આપણી વાત / અડવાણીજી, તમે છેલ્લી બાજી શું કામ હારી ગયા?

article by varsha pathak

વર્ષા પાઠક

Mar 28, 2019, 05:16 PM IST

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં દરેક પક્ષે એના અમુક સાંસદોને રજા આપીને નવા લોકોને ટિકિટ આપી. અપેક્ષા પ્રમાણે થોડું ઘણું મનદુઃખ ઊભું થયું, અમુક સાંસદોએ બીજા પક્ષમાં સ્થળાંતર કર્યું, કોઈએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે જંગમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. બધી ચૂંટણી વખતે આવું થાય છે અને દરેક વખતે એવી કોઈ વ્યક્તિ તો હોય જેને ટિકિટ નકારવાથી ખાસ્સું આશ્ચર્ય અને ઊહાપોહ મચી જાય. બીજા પક્ષના લોકો પણ દંભી અફસોસ દાખવવા લાગે કે અરેરે! જુઓ તો પેલા લોકોએ પોતાના વફાદાર સૈનિકની પણ કેવી હાલત કરી! આ વખતે ચર્ચા અને અરેરાટીના કેન્દ્રમાં લાલકૃષ્ણ અડવાણી છે. એમની જગ્યાએ ભારતીય જનતા પક્ષે ગાંધીનગર બેઠક પર અમિત શાહને ટિકિટ આપી છે. આ જાહેરાત થઈ ત્યારે માત્ર એમના મતવિસ્તારમાં નહીં, લગભગ આખા દેશમાં સનસનાટી મચી ગઈ. દરેક રાષ્ટ્રીય અખબારે આ ‘દુઃખદ’ સમાચાર પહેલા પાને છાપ્યા. આ લખાય છે ત્યાં સુધી ખુદ અડવાણીએ તો કોઈ જાહેર નિવેદન નથી આપ્યું, પણ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ અને સામાન્ય લોકોએ પણ અડવાણીના રાજકીય નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે અને એવું કરનાર ભાજપ પર ફિટકાર વરસાવ્યો છે.

  • જે વ્યક્તિ આપમરજીથી સત્તા ત્યાગીને મહાન ઠરી જાત, એણે ઉંમરના છેલ્લા તબક્કામાં અપમાનિત થવાનું પસંદ કર્યું

અહીં રાજકીય નિધન જેવા બહુ સારા ન ગણાય એવા શબ્દ વાપર્યા છે, કારણ કે માત્ર 14 વર્ષની ઉંમરે આરએસએસમાં જોડાયેલા અને ભારતીય જનતા પક્ષના સહસંસ્થાપક બનેલા અડવાણી એમની રાજકીય કારકિર્દી દરમ્યાન નાયબ વડાપ્રધાન સુધીના હોદ્દા પર પહોંચ્યા છે. હવે 91 વર્ષની વયે એ પક્ષપલટો નથી કરવાના અને પક્ષની અંદર તો એ ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. વર્ષ 2014માં ભાજપે (મતલબ વડાપ્રધાન મોદીએ) એમને પક્ષના પ્રાઇવેટ વૃદ્ધાશ્રમ ગણાય એવા માર્ગદર્શક મંડળમાં બેસાડી દીધા, જેના કોઈ સભ્ય માર્ગદર્શન આપતા નથી અને આપે તો કોઈ સાંભળતું નથી. રાષ્ટ્રપતિ બનવાની અડવાણીની ઇચ્છાએ અનેક કૉમેડિયન્સ અને કાર્ટૂનિસ્ટ્સને મસાલો પૂરો પાડ્યો છે. હવે એ ઇચ્છા પણ પૂરી થાય એવી શક્યતા નથી. લોકસભાની ટિકિટ ન મળી, એ તો ઊંટની પીઠ પર છેલ્લું તરણું હતું.

એક સમયે જે વડાપ્રધાન પદના દાવેદાર ગણાતા હતા (અને 2009ની ચૂંટણીમાં તો ભાજપના સંસદીય બોર્ડે એમને પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર પણ કરી દીધેલા, પણ ત્યારે કોંગ્રેસ જીતી ગઈ અને કોઈએ ધાર્યું નહોતું એવા ડૉક્ટર મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર બની ગયા) એવા અડવાણીએ હવે શાંતિથી ઘેર બેઠા વિના છૂટકો નથી. એમને આ વર્ષે લોકસભાની ચૂંટણી લડવાની તક ન મળી, એ વાત ઘણાને અડવાણીના જીવનનું છેલ્લું અપમાન, કદાચ સહુથી મોટી કરુણતા લાગે છે, પરંતુ હવે વધુ ઇમોશનલ થયા વિના વિચારીએ તો એક સામાન્ય નાગરિક તરીકે આપણને આ વાતનું આશ્ચર્ય કે દુઃખ થવું જોઈએ? ધૃષ્ટતા લાગે તો માફ કરજો, પણ અહીં મને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે 91 વર્ષની વયે પહોંચ્યા પછી અને જે પક્ષને એમણે પાળીપોષીને મોટો કર્યો, એમાં હડધૂત થયા પછીયે અડવાણીજીએ સામેથી કેમ ચૂંટણી લડવાની ના ન પાડી?

અત્યાર સુધીમાં એ અગિયારવાર એમપી બન્યા છે, ગાંધીનગરે એમને છેલ્લી પાંચ ચૂંટણીથી સતત જિતાડ્યા છે, (1991ની ચૂંટણી ગણો તો છ વાર) અને કદાચ આ વખતે ઊભા રહ્યા હોત તો પાછા જિતાડી દેત, પણ એનાથી શું થવાનું હતું? ગૃહમાં એ વરિષ્ઠ નેતા તરીકે આગલી હરોળમાં બેસે છે, પરંતુ એક સમયના ફાયરબ્રાન્ડ વક્તા અને ગૃહ ગજાવનાર એમપી હવે મૌનીબાબા બની બેઠા છે. લોકસભાનો રેકોર્ડ કહે છે કે ડિસેમ્બર 2014થી આજ સુધીમાં અડવાણીજીએ ગૃહમાં એક શબ્દ સુધ્ધાં નથી ઉચ્ચાર્યો. એવું નથી કે એમનું શારીરિક સ્વાસ્થ્ય કથળી ગયું છે. 16મી લોકસભામાં એમના નામે 92 ટકા હાજરી નોંધાઈ છે. પક્ષ કહે એ વિષયમાં પોતાનો ટેકો આપે છે, પરંતુ કંઈ બોલતા નથી. એવું કહેવાય છે કે એમનું મન ખાટું થઈ ગયું છે. વડાપ્રધાન મોદી સામેનો એમનો અણગમો જગજાહેર છે, પણ તો પછી એમણે પોતે સામેથી શું કામ ન કહ્યું કે બસ, હવે સંસદના ફળિયામાં પગ નથી મેલવો?

અહીં ભાર દઈને કહેવાનું કે હું અડવાણી વિરોધી કે અમિત શાહ તરફી, એવી બંનેમાંથી એકેય ગેંગની સભ્ય નથી. પીએમ મોદી કરે એ બરાબર જ કરે એવુંયે નથી કહેતી. દેશના સહુથી પ્રભાવશાળી, બુદ્ધિવંત નેતાઓમાં અડવાણીનું નામ લઉં છું, એટલે એમની ટિકિટ કપાઈ એટલે ખુશ-નાખુશ થવાનો સવાલ નહોતો, પણ ફરીથી પ્રશ્ન એ જ છે કે એના જેવી વ્યક્તિએ 91 વર્ષની વયે સામેથી શું કામ ચૂંટણી લડવાનું નકાર્યું નહીં? રાજકીય વર્તુળોમાં ગુસપુસ તો ઘણા સમયથી ચાલુ થઈ ગયેલી કે અમિત શાહ અડવાણીનું પત્તું કાપશે એટલે અનુભવી નેતાને તો ભવિષ્ય દેખાઈ જ ગયું હશે, તો પછી એમણે પોતાની ગરિમા જાળવીને સામેથી શું કામ બેઠક છોડી દેવાનું એલાન ન કર્યું? એવું કર્યું હોત તો લોકોમાં પ્રશંસાપાત્ર ઠરી જાત. ઉન્નત મસ્તકે સત્તાનો ત્યાગ કરી દેવાની આ એમની છેલ્લી તક હતી, પણ એમણે હકાલપટ્ટી પસંદ કરી. શું કામ? આત્મસન્માન જાળવવાની સલાહ આપી શકે એવું કોઈ એમના અંગત કે રાજકીય જીવનમાં નહીં હોય કે પછી અડવાણીને સલાહ આપવાની હિંમત કોઈમાં નહીં હોય? કે પછી ‘જુઓ, મોદીએ અને પક્ષે મારા જેવા મોટા નેતા સાથે કેવી બેવફાઈ કરી’ એવું બતાવીને એમણે પ્રજા પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખી હશે? પરંતુ પાછો એ જ સવાલ કે લાલકૃષ્ણ અડવાણી જેવા મોટા ગજાના નેતાને 91 વર્ષની વયે આવી નકામી સહાનુભૂતિની જરૂર છે ખરી?
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી