આપણી વાત / સરકારે નસીરુદ્દીન શાહને થેંક્યૂ કહેવું જોઈએ?

article by varsha pathak

વર્ષા પાઠક

Jan 09, 2019, 04:46 PM IST

શાણો માણસ કોણ કહેવાય? - જે પોતે મહામૂર્ખ હોવાનો દેખાવ કરીને બીજાને એમની હોશિયારીના ભ્રમમાં રાચવા દે અને અંતે ખુદનું ધાર્યું કરે.


આપણી વર્તમાન રાકીય અને સામાજિક પરિસ્થિતિમાં કદાચ અત્યારે આવું જ ચાલી રહ્યું છે. મિનિસ્ટર, એમપી, એમએલએ કે બીજો કોઈ પોલિટિકલ પાર્ટીનો વર્કર સાવ અતાર્કિક લાગે એવું કોઈ નિવેદન કરે. ટીવી ચેનલ અને ન્યૂઝપેપર્સમાં વાદવિવાદ ચાલે. અવિચારી લાગે એવું બોલી નાખનારા લોકો મોટાભાગના કિસ્સામાં પછી એવો બચાવ કરે કે મારા કહેવાનો મતલબ જુદો હતો, પણ મીડિયાએ એને મારીમચડીને ખોટી રીતે રજૂ કર્યું છે. જોકે, એના નિવેદનને સમર્થન આપનારાં કે વાજબી ઠરાવનારા પણ હોય જ.

એક તરફ નસીરુદ્દીન શાહ
અને બીજી તરફ અનુપમ ખેર હોય ત્યારે ઝઘડામાં, રાધર ઝઘડાના નાટકમાં આપણને
રસ પડે તે ખૂબ જ સ્વાભાવિક છે

એ વ્યક્તિ જે પક્ષની હોય એના પ્રવક્તા કહે કે કોઈના વ્યક્તિગત અભિપ્રાયને પક્ષની નીતિ માની ન લેવાય, પણ વાત વકરી જતી લાગે ત્યારે પેલો માણસ ‘હું નિર્દોષભાવે બોલેલો, પણ કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગું છું, એવું કહી દે, પણ વિરોધીઓ આગને ઠારવા ન દે. અયોગ્ય ઉચ્ચારણ કરનારને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માગણી કરે. એની સામે વળી એમનો જ ભૂતકાળ યાદ દેવડાવાય. સાઇબર વર્લ્ડમાં તો ઊહાપોહ મચેલો જ હોય. પોતાને જાગૃત નાગરિક અને વિચારવંત, બુદ્ધિશાળી માનતા લોકો ફેસબુક અને ટ્વિટર પર તલવારો તાણે.


શરૂઆતમાં પેલા નિવેદનને હસી કાઢનારા સામાન્ય નાગરિકોને પણ પછી વાતમાં રસ પડે. રાજકારણમાં બહુ રસ ન લેનારા લોકો પણ પછી અંદરોઅંદર એની ચર્ચા કરે. ટૂંકમાં કહીએ તો કાગનો વાઘ થાય અને એ વાઘ થોડા સમય માટે બીજા બધા કદાચ વધુ મહત્ત્વના કહીએ એવા મુદ્દાઓને ખાઈ જાય. અંતે એ જ થાય, જે પેલો વિવાદ શરૂ કરનાર-કરાવનાર ઇચ્છતા હોય.

મોંઘવારી, ભ્રષ્ટાચાર, સરકારી નિષ્ક્રિયતા, આ બધા પાયાના વિષયોને વિસારે પાડીને લોકો હનુમાન દલિત હતા કે જાટ હતા કે ખરેખર હતા ખરા, એવા વિવાદમાં વ્યસ્ત થઈ જાય અને રાજકારણીઓને થોડો સમય રાહત મળી જાય. આપણે જેને મૂરખ કહ્યો હોય એ માણસ હકીકતમાં બહુ શાણો પુરવાર થાય. ભૂતપૂર્વ પત્રકાર અને પછી કોર્પોરેટ લોયર તરીકેની સક્સેસફુલ કારકિર્દી બનાવનાર હેતલ દેસાઈ આ આખીયે બદમાશી માટે પેલી હિન્દી-મરાઠીના મિશ્રણવાળી જાણીતી ઉક્તિ વાપરે છે- સાલા એડા બનકે પેડા ખાતા હૈ. મરાઠીમાં એડા કે યેડા એટલે ગાંડા અને પેડા એટલે પેંડો. મતલબ પાગલ હોવાનો દેખાવ કરીને મીઠાઈ ખાઈ લેવાની. લોકોની નજરે બેવકૂફ ઠરીને પણ પોતાનું ધાર્યું કરી લેવાનું.

અંધાધૂંધ નિવેદન કરનારને ભલે બુદ્ધિમાનો મૂર્ખ, જુનવાણી, અભણ કહીને ગાળો આપે, પણ હકીકતમાં એ જ શાણો હોય છે. એના પોલિટિકલ માસ્ટર્સ તરફથી જે સૂચના અપાઈ હોય, એને એ બરાબર અમલમાં મૂકી જાણે છે. ભલેને થોડી ગાળો પડે, પણ પક્ષનું કામ થઈ જાય. તમે જ વિચારી જુઓ. ગમે તેવું અવિચારી નિવેદન કરનાર વ્યક્તિની પણ ક્યારેય એના પક્ષમાંથી હકાલપટ્ટી થઈ છે? દેખાવ ખાતર એવું થાય તોયે થોડા સમય બાદ બૅક ડોર એન્ટ્રીની જોગવાઈ પહેલેથી કરી રખાઈ હોય. પક્ષના હિત ખાતર બલિનો બકરો બનવા માટે કદાચ બીજો કોઈ સિક્રેટ રિવૉર્ડ અપાતો હોય એ પણ શક્ય છે.


જરૂરી નથી કે દર વખતે આ કામ માટે પક્ષના જ લોકોને જવાબદારી સોંપાતી હોય. એવુંયે બને કે પહેલી નજરે સરકાર વિરોધી લગતી કોઈ સેલિબ્રિટીને આ પ્લાનમાં સામેલ કરાય. દાખલા તરીકે કોઈ ફિલ્મ એક્ટરને કહેવાય કે તું ભારતમાં વધી રહેલી અસહિષ્ણુતા વિશે કંઈ બોલ. બીજાને એની વિરુદ્ધમાં બોલવાની બ્રિફ અપાય. લોકોને હંમેશાં કોઈ ફિલ્મસ્ટારે શું કહ્યું એ જાણવામાં રસ પડે છે. બહુબહુ તો એવી શંકા દાખવે કે એક્ટર પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યો છે, પણ સાંભળે તો ખરા જ અને અસહિષ્ણુતા એવો મુદ્દો છે, જેના પર દરેક જણને પોતાનો અભિયપ્રાય આપવાની ચળ હોય છે. બસ, થોડો સમય કાંદા બટેટાના ભાવ વિસારે પાડીને લોકો જંગના મેદાનમાં ઊતરી પડે. થોડો સમય તો શાસન પ્રશાસનને ઓછી કનડગત થાય.


હવે દરેક વખતે આવું જ બનતું હશે, એવું હું નથી કહેતી. હજીયે એક ડગલું આગળ જઈને કહું તો આ માત્ર એક થિયરી છે, જે મારી પહેલાં પણ થોડા લોકો રજૂ કરી ચૂક્યા છે, પણ ધીમેધીમે એમાં વધુ ને વધુ તથ્ય વર્તાવા માંડ્યું છે. અહીં પ્રામાણિકપણે કબૂલવાનું કે જાણે અજાણે હું પણ કોઈવાર આ કાવતરાનો હિસ્સો બની ગઈ હોઈશ, ફાલતુ વાતને મહત્ત્વ આપતું બોલી કે લખી નાખ્યું હશે. ઉપરછલ્લા ડફોળ લાગતા લોકો પણ ઘણીવાર આપણો ઉપયોગ કરી જતા હોય છે.

એવું માત્ર સત્તાસ્થાને બેઠેલા નથી કરતા. વિપક્ષો પાસે પણ ખાસ કંઈ બોલવા જેવું ન હોય ત્યારે આવા વિવાદ ઉછાળે. ક્યારેક તો એવું લાગે કે એ બંને મળીને જનતાને નકામી વાતોમાં વ્યસ્ત રાખે છે. એક તરફ નસીરુદ્દીન શાહ અને બીજી તરફ અનુપમ ખેર હોય ત્યારે ઝઘડામાં, રાધર ઝઘડાના નાટકમાં આપણને રસ તો પડે. પછી એમાં કૂદી ન પડીએ તો ખુદને હોશિયાર કઈ રીતે સાબિત કરવા? પરંતુ હકીકતમાં કદાચ સહુથી હોશિયાર તો માત્ર પેલો એડો હોય છે, જે નિરાંતે બેસીને પેડો ખાઈ રહ્યો છે.

[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી