સંસ્થાઓથી પણ સવાયું કામ, એકલા હાથે

article by vinesh antani

વીનેશ અંતાણી

Sep 23, 2018, 12:05 AM IST

સર્જક, વિવેચક, સંનિષ્ઠ અધ્યાપક ડૉ. શિરીષ પંચાલ એમની અઠંગ અભ્યાસપૂર્ણ સાહિત્યસાધના માટે જાણીતા છે. એમને આરંભથી જ ભારતીય અને વિદેશી સાહિત્યમાં ઊંડી રુચિ રહી છે. એમણે દેશ-વિદેશની સાહિત્યકૃતિઓનો અભ્યાસ કર્યો, ઘણી વિદેશી વાર્તાઓના ગુજરાતીમાં અનુવાદ આપ્યા. ઘણાના મનમાં એવી છાપ હશે કે તેઓ માત્ર પ્રયોગશીલ અને આધુનિક સાહિત્યમાં જ રસ ધરાવે છે. એ છાપ સાચી નથી. એમને કોઈ પણ ભાષાની, કોઈ પણ કાળની, ઉત્તમ કૃતિઓનું અધ્યયન કરવામાં રસ રહ્યો છે.

સાહિત્ય પરત્વે સજાગ અને સક્રિય થયેલા શિરીષભાઈ પંચોતેર વર્ષની ઉંમરે છેલ્લાં આઠ-દસ વર્ષોથી ભારતના પ્રાચીન ગ્રંથોમાંથી
વિવિધ કથાઓના અભ્યાસ અને સંપાદનના બહુ મોટા પ્રકલ્પ પર
કામ કરી રહ્યા છે

ગુજરાતીમાં પ્રયોગલક્ષી આધુનિક સાહિત્યનો પવન ફૂંકાયો તે સમયમાં સાહિત્ય પરત્વે સજાગ અને સક્રિય થયેલા શિરીષભાઈ પંચોતેર વર્ષની ઉંમરે છેલ્લાં આઠ-દસ વર્ષોથી ભારતના પ્રાચીન ગ્રંથોમાંથી વિવિધ કથાઓના અભ્યાસ અને સંપાદનના બહુ મોટા
પ્રકલ્પ પર કામ કરી રહ્યા છે. તેઓ ભારતીય કથા પરંપરાના પાંચ ગ્રંથોનું આકલન કરી રહ્યા છે. એમણે એ પ્રકલ્પની ઝાંખી કરાવતી પુસ્તિકા ‘ભારતીય કથાવિશ્વ: એક આછી રૂપરેખા’ પ્રકાશિત કરી છે. એમાંથીએમના આ અતિ મહત્ત્વના કાર્યનો ખ્યાલ આવે છે. આ કાર્ય ગુજરાત માટે જ નહીં, ભારતીય કક્ષાએ પણ મહત્ત્વનું છે.


શિરીષભાઈ જણાવે છે: ‘ઘણા બધા દેશી-વિદેશી વિદ્વાનોએ કહ્યું છે કે ભારતીય કથાસાહિત્ય અનેક રીતે સમૃદ્ધ છે. હાઇનરીક ઝીમરથી માંડીને એ. કે. વોર્ડરઅને હરિવલ્લભ ભાયાણીથી માંડીને હસુ યાજ્ઞિક સુધીના બધા વિદ્વાનો આ મતના છે. એટલું જ નહીં, પશ્ચિમની ઘણી બધી કથાઓનાં મૂળિયાં પણ પ્રાચીન ભારતીય કથાઓમાં જોવા મળશે એમ ઘણા પશ્ચિમી વિદ્વાનો માને છે. હવે જો આ પરિસ્થિતિ હોય તો ભારતીયોએ પોતાની પરંપરાઓને નવા સંદર્ભમાં મૂકી આપવી જોઈએ, પણ તે વેળા ભૂતકાળની આત્મરતિમાંથીય બહાર આવવું પડે; આપણી નબળાઈઓનો સ્વીકાર હસતા મોઢે કરવાથી કશું ગૌરવ હણાઈ જતું નથી.’


ખ્યાલ આવે છે કે તેઓ આ કાર્ય તટસ્થ અને સ્પષ્ટ સમીક્ષાત્મક દૃષ્ટિથી કરવા કટિબદ્ધ છે. એમણે આ કથાઓને પાંચ ગ્રંથોમાં વહેંચી છે. પ્રથમ ગ્રંથમાં વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળતી કથાઓ, બીજામાં રામાયણ અને મહાભારતની આડકથાઓ, ત્રીજામાં જાતકકથાઓ, વસુદેવહિંડી, કથાસરિત્સાગર, પઉમચરિય, તરંગલોલા જેવી પ્રાકૃત કથાઓ. ચોથામાં પંચતંત્ર, હિતોપદેશ, કાદંબરી, દશકુમાર ચરિતની સંસ્કૃત કથાઓ ઉપરાંત શ્રીમદ્ ભાગવત, સ્કંદપુરાણ વગેરે પુરાણોની કથાઓ અને પાંચમાગ્રંથમાં લોકકથાઓનો સમાવેશ કરવાના છે. પ્રાચીન ભારતીય કથાસાહિત્યનો કોઈ ખૂણો તેઓ અછૂતો રાખવા માગતા નથી.
આ અભ્યાસમાં તેઓ વિપુલ કથાઘટકોનાં મૂળ, વિષયોનાં વૈવિધ્ય અને વૈચિત્ર્ય, કથાસંરચના વગેરે પાસાં તપાસી રહ્યા છે. ભારતીય કથાઓ અને પશ્ચિમની કેટલીય પ્રાચીન કથાઓને પડખે પડખે મૂકીને તેનો અભ્યાસ કરવાની દૃષ્ટિ રાખી છે.


બ્રહ્મવૈવર્તપુરાણમાં આવતી રામાયણની કથામાં વનમાં વિહાર કરતા રામને અગ્નિદેવ બ્રાહ્મણવેશે આવીને એકાંતમાં કહે છે: ‘અત્યારે સીતાના અપહરણનો પ્રસંગ નજીકમાં આવશે. સીતા મારી મા જેવી છે, એટલે હું આ સીતાને લઈ જાઉં છું અને તમને છાયાસીતાનું નિર્માણ કરીને આપું છું. પાછળથી અગ્નિપરીક્ષા વખતે આ મૂળ સીતા તમને પાછી સોંપીશ.’ સામાન્ય વ્યક્તિ આ ઘટનાથી અપરિચિત જ હોય. શિરીષભાઈ આ વાતને ગ્રીક ટ્રેજેડીઓમાં પણ મૂળ હેલનનું નહીં, પરંતુ છાયાહેલનનું અપહરણ થયું હતું તેની સાથે મૂકી આપે છે.


એક બીજો ઉલ્લેખ કરે છે: ‘કથાસરિત્સાગર અરેબિયન નાઇટ્સથી પણ પ્રાચીન ગ્રંથ છે. એ બધી કથાઓનાં મૂળ રૂપ ભારતીય કથાઓમાં છે. એટલું જ નહીં – ઇરાની, તુર્કી કથાકારો ઉપરાંત બોકેશિયો, ચોસર જેવા કવિઓને પણ અનેક સામગ્રી અહીંથી પ્રાપ્ત થઈ છે.’ જોઈ શકાશે કે શિરીષભાઈએ આ પ્રકલ્પમાં ભારતીય કથા પરંપરાની મહાનદીના વહેણને અન્ય વિશ્વની કથાઓની સમાંતરે બાથમાં લેવાનો અભિગમ અપનાવ્યો છે.


આપણી પ્રાચીન કથાઓનાં કથાનકો પરથી ભારતીય ભાષાઓના સર્જકોએ નવા અર્થઘટન સાથે કરેલાં સર્જન શિરીષભાઈની નજરમાંથી બહાર રહેતાં નથી. એમણે પોતે પણ હરિશ્ચંદ્રની પુરાણકથા પરથી નવા અર્થઘટન સાથે ‘હરિશ્ચંદ્ર’ નામની સુંદર વાર્તા લખી છે. એટલું જ નહીં, તેઓ પ્રાચીન કથાઓના નિદર્શન દ્વારા તેના વિષયવસ્તુ પરથી આધુનિક વાર્તાસર્જકોને કૃતિ રચવાનું દિશાસૂચન પણ કરે છે.


સમગ્ર ભારતીય કથાસાહિત્યને આશ્લેષમાં લેવાનું આ કામ ખૂબ પરિશ્રમ, ધીરજ અને સજ્જતા માગી લે તેવું છે. આ પ્રકલ્પ હાથ ધરવા પાછળ શિરીષભાઈની નિરંતર અભ્યાસમગ્ન રહેવાનું તપ કરતા રહેવાની હઠ પણ જોડાયેલી છે. થોડા સમય પહેલાં એમણે એક જગ્યાએ લખ્યું હતું કે ઉંમરની સાથે સમય એમના હાથમાંથી સરી રહ્યો છે અને હજી કેટલું બધું વાંચવાનું-લખવાનું બાકી છે. આ પ્રકલ્પના સંદર્ભમાં પણ તેઓ કહે છે: ‘આ સમગ્ર કથાવિશ્વને જોતાં લાગશે કે અનેક પરંપરાઓથી આ કથાપિંડ બંધાયો છે અને એનો અભ્યાસ કરતાં એક જન્મારો ઓછો પડે…’ ખરેખર તો આવા પ્રકલ્પ ઉપાડી લેવાની જવાબદારી અને સૂઝ સાહિત્યસંસ્થાઓની હોવી જોઈએ. અહીં તો એક વ્યક્તિ સંસ્થાઓથી પણ સવાયું કાર્ય એકલા હાથે કરી રહી છે. તે માટે ડૉ. શિરીષ પંચાલને શુભેચ્છાઓ અને સલામ.
[email protected]

X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી