Back કથા સરિતા
વર્ષા પાઠક

વર્ષા પાઠક

સમાજ (પ્રકરણ - 29)
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

આપણે બધાં આયારામ ગયારામ છીએ?

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  

હરિયાણાના એક સ્વર્ગીય રાજકારણી ગયાલાલનું નામ યાદ છે?
આ એ જ મહાનુભાવ છે, જેમને ભારતીય રાજકારણમાં અમર થઈ ગયેલા એક વાક્ય, ‘આયારામ ગયારામ’ની ઉત્પત્તિ માટેનું શ્રેય જાય છે. કોંગ્રેસી પિતાના પગલે ગયાલાલજીએ પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પક્ષથી શરૂ કરેલી. 1966માં હરિયાણા રાજ્ય બન્યું અને 1967માં ત્યાં પહેલી વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ. છેલ્લા પંદર વર્ષથી હોડલ શહેરની મ્યુનિસિપલ કમિટીમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા ગયાલાલજીને ખાતરી હતી કે એમને તો ટિકિટ મળશે જ, પણ ન મળી. રોષે ભરાઈને એમણે ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું અને જીતી પણ ગયા. એમણે પછી બીજા વિજયી સ્વતંત્ર ઉમેદવારો સાથે મળીને નવીન હરિયાણા પાર્ટી બનાવી. એ લોકોએ બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોએ બનાવેલી હરિયાણા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને યુનાઇટેડ ફ્રન્ટનું સર્જન થયું. પછીની કથની લાંબી છે, પણ અત્યારે માત્ર ગયાલાલની વાત કરીએ તો એ પાછા કોંગ્રેસમાં ગયા. ત્યાં વાંકું પડ્યું ને એક જ દિવસમાં યુનાઇટેડ ફ્રન્ટમાં પરત થયા. એક દિવસમાં બેવાર અને પંદર દિવસમાં ત્રણવાર પક્ષ બદલનાર ગયાલાલ પર આયારામ ગયારામનું લેબલ ચીટકી ગયું.

  • રાજકારણીઓને પક્ષપલટો કરતી વખતે મતદારોને શું જવાબ આપશું એની ચિંતા કેમ નથી થતી?

આ શબ્દો દેશભરમાં એટલા જાણીતા થઈ ગયા કે પછી તો દરેક પક્ષપલટુ માટે એ વપરાવા લાગ્યા. ગયારામજી હવે આ દુનિયામાં નથી રહ્યા, પણ હજીયે એકથી બીજા પક્ષમાં કૂદકા મારનારા લોકો આયારામ ગયારામ તરીકે ઓળખાય છે. ઓરિજિનલ ગયાલાલજીના પુત્ર ઉદયભાણ સ્વાભાવિક રીતે આ વાતથી નારાજ છે. એ પોતે પણ ખાસ્સી જગ્યાએ હવાફેર કરી આવ્યા બાદ હવે કોંગ્રેસમાં(આ લખાય છે ત્યાં સુધી) સ્થાયી થયા છે. એનું કહેવું છે કે અમસ્તાજ એના પિતા બદનામ થઈ ગયા, બાકી બીજાઓએ વધુ પક્ષપલટા કર્યા છે. એમના કહેવાનુસાર લોહારુના વિધાનસભ્ય રહી ચૂકેલા હીરાનંદ આર્યએ એક દિવસમાં સાત વાર પાર્ટી બદલેલી, પણ એને કોઈ યાદ નથી કરતું.

કદાચ ગયારામનું નામ એમને નડી ગયું. બાકી ઉદયભાણની ફરિયાદ સાચી છે, ભારતના કોઈપણ ખૂણે જ્યારે પણ મ્યુનિસિપાલિટી, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી જાહેર થાય કે પક્ષપલટાની મોસમ શરૂ થઈ જાય. અત્યારે એ જ ચાલી રહ્યું છે. 11 એપ્રિલથી 19 મે સુધી સંસદીય ચૂંટણી થવાની છે. ચાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે અને ગામેગામ રાજકારણીઓ અહીંથી ત્યાં ઠેકડા મારી રહ્યા છે. અત્યારે ભારતીય જનતા પક્ષ થોડો વધુ જોરમાં છે, એટલે ત્યાં ઇનકમિંગ કોલ્સનું પ્રમાણ વધુ છે, પરંતુ એને છોડીને કોંગ્રેસમાં જનારા પણ સાવ ઓછા નથી. કોઈને પુષ્કળ પૈસા આપીને ફોડાયા છે, કોઈને એના પર થયેલા કાનૂની કેસીસ રફેદફે કરી નાખવાની હૈયાધારણ અપાઈ છે, કોઈને વળી આગામી ચૂંટણીમાં ટિકિટ કે પછી પક્ષમાં પાવરફુલ પોઝિશન જોઈએ છે, જે નથી મળી. બાકી સિદ્ધાંતને ખાતર પક્ષ બદલ્યાની વાતોને જોક તરીકે જ લેવી પડે. હવે અહીં પ્રશ્ન એ છે કે પક્ષપલટો કરનાર વ્યક્તિને અને એના નવા પક્ષને ખાતરી કઈ રીતે હશે કે એની સાથે એના મતદારો પણ પોતાની વફાદારી ફેરવશે? મેં કોઈ ચોક્કસ પક્ષની વિચારધારા જોઈને એના ઉમેદવારને મત આપ્યો હોય, પણ જીતી ગયા બાદ એ પક્ષ બદલે તો મને ગુસ્સો ન આવે?

કદાચ નહીં આવતો હોય, એટલે જ આ રાજકારણીઓ બેધડક પક્ષપલટા કરે છે. આપણે ત્યાં રાજીવ ગાંધીની સરકાર 1985માં પક્ષપલટા વિરુદ્ધનો કાયદો લઈ આવી, એ અનુસાર એકલદોકલ વ્યક્તિ પાર્ટી બદલે તો વિધાનસભા કે સંસદમાં એનું સભ્યપદ રદ થઈ જાય. આનાથી બચવું હોય તો એ પક્ષના ઓછામાં ઓછા બે તૃતીયાંશ લોકોએ સાગમટે પક્ષાંતર કરવું પડે, પરંતુ દર વખતે આવી હોલસેલ ડીલ નથી થતી. થોડાક લોકો પાર્ટી બદલે છે, ગૃહમાં એમની સીટ ખાલી પડે છે, એમના વિસ્તારમાં પછી પેટાચૂંટણી યોજાય છે, એ જ વ્યક્તિ હવે બીજી પાર્ટીના ઉમેદવાર તરીકે લડે છે અને મોટાભાગના કિસ્સામાં જીતી જાય છે. મતલબ એવો જ થયો ને કે મતદારો પણ એમના ઉમેદવારની સાથે પાટલી બદલે છે? ભારતીય રાજકારણના એક અભ્યાસીએ આનું જે કારણ આપ્યું એ ભલે સાંભળવું ન ગમે, પણ સાચું હતું. ભારતના લોકો, ખાસ કરીને ગ્રામ્યવિસ્તારો અને નાના શહેરમાં વસતા લોકો હજીયે નાતજાતના આધારે ચૂંટણીમાં મત આપે છે. ગમે તે પક્ષમાં હોય, પણ આપણો માણસ છે, એવું કહીને એને જિતાડવાની હાકલ પડે છે. એમાંથી ઘણી જગ્યાએ કોને મત આપવો, એ સમાજના મોભીઓ જ નક્કી કરે છે, બીજાએ માત્ર એમને અનુસરવાનું. અહીં પક્ષની નીતિ, વિચારધારા જેવી વાતોનો કોઈ અર્થ નથી હોતો. હવે આવું જ હોય તો પક્ષના નેતાઓ જ્ઞાતિના આધારે ટિકિટની વહેંચણી કરે છે, એની સામે કઈ રીતે ફરિયાદ કરી શકાય?

આ વાસ્તવિકતા જાણ્યા પછીયે સવાલ તો થાય જ કે કોઈ વ્યક્તિ માત્ર અને માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે પક્ષપલટો કરી રહી છે, એ જાણ્યા પછીયે એનો સમાજ, કોમ, જ્ઞાતિ શું કામ એને ફરીથી જિતાડતા હશે? એમાં એમનું શું ભલું થતું હશે? ઊલટું પેટા ચૂંટણી કરવી પડે છે, જે મફતમાં નથી થતી. કોઈકોઈવાર તો આ રાજકારણીઓ જે પ્રકારનાં વિધાન કરે છે એ સાંભળીને નવાઈ લાગે કે લોકો ખરેખર એને પાછા ચૂંટશે? હમણાં ગુજરાતમાં પોતાનો પક્ષ છોડીને વધુ ફાસ્ટ ટ્રેનમાં બેસી જનારા એક વિધાનસભ્યે કહ્યું કે મને મારા મૂળ પક્ષમાં કોઈ વાંધો કે અસંતોષ નહોતો, પણ ત્યાં મજા નહોતી આવતી. લોકો જેમ નવી હોટેલમાં જમવા જાય એમ હું નવી પાર્ટીમાં આવ્યો છું. સાંભળીને મારા જેવી આઉટસાઇડરને આઘાત લાગ્યો તો એના મતવિસ્તારમાં રહેતા લોકોને કંઈ નહીં થયું હોય? વિધાનગૃહ કોઈ શોપિંગ મોલની ફૂડકોર્ટ છે, જ્યાં ગયેલી, રાધર મોકલાયેલી વ્યક્તિ જુદા જુદા આઉટલેટમાં વાનગીઓ ટેસ્ટ કરવા જાય? એમને એક હોટેલની વાનગી ન ભાવી એના પરિણામે મતદારોના માથે પેટા ચૂંટણી, કરોડો રૂપિયાનો ખર્ચ ઝીંકી દેવાનો? અરે ભાઈ! કમ સે કમ ટર્મ તો પૂરી કરો. પણ ના, એ નહીં કરે, ડ્રેસ બદલીને સાવ નવો ઝંડો લઈને આવા લોકો પાછા ચૂંટણીમાં ઝંપલાવશે, કારણ કે એમને ખાતરી છે કે ફરીફરીને એમના ભોજનનું બિલ આપવા માટે ‘એમના લોકો’ તૈયાર બેઠા છે. પેલું શું કહે છે, જેવો રાજા એવી પ્રજા કે જેવી પ્રજા એવો રાજા?
viji@msn.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP