Back કથા સરિતા
વીનેશ અંતાણી

વીનેશ અંતાણી

જીવન, ચિંતન (પ્રકરણ - 35)
લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

કૃષ્ણ, તમે જીત્યા અને અમે હાર્યા

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

શિષ્ટ સાહિત્યમાં કૃષ્ણલીલાની અનેક વાતો જાણવા મળે છે, પરંતુ ભીલ આદિવાસીઓમાં પ્રચલિત મહાભારતમાં વર્ણવાયેલી કૃષ્ણલીલાની કથાઓમાંથી એક જાણવા જેવી છે. ભીલોના મૌખિક સાહિત્યના અઠંગ અભ્યાસી ડૉ. ભગવાનદાસ પટેલે ભીલી મહાભારતનું અભ્યાસપૂર્ણ સંપાદન કરી તેનું ગદ્યભાષાંતર ‘ભીલોનું ભારથ’ ઉપલબ્ધ કરાવી આપ્યું છે. તેમાંથી એક પ્રસંગ.
હસ્તિનાપુરમાં પાંડવો રાજ કરે છે. કૃષ્ણ ભગવાન પાંડવોના ઘેર મહેમાન બનીને આવે છે.

અર્જુનને કૃષ્ણની એકેય વાત સાચી લાગતી નથી. ભગવાન વિચારે છે કે એને જાતે અનુભવ કરાવું તો જ એ સાચી વાત સમજશે

પાંડવો કૃષ્ણને સન્માન સાથે કચેરીમાં લાવે છે. કૃષ્ણ પાંડવોને કહે છે કે તેઓ આવતા હતા ત્યારે એમણે માર્ગમાં એક કૌતુક જોયું હતું. એમને લાગે છે કે પાંડવો એમની વાતને સાચી માનશે નહીં, પરંતુ અર્જુન કહે છે: ‘ભગવાન સ્વયં વાત કહે તે અમે કેમ નહીં માનીએ?’ કૃષ્ણ કહે છે: ‘પાંડવ, કીડીના પગે ઝાંઝર વાગતું હતું, પણ દુનિયાના લોકો આ વાત સાચી માનશે નહીં.’ અર્જુનને પણ નવાઈ લાગે છે કે ભગવાન જૂઠું કેમ બોલે છે. કૃષ્ણ કહે છે કે તેઓ બીજી આશ્ચર્યજનક બાબત પણ જોઈ આવ્યા છે. માર્ગમાં કીડીએ હાથીને જન્મ આપ્યો હતો. તે વાત પણ અર્જુનને સાચી લાગતી નથી. કૃષ્ણ આગળ કહે છે: ‘આટલેથી જ વાત અટકતી નથી. હાથી દરવાજેથી નીકળી ગયો અને પૂંછડું રોકાઈ ગયું. પાંડવો, આ વાત તદ્દન સાચી છે.’ અર્જુનને કૃષ્ણની એકેય વાત સાચી લાગતી નથી. ભગવાન વિચારે છે કે એને જાતે અનુભવ કરાવું તો જ એ સાચી વાત સમજશે.


કુંતામાતા રસોડામાં રોટલા ઘડે છે. કૃષ્ણ અર્જુનને કહે છે: ‘જમવાની વાર છે, ચાલ, ગંગાઘાટે સ્નાન કરી આવીએ.’ તેઓ જતા હોય છે તે વખતે કુંતા રોટલો ઘડી એક બાજુ શેકવા કલેડામાં નાખતાં હોય છે. ગંગાઘાટે અર્જુન ‘બૂડી બૂડીને’ સ્નાન કરવામાં મશગૂલ થાય છે. પાણીમાંથી બહાર નીકળીને જુએ છે તો કૃષ્ણ અલોપ થઈ ગયા છે. અર્જુનના કેશ લાંબા થયા છે અને એની છાતીમાં મોટાં મોટાં સ્તન ઊપસી આવ્યાં છે. એ નરમાંથી નારી બની ગયો છે. એનું પેટ મોટું થઈ ગયું છે. એ કંઈ વિચારે તે પહેલાં એક બાળકનો જન્મ થાય છે. જોતજોતામાં એ બાર બાળકોને જન્મ આપે છે. બધાં બાળકો અર્જુનને વીંટળાઈ વળ્યાં છે. કોઈ દૂધ માગે છે, કોઈ રોટલો માગે છે તો વળી કોઈ ધાવવાનું માગે છે. અર્જુન લાચાર બનીને ઊભો છે. ત્યાં જ કૃષ્ણ ભગવાન હસતા હસતા પ્રગટ થાય છે. અર્જુન યાચના કરે છે: ‘ભગવાન, તમારી કળા મોટી છે.

લજ્જાશીલ બનીને જમીનમાં ઊંડો ઊતરતો જાઉં છું. મારો ઉદ્ધાર કરો.’ કૃષ્ણ એના શરીરે હાથ ફેરવે છે અને એને નારીમાંથી ફરી નર બનાવે છે. આ બધામાં કેટલો સમય પસાર થયો હતો? તો કહે છે કે એ લોકો સ્નાન કરવા ગયા ત્યારે કુંતામાએ કલેડામાં શેકવા રોટલો નાખ્યો હતો. પાછા આવ્યા ત્યારે રોટલાની એક જ બાજુ શેકાઈ હતી અને કુંતા બીજી બાજુએ કાચો રોટલો ફેરવતાં હતાં. અર્જુન વિચારે છે: ‘પ્રથમ રોટલો પણ હજી પડ્યો નથી. એટલામાં બે વાર નાહી આવ્યા અને મેં તો બાર બાળકોને જન્મ આપ્યો. ભગવાનની માયાને કોણ પહોંચી શક્યું છે.’
કૃષ્ણ પાંડવો સાથે બેસીને પ્રેમથી ભોજન કરે છે. તૃપ્ત થઈ કચેરીમાં પાછા ફરે છે. અર્જુન ફરી એ જ વાત કરે છે: ‘ભગવાન, કીડીએ હાથી જણ્યો, હાથી દ્વારમાંથી નીકળી ગયો અને પૂંછડું રોકાઈ ગયું. આવી આવી જૂઠી વાતો અમારા ગળે ઊતરી નથી.’ કૃષ્ણ જવાબ આપે છે: ‘આપણે ગંગામાં જઈ ઝીલીને પાછા આવ્યા તે સમયે ઘડીકમાં અનેક ઘટના ઘટી, છતાં તને જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. હવે મારે જ તમને જ્ઞાન આપવું પડશે.’


કૃષ્ણ પાંડવોને એમની વાતનો ગૂઢાર્થ સમજાવતાં કહે છે: ‘વડલાનું બીજ કીડી જેવડું સૂક્ષ્મ હોય છે. તેમાંથી હાથી જેવડો વડલો બને છે. બોલો, પાંડવો, આ વાત સાચી કે ખોટી?’ સાચી જ વાત હતી, કોઈ એનો નકાર કેમ કરી શકે. કૃષ્ણ આગળ બોલે છે: ‘માતા જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે પ્રમાણમાં મોટું બાળક પેટમાંથી બહાર આવે છે અને પૂંછડી જેવી નાડ પેટમાં રોકાઈ જાય છે. બોલો, પાંડવો, આ વાત સાચી કે ખોટી?’ પાંડવો ભગવાને કહેલી વાતનો સાર સમજી જાય છે. કૃષ્ણ ભગવાને સામાન્ય વાસ્તવિકતાને અવાસ્તવિક લાગે તેવા કોયડામાં છુપાવી રજૂ કરી તેનો અર્થ સમજાવ્યો હતો. પાંડવો સંમત થાય છે: ‘ભગવાન, તમારી વાત બિલકુલ સાચી છે. તમારી કળાને કોણ પહોંચી શકે? તમે જીત્યા અને અમે હાર્યા.’


યુગોથી કૃષ્ણલીલાને જાણતું આખું જગત પાંડવોની જેમ કહેતું આવ્યું છે: ‘તમે જીત્યા અને અમે હાર્યા.’
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP