ફાંસીની સજા જવી જોઈએ?

article by varsha pathak

વર્ષા પાઠક

Dec 05, 2018, 12:05 AM IST

છત્તીસગઢના બોરિદ ગામમાં રહેતા છન્નુલાલ વર્માએ વર્ષ 2011ના ઓક્ટોબર મહિનામાં બે સ્ત્રી સહિત ત્રણ જણની હત્યા કરી. ગામની એક મહિલા પર બળાત્કાર કરવાના કેસમાં આ લોકોએ છન્નુલાલ વિરુદ્ધ જુબાની આપેલી. જેલમાં એક વર્ષ રહ્યા બાદ છન્નુલાલ તો નિર્દોષ છૂટી ગયો, પણ એના મનમાં જે ગુસ્સો ભડભડતો હતો, એમાંથી પછી હત્યાકાંડ રચાઈ ગયો.

અમાનુષી અપરાધ વિશે સાંભળીએ ત્યારે પહેલો વિચાર એ આવે કે આવું કરનારને તો જાહેરમાં ફાંસીએ લટકાવી દેવો જોઈએ

છત્તીસગઢની ટ્રાયલ કોર્ટે આ ટ્રિપલ મર્ડર કેસમાં છન્નુલાલને ફાંસીની સજા ફરમાવી. આ ફેંસલા સામે હાઈકોર્ટમાં અપીલ થઈ. ત્યાં પણ મોતની સજા યથાવત્ રહી. છેવટે કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. ત્યાં જસ્ટિસ દીપક ગુપ્તા, હેમંત ગુપ્તા અને કુરિયન જોસેફ. આ ત્રણ ન્યાયમૂર્તિની બનેલી બેંચે સર્વાનુમતે છન્નુલાલની ફાંસીની સજા રદબાતલ કરીને એને આજીવન કેદમાં ફેરવી નાખી.


આવું કોઈ કોઈ વાર થાય છે અને ફરિયાદી સિવાય બીજા લોકો થોડા સમયમાં એ વીસરી જાય છે, પણ આ વખતે વાત થોડી લંબાઈ ગઈ. આ કેસની સુનાવણી પછી તરત નિવૃત્ત થયેલા જસ્ટિસ કુરિયન જોસેફે પોતાનો અંગત મત જાહેર કર્યો કે ભારતમાં મૃત્યુદંડને કાયમી વિદાય આપી દેવી જોઈએ. છન્નુલાલ કેસ સાંભળનારા બીજા બંને જજીસ હજી મૃત્યુદંડની તરફેણમાં છે, પરંતુ મોતની સજાની તરફેણ અને વિરોધમાં વર્ષોથી થઈ રહેલા વિવાદે પાછું જોર પકડ્યું છે. બંને પક્ષ પાસે સબળ દલીલો છે. ફાંસીની તરફેણ કરનારા કહે છે કે, ભયાનક અપરાધ કરનારને મોતની સજા મળે તો બીજા લોકો આવું કરતા અચકાય, પણ વિરોધીઓ કહે છે કે આવો ભય હોય તોયે લોકો હજી અપરાધ કરતા અટકાયા નથી અને કોઈ પણ સજાનો મુખ્ય હેતુ હોય છે ગુનેગારને એનું કુકર્મનું ફળ ભોગવવું પડે, પણ સાથે સાથે પ્રાયશ્ચિત્ત કરવાનો, સુધરવાનો મોકો પણ મળે. જીવના બદલામાં જીવ લઈ લેવો એ તો જંગાલિયત છે.


ન્યાયિક બાબતોના નિષ્ણાતો, સમાજશાસ્ત્રીઓ, માનવાધિકાર માટે ચળવળ કરનારા - આ બધા લોકો બહુ વિસ્તારપૂર્ણ દલીલો કરે છે અને કરશે, પરંતુ કોને ખાતરી છે કે મારા જેવા બીજા લાખો લોકો છે જે હજી પાકા પાયે નક્કી નથી કરી શકતા કે ફાંસીની સજા રાખવી જોઈએ કે કાઢી નાખવી જોઈએ. કમકમાટી થઈ જાય એવા અમાનુષી અપરાધ વિશે સાંભળીએ ત્યારે પહેલો વિચાર એ આવે કે આવું કરનારને તો જાહેરમાં ફાંસીએ લટકાવી દેવો જોઈએ, પણ પછી એવું લાગે કે કાયદાને નામે હત્યારાની હત્યા કરવી, એ પણ અપરાધ જ છે ને!


પોલીસ એન્કાઉન્ટરના મુદ્દે પણ ઘણા અંશે આવી જ અવઢવ થાય છે. એક તરફ એવું થાય કે પોલીસ મહેનત કરીને ગુંડાને પકડે. અદાલતમાં કેસ ચાલે અને પછી સ્માર્ટ વકીલ એને છોડાવી જાય. પેલાની ગુંડાગીરી ઓર વકરે. થોડો સમય એને જેલમાં રાખો તોયે સરકારી મહેમાનગતિનું બિલ તો આપણે ભરવું પડે. એને બદલે ધડ-ધડ કરીને ઉડાવી દો. કાયમની માથાકૂટ મટે, પણ પછી યાદ આવે કે આપણે જંગલરાજમાં નથી રહેતા. અદાલતો અમસ્તી નથી ઊભી કરાઈ અને કોઈ વાર એન્કાઉન્ટર કરનારના અંગત સ્વાર્થ પ્રત્યે આંગળી ચીંધાય ત્યારે મૂંઝવણ વધે.


તો આખરે આપણને એટલે કે સામાન્ય નાગરિકને શું જોઈએ છે? ફિલ્મો સમાજનું પ્રતિબિંબ છે કે પછી ફિલ્મો જોઈને સમાજમાં અભિપ્રાયો ઘડાય છે, એ ચર્ચાનો વિષય છે, પરંતુ એક વાત નક્કી કે આપણે ત્યાં જે પ્રકારની ફિલ્મો બને છે, લોકપ્રિય થાય છે, એ જોતાં લાગે કે આપણામાંથી મોટાભાગના લોકોને અપરાધની તત્કાળ સજા કે અદાલતની બહાર હીરો સ્ટાઇલમાં થતા હિંસક ફેંસલા વધુ ગમે છે.


પોલીસ ડિમાર્ટમેન્ટમાં કામ કરતો હીરો ભલે ‘કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ’ એવું બોલ્યા કરે, પણ કાનૂનથી અનેકગણા લાંબા, ઝડપી પગ ધરાવતો બદમાશ હંમેશાં છટકી જાય. છેવટે હીરો એની ખાખી વર્દી ઉતારીને મેદાને પડે કે પછી થોડા ગેરકાનૂની લાગે એવા પેંતરા અજમાવે ત્યારે ગુંડાનો બેડો ગરક થાય. દેશની ન્યાયવ્યવસ્થામાંથી વિશ્વાસ ગુમાવી દેનાર સામાન્ય નાગરિક પણ કાયદો હાથમાં લઈને ધડાકાભડાકા કરે ત્યારે દર્શકો ખુશ થાય. ‘વેડનસડે’ અને ‘રંગદે બસંતી’ જેવી બહુ સન્માન પામેલી ફિલ્મોમાં આવું જ હતું ને? સત્યાના પરેશ રાવલ જેવો એક્ટર એના સિનિયરને ‘સર, હમે હમારે તરીકે સે કામ કરને દો’ એવી જાતનો ડાયલોગ ફટકારે એટલે સમજી લેવાનું કે હવે બદમાશોની ખેર નથી. કમ સે કમ ફિલ્મમાં તો આવું જોઈને રાજી થઈએ. સલમાન ખાનની ‘દબંગ’ શું કામ આટલી હિટ ગઈ છે?


ફિલ્મમાં સીધાસાદા નાગરિકની ભૂમિકા ભજવતા હીરો કે હિરોઇનને પોલીસ દાદ ન આપે અને એ કાનૂનની ઐસીતૈસી કરીને હિંસા પર ઊતરી આવે. વિલનની લાશ પાડી દે, ત્યારે આપણી સહાનુભૂતિ એની સાથે હોય છે. ક્રાંતિવીરનો નાના પાટેકર, NH-10ની અનુષ્કા શર્મા, શહેનશાહનો અમિતાભ બચ્ચન (રાતે પોલીસ યુનિફોર્મ ઉતારીને નીકળનારો) આપણને કેટલાં ગમી ગયેલાં?


વાસ્તવિક જીવનમાં કોઈ મુસ્લિમ રાષ્ટ્રની અંદર ગુનેગારના હાથ કાપી નખાય કે જાહેરમાં મોતની સજા થાય, ત્યારે આપણામાંથી ઘણા જણ એવું કહે છે કે, ‘ભારતમાંયે આવા કડક, ફાસ્ટટ્રેક કાયદા હોવા જોઈએ! વિચારીને કહેજો, પણ ખરેખર આવું થાય તો આપણને ગમે?’

[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી