આપણી વાત / સ્ત્રી પૈસા જોઈને પરણે તો શું વાંધો છે?

article by varsha pathak

વર્ષા પાઠક

Feb 06, 2019, 12:57 PM IST

છેલ્લા એક અઠવાડિયામાં એકમેકથી સાવ જુદી લાઇફસ્ટાઇલ અને સ્વભાવ ધરાવતી બે સ્ત્રીને મળવાનું થયું અને આટલા વર્ષે, એ બંને જણને એક જ મુદ્દા પર સંપૂર્ણપણે સહમત અને ગુસ્સે થતી જોઈ. આ સ્ત્રીઓમાં એકને આપણે ચારુલ અને બીજીને હેતલના નામે ઓળખશું. કોઈ ગરીબ કે મિડલ ક્લાસ છોકરી શ્રીમંત પુરુષને પરણે ત્યારે પીઠ પાછળ ઘણા લોકો બોલે છે કે, ‘શાણીએ બરાબરનો બકરો પકડ્યો છે’ કે પછી ‘She is a gold digger.’ ગુજરાતી, અંગ્રેજી કે બીજી કોઈપણ ભાષામાં બોલાતા આ પ્રકારનાં વાક્યોનો અર્થ એક જ થાય છે કે લાલચુ છોકરીએ પ્રેમ નહીં પૈસા જોઈને લાઇફ પાર્ટનર પસંદ કર્યો છે. મને મળેલી બંને સ્ત્રીઓને આવાં વાક્યો અને અભિપ્રાય સામે સખત વાંધો છે. ‘બકરો પકડ્યો છે, એટલે શું કહેવા માંગો છો?’ ચારુલ ખાસ્સી ગુસ્સે થયેલી.

  • ગરીબ છોકરી ગરીબને પરણે તો આપણને કોઈ વાંધો નથી આવતો, પણ પૈસાદારને પસંદ કરે તો શું કામ એની દાનત પર શંકા ઉપજે છે?

હેતલે વળી આનાથી એક ડગલું આગળ જઈને કહ્યું કે કોઈ સ્ત્રી સમજી વિચારીને એવું કરતી હોય, તોયે શું ખોટું છે? હેતલના શબ્દોમાં દરેક સ્ત્રીને ‘ગોલ્ડ ડિગર’ હોવાનો અધિકાર છે. બંને ફિફટી પ્લસ, ઇન્ટેલિજન્ટ સ્ત્રીઓના ગુસ્સા પાછળ સોલિડ લૉજિક છે. આજે એની વાત કરીએ.

ચારુલ સાવ સીધી, મુદ્દાનો પ્રશ્ન પૂછે છે- છોકરી ધારો કે પૈસાદાર છોકરો પસંદ કરે તોયે કંઈ એના માથે બંદૂક મૂકીને પરણવા માટે મજબૂર કરે છે? લગ્ન માટે છોકરો હા પાડે ત્યારે લગ્ન થાય છે ને? અહીં, મા-બાપની જબરદસ્તીને પરિણામે નછૂટકે થઈ જતાં લગ્નોની વાત નથી. નાતજાત, લોકલાજ, પરિવારની પ્રતિષ્ઠા, એવા કારણસર વડીલો દ્વારા નક્કી થતા સંબંધો એ સાવ જુદો વિષય છે અને આજે અહીં એની ચર્ચા નથી કરવી. વાત છે, જ્યારે છોકરી એનો લાઇફ પાર્ટનર પસંદ કરે. જ્યારે પરસ્પર સમજૂતિ, સહમતિથી લગ્ન થતાં હોય ત્યારે કોઈ પણ છોકરીએ પૈસાદાર બકરો પકડ્યો એવું કહીને છોકરીને ખરાબ ચીતરી નાખવાનો અધિકાર કોઈને નથી. છોકરાએ પણ એની થનારી પત્નીમાં કંઈક તો જોયું હશે ને?
હેતલ આ જ મુદ્દો આગળ લઈ જાય છે. એ સ્પષ્ટ શબ્દોમાં પૂછે છે કે લોકો જેને ‘પૈસાદાર બકરો’ કહે એ કેટલીવાર કદરૂપી કે જેને આપણે અનાકર્ષક કહીએ એવી છોકરીને પસંદ કરે છે? લગભગ દરેક શ્રીમંત છોકરો, અરે એના પરિવારજનો પણ લગ્નની વાત આવે ત્યારે સુંદર કન્યા શોધે છે. શ્રીમંત પરિવારના બેડોળ, અરે ક્યારેક તો બેઅક્કલ છોકરા માટે પણ કન્યા તો સ્વરૂપવાન જ શોધાય છે. માનવામાં ન આવે તો આસપાસ નજર નાખી લ્યો. આવા વખતે કોઈ નથી કહેતું કે છોકરાએ બરાબરની બકરી પકડી. મતલબ છોકરી પૈસા જુએ ત્યારે છોકરો પણ સામે રૂપ જુએ છે ને? એન્થ્રોપોલોજી ભણેલી હેતલને અહીં ઉત્ક્રાંતિનો નિયમ પણ દેખાય છે. એ કહે છે કે સદીઓથી સ્ત્રી હંમેશાં એવા પુરુષને પસંદ કરતી આવી છે, જે સશક્ત, બળવાન હોય અને સ્ત્રીનું ભરણપોષણ, રક્ષણ કરી શકે. સ્ત્રી ગમે તેટલી શક્તિશાળી, મહેનતુ હોય, પણ અમુક સમયે, ખાસ કરીને ગર્ભવતી થાય, બાળકને જન્મ આપે ત્યારે એને પુરુષની જરૂર પડતી, જે એના માટે શિકાર કરવા જાય, ખાવા-પીવાનું લઈ આવે, જંગલી જાનવરોથી એને બચાવે વગેરે વગેરે. ટૂંકમાં, સ્ત્રીના પાલક-રક્ષકની ભૂમિકા પુરુષે ભજવવાની હતી. એટલે સ્ત્રી એવા જ સાથીદારની પસંદગી કરે એ સ્વાભાવિક હતું અને પછી શારીરિક બળ કરતાં આર્થિક બળનું મહત્ત્વ વધ્યું, ત્યારે પણ આ મનોવૃત્તિ ભાગ ભજવતી રહી.

માણસ પાસે શરીર ઉપરાંત પૈસા અને સત્તાનું બળ વધે, ત્યારે એના માટે કોઈપણ ક્ષેત્રમાં પસંદગી કરવાની શક્તિ અને અધિકાર પણ વધે. શક્તિશાળી પુરુષો સુંદર સ્ત્રીઓને પસંદ કરવા લાગ્યા. આમાં માત્ર પોતાની શારીરિક ઇચ્છા ઉપરાંત ભાવિ પેઢીનો વિચાર પણ ભાગ ભજવતો હતો. સ્ત્રી હેલ્ધી, બ્યૂટીફૂલ હોય તો એનાં જેવાં સંતાનોને જન્મ આપે. પુરુષ ભલે ગમે તેવો દેખાતો હોય, પણ ભાવિ પેઢી દેખાવડી હોય એવું જરૂર ઇચ્છે. કબીલાના સરદારથી માંડીને, રાજા, અંડરવર્લ્ડના ડૉન, પાવરફુલ પોલિટિશિયન્સ, ઉદ્યોગપતિઓ, શ્રીમંત વેપારીઓ બધાંય લગ્ન કરવા માટે સુંદર કન્યા શોધતા આવ્યા છે. હેતલ આના માટે ‘cleansing of gene pool’ જેવો શબ્દ વાપરે છે. ભલે મજાકમાં બોલી હોય પણ વાસ્તવિકતા છે. પૈસા વધતા જાય તેમતેમ ઘરમાં વધુ ને વધુ સુંદર સ્ત્રીઓ આવતી જાય અને મોટાભાગના કિસ્સામાં પેઢી દર પેઢી સંતાનો પણ વધુ ને વધુ દેખાવડાં થતાં જાય. એટલે જ સામાન્ય લોકોની તુલનાએ રાજપરિવારોના લોકો કમ સે કમ દેખાવમાં તો સહેજ વધુ સારા હતા. નાનપણથી સાંભળેલી વાર્તાઓમાં પણ રાજકુમારને ગમી ગયેલી છોકરી કોઈ રાજાની દીકરી હોય કે ગરીબ દુઃખી કન્યા, પણ રૂપરૂપનો અંબાર તો હોય જ. મુકુટમાં તો મણિ જ જોઈએ. આ મુદ્દે એમની ક્યારેય ટીકા થઈ છે?

ફિલ્મ અભિનેત્રીઓ ઉદ્યોગપતિઓને પરણે ત્યારે એક જમાનામાં(કદાચ આજે પણ?) એવી ગુસપુસ થાય છે કે ભવિષ્યની સલામતી માટે મોટો બકરો શોધી લીધો, પણ હકીકત એ છે કે આપણે જેમને બકરા કહીએ છીએ એ પુરુષોએ પહેલ કરી હોય છે. સફળ ફિલ્મ અભિનેત્રીમાં સુંદરતા અને ગ્લૅમરનું મિશ્રણ હોય છે અને એને મેળવીને પુરુષનો અહમ્ પણ સંતોષાય છે. એ સ્ત્રીઓ પોતાની લાઇફસ્ટાઇલ જાળવી શકે એવો સાથીદાર મેળવીને ખુશ રહે છે. આને સોદો કહો તોયે ભાગ્યે જ કોઈને ખોટ
જાય છે.

હવે આ બધું કહેવાનો મતલબ એવો નહીં કે સ્ત્રી પૈસા જુએ અને પુરુષ સૌંદર્ય, એ સંબંધમાં પ્રેમ હોય જ નહીં કે એ ટકે નહીં. નો સર, નો મેડમ, મોટાભાગના કિસ્સામાં યુવાન વયે જોડાતા સંબંધમાં શરૂઆતમાં તો પ્રેમ અને આકર્ષણ હોય જ છે. પછી કદાચ ઘટી જાય તોયે બંને જણ પોતાના સ્વાર્થે સંબંધ ટકાવી રાખે છે. ઘરડો ખખ અમીર પુરુષ યુવાન સુંદર સ્ત્રીને પરણે ત્યારે અંદરખાને બંને પક્ષ એકબીજાના ઇરાદાથી સભાન હોય છે. બંને કિસ્સામાં સંબંધિત વ્યક્તિઓ પોતપોતાને જોઈતું મેળવે છે. માત્ર સ્ત્રીને બદનામ કરતા પહેલાં વિચારવું.
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી