Back કથા સરિતા
વર્ષા પાઠક

વર્ષા પાઠક

સમાજ (પ્રકરણ - 34)
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

આપણું હોમવર્ક બીજા કોઈ કરી આપી તો?

  • પ્રકાશન તારીખ06 Mar 2019
  •  

દુનિયામાં સહુથી વધુ બોલાતી ભાષા કઈ? અને દુનિયામાં સહુથી અઘરી ભાષા કઈ? આ બંને પ્રશ્નનો એક જ જવાબ મળે- મેન્ડેરિન. ચીનની આ સત્તાવાર ભાષા છે. વિશ્વની સહુથી વધુ વસ્તી અને માનવબળ ધરાવતું ચીન એને ત્યાં બનેલો માલ આખી દુનિયામાં સસ્તે ભાવે ઠાલવે છે. લગભગ બધાય દેશોની સરકારને આ ખટકે છે અને એમાંથી ઘણાએ પોતાની માર્કેટમાં આવતા ચાઇનીઝ માલ પર નિયંત્રણ મૂકવાની કોશિશ કરી છે, પણ ચીનને હજી સુધી તો ખાસ મોટો વાંધો નથી આવ્યો.
આપણે ત્યાં સ્વદેશપ્રેમની ગમે તેટલી વાતો થાય, પણ લોકો ચાઇનીઝ માલ ખરીદે છે, કારણ કે એ સસ્તો હોય છે અને ઘણા લોકોને હવે ચીની ભાષા શીખવામાં પણ ફાયદો દેખાવા લાગ્યો છે. છેલ્લાં પાંચેક વર્ષમાં આપણે ત્યાં પણ મેન્ડેરિન શીખવતા ક્લાસીસની સંખ્યા વધી રહી છે. અહીં જનારા લોકોને પૂછો તો કહેશે કે કદાચ થોડુંઘણું મથ્યા બાદ ભાંગીતૂટી મેન્ડેરિન બોલતા આવડી જાય, પણ લખવા-વાંચવા માટે એનાથી અનેકગણા વધુ પ્રયત્ન કરવા પડે.

  • સાવ કંટાળાજનક, રૂટિન લાગતું આપણું કામ કોઈ બીજા કરી નાખે, એવો કીમિયો હાથ લાગી જાય તો આપણામાંથી કેટલાં જણ એને નકારે?

આપણા દેશી વિદ્યાર્થીઓ એટલું આશ્વાસન લઈ શકે કે ચીનમાં જન્મેલાં બાળકોને પણ મેન્ડેરિન લખવાનું શીખતા ખાસ્સી મહેનત પડે છે. મેન્ડેરીન સહિત દરેક ચીની ભાષામાં મૂળાક્ષરની જગ્યાએ ચિહ્્નો, પ્રતીકાત્મક ચિત્રો વપરાય છે. આમ તો એની સંખ્યા હજારોમાં છે, પરંતુ એવું કહેવાય છે કે બેથી ત્રણ હજાર ચાઇનીઝ કેરેક્ટર્સ શીખી લ્યો તો મેન્ડેરિન ભાષામાં આવતું ત્યાંનું અખબાર વાંચી શકો, પરંતુ આટલું શીખતાં પણ વાર તો લાગે. ચીની સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ મળે એટલે શિક્ષકો એમને મેન્ડેરિનમાં લખાયેલાં પુસ્તકોમાંથી આખા ને આખા પાઠ કે ફકરા લખવાનું હોમવર્ક આપે છે. હવે એ સત્ય છે કે દુનિયાના કોઈ વિદ્યાર્થીને હોમવર્ક કરવું ન ગમે, પણ કરવું પડે, કારણ કે ન કરીએ તો સજા થાય, પણ આપણા છાપામાં થોડા દિવસ પહેલાં આવેલા સમાચાર તમે વાંચ્યા જ હશે કે ચીનમાં રહેતી લગભગ પંદર વર્ષની એક છોકરી આ બાબતમાં દુનિયા આખીનાં બાળકોને ઈર્ષ્યા થાય એટલી સ્માર્ટ નીકળી. નવા વર્ષે આશીર્વાદ અને ગિફ્ટરૂપે મળેલી લગભગ આઠ હજાર રૂપિયા જેટલી રકમ ભેગી કરીને એ એક રોબોટ લઈ આવી, જેને પોતાના હેન્ડરાઇટિંગની કોપી કરવાનું શીખવી શકાય. ઘરમાં કોઈને કહ્યું નહીં. બસ, પછી તો રોબો ફ્રેન્ડની મદદથી હોમવર્ક એટલું ફટાફટ થવા લાગ્યું કે પહેલાં રાજી થયેલી મમ્મીને પછી શંકા પડી અને બેબીની હોશિયારી પકડાઈ ગઈ. ગુસ્સે થયેલી મમ્મીએ રોબોટને તોડીફોડીને ફેંકી દીધો.
આ સમાચાર જાણીને આપણે ત્યાં અનેક વિદ્યાર્થીઓએ આવો રોબોટ ક્યાં મળે, એની તાપસ કરી લીધી હશે, પરંતુ પ્રશ્ન એ છે કે પોતાનો દીકરો કે દીકરી લેસન કરવામાં આવા રોબોટની મદદ લે છે, એ જાણીને ઇન્ડિયન મમ્મી કેવો પ્રતિભાવ આપે? ચીની માતાએ તો દીકરીની લાઇફ સરળ બનાવી રહેલા રોબોટનો ખાત્મો બોલાવી દીધો, પણ આપણે ત્યાં કોઈ મમ્મી એવું કરે? ભારતની બધી મમ્મીઓ વતી બોલવાનું શક્ય નથી, પણ મુંબઈમાં એવી અનેક મમ્મીઓ મેં જોઈ છે, જેમને તક મળે તો પોતે જઈને આ રોબોટ લઈ આવે અને પોતાનાં બાળકોને ગિફ્ટ આપે.
આવું ખાતરીપૂર્વક કહી શકું છું, કારણ કે આમાંથી ઘણા પરિવારોમાં લાડકવાયા સંતાનનું હોમવર્ક બીજા પાસે કરાવાય છે. અહીં કોઈ કોઈવાર નાના ભાઈને સજામાંથી બચાવવા માટે એનું હોમવર્ક કરી આપતી બહેનની વાત નથી. આ એ પરિવારો છે જ્યાં મમ્મીઓ પોતાના સન કે ડોટર શહેરની બેસ્ટ ગણાતી સ્કૂલમાં જતા હોવાનો દાવો કરે છે. ‘બેસ્ટ’ ગણાતી સ્કૂલ પર પણ એમને જોકે ભરોસો નથી હોતો એ વાત એના પરથી પુરવાર થાય કે આ બધાને પોતાને ઘેર ટ્યુશન ટીચર તો બોલાવવા છે જ. એન્ડ માઉન્ડ યુ, આ ટ્યુશન ટીચરનું કામ માત્ર એના સ્ટુડન્ટને વધુ ભણાવવાનું કે અઘરા પ્રોબ્લેમ્સ સોલ્વ કરવામાં મદદ કરીને નથી પતી જતું. પોતાના સ્ટુડન્ટને સ્કૂલમાંથી મળેલું હોમવર્ક કરી આપતા ટીચર્સ મેં જોયા છે. પેલા ચાઇનીઝ રોબોટની જેમ આ શિક્ષકો સ્ટુડન્ટના હેન્ડરાઇટિંગની કોપી કરી શકે છે અને અક્ષર બદલાય તોયે કોણ પૂછે છે? સ્કૂલમાંથી હોમવર્ક આપતા ટીચર પછી એને ચેક કરવામાં સમય નથી બગાડતા. કદાચ એ લોકો પણ સચ્ચાઈ જાણે છે. એમાંયે જ્યારે હોમવર્ક તરીકે મોટા પ્રોજેક્ટ અપાય ત્યારે તો સ્કૂલના પ્રિન્સિપલથી માંડીને પ્યૂન અંકલ સુધી બધા જાણતા હોય કે આ કામ તો મમ્મી કે પછી કોઈ પ્રોફેશનલ જ કરવાની છે. બાળકોને સ્કૂલમાંથી મળતા પ્રોજેક્ટ કરી આપનારા એક્સપર્ટ્સ બધે મળે છે, બસ એમની ફી પરવડવી જોઈએ. હવે આ બધું કામ કરવા માટે રોબોટ મળી જાય તો આ બધી મમ્મીઓ રાજીની રેડ થઈ જાય કે નહીં? પેલી ચાઇનીઝ મમ્મીને તો આ લોકો સ્ટુપિડ કહે જેણે દીકરીને ખુદને હાથે હોમવર્ક કરવાની ફરજ પાડી.
હવે બીજી વાત કરીએ. ચીનમાં તો કદાચ અઘરી લિપિ લખવાની પ્રેક્ટિસ મળે એટલે શિક્ષકો એના વિદ્યાર્થીઓને પુષ્કળ લખવાનું હોમવર્ક આપે છે, પણ આપણે ત્યાં જે હોમવર્ક અપાય છે, એ ખરેખર હંમેશાં જરૂરી હોય છે? બાળકો સ્કૂલમાં છથી સાત કલાક ગાળે છે એ ઓછું છે કે એમને વળી ઘેર જઈને પણ લખાણપટ્ટી કરવાની ફરજ પાડવાની? અને પ્રોજેક્ટમેકિંગ તો તદ્દન નક્કામી કસરત છે. તમે જ કહો, આ બધું કરી કરાવીને સ્ટુડન્ટને કોઈ ફાયદો થાય છે? બસ, આગુ સે ચાલી આઈ હૈ, એટલે પ્રથા ચાલુ રાખવાની. બાળકો કંટાળે એમાં એમનો વાંક નથી. પછી મમ્મી-પપ્પા પાસે પૈસા હોય તો આ એક્સ્ટ્રા કામ માટે માનવ રોબોટ રાખે. ચીનમાં બનેલી ઘટના સોશિયલ મીડિયામાં ચમકી ત્યારે ઘણાએ છોકરીના આઇડિયાને ટેકો પણ આપ્યો. એમનું કહેવું હતું કે કોઈપણ કામ કરવામાં ટેક્નોલોજીની, મશીનની મદદ મળતી હોય તો શું કામ ન લેવી? અને હા, હવે તો આપણે માત્ર બોલીએ અને સામે લખાઈ જાય એવા પ્રોગ્રામ્સ આવી ગયા છે તો શું કામ કલાકો સુધી લખવાની મજૂરી કરવી?
આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે?
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP