આપણી વાત / તમને ઇન્વિટેશન મળ્યું?

article by varsha pathak

વર્ષા પાઠક

Feb 13, 2019, 04:19 PM IST

એક મોટી હસ્તી છે. તેની સાથે તમે કોઈ જાહેર કાર્યક્રમ કે કોઇ ઓળખીતાએ આયોજિત કરેલા કાર્યક્રમ વિશે વાત કરો તો હંમેશાં એવું જ લાગે કે, સહુથી પહેલું ઇન્વિટેશન એમને જ મળી ગયેલું... યજમાને વિશેષ આગ્રહ એમને જ કર્યો છે... પણ એમને પ્રસંગમાં કે કાર્યક્રમમાં જવાનો ટાઇમ નથી... દરરોજ ઇન્વિટેશન્સ મળે એમાંથી કેટલાંને માન આપે, પણ સામેવાળાને ખરાબ ન લાગે એટલે કદાચ દસેક મિનિટ હાજરી પુરાવવા જશે કે પછી એમના વતી કોઈ માણસને મોકલી દેશે.
આ વીઆઈપી એટલે કે વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન સાથે મારા જેવા વી.સી. અર્થાત્ વેરી કોમન સાથેનો સંવાદ કંઈક આવો ચાલે...:

  • એકમેકને સારું લગાડવાની, પોતાનું મહત્ત્વ બતાવવા માટેની જ આ પળોજણ છે? આવા કાર્યક્રમોનો શું અર્થ?

વી.સી. : ‘મીતાબહેનના દીકરાના મેરેજમાં આવશો ને?’
વી.આઈ.પી. : ‘તમને ઇન્વિટેશન મળ્યું?’
વી.સી. : ‘હા, મને હજુ આજે જ કાર્ડ મળ્યું.’
વી.આઈ.પી. : ‘ઓહો! મને તો ગયા શનિવારે મળી ગયું.’
વી.સી. : ‘વેલ, તમે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવશો ને?’
વી.આઈ.પી. : ‘મારે ત્યાં કુરિયરમાં કાર્ડ મોકલ્યા પછી મીતાબહેને ખાસ ફોન કરીને કહ્યું કે સોરી, એમણે તો જાતે આવવું જોઈએ, પણ અચાનક બધું ગોઠવાઈ ગયું, એટલે ‘રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ થયો છે.’
વી.સી. : ‘ તો તમે શું કરવાના છો?તમે આવશો?’
વી.આઈ.પી. : ‘પછી તો એમણે બીજા પાંચ વાર ફોન કર્યાં. કહે છે કે ગમે તેમ કરીને તમારે મારે ત્યાં આવવું જ પડશે. નહીં આવો તો એ હંુ નહીં ચલાવી લઉં. પછી આપણો સંબંધ પૂરો.’
વી.સી. : ‘એટલે તમે આવશો?’
વી.આઈ.પી. : ‘આપણી પાસે ક્યાં એવો ટાઇમ છે? બિઝનેસના કામમાં એટલા બિઝી રહેવું પડે છે કે માથું ઊંચું કરવાનો ય ટાઇમ મ‌ળતો નથી.’
વી.સી. : ‘ઓહ, આઇ સી! એટલે તમારાથી નહીં અવાય એમ જ ને?’

વી.આઈ.પી. ‘જોઈએ, મીતાબહેન બહુ આગ્રહ કરે છે એટલે નહીં જાઉં તો પણ એમને ખૂબ જ માઠું લાગશે. ગમે તેમ કરીને થોડી વાર કામને બાજુ પર મૂકીને પણ પંદર મિનિટ પૂરતી હાજરી પુરાવી દઇશ, એમ વિચારું છું. નહીં તો પછી મારા માણસ સાથે ગિફ્ટ અથવા તો ફ્લાવર બુકે મોકલાવી દઈશ.’

આવા કોઈ વીઆઈપી ભાઈ કે બહેન સાથે તમારો પણ ભેટો થયો હશે. એમને મન કોઈ પ્રસંગની ઉજવણી કરતાંય પોતાને ક્યારે ઇન્વિટેશન મળ્યું અને પ્રસંગમાં હાજર રહેવા માટે કેટલી વાર આગ્રહના ફોનકોલ્સ આવ્યા, એની વાત કરવાનું વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સામેવાળા પાંચ-દસ વાર ફોન કર્યા એટલે વિચારું છું કે જવું જોઈએ પણ...

એમાંય એ જે પ્રસંગની વાત કરતા હોય એમાં તમને આમંત્રણ ન મળ્યું હોય તો ખાસ, ભાર દઈને કહે કે પેલા લોકોએ માત્ર ખાસ ખાસ, સિલેક્ટેડ કહેવાય એટલી વ્યક્તિઓને જ બોલાવી છે. ઓન્લી એલિટ પીપલ આર ઇન્વાઇટેડ! અને આવા એક્સક્લુઝિવ કે પછી ઓર્ડિનરી, જેમાં મારા જેવા લોકોને પણ ઇન્વિટેશન મળ્યું હોય એવા ફંક્શનમાં મોંઘેરી હાજરી આપી આવ્યા બાદ પણ આ વીઆઈપી. શું કહેશે, એ લગભગ નક્કી જ હોય.
‘મને જોઈને મીતાબહેનની ખુશીનો તો પાર ન રહ્યો. હરખઘેલાં થઇને મારી સામે દોડી આવ્યા. બધાની સાથે મારો પરિચય કરાવ્યો. ભોજન કરવા જેટલો મારી પાસે સમય જ નહોતો તેમ છતાં એ લોકોએ એટલો બધો આગ્રહ કર્યો કે મારે પરાણે જમવું પડ્યું. પ્રસંગમાં હાજર બદલ મારો એમણે બિચારાએ વારંવાર આભાર માન્યો.’

બિચારા મીતાબહેન! એમને ત્યાં યોજેલા કાર્યક્રમમાં સામેલ થવા માટે હોશભેર આમંત્રણ આપનારા, એમાં હાજર રહેવા માટે ખરા દિલથી આગ્રહ કરનારા અને હાજર રહો તો ખરેખર ખુશ થઈને આભાર વ્યક્ત કરનારા લોકોને જોકે, ખબર પડતી હશે કે, સામેવાળા, પોતાને ‘બડા આદમી’ ગણનારા માણસો આ બધાનો શું અર્થ કાઢે છે?
આમાંથી વળી બીજો સવાલ એ ઊપજે કે આટલી હોશિયારી-ફિશિયારી માર્યા બાદ તમારા ઉપર ઉપકાર કરતા હોય, એમ તમારે આંગણાની શોભા વધારનારા લોકોથી ખરેખર પ્રસંગની શોભા વધતી હશે? ઘણી વાર એવું પણ બને કે આમંત્રણ આપનારા પણ કચવાટ અનુભવતા હોય છે. ‘મારી તો ઇચ્છા નહોતી પણ ફલાણાને બોલાવવા પડે, આગ્રહ કરવો પડે, એને ભાવ ખાવાની આદત છે એટલે પાંચ-સાત વાર ફોન કરવા પડે, બિઝનેસને કારણે તેમની સાથે સંબંધ રાખ્યા વિના છૂટકો નથી. અરે, મારે તો આટલું બધું મોટે પાયે કરવું જ નહોતું પણ વ્યવહાર તો સાચવવો જ પડે. બધાને ત્યાં પ્રસંગમાં જમી આવ્યા પછી એમને આપણે ત્યાં જમાડવા પડે અને વણજોઇતા લોકોનેય નોતરવા પડે. ન કહીએ તો ખરાબ લાગે!...’

યજમાન માને કે, ‘નહીં બોલાવીએ તો માઠું લાગશે.’ મતલબ કે એકમેકને સારું લગાડવાની, પોતાનું મહત્ત્વ બતાવવા માટેની જ આ પળોજણ છે? આવા કાર્યક્રમોનો શું અર્થ?’

ચાલો માની લો કે લગ્ન અથવા મરણ પ્રસંગે તો બંને પક્ષે પરાણે આવા વ્યવહાર સાચવવા પડે, પરંતુ નાના-મોટા પ્રસંગે યોજાતી પાર્ટીમાં આવું શું કામ થવું જોઈએ? યજમાન અને મહેમાન, બંનેને એકસરખો ઉત્સાહ અને આનંદ ન હોય તો આવી પાર્ટીનો શું ફાયદો?

પાર્ટી એટલે જ્યાં બધાએ મળીને મજા કરવાની હોય, જેને મજા ન આવતી હોય અેને ન આવવાની છૂટ હોવી જોઈએ. માણસને કોઈ વાર ખરેખર કંટાળો પણ આવી શકે ને? એવા સંજોગોમાં એને જોકે ટેન્શન ન રહેવું જોઈએ કે, યજમાનને ખરાબ લાગશે. અને લેખની શરૂઆતમાં જે વીઆઈપી હસ્તીઓની વાત કરી, એમણે પણ સમજી લેવું જોઈએ કે એમના નહીં જવાથી કોઈ પ્રસંગ અધૂરો નથી રહી જવાનો કે ઝાંખો નથી પડી જવાનો અને એમને યજમાને પાંચવાર ફોન કર્યા, આ સાંભળીને બીજા મહેમાનો ઇમ્પ્રેસ પણ નથી થઈ જવાના! એટલે, જવું હોય તો જાવ, નહીં તો મૂંગા રહો.
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી