સારે જહાં સે લુચ્ચા, ઇન્ડિયન ટુરિસ્ટ હમારા....

article by varsha pathak

વર્ષા પાઠક

Oct 17, 2018, 07:19 PM IST

પરદેશમાં અયોગ્ય, અસભ્ય વર્તણૂક દ્વારા ભારત અને ભારતવાસીઓની ખરાબ છાપ પાડનારાં આપણાં ભાઈઓ-બહેનો વિશે ગયા અઠવાડિયે લખ્યું એ પછી અનેક વાંચકોએ ફોન કરીને પોતાના અનુભવ કહ્યા છે. અપવાદ વિના દરેક જણની એક વિનંતી હતી કે ‘મારું નામ નહિ આપતા.’ વિનંતી સમજાય, સ્વીકારવી પડે એવી છે, કારણ કે જેમની વાત કરતાં હો એ પોતાનાં સગાંસંબંધી કે મિત્રો હોય. એમની સાથે જ બીજા દેશમાં જવાનું થયું હોય, એટલે ભલે સખત ગુસ્સો આવ્યો હોય, શરમથી અધમૂઆ થઇ ગયા હોઈએ, પણ એમનાં નામ કઈ રીતે આપવાં? આપો તો સંબંધ બગડે. ટૂર ઓપરેટર્સને બિઝનેસ સાચવવાની ચિંતા હતી.

ચોરી તો બધાં કરે, કે મફતમાં મળે તો થેલા ભરી જ લેવા, એવું કહીને પોતાની સ્માર્ટનેસ સિદ્ધ કરી રહેલા ભારતીય બંધુ, ભગિનીને તમે શું કહો?

સામાન્ય પૅકેજ ટૂર્સની સરખામણીએ ખાસ્સી મોંઘી, હાઈ ઍન્ડ ટૂર્સ ઓર્ગેનાઈઝ કરતી એક વ્યક્તિ કહે છે કે અહીં મને લાખો રૂપિયા આપીને ટૂર બુક કરાવતા લોકોને બીજા દેશમાં જઈને કોણ જાણે શું થઈ જાય છે કે હોટેલના રૂમમાંથી નેપ્કિનની સાથેસાથે ક્રૉકરી પણ ચોરીને બૅગમાં ભરે છે; ડાઇનિંગ હૉલમાંથી નૅપ્કિન્સ અને ચમચીઓ ઉપાડી લે છે. મુંબઈના અત્યંત પૉશ, શ્રીમંત ગણાતા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સનું ગ્રૂપ બે વર્ષ પહેલાં વિદેશ ગયું ત્યારે ટૂર ઑપરેટરે ત્યાંની ફાઈવ સ્ટાર હૉટેલ્સમાં આ વડીલોનું બુકીંગ કરેલું. મુંબઈના અત્યંત જાણીતા, અપમાર્કેટ સ્ટોરના માલિકનો પરિવાર પણ એમાં સામેલ હતો. એક હોટેલમાંથી ચેક આઉટ કરતી વખતે શંકાના આધારે એમની બૅગ્સ ખોલાવાઈ તો અંદરથી બોન ચાઇનાના કપ-રકાબી સહિત બીજી મામૂલી ચીજોનો ખજાનો નીકળી પડ્યો. એમની ઉંમર જોઈને અને લોકલ ટૂર ઓર્ગેનાઇઝરની વિનંતી સ્વીકારીને હૉટેલવાળાએ એમને છોડી દીધા, પણ આ અનુભવ પછી એ સાહેબો અને મેડમો સુધરી ગયાં હશે, એવું લાગે છે?


વ્યક્તિની આવી વર્તણૂક કે મનોસ્થિતિને ઘણીવાર ક્લેપ્ટોમેનિયા તરીકે ઓળખાતી માનસિક બીમારીનું પરિણામ ગણાવાય છે. હવે જે ખરેખર આવા મનોરુગ્ણ હોય એમની દયા આવે, કારણ કે એમને ભાન નથી રહેતું કે પોતે શું કરી રહ્યાં છે. હોટેલ જ નહિ સગાં માબાપને ઘેરથી પણ એ ચોરી કરી લે છે. એમને સજાની નહિ સારવારની જરૂર હોય છે. વળી આવા લોકો ઘેરથી ચોરીનો પ્લાન બનાવીને નથી નીકળતાં કે દુકાનદારનું ધ્યાન બીજે દોરીને વસ્તુ નથી ઉપાડી લેતા કે ચોરેલી ચીજોનું સફાઈભેર પૅકિંગ પણ નથી કરતાં. બીજી તરફ જે લોકો બહુ સિફતભેર આવું બધું કરે છે એ ક્લેપ્ટોમેનિયાક નહિ બદમાશ છે, જેમને લાલચ, બેઈમાની સિવાય બીજી કોઈ માનસિક બીમારી નથી હોતી. પકડાય તોયે પોતાનો બચાવ કરવાની હિંમત, રાધર ધૃષ્ટતા એ દાખવી શકે છે. ‘હોટેલવાળા આપણી પાસેથી આટલા બધા પૈસા લે છે, તો એમની પાસેથી એકાદ નેપ્કિન કે ટુવાલ લઇ જઈએ તો એમને શું ફેર પાડવાનો?’ એવું બોલનારા સાંભળ્યા છે. અરે ભાઈ, બહેન, હોટેલવાળાને નહિ પણ તમારા પછી આવનારા ઇન્ડિયન્સને ફરક પડે છે. એમની સામે શંકાની નજરે જોવાય છે.
તાજેતરમાં એક બહેને પોતાની આવી ટેવને ચોરી ગણાવવાનો સાફ ઇન્કાર કરી દેતા કહ્યું કે ‘આ તો હોટેલમાંથી સુવેનિયર લઇ જવાનું મન થાય, બાકી આપણે ત્યાં ક્યાં નેપ્કિન ટોવેલ્સની કમી છે?’ વાહ, સુવેનિયર જોઈએ તો બાથરૂમમાં તમારા માટે જ રાખેલી શેમ્પુ શાવર જૅલની બોટલ્સ કે મેચ બૉક્સ લઇ જાવ, પણ ટૉવેલ અને ગ્લાસ? મતલબ ચોરી કરવા બદલ આ વ્યક્તિ શરમને બદલે એને પોતાનો અધિકાર માનતી હતી.


ઈસ્તંબુલથી મુંબઈ આવતી વખતે અમારાથી થોડે આગળ બેઠેલાં એક ઇન્ડિયન બહેનને વળી ફ્લાઇટ દરમિયાન પાણી માટે અપાતા પ્લાસ્ટિકના ગ્લાસ બહુ ગમી ગયા. એમણે વારંવાર એરહોસ્ટેસને બોલાવીને પાણી માંગવાનું શરૂ કર્યું. પાણી પોતે પી જાય કે સાથે બેઠેલા ફૅમિલી મેમ્બર્સને પરાણે પીવડાવી દે અને પછી એ પ્લાસ્ટિકના ગ્લાસ લૂછીને થેલામાં મૂકી દે. મારી નજર સામે ત્રણવાર તો એ બહેને દવા લેવાના નામે પાણી મંગાવ્યું. કોઈ અતિશયોક્તિ વિના કહું છું કે મુસાફરી દરમિયાન એ બાઈએ ઓછામાં ઓછા પંદર ગ્લાસીસ ભેગા કર્યા હશે. એરહોસ્ટેસ શાણી કે તોછડી હોત તો પાણીની એક મોટી બૉટલ પકડાવી દઈને વાત પૂરી કરી હોત, પણ એવું થયું નહિ. એકવાર મારી સાથે આંખ મળી તો પેલી ગ્લાસચોરે હસીને સામેથી ખુલાસો કર્યો કે એરલાઇન્સવાળા તો આમેય આ ગ્લાસ ફેંકી દેવાના છે. અરે બહેન, એ લોકો ફેંકી દે કે રિયુઝ કરે, પણ તેં તો તારી અને કદાચ બીજા ઇન્ડિયન ફ્લાયર્સની આબરૂ ફેંકી દીધી.


ઍરપોર્ટના ટૉઈલેટમાંથી કોઈ પ્લાસ્ટિક સીટ કવર્સ ચોરે, એવી કલ્પના પણ કરી શકો છો? કોઈએ કહ્યું હોત તો હું પણ નહોતી માનવાની. પણ એક વિદેશી એરપોર્ટ પર ટૉઈલેટમાંથી બહાર નીકળીને મારી આગળ ચાલી રહેલી ભારતીય ભામિનીએ એના પેન્ટમાં ખોસી રાખેલાં સીટ કવર્સ બહાર પડી ગયાં ત્યારે મને ભાન થયું કે લોકો કઈ હદે જઈ શકે.


અને છેલ્લે, વ્હીલચેરની બાબતમાં તો આપણી બદમાશી જગજાહેર છે. હટ્ટાકટ્ટા, હેલ્ધી અને રોજ મોર્નિંગ વૉક પર જવાના ફાંકા મારતા લોકો પણ એરપોર્ટ પર ચાલવું ન પડે એટલે માંદગી કે બીજી કોઈ શારીરિક તકલીફનું બહાનું કાઢીને વ્હીલચેર પર બેસી જાય છે અને પોતાની આવી ‘સ્માર્ટનેસ’ બદલ પાછા અભિમાન દાખવે છે. અફકોર્સ જ્યાં આ સગવડ માટે પૈસા ચૂકવવા પડે ત્યાં સીધેસીધા ચાલવા માંડે. થોડા સમય પહેલાં વિદેશના એક એરપોર્ટ પર મારી ફ્લાઈટની રાહ જોતી બેઠી હતી. ત્યાં મારી નજીકમાં એક બહેને શુદ્ધ કાઠિયાવાડી બોલીમાં એમના પતિને તતડાવવાનું શરૂ કર્યું કે ક્યારના એરપોર્ટમાં રખડો છો, પણ આપણી ફ્લાઈટનું બોર્ડિંગ અનાઉન્સમેન્ટ થઇ ગયું, ગેટ પર લાંબી લાઈન લાગી ગઈ વગેરે વગેરે. પતિદેવે શાંતિ જાળવવાનો ઈશારો કર્યો અને જઈને વ્હીલચેર પર બેસી ગયા. પત્ની અને દીકરીએ હાથમાં ઉપાડેલું કેબિન લગેજ ખોળામાં લઇ લીધું. એરલાઈન્સનો એક કર્મચારી એ ભાઈ અને એના ફેમિલીને લાઈનમાં સહુથી આગળ લઇ ગયો. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે વર્ષોથી સંકળાયેલી એક મિત્ર કહે છે કે આ ટિપિકલી ઇન્ડિયન બદમાશીથી ગળે આવી ગયેલી એક બહુ મોટી વિદેશી એરલાઇન્સ હવે ટિકિટ બુકિંગ વખતે કોઈ વ્હીલચેરની જરૂરિયાત લખાવે તો મેડિકલ સર્ટિફિકેટ માંગવાનું વિચારી રહી છે.


આ સાંભળ્યું ત્યારથી ફડકો પેઠો છે કે, વિદેશીઓ ભારતીય પ્રવાસીઓ માટે બીજા કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લાવવાનું વિચારી રહ્યા હશે? કોઈના વાંકે કોઈ બીજાએ દંડાવું પડશે? ⬛ [email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી