આપણી વાત / આપણા દેશમાં બધું સરસ છે એ ન સ્વીકારો તો શું થાય?

article by varsha pathak

વર્ષા પાઠક

Dec 26, 2018, 05:49 PM IST

વાતે વાતે તને વાંકું પડ્યું ને મેં વાતોની કુંજગલી છોડી દીધી...


કવિ જગદીશ જોષીનું આ કાવ્ય બહુ જાણીતું છે. હવે કોઈ પૂછે કે કવિ આમાં શું કહેવા માગે છે, તો મારા જેવા સીધાસાદા લોકો કહે કે જે માણસને વાતવાતમાં ખોટું લાગે છે, એને સમજાવવાની કોશિશ કે તકરાર કરવાને બદલે કવિએ કિટ્ટા જ કરી દીધી. કવિ સ્માર્ટ છે, ‘મારા કહેવાનો અર્થ એવો નહોતો’ એવા ખુલાસા કરવામાં એ સમય કે શક્તિ બગાડતા નથી, પછી ભલે આ અટિટ્યૂડ એમને વેદનાના વૈકુંઠ સુધી લઈ જાય(આખું કાવ્ય વાંચી લેવું). કવિનો ભાવાર્થ જુદો હતો, એ શક્ય છે. મેં તો સમજાયું એ કહ્યું.

ભારતમાં પોતાના અને
બીજાના ભવિષ્યની ચિંતા
કરનાર દરેક વ્યક્તિને દેશની બહાર કાઢી મૂકીએ તો અહીં કેટલા લોકો બચશે?

એનીવે આપણે ત્યાં વર્તમાન સંજોગોમાં જે પ્રોબ્લેમ છે, એ ભલભલા કવિને મૂંઝવી દે એવો છે. અનેક લોકોને વાતેવાતે વાંકું પડે છે અને એ સામેવાળાને કુંજગલી, રાધર કન્ટ્રી છોડી દેવાની સલાહ આપે છે. બોલનારને જવું નથી, બોલતા રહેવું છે અને ધૂળ જેવી બાબતમાં લડાઈ થઈ જાય છે.


ઘણા લોકો જેને ભારતનો જ નહીં, વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન માને છે એ વિરાટ કોહલીએ ગયા મહિને આવું જ કર્યું. કોઈ ક્રિકેટપ્રેમીએ એવા પ્રકારનું વિધાન કર્યું કે વિરાટ અને બીજા ઇન્ડિયન પ્લેયર્સની ગેમમાં એને ખાસ મજા નથી આવતી, એના કરતાં એ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સને જોવાનું વધુ પસંદ કરે છે વગેરે. બસ, કોહલીને ગુસ્સો આવ્યો અને એણે કહી દીધું કે જેમને ઇન્ડિયન પ્લેયર્સ ન ગમતા હોય એમણે ઇન્ડિયામાં રહેવાનું છોડી દેવું જોઈએ.

આ વાતે ઇન્ટરનેટ પર થોડો હોબાળો થયો, પણ આ યુવાન ક્રિકેટર અત્યારે દેશનો લાડકો છે, એટલે એને માફ કરી દેવાયો. જોકે, જાણીતા, પ્રતિષ્ઠિત અભિનેતા નસીરુદ્દીન શાહે સ્પષ્ટ શબ્દોમાં અભિપ્રાય આપ્યો કે વિરાટ કોહલી શ્રેષ્ઠ પ્લેયર છે, પણ સહુથી ખરાબ(worst) વર્તણૂક કરતો કેપ્ટન છે અને શાહે પછી એના વિધાનના અંતે ફૂમતું લટકાવ્યું કે હું ભારત છોડીને ક્યાંય જવાનો નથી. આ વિષયમાં સદ્્નસીબે વિરાટે એના ફેમસ ટેમ્પર પર કાબૂ રાખ્યો અને આપણાં બધાંનાં સદ્્નસીબે કોઈ પોલિટિકલ પાર્ટી કે પોતાને રાષ્ટ્રવાદી ગણાતી સંસ્થા અને વ્યક્તિએ વધુ તોફાન કર્યું નહીં, પણ હમણાં નસિરુદ્દીન શાહે ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં બની ગયેલી ઘટનાને ટાંકીને કહ્યું કે આ દેશમાં પોલીસ ઓફિસર કરતાં એક ગાયના મોતને વધુ મહત્ત્વ અપાય છે, તો અનેક લોકો ભડકી ગયા. એક્ટરને રાષ્ટ્રવિરોધી અને ગદ્દાર જેવાં વિશેષણો અપાયાં.

શાહે હિન્દુ સ્ત્રી રત્ના પાઠક સાથે લગ્ન કર્યાં છે. એમણે કહ્યું કે, ‘એમને એમનાં બાળકોના ભવિષ્યની ચિંતા થાય છે. કાલે ઊઠીને કોઈ ટોળું એમને ઘેરી લઈને પૂછે કે તમારો ધર્મ શું છે, તો એ જવાબ નહીં આપી શકે, કારણ કે મેં અને મારી પત્નીએ ઘરમાં એમને કોઈ ધાર્મિક શિક્ષણ નથી આપ્યું, માત્ર સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે.’ તો શાહ એન્ડ ફેમિલીને દેશ છોડી દેવાની સલાહ અપાઈ. એક સંસ્થાએ તો નસિરુદ્દીન માટે 14 ઓગસ્ટની મુંબઈથી કરાચી થતી ફ્લાઇટમાં ટિકિટ બુક કરીને ટ્વિટર પર પોસ્ટ પણ કરી દીધી. 14 ઓગસ્ટ પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિન છે. આ સ્પષ્ટ વક્તા અભિનેતા જોકે પોતાના નિવેદનને વળગી રહ્યા છે. એ કહે છે કે ભારત મારો દેશ છે અને એક ચિંતિત નાગરિક તરીકે મેં મારી વ્યથા વ્યક્ત કરી છે.


હવે પહેલો પ્રશ્ન એ કે દેશની અને પોતાના પરિવારના ભવિષ્યની કોઈને ચિંતા થાય તો એને દેશદ્રોહી ગણી લેવાના? અને બીજો પ્રશ્ન એ કે પોતાના દેશ વિશે કંઈ ખરાબ બોલાઈ રહ્યું છે, એવો ગુસ્સો માત્ર અમુક ધાર્મિક, રાજકીય વિચારધારા ધરાવતા લોકોને જ શું કામ આવે છે? એમને પોતાના દેશની કે ભાવિ પેઢી વિશે ફિકર નથી થતી? એમને વર્તમાન ભારતમાં અત્યારે જે થઈ રહ્યું છે, એ બધું સારું જ લાગે છે? અને સ્પષ્ટ શબ્દોમાં પૂછીએ તો દેશમાં અસહિષ્ણુતા વધી છે, એવું કોઈ કહે ત્યારે માત્ર હિન્દુઓને કેમ ગુસ્સો આવે છે, પોતાનું અને પોતાના દેશનું અપમાન થઈ ગયેલું લાગે છે? ધાર્મિક કટ્ટરતા અને અસહિષ્ણુતા તો આપણે ત્યાં દરેક ધર્મ અને સંપ્રદાયમાં વધી છે, એ હકીકતનો ઇન્કાર કરનાર છતી આંખે આંધળા કહેવાય.

પદ્માવતી અને કેદારનાથ જેવી ફિલ્મોને અમુક રાજ્યોમાં રિલીઝ થતી અટકાવાઈ ત્યારે કટ્ટરવાદી હિન્દુ જૂથોની ટીકા થઈ અને થવી જ જોઈએ, પણ ભૂતકાળમાં મુસ્લિમોના ગુસ્સાથી ડરીને ફિલ્મોનાં નામ બદલી નખાયેલાં, મુસ્તફાનું ગુલામે મુસ્તફા અને તલાકનું નિકાહ કરવું પડેલું, એ યાદ છે ને? શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકારે ઉલટાવી નાખેલો એ પણ ભુલાયું નથી. ટૂંકમાં, અસહિષ્ણુતા વર્ષોથી બધા પક્ષે છે અને પ્રસંગોપાત દરેક પક્ષને રાજકીય ટેકો મળતો રહ્યો છે, પણ તો પછી આવી કોઈ લોજિકલ દલીલ કરવાને બદલે અમુક લોકો સીધા તોફાન પર કેમ ઊતરી આવે છે? જેને જે કહેવું હોય તે કહેવા દો. આપણને અસહિષ્ણુ કહેનાર પર તૂટી પાડીએ તો અસહિષ્ણુતાનો આરોપ સાચો ઠરે કે નહીં?

આવા થોડા લોકોને કારણે બધા હિન્દુઓએ અસહિષ્ણુ હોવાનો આક્ષેપ સહન કરવો પડે છે અને પોતાની સહિષ્ણુતા સાબિત કરવા માટે હિન્દુઓએ હિન્દુને ગાળો આપવી પડે છે. ટૂંકમાં, અસહિષ્ણુતાનો વધી રહેલો વ્યાપ સહુને પજવે છે. આ વાસ્તવિકતા સામે આંખમીંચામણાં કરવાથી આપણી રાષ્ટ્રભક્તિ સિદ્ધ નથી થઈ જવાની અને કોઈ નાગરિકને બીજા નાગરિકને દેશબહાર કાઢવાનો, અરે! એવું બોલવાનો પણ અધિકાર નથી.


દેશપ્રેમીઓ દેશમાં જ રહે એવું માની લઈએ તો કહો કે, સ્વેચ્છાએ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થઈ જતાં લોકોમાં કઈ જાતિના લોકો વધુ છે? એવા લાખો બિનમુસ્લિમ મા-બાપો છે, જે પોતાનાં બાળકોને ભણાવીને વિદેશ મોકલવાનાં સપનાં જુએ છે, બાળકોના ભવિષ્યનું બહાનું આગળ ધરીને પોતે બીજા દેશનું નાગરિકત્વ મેળવવા મથે છે. એ લોકો કઈ જાતિ અને ધર્મના છે? એ બધા માટે કહી શકાય કે એમને ભારત માટે પ્રેમ નથી? કદાચ નથી, તો પછી એમને ગદ્દાર ગણીને એમના ઘેર મોરચો લઈ જવાય છે?


ભારત છોડી ગયેલા કથિત ભારતપ્રેમીઓ ત્યાં બે-ચાર મંદિરો બાંધીને, કથાવાર્તાનું આયોજન કરીને કે નવરાત્રિમાં રાસગરબા રમીને પોતાને સવાયા હિન્દુ, ભારતીય અને ભારતીય-હિન્દુ સંસ્કૃતિના રક્ષક ગણાવે છે અને દૂર બેઠાં બેઠાં ઇન્ડિયા અને ઇન્ડિયન કલ્ચરની ચિંતાનો દેખાવ કરે છે. અત્યારે ભારતની સ્થિતિ બહુ ખરાબ છે, એવું કહેનાર આપણને ગદ્દાર લાગે છે, તો છેલ્લાં ચાર વર્ષને બાદ કરતાં છેક આઝાદીના સમયથી દેશ અને દેશવાસીઓ કંગાળ, દુઃખી જ હતાં એવું દેશવિદેશમાં બોલનાર મોટો કે મોટી દેશપ્રેમી ગણાય?


મુદ્દો એ છે કે ઘણા લોકોને વાસ્તવિકતા સ્વીકારવાનું નથી ગમતું. દાખલા તરીકે થોડા સમય પહેલાં સ્નેપચેટના સીઇઓ ઇવાન સ્પીગલના નામે એવું નિવેદન ફરતું થયું કે એમનું એપ શ્રીમંત દેશો માટે છે, ભારત કે સ્પેન જેવા ગરીબ દેશો માટે નહીં, તો ભારતના લોકોને ગુસ્સો આવી ગયો. કોઈ આપણને ગરીબ કહી જાય? સોશિયલ મીડિયા પર ઇવાનના માથે એટલાં માછલાં ધોવાયાં કે એણે હજાર ખુલાસા કરવા પડ્યા. કેમ ભાઈ, એણે ભારતને ગરીબ દેશ કહ્યો હોય તોયે એમાં કોઈ હકીકતદોષ હતો? આપણે બહુ સધ્ધર, શ્રીમંત છીએ? પોતાના સ્માર્ટફોન પરથી સ્નેપચેટ ઉડાવી દેવાની હાકલ કરનારા બહુ મોટા રાષ્ટ્રભક્ત કહેવાય કે શાહમૃગવૃત્તિનાં જીવતાંજાગતાં ઉદાહરણ? અને એ પછી પણ સ્નેપચેટ વાપરનારને ભારત છોડી દેવાનો આદેશ આપી શકાય?

[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી