છે?’ દીકરી કહે: ‘એની તો મને ખબર નથી, હું તો બસ ખુશ રહું છું. મને બધું જ બહુ ગમે છે. મારી સ્કૂલ, મારા મિત્રો, શિક્ષકો, તમે, મમ્મી, ઝાડપાન, આપણી બિલાડી… ને એવું બધું જ.’ પિતા વિચારમાં પડી ગયો. એવું સુખ તો એની પાસે પણ હતું, છતાં એ ધંધામાં પડતી મુશ્કેલીઓ પર જ ધ્યાન આપતો હતો, એને ખુશ રાખે તેવું એના જીવનમાં બીજું ઘણું હતું, છતાં એનું ધ્યાન એના પર ગયું જ નહોતું.


બાસ્કેટ બોલનો અમેરિકન ખેલાડી જોહ્્ન વૂડ્સ જીવનને પહાડ સાથે સરખાવે છે. કહે છે કે આપણે ખીણમાં એટલા નીચે ઊતરવું ન જોઈએ કે શિખર હોય તેનાથી વધારે ઊંચું લાગે અને એટલા ઉપર પણ ચઢવું જોઈએ નહીં કે ખીણ વધારે ઊંડી લાગે.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી