આપણી વાત / આપણે હવે પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ ગુમાવી દઈશું?

article by varsha pathak

વર્ષા પાઠક

Mar 13, 2019, 02:49 PM IST

નાનાં હતાં ત્યારે આપણી થાળીમાં જેટલું પીરસાય એ બધું ખાઈ જવાનું લગભગ ફરજિયાત હતું અને એમાં કોઈવાર આપણે ‘આ કે તે નથી ભાવતું’ એવું કહીએ કે થાળીમાં પડતું મૂકીએ તો કોઈ ને કોઈ વડીલ યાદ દેવડાવે- ત્યાં લોકોને એક ટંક સૂકી રોટલી ખાવા નથી મળતી અને તમારે નખરાં કરવાં છે. એ વખતે બાળમાનસમાં અનેક પ્રશ્નો ઊઠતા કે એ લોકો એટલે કોણ? શું કામ એમને સૂકી રોટલી ખાવી હતી પણ નહોતી મળતી? અને એ સમયે સહુથી મહત્ત્વનો લાગતો પ્રશ્ન એ હતો કે ધારી લ્યો કે કોઈ અજાણ્યાને ખાવા ન મળતું હોય તો એમાં મારો શું દોષ? મારે શું કામ સજા ભોગવવી જોઈએ? સહેજ મોટા થયા પછી પેલી ટકોર પાછળનો હેતુ સમજાયો કે બીજા લોકો ભૂખે મરતા હોય ત્યારે આપણે અન્નનો બગાડ કરીએ એ સારું નહીં. હવે એ પણ હકીકત છે કે ઘરના વડીલને દર વખતે કંઈ અજાણ્યા ગરીબોની ચિંતા નહોતી. એમને પોતાના ઘરમાં ખાવાનો બગાડ ન થાય એ જોવાનું હતું. આ હેતુ સરળતાથી પાર પડે એટલે બાળકોનાં મનમાં ગુનાહિત લાગણી જગાડવાની ટ્રિક અજમાવાતી હતી. જોકે, આ ટ્રિક નિર્દોષ કહેવાય એવી હતી અને મમ્મી પણ જાણતી હતી કે દર વખતે આ કામ નહીં કરે.

  • લોકશાહી તંત્રમાં બહુમતી પ્રજા માટે દેશની સેના અને સૈનિક રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રગૌરવનું જીવતુંજાગતું પ્રતીક કહેવાય છે

હવે વર્તમાન સંજોગોમાં આશ્ચર્ય થાય એવી વાત એ છે કે જે વાત મમ્મીઓ, સીધી સાદી ગૃહિણીઓ સમજે છે, એ આપણા અમુક રાજકારણીઓ સમજવા તૈયાર નથી. આપણે એટલે કે આમ જનતા જ્યારે પણ કોઈ નાની-મોટી અગવડ વિશે ફરિયાદ કરીએ, અરે! હજી કરીય ન હોય, પણ કરીશું એવું લાગે કે તરત આપણાને ‘પેલા લોકો’ની યાદ દેવડાવાય જેમને આટલી સગવડ પણ નથી મળતી. આ વખતે ‘પેલા લોકો’ એટલે આપણા લશ્કરી જવાનો. સીમા પર લડતા, દુર્ગમ સ્થળે દરેક પ્રકારની આપત્તિનો સામનો કરીને દેશની રક્ષા માટે ઊભા રહેતા જવાનોની યાદ દેવડાવીને સીધી કે આડકતરી રીતે આપણને એવું વિચારવા માટે પ્રેરિત કરાય છે કે એ લોકો આપણા માટે આટલી કઠિનાઈ સહન કરી લે છે અને આપણે નાની વાતે આટલો ઘોંઘાટ કરીએ છીએ, શેમ શેમ... નોટબંધી વખતે તો આ ઇમોશનલ અત્યાચારનો અતિરેક થયેલો. બીજું બધું કામકાજ છોડીને સવારથી બેન્ક બહાર લાઇન લગાવીએ અને પછીયે ઘણીવાર મોડી સાંજે ખાલી હાથે ને વિલે મોઢે પાછા ફરીએ એ વખતે ભૂલેચૂકે પણ કકળાટ કરીએ કે સરકારને બે-ચાર ખરીખોટી સુણાવીએ તો તરત પોતાને રાષ્ટ્રભક્ત ગણાવતા યાદ દેવડાવે કે ત્યાં સિયાચીન પર હાડ ગાળી નાખે એવી ઠંડીમાં, બરફનાં તોફાનો વચ્ચે જવાનો ખડેપગે આપણી રક્ષા કરતા ઊભા છે અને તમને રાષ્ટ્રહિત માટે બે કલાક પડોશમાં આવેલી બેન્કની બહાર ઊભા રહેતા ટાઢ વાય છે, ગદ્દારો? એ સમયે એક સ્ટેન્ડઅપ કોમેડિયને મજાક કરેલી કે દેશભક્તિનું લેક્ચર સાંભળીને કંટાળેલા માણસે કહી દીધું કે તમે જે જવાનની વાત કરો છો એ હું જ છું જે પહેલાં સિયાચીન પર ઊભેલો અને હવે ઘેર આવીને બેન્કની બહાર લાઇનમાં ઊભો છું.
કહેવાનો મતલબ એ કે જવાનના નામે ચરી નહીં ખાવાનું, પરંતુ ચરી ખવાય છે એ હકીકત છે અને એનાથીયે વધુ મોટી સમસ્યા એ છે કે આવું કરનારને એક શબ્દ પણ નથી કહેવાતો. કહીએ તો દેશના, દેશની સેનાના દુશ્મન ગણાઈ જઈએ.

લોકશાહી તંત્રમાં બહુમતી પ્રજા માટે દેશની સેના અને સૈનિક રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રગૌરવનું જીવતુંજાગતું પ્રતીક કહેવાય છે. એના વિશે ઘસાતું બોલાય નહીં. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિ કે પક્ષ પોતાને સૈનિકના વર્ગમાં મૂકી દે, સૈન્યની દરેક ઉપલબ્ધીને પોતાની સફળતા ગણાવે, પોતાના વિશે થયેલી ટીકાને દેશની સેનાનું અપમાન ગણાવે તો શું સમજવું? નજીકના ભૂતકાળમાં આપણા લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇકના નામે બેવાર પાકિસ્તાનની ભૂમિ પર આક્રમણ કર્યું. આપણામાંથી મોટાભાગના લોકો રાજી થયા. અવળચંડા પાડોશીને પાઠ ભણાવવા બદલ સૈન્યની પ્રશંસા કરી, પણ પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન થયો કે આપણા જવાનો જાનનું જોખમ ખેડીને આવું પરાક્રમ કરી આવ્યા એનું પરિણામ શું આવ્યું, સામે કેટલા શત્રુ મરાયા. સેનાએ ખુદની ગરિમા જાળવીને કહ્યું કે અમારું કામ લડવાનું છે, મડદાં ગણવાનું નહીં. કેટલા શત્રુ મરાયા એ સરકારને પૂછો.

આપણે સરકારને પૂછ્યું. આગળની સરકારો જે કરી નહોતી શકતી એ અમે કરી બતાવ્યું અને અમારા કહેવાથી જ ભારતીય જવાનોએ પાકિસ્તાનમાં હાહાકાર મચાવી દીધો, એવો દાવો કરતા પક્ષે પ્રજાના સવાલનો જવાબ આપવો પડે. ચોક્કસ આંકડો નહીં, પણ અંદાજે તો કહેવું પડે કે સામે છેડે કેટલી હાનિ થઈ, પણ અહીં સરખો જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછનારા પર આક્ષેપ થયો કે એને પોતાની સેના અને શૂરવીર સૈનિકો પર ભરોસો નથી. કેટલા આતંકવાદી મર્યા એવું પૂછનાર માટે એવું કહેવાયું કે આ ગદ્દારો ભારતીય સેનાની બહાદુરીના પુરાવા માંગીને શહીદોનું અપમાન કરે છે. ઠેરઠેર વોટ્સએપ મેસેજીસ વહેતા થયા જેમાં જવાનો પોતાની દેશભક્તિ અને બહાદુરી પર શંકા કરનાર દેશવાસીઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કરે છે.

આનો જવાબ શું આપવો? જવાબ આપવાનું બાજુએ રહ્યું, આપણાથી કંઈ પુછાય પણ નહીં એવો માહોલ છે. પૂછે એ ભારતનો ગદ્દાર. પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોમાંથી બે જણની પત્નીઓએ એરસ્ટ્રાઇકમાં કેટલા આતંકવાદી મરાયા એ પૂછ્યું છે અને શું કામ ન પૂછે? એમના પતિની શહીદીનો બદલો લીધાનો દાવો સરકાર કરતી હોય, આનો ફાયદો આગામી ચૂંટણીમાં થશે એવું એમના જ લોકો કહેતા હોય તો જવાબ પણ આપવો પડે કે આપણે કેટલી હદે બદલો લીધો? અહીં આપણી સેનાનું અપમાન કરવાનો, એમની સામે શંકા કરવાનો પ્રશ્ન જ નથી આવતો. એ લોકોએ સાચું કહ્યું કે એમનું કામ લડવાનું છે. ધારો કે ભારતે કરેલી સ્ટ્રાઇકમાં એકેય આતંકવાદી ન મરાયો હોય તોયે પાકિસ્તાન ગભરાયું એ વાસ્તવિકતા છે અને એ વાતે આપણને આપણી સેનાઓ માટે ગૌરવ જ થવાનું, પરંતુ અહીં એમની બહાદુરીનો યશ બીજા લઈ જાય છે અને એ બીજાઓ ભેરવાય ત્યારે ઢાલ તરીકે સેનાનો ઉપયોગ કરે છે અને હા, આ મુદ્દે સરકારની તરફેણ કરતા લોકોને ભાન પણ છે કે એ લોકો માહિતી મેળવવાનો પોતાનો અમૂલ્ય અધિકાર ગુમાવી રહ્યા છે, લોકશાહીના પાયા હચમચાવી રહ્યા છે? ભણેલાગણેલા મૂર્ખાઓ પણ મેસેજીસ મોકલે છે કે સૈન્યની બહાદુરીના પુરાવા માંગવાને બદલે શાંતિથી સૂઈ જાવ.
ખરેખર ડર લાગે છે કે આપણે દિમાગના દરવાજા બંધ કરીને સૂતાં રહીશું તો અંતે આપણું બહાદુર સૈન્ય પણ આપણને નહીં બચાવી શકે.

[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી