આપણી વાત / સપનામાંયે આટલું મળતું હોય તો લઈ લ્યો ને

article by varsha pathak

વર્ષા પાઠક

Apr 24, 2019, 05:46 PM IST

‘વચને કિં દરિદ્રતા.’ આ બહુ જાણીતું સંસ્કૃત સુભાષિત છે. અહીં વચનેની જગ્યાએ વચનેષુ, કિંની જગ્યાએ કા વગેરે વગેરે જ્ઞાનની ચર્ચા કરવી નથી. ગમે તે જોડણી કરો, અર્થ સમજાઈ જશે- વચન આપતી વખતે, બોલતી વેળાએ કંજૂસી કરવી નહીં. આપણે ત્યાં ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષો મતદારોને ડગલે ને પગલે આ સુભાષિત યાદ આવે એવાં વચનો આપે છે. ચૂંટણીઢંઢેરો કે ઘોષણાપત્ર, મતલબ ઇલેક્શન મેનિફેસ્ટો બહાર પડે એનાથી શરૂઆત થાય. જીતી ગયા તો શું કામ કરશું, એનાં વચનો આ મેનિફેસ્ટોમાં હોય છે. આ વખતની સંસદીય ચૂંટણીમાં ઉત્તરપૂર્વ દિલ્હીમાંથી ઇન્ડિપેન્ડન્ટ તરીકે ઊભેલા સાંઝી વિરાસત પાર્ટીના અમિત શર્માનો મેનિફેસ્ટો એટલો જબરદસ્ત છે કે સોશિયલ મીડિયા દ્વારા તમારામાંથી મોટાભાગના લોકો સુધી પહોંચી જ ગયો હશે.

  • ચૂંટણી આવે ત્યારે બહાર પડાતો ચૂંટણીઢંઢેરો કે ઘોષણાપત્ર, મતલબ ઇલેક્શન મેનિફેસ્ટો જેટલી મનોરંજક પરીકથા બીજે ક્યાં વાંચવા મળશે?

શર્માજીએ આપેલાં અનેક વચનોમાંથી માત્ર થોડા પર નજર નાખીએ- દરેક મહિલાને સોનાની ચેઇન ફ્રી, મુસ્લિમોને ઈદ વખતે બકરો ફ્રી, માત્ર દસ રૂપિયામાં (ચાર રોટલી+દાળ અથવા દાળ-ભાત), પ્રાઇવેટ સ્કૂલમાં ભણતર ફ્રી, બેરોજગારોને મહિને દસ હજાર રૂપિયા, દીકરી જન્મે તો પચાસ હજાર રૂપિયા, દીકરીનાં લગ્નમાં અઢી લાખ રૂપિયાની ગિફ્ટ અને છેલ્લું વચન તો આપણા દિલને બાગબાગ, રાધર બારબાર કરી દે એવું છે- શરાબ કે દામ આધે કિયે જાયેંગે.
બોલો, અમિત શર્મા જેવો વચનસમ્રાટ બીજે ક્યાંય છે? અને એમની સ્માર્ટનેસ તો જુઓ. એમણે એક જ પાનામાં પોતાનો મેનિફેસ્ટો રજૂ કરી દીધો છે. શોર્ટ એન્ડ સ્વીટ. એ જાણે છે કે લોકોને લાંબું વાંચવામાં રસ નથી. મુદ્દાની વાત કહી દો. કરોડોની લાણી કરવાના પૈસા ક્યાંથી લાવશો, એવું એમને કોઈ પૂછવાનું નથી. આપણે ક્યારેય મોદી અને રાહુલને પૂછ્યું છે કે જીત્યા પછી ગરીબોને ખેરાત કરવાની વાત કરો છો એ પૈસા ક્યાંથી લાવશો? કે પછી લાખો લોકોને રોજગાર આપવાનાં વચન આપો છો, એના માટે કયા ઉદ્યોગો ઊભા કરવાના છો? શર્માજીને પણ શું કામ પૂછીએ?
પરંતુ અમિત શર્મા પર હસતા પહેલાં કે હસી લીધા પછી વિચારજો. બીજા મોટા રાજકીય પક્ષો પણ ચૂંટણી વખતે વચનો આપવામાં પાછા પડે છે? મને હંમેશાં એવું લાગે છે કે કાલ્પનિક કથાઓ લખવામાં સહુથી હોશિયાર વ્યક્તિને ઇલેક્શન મેનિફેસ્ટો તૈયાર કરવાની જવાબદારી સોંપાય છે. વાંચનાર, સાંભળનાર થોડીવાર માટે તો ખુશ થઈ જવા જોઈએ. હું તો હંમેશાં ખુશ થાઉં છું, કારણ કે સમજણી થઈ ત્યારથી દરેક ચૂંટણી વખતે જોયું છે કે દરેક રાજકીય પક્ષના મેનિફેસ્ટોમાં ગરીબી દૂર કરવાની અને સ્ત્રીઓની સ્થિતિ સુધારવાનું વચન અચૂક હોય છે અને હું બંને વર્ગમાં આવું છું. જોકે, એ માની લેવા જેટલી મૂર્ખ નથી, તમે પણ નથી.હકીકતમાં લખનાર, વાંચનાર સહુને ખબર હોય છે કે ચૂંટણી પછી બધું ભૂલી જવાનું. દુનિયાની કોઈપણ અદાલતમાં છેતરપિંડીનો કેસ કરવો હોય તો ફરિયાદીએ લેખિત પુરાવા રજૂ કરવા પડે.’ મેં ફલાણાને છ મહિના માટે પચાસ લાખ રૂપિયા ઉધાર આપેલા, પણ એ છ વર્ષ પછીયે પાછા નથી આપતો’ આવી ફરિયાદ કરવી હોય તો સામેવાળાનો વકીલ પૂછશે કે, ‘તમે ખરેખર રૂપિયા આપેલા એનો પુરાવો છે?’ આવા સંજોગોમાં કોઈની મૌખિક સાક્ષી નહીં ચાલે. સાદી ભાષામાં કહીએ તો, ‘લખ્યું વંચાય’ અર્થાત્ સામેવાળાએ લખી આપ્યું હોય, યોગ્ય કાગળ પર સહી કરી હોય તો જ એને પકડી શકાય. કમનસીબે ચૂંટણી વખતે આપેલાં લેખિત વચનોનું પાલન ન થાય તો પણ એ વ્યક્તિ કે પક્ષને કોર્ટમાં ઘસડી જવાનો કાનૂની અધિકાર આપણને નથી. ભૂતકાળમાં ભારત અને બીજા લોકશાહી ધરાવતા દેશોમાં જ્યારે પણ કોઈ નાગરિકે પોલિટિશિયન પર વચનભંગનો કાનૂની કેસ કર્યો છે, ત્યારે એને નિષ્ફળતા જ
મળી છે.
કાયદો કહે છે કે રાજકારણીએ મતદારોને આપેલું લેખિત કે મૌખિક વચન કોઈ સત્તાવાર કાનૂની ડોક્યુમેન્ટ નથી. ટૂંકમાં, પાગલ પ્રેમીની જેમ શાણા પોલિટિશિયનને ગમે તેવાં વચન આપવાની છૂટ છે. એ તો આપણને ચાંદ-તારા તોડી લાવવાનું પ્રોમિસ પણ આપે. હવે પ્રેમિકા અને મતદાર માની લે તો એની મૂર્ખાઈ.
જે લોકોએ મેનિફેસ્ટોમાં આપેલાં લેખિત વચન પણ નથી પાળવાનાં, એ બોલવામાં શું કામ દરિદ્રતા રાખે? અને પરાજયનો ભય વધે તેમતેમ વચનોમાં શ્રીમંતાઈ વધતી જાય. જે ઉમેદવારને જીતવાની કોઈ આશા ન હોય એ તો કોઈ મોટા રાજાની જેમ વચનોની લાણી કરે. દિલ્હીવાળા શર્માજી આનું એક ઉદાહરણ છે, પણ સાચું કહું તો આવા લોકો મને બહુ ગમે. એ કમ સે કમ મફતમાં મનોરંજન તો આપે છે અને અત્યારના કપરા સંજોગોમાં આપણને મનોરંજનની તાતી જરૂરિયાત છે. ફિલ્મોમાં રજનીકાંત, સલમાન ખાન કે જેકી ચેનને એકલા હાથે ત્રીસ ચાલીસ લોકોને ફટકારતા, નિ:સ્વાર્થભાવે નબળાની સહાય કરતા જોઈએ ત્યારે ખબર હોય કે આપણે ઉલ્લુ બની રહ્યા છીએ, તોયે મજા આવે છે ને? પરંતુ એ મજા માટે ટિકિટ ખરીદવી પડે, નેતાઓનાં ચૂંટણી ભાષણ ફ્રી હોય છે. થોડી પળો માટે તો આપણને સપનાં દેખાડી દે. દિમાગ બાજુએ રાખીને જોઈએ, સાંભળીએ તો ઘડીક મજા આવે. દેશનું ભાવિ ઊજળું ભાસે. અને હા, આપણે ઉદારભાવે એમને પણ ખુશ રાખવાના. ચૂંટણી વખતે મારી પાસે વોટ માંગનાર દરેક ઉમેદવારને હું કહું છું કે, ‘અફકોર્સ, તમારા સિવાય બીજા કોને? અમારો તો આખો પરિવાર તમારી પડખે છે.’ વચને કિં દરિદ્રતા?
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી