હાર્દિક પટેલને આ ખબર છે?

article by varsha pathak

વર્ષા પાઠક

Nov 21, 2018, 12:05 AM IST

ગેરકાનૂની રસ્તે યુએસમાં ઘૂસી ગયેલા અને પછી પકડાઈ ગયેલા 2400 જેટલા ભારતીય અત્યારે અમેરિકાની જેલોમાં સબડે છે. નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશને હમણાં ત્યાંના ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન એક્ટની મદદથી આ માહિતી મેળવી. એસોસિએશનના પ્રમુખે કહ્યું કે આ બહુ ગંભીર ચિંતાનો વિષય છે. એસોસિએશનને આવું લાગે એ સ્વાભાવિક છે, કારણ કે જેલમાં પુરાયેલા કેદીઓમાં પંજાબથી આવેલા લોકોની સંખ્યા ખાસ્સી મોટી છે.


હવે વિચાર કરો કે અમેરિકામાં કાયદેસર વસવાટ કરતા, શાંતિથી જીવતા પંજાબીઓને આ સાંભળીને ચિંતા શું કામ થાય છે? પોતાના મૂળ વતનથી આવેલા બાંધવો વિદેશી જેલમાં સબડે છે. એટલે? ગેરકાનૂની પેંતરા અજમાવીને અમેરિકામાં પ્રવેશી જતા લોકોને કારણે ત્યાંના કાયદેસર ભારતીય નાગરિકોનું નામ ખરાબ થાય છે એટલે? કે પછી આવું જોખમ ખેડવા માટે પેલા લોકો જે કારણ આપે છે એ સાંભળીને અેનઆરઆઇઓને પોતાના વતનની ફિકર થાય છે?


અમેરિકન પોલીસે પકડેલો દરેક પંજાબી એક જ કારણ આપે છે કે એણે ભારતમાં હિંસા અને કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું છે. જીવ બચાવવા માટે એ ઘરબાર છોડીને ભાગેલો અને હવે અમેરિકન સરકારે માનવતાના ધોરણે એમને રાજકીય આશ્રય (Political asylum) આપવો જોઈએ. પોતાના દેશમાં ધર્મ, જાતિ કે રાજકીય વિચારધારાના મુદ્દે હેરાન થતા ખાસ કરીને સત્તાધારી પક્ષ દ્વારા સતામણીનો ભોગ બનતા લોકો બીજા દેશમાં રાજકીય આશ્રય માગતા હોય છે અને ઘણી વાર એમની વાતમાં તથ્ય હોવાનું સ્વીકારીને પારકા દેશની સરકાર એમને આશરો આપતી પણ હોય છે.


પરંતુ પંજાબમાં અત્યારે કોંગ્રેસનું રાજ છે. સુવર્ણમંદિરમાં ખાલિસ્તાનવાદીઓને ઝબ્બે કરવા ઓપરેશન બ્લૂ સ્ટાર થયું. એને કારણે ત્યાંના લોકો નારાજ હતા. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. એના પગલે દેશમાં ઠેરઠેર શીખ વિરોધી તોફાન ફાટી નીકળ્યાં અને દિલ્હીમાં તો એમની કત્લેઆમ થઈ. જેનો દોષ કોંગ્રેસી નેતાઓ પર ઢોળાયો. પંજાબીઓ હવે શાંત પડ્યા છે, પણ ભૂતકાળ સાવ ભૂલ્યા નથી. એ પાછા ગુસ્સે ન થાય એટલે કોંગ્રેસીઓ ફૂંફીફૂંકીને ડગલાં ભરે છે. ધર્મનું અપમાન થાય એવું કૃત્ય કરનારને જેલની સજા થાય એવો કાયદો મુખ્યમંત્રી અમરિંદર સિંહની સરકાર લઈ આવી છે. તોયે એમનાથી ડરીને જીવ બચાવવા માટે પંજાબીઓએ દેશ બહાર ભાગવું પડે?


અમેરિકન સરકાર જો આ પંજાબીઓની વાત માની લે તો પછી કેનેડાની સરકારે એમને ત્યાં ગેરકાયેદસર આવી પડેલા ગુજરાતીઓની ફરિયાદ પણ માનવી પડે. એ લોકો એવું કહે છે કે, ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર અમને બહુ હેરાન કરે છે. અમારા જીવ પર જોખમ છે. એટલે અમને રાજકીય આશ્રય આપો.


હમણાં કેનેડાથી પાછા ફરેલા મિત્ર પાસે સાંભળેલો કિસ્સો ઇન્ટેરેસ્ટિંગ છે. એ વાંચીને હસવું કે દુ:ખી થવું, એ તમે નક્કી કરજો. ઉત્તર ગુજરાતથી એક મુસ્લિમના નામનો પાસપોર્ટ બનાવીને હિન્દુ પટેલ યુવાને કેનેડામાં પ્રવેશવાની કોશિશ કરી, પણ પકડાઈ ગયો. એણે કેનેડિયન પોલીસ અને અદાલતને એવું કહ્યું કે એ હાર્દિક પટેલનો ટેકેદાર છે એટલે ભાજપની સરકારે એને એટલો સતાવ્યો કે ગુજરાત છોડીને મુંબઈ ભાગવું પડ્યું. ત્યાં પણ એને ધમકીના ફોન આવવા લાગ્યા. ભાજપ કાર્યકર્તાઓનાં ગડદાપાટુ (આ એનો શબ્દ છે) તો એણે સહન કરી લીધાં, પણ પછી હત્યા થઈ જશે એવું લાગ્યું ત્યારે એણે દેશ છોડવો પડ્યો. કેનેડાની સરકારે હવે એને આશ્રય આપવો જોઈએ. કેનેડિયન સરકાર માટે કામ કરતી ત્યાંની એક ગુજરાતી વ્યક્તિના કહેવા પ્રમાણે છેલ્લા થોડા સમયથી આવું બહાનું લઈને આવતા લોકોની સંખ્યા વધી છે. નકલી પાસપોર્ટ, વિઝાના આધારે કેનેડા પહોંચી જતા લોકો પકડાય ત્યારે પોતાને હાર્દિક પટેલના ટેકેદાર ગણાવે છે અને ભાજપ તરફથી જીવનું જોખમ હોવાનું કહીને માનવતાના ધોરણે કેનેડામાં આશ્રય માગે છે.

ગેરકાનૂની રસ્તે વિદેશમાં ઘૂસી જતા ભારતીયો પકડાઈ જાય, ત્યારે કયા બહાને રાજકીય આશ્રય માગે છે?

હાર્દિકભાઈ પોતે અત્યારે ગુજરાતમાં છે. પોતાની રીતે લડી રહ્યા છે. એમને ખબર છે કે એમના ‘ટેકેદારો’ જીવ બચાવવા માટે કેનેડા અને અમેરિકા ભણી ધસારો કરી રહ્યા છે અને આ સાંભળીને કેનેડા, અમેરિકામાં વસતા પટેલોને ચિંતા થવી જોઈએ કે ગુજરાતમાં રહેતા અમારા લોકોની દશા કેટલી ખરાબ છે? પંજાબમાં કોંગ્રેસની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, બધાય ખરાબ છે?


વાસ્તવિકતા એ છે કે આ બધાં સદંતર ખોટાં બહાનાં છે. યુએસ, કેનેડા કે યુરોપના કોઈ દેશમાં ગમે તે ભોગે જવાની ચળ ધરાવતા લોકો માટે બદમાશ એજન્ટો નકલી પાસપોર્ટ-વિઝાની વ્યવસ્થા કરી આપે છે અને સાથે સાથે પઢાવે છે કે ત્યાં જઈને પકડાઈ ગયા તો શું કહેવું. ‘ઇન્ડિયામાં બેકાર રખડતા હતા’ કે પછી ‘અમારે તો બસ ફોરેન જઈને પૈસા કમાવા હતા’ આવું કહે તો કોઈ સંઘરે નહીં. એટલે પછી ધર્મ, જાતિ કે રાજકીય વિચારધારાના આધારે ઘરઆંગણે થતા દમનનું બહાનું કાઢવું પડે. પશ્ચિમ બંગાળથી આવેલો કોઈ માણસ પકડાય તો એ મમતા બેનરજીની તૃણભૂલ કોંગ્રેસને ખરાબ ચીતરે. સોમાંથી એકાદ કિસ્સો એવાે નીકળે, જ્યાં સાવ ગરીબ, અભણ કે અર્ધશિક્ષિત વ્યક્તિને ખબર જ ન હોય કે પોતે કંઈ ખોટું કરી રહ્યો છે. એ તો વિદેશમાં નોકરી અપાવી દેવાની લાલચ ધરાવતા એજન્ટને પોતાની જીવનભરની મૂડી આપી દે અને છેવટે હેરાન થાય. આવું જોકે ગલ્ફ દેશોમાં જતા લોકો સાથે વધુ થાય છે. બાકી ઓસ્ટ્રેલિયા, કેનેડા કે અમેરિકા જવા માટે પેંતરા કરતા લોકોને તો બરાબર ખબર હોય છે કે, પોતે કેવા ગોરખધંધા કરી રહ્યા છે.


જોવાનું એ કે ઘણી વાર વિદેશમાં રહેતા ભારતીયો એમના સ્વદેશી બાંધવોને આવું કરવાની સલાહ આપે છે. થોડા સમય પહેલાં અમારા એક પત્રકાર મિત્ર એમની વકીલ પત્ની સાથે અમેરિકા ફરવા ગયેલા. યુનિવર્સલ સ્ટુડિયોમાં કલાકો ગાળ્યા પછી એક રેસ્ટોરાંમાં જમવા બેઠા. બાજુના ટેબલ પર ત્યાંના એક ગુજરાતી ભાઈ બેઠેલા. વાતવાતમાં ખબર પડી કે આપણા આ પત્રકાર અને એ ભાઈ, મૂળ એક જ ગામ અને જ્ઞાતિના હતા. બસ, એનઆરઆઇ સજ્જને સામે ચાલીને ખુલ્લેઆમ જે કહી દીધું એનો ટૂંકસાર આવો હતો, ‘દસ વર્ષના ટૂરિસ્ટ વિઝા મળી ગયા છે ને. એક વાર ઇન્ડિયા પાછા જવાનું. થોડા વખત બાદ ફરીને અમેરિકા આવવાનું અને પછી અહીં જ રહી જવાનું, કોઈ પૂછતું નથી. આ મારો ફોન નંબર રાખો. હું તમને આપણી એક મોટેલ કે સ્ટોરમાં સેટ કરી દઈશ.’


મૂળ ભારતના પણ આફ્રિકાથી અમેરિકા આવેલા એ ભાઈ ખરેખર માનતા હતા કે ભારતમાં પત્રકાર કે વકીલ તરીકે કામ કરવાને બદલે કોઈ અમેરિકન મોટેલ કે સુપરમાર્કેટમાં નોકરી કરવાથી વધુ સુખી થવાય. ભલે એ માટે ગેરકાનૂની રસ્તો અપનાવવો પડે કે પછી કાયમ માટે વતન જવાનો રસ્તો બંધ કરી દેવો પડે. એમનો પણ આમાં સ્વાર્થ હોય છે. ગેરકાયદે અમેરિકા અને કેનેડા જતા ભારતીયો ત્યાં ઓછા પગારે વધુ કામ કરવા તૈયાર રહે છે. માલિક ત્રાસ આપે તોયે પોલીસને ફરિયાદ નથી કરી શકતા.


ઘણાં ભારતીય મા-બાપો અમેરિકામાં રહેતાં પોતાનાં સંતાનો માટે અહીંથી ટૂરિસ્ટ વિઝા ધરાવતા ઘરનોકર મોકલે છે અને બહુ ગર્વભેર કહે છે કે, ‘એને ત્યાં મહિને લાખ રૂપિયાનો પગાર આપીએ છીએ.’ હકીકતમાં આ ગેરકાનૂની છે, કારણ કે ટૂરિસ્ટ વિઝા પર જનારી વ્યક્તિ ત્યાં નોકરી ન કરી શકે. પકડાય તો જેલમાં જવું પડે, પરંતુ પૈસા કમાવાની લાલચે લોકો આ જોખમ લે છે અને ત્યાં રહેતા આ એન.આર.આઇ.ને સસ્તાભાવે રાત-દિવસ કામ કરનાર દેશી નોકર મળે છે. ત્યાંના નોકર શોધે તો તગડો પગાર આપવો પડે.


આ બધું સાંભળીએ ત્યારે લાગે કે ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો સાવ વજૂદ વિનાનો નથી. વિદેશી શાસકો ભારતીયોને વિઝા આપવાના નિયમો વધુ ને વધુ સખત બનાવી રહી છે. એમાં પણ ઘણા અંશે આપણે જ જવાબદાર છીએ એવું નથી લાગતું?

[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી