દોડો, ભરી લ્યો, મફતમાં મળે છે

article by varsha pathak

વર્ષા પાઠક

Nov 28, 2018, 12:05 AM IST

તમિલનાડુસ્થિત કન્યાકુમારીમાં જઈ આવેલી દરેક વ્યક્તિને પુછાય કે તમે વિવેકાનંદ રોક પર ગયેલા? જવાબ લગભગ હામાં જ મળેલા. ત્યાંના ટૂરિઝમના કેન્દ્રમાં વિવેકાનંદ રોક મેમોરિયલ છે. વર્ષ 1892માં સ્વામી વિવેકાનંદ કન્યાકુમારીના ઘૂઘવતા દરિયામાં ઝંપલાવીને કિનારાથી લગભગ પાંચસો મીટર દૂર આવેલા મોટા ખડક પર પહોંચેલા. ત્યાં બે દિવસ બેસીને એમણે ધ્યાન ધરેલું. આજે એ ખડક વિવેકાનંદ રોક તરીકે ઓળખાય છે. ત્યાં ઊભા કરેલા સુંદર સ્મૃતિસ્થળમાં વિવેકાનંદની ઊંચી પ્રતિમા છે. બાજુમાં દેવી કન્યાકુમારીનું મંદિર છે. એવું કહેવાય છે કે પાર્વતીએ અહીં બેસીને શંકરને પામવા માટે આકરું તપ કરેલું. ત્યાં એક પથ્થર પર જે આકાર દેખાય છે એને શ્રદ્ધાળુઓ દેવીનું ચરણ-ચિહ્્ન માનીને ત્યાં હાથ જોડે છે, ઠીક છે. શ્રદ્ધા હોય તો ઈશ્વર બધામાં દેખાય, પણ આગળ કહ્યું તેમ આ સ્થળે વધુ મહત્ત્વ સ્વામી વિવેકાનંદનું છે.

મફતમાં મળતી વસ્તુનું આકર્ષણ બધાને હોય છે

હવે સવાસો વર્ષ પહેલાં વિવેકાનંદ ભલે એ પથ્થર સુધી તરીને ગયા હોય, પણ લોકો હવે ત્યાં 50 રૂપિયાની રિટર્ન ટિકિટ લઈને બોટમાં અવરજવર કરે છે અને સુરક્ષાના નિયમાનુસાર બોટમાં બેસનારી દરેક વ્યક્તિ માટે લાઇફ જેકેટ પહેરવું ફરજિયાત છે. ટિકિટ લઈને લોકો લાઇનમાં આગળ વધે, પણ જેટ્ટી પર. જ્યાં બોટ ઊભી હોય ત્યાં પહોંચતાંની સાથે દોડાદોડ મચી જાય. જાણે ડર લાગતો હોય કે બોટ આપણને લીધા વગર ઉપડી જશે અને આપણે વિવેકાનંદને મળ્યા વિના રહી જશું. બોટમાં બેસતા પહેલાં જ્યાંથી લાઇફ જેકેટ્સ લેવાના હોય ત્યાં પણ ભીડ, ધક્કામુક્કી થાય.
હવે જોવાનું એ કે જે લાઇફજેકેટ લેવા માટે આટલી છિનાઝપટી થઈ હોય, એને પહેરવાનો સમય આવે ત્યારે બધાનો ઉત્સાહ ઓસરી જાય. થોડા દિવસ પહેલાં હું આવી એક બોટમાં હતી. ત્યારે જોયું કે ઘણાં લોકોએ જેકેટ પહેરવાને બદલે ખોળામાં રાખ્યું. જેમણે ગળામાં નાખ્યું એમાંથી કોઈએ બેલ્ટ બાંધવાની મહેનત ન કરી. જે લોકોને બેસવાની જગ્યા ન મળી એ ઊભા હતા (જે કદાચ ગેરકાનૂની છે.) એમના માટે તો લાઇફ જેકેટનો સવાલ જ નહોતો. ટૂંકમાં, કોઈ પૂછવાવાળું નહોતું.


આ દૃશ્ય જોઈને મારા દિમાગમાં બહુ ખરાબ કહેવાય એવો વિચાર આવ્યો. ધારો કે અડધે રસ્તે બોટ ઊંધી વળી જાય અને લાઇફ જેકેટ વિનાના લોકો ડૂબી જાય તો એમાં વાંક કોનો? સુરક્ષાના નિયમ-કાયદાનું સખ્તાઈથી પાલન નહીં કરાવનારા બોટવાળાનો કે પછી પોતાના જીવની પરવા નહીં કરનારા લોકોનો? આપણે ત્યાં જ્યારે પણ આવી દુર્ઘટના બને ત્યારે એમાંથી અનેક કિસ્સામાં ઈજાગ્રસ્તોને અને મૃતકના પરિવારજનોને સરકાર તરફથી રોકડ રકમની સહાય જાહેર થાય છે. એ પૈસા સરકારને કાયદેસર ટેક્સ ભરનારા નાગરિકોના ખિસ્સામાંથી જાય છે. એ ટેક્સ પેયર્સમાંથી કોઈ ઊભું થઈને કહી શકે કે, કોઈને બેદરકારીની કિંમત મારે શું કામ ચૂકવવી જોઈએ?


એવું કહેવાય છે કે જીવ સહુને વહાલો હોય, પણ આવાં દૃશ્યો જોઈએ ત્યારે સવાલ થાય કે, ‘ખરેખર?’ લોકો બોટમાં લાઇફ જેકેટ નથી પહેરતા. કારમાં સિટબેલ્ટ અને ટુ વ્હિલર પર હેલ્મેટ પહેર્યા વિના ફુલસ્પીડે જાય છે, જ્યાં સ્વિમિંગની સખત મનાઈ હોય એવા જોખમી પાણીમાં ઝંપલાવે છે. મોતને ખુલ્લું આમંત્રણ આપતા હોય એવી જગ્યાએ. એવી સ્ટાઇલમાં ઊભા રહીને સેલ્ફી લેવા જાય. આ બધાને પોતાનો જીવ વહાલો નહીં હોય કે પછી ‘મને તો કંઈ નહીં જ થાય’ એવો કોન્ફિડન્સ હોય છે? એની વે, આ વિષયમાં ગમે તેટલું બબડો, તોયે કોઈ ફેર નથી પડવાનો એવું માની લીધું છે. ‘તો શું કામ લખો છો?’ એવું પૂછવું નહીં. પૂછશો તો સામો સવાલ કરીશ, તમે દર પાંચ વર્ષે કે નસીબ વાંકા ચાલે તો વચ્ચે વચ્ચે પણ ચૂંટણીમાં વોટ આપવા જાવ છો ને? આશા અમર છે.


કકળાટ વધુ લંબાવ્યા વિના કન્યાકુમારીમાં જે થયું એની હળવી બાજુ જોઈએ. લાઇફ જેકેટ લેવા પડાપડી, ધક્કામુક્કી કરનારા લોકોએ બોટમાં બેઠા પછી એ પહેરવાની પરવા કરી નહીં. એવું જ આપણે રોજબરોજના જીવનમાં બીજી વસ્તુઓ માટે પણ કરીએ છીએ ને? મફતમાં કે બહુ સસ્તાભાવે મળતી વસ્તુ, બહુ આતુરભાવે લઈ લઈએ. ઘરમાં એનો સ્ટોક કરીએ અને પછી મહિનાઓ, ઘણી વાર તો વર્ષો સુધી એ વપરાયા બિના પડી રહે. અંતે દિવાળીની સફાઈમાં એને ફેંકી દઈએ. અફકોર્સ, નકામી ચીજ પણ ફેંક્યા વિના ઘરમાં સદાકાળ સંઘરી રાખનારા નંગ પણ હોય છે.
હમણાં કેરળના ત્રિવેન્દ્રમમાં એક જાણીતા સ્ટોરમાં ગઈ. ત્યાં પચાસેકની પૈસેટકે સુખી ઘરની લાગતી એક ગૃહિણી અપ્પમ બનાવવાની પેન ખરીદી રહી હતી. અનેક બ્રાન્ડ્સ જોયા પછી એણે એક પર પસંદગી ઉતારી. મોંઘું હતું, પણ જાણીતી બ્રાન્ડ અને એક વર્ષની વોરંટી હતી. બધું બરાબર હતું, પણ પેમેન્ટ કરતી વખતે બહેનને વાંધો એ પડ્યો કે પેન બોક્સમાં નહોતી. સેલ્સગર્લ, સિનિયર ફ્લોર સુપરવાઇઝર, બધાંએ સમજાવવાની કોશિશ કરી કે આ પેન કાર્ડબોર્ડ બોક્સમાં નહોતું વેચાતું. કસ્ટમરનો આગ્રહ હોય તો એને બે નહીં ત્રણ થેલીમાં પેક કરી અપાશે. લાંબી માથાકૂટના અંતે બહેન માન્યાં. જોવાનું એ કે આ સાધન ઘેર જઈને રોજબરોજના ઉપયોગમાં લેવાનું હતું. એ બોક્સમાં આવ્યું હોય તોયે ઘેર આવીને એમાંથી પેન બહાર કાઢી લીધા પછી એ બોક્સ કચરાપેટીમાં ફેંકવાનું જ હતું, પણ બસ, સ્ટોરવાળાએ આપવું જોઈએ.


ફોન પર પિઝાનો ઓર્ડર આપતી વખતે એસ્ક્ટ્રા ચિલી ફ્લેક્સ કે ઓરેગાનોની ડિમાન્ડ કરનારા લોકો ઓછા નથી. એમને કદાચ લાગે છે કે માગશું નહીં તો રેસ્ટોરાંવાળા ઓછું આપશે કે પછી વધે તોયે બીજી વાર, કોઈ બીજી વાનગીમાં કામ આવે, પરંતુ મોટાભાગના કિસ્સામાં આવું થતું નથી. ઘરમાં ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, સોસનાં નાનાં-નાનાં પેકેટ્સના ઢગલા થયા કરે છે. ચાઇનીઝ ફૂડ ઓર્ડર કરતી વખતે જે એક્સ્ટ્રા સોસ કે ચિલીસોસ મંગાવ્યો હોય એ તો જમીને પછી તરત ફેંકી જ દેવાય, પણ મંગાવવાનો ખરો. રેસ્ટોરાંમાંથી નીકળતી વખતે પાંચ-પાંચ પેપર નેપ્કિન્સ લઈ લેવાના. જે ભલે પછી ભાગ્યે જ વપરાવાના હોય. કેમ ભાઈ, ઘરમાં ટિસ્યૂ કે નેપ્કિન કે રૂમાલ નથી?


મફતમાં મળતી વસ્તુનું આકર્ષણ બધાને હોય. હું પોતે એમાં અપવાદ નથી. દુકાનમાં વન પર વન ફ્રી કે 33% એક્સ્ટ્રા જેવા લેબલ ધરાવતી પ્રોડક્ટ ભણી મારા પગ આપોઆપ ખેંચાઈ જાય. ઘણી વાર આમાં ખરેખર કોઈ ફાયદો નથી થવાનો. એ ખબર હોય તો પણ અને પછી ઘરમાં ભરાવો થાય છે. ક્યારેક સડી જાય તો ફેંકી દેવાનો વારો આવે છે. જે વસ્તુ માટે આપણે પૈસા ન ચૂકવ્યા હોય, એ બગાડવામાં તો જરા પણ સંકોચ ન થાય. જાહેર સ્થળોએ ‘જરૂરિયાત ન હોય તો લાઇટ-પંખા બંધ કરવાં’ એવી સૂચના મોટા, સ્પષ્ટ અક્ષરે લખી હોય છે, પણ કેટલા જણ એનું પાલન કરે છે?

[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી