ભારતવાસીઓ ખરેખર શુષ્ક અને સોગિયા છે?

article by varsha pathak

વર્ષા પાઠક

Sep 26, 2018, 03:54 PM IST

ભારતના લોકોમાં સેન્સ ઑફ હ્યુમર, રમૂજવૃત્તિ છે કે નહીં? આ વિષય પર ખાસ્સા મતમતાંતર પ્રવર્તે છે. એક વર્ગ માને છે કે ભારતવાસીઓ દરેક વાત વધુ પડતી સિરિયસલી લે છે, મજાક તરીકે લેવા જેવી વાતને પણ ગંભીર મુદ્દો બનાવી દે છે. બીજો વર્ગ માને છે કે હાસ્યરસ આપણી રગેરગમાં સમાયો છે અને દરેક વખતે થાય છે એમ આ બાબતમાં પણ આપણા પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિને ટંકાય છે. ઘણા સમય પહેલાં વાંચેલા એક લેખના લેખકનું નામ યાદ નથી, પણ એમણે ભારતીયોના લોહીમાં રમૂજવૃત્તિ છે, એ પુરવાર કરવા માટે નારદમુનિથી માંડીને બીરબલના દાખલા આપેલા.

જસ્ટિસ ટી એન નલાવડે અને જસ્ટિસ વિભા કંકણવાડીએ કહ્યું કે, સેન્સ ઑફ હ્યુમરના અભાવે સહિષ્ણુતાનું લેવલ આઘાતજનક કહેવાય એ હદે ઘટી રહ્યું છે

પ્રાચીન યુગમાં રાજાઓના દરબારમાં વિદૂષક તરીકે આવતા હાસ્યચતુરો રાજા-રાણીની પણ મજાક કરી શકતા અને એનાથી ગુસ્સે થવાને બદલે રાજાઓ એમને ઇનામઅકરામથી લાદી દેતા એવું બધું લખેલું. હવે આમાંથી કેટલું સાચું એ આપણે નથી જાણતાં, પણ ધારી લો કે સત્ય હોય તો અત્યારે આપણે ખુશ થવાને બદલે દુઃખ અનુભવવું જોઈએ. વર્તમાન યુગમાં આપણે જેમને રાજાનું સ્થાન આપી દીધું છે, એવા કોઈ સત્તાધીશની મજાક કરવાની હિંમત થાય છે? ધારી લો કે આવી હિંમત, રાધર દુઃસાહસ કરી નાખીએ તો પછી બધુંયે હસવું સુકાઈ જાય એવી દુર્દશા થઈ જાય. એમાંયે જો ધર્મની મશ્કરી થઈ એવી કોઈને આછીપાતળીયે શંકા પડે તો તો પછી આવી ‘ધૃષ્ટતા’ કરનારને ભગવાન પણ મદદ ન કરી શકે. મામલો પોલીસ સ્ટેશનમાં, ત્યાંથી અદાલતમાં જાય અને નિર્દોષભાવે કોઈ મજાક કરી લેનારને રાષ્ટ્રીય કક્ષાના અપરાધી ઠરાવવાની ડિમાન્ડ થાય. દરેક ધર્મ, સંપ્રદાય, જાતિના લોકોને હવે વાતેવાતે વાંકું પાડે છે, એની પાછળ એક કારણ એવું અપાય છે કે લોકોમાં સહિષ્ણુતા ઘટી રહી છે, પરંતુ આ વધી રહેલી અસહિષ્ણુતાનું કારણ શું, એના વિશે હમણાં બૉમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચ તરફથી જે કહેવાયું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે.


જસ્ટિસ ટી એન નલાવડે અને જસ્ટિસ વિભા કંકણવાડીએ એમની સામે આવેલા એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે ભારતમાં સેન્સ ઑફ હ્યુમરના અભાવે સહિષ્ણુતાનું લેવલ આઘાતજનક કહેવાય એ હદે ઘટી રહ્યું છે. સાદી ભાષામાં કહીએ તો જજીસનું માનવું હતું કે આપણે મજાકને મજાક સમજતા જ નથી અને વાતેવાતે વાંકું પાડીને તકરાર માંડી દઈએ છીએ. હવે માનનીય ન્યાયાધીશો સાથે સહમત થવું કે નહીં, એ તમે કેસની વાત સાંભળીને નક્કી કરજો.


વર્ષ 2016માં અશોક દેશમુખ નામના 27 વર્ષીય યુવાને ફેસબુક પર ભગવાન પરશુરામ અને એ વખતની હિટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના મુખ્ય પાત્ર પરશ્યાની તસવીર મૂકીને પૂછેલું કે તમને આમાંથી કોણ વધુ ગમે છે. ફેસબુક પર ચાર મિત્રોએ આ પોસ્ટને ‘લાઇક’ કરી. જોનારામાંથી મોટાભાગના લોકોને એમાં ખાસ કંઈ વાંધાજનક ન લાગ્યું, જેને લાગ્યું એમણે કદાચ નારાજગીદર્શક કમેન્ટ્સ લખી હશે, પણ એમાંથી નાંદેડમાં રહેતા એક યુવાન ગણેશને ફેસબુક પર ગુસ્સો ઠાલવીને સંતોષ ન થયો. એણે વઝીરાબાદ પોલીસ સ્ટેશને જઈને અશોક સામે લોકોની ધાર્મિક લાગણી દુભાવવાની અને એને લગતી બીજી ફરિયાદો કરી. પોલીસે ત્યારે શું પગલાં લીધાં એનો મને ચોક્કસ ખ્યાલ નથી, પણ એમણે અશોક સામે સત્તાવાર ફરિયાદ જરૂર દાખલ કરી. આની સામે અશોક સહિત પાંચ જણે અદાલતમાં ધા નાખી. કેસનો અંતિમ ફેંસલો હજી આવ્યો નથી, પણ જજીસે અશોક દેશમુખને નાંદેડ પોલીસે નોંધેલા કેસ સામે ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરવાની મંજૂરી આપી છે.


હવે તમે કહો કે અશોકે હળવા સૂરે પૂછ્યું કે તમને પુરાણોના પરશુરામ ગમે કે ફિલ્મનો હીરો પરશ્યા(કદાચ પરશુરામ નામનું અપભ્રંશ) તો એમાં ભગવાનનું, ધર્મનું અપમાન થઈ ગયું? એન્ડ માઇન્ડ યુ, અશોકે ભગવાન પરશુરામ પર કોઈ ટીકાટિપ્પણી નહોતી કરી. વિષ્ણુનો અવતાર ગણાતા પરશુરામે ક્રોધિત થઈને વારંવાર આખી પૃથ્વીને નક્ષત્રી કરી હોવાનું કહેવાય છે. પોતાના પરશુ દ્વારા એમણે ક્ષત્રિયોનું નિકંદન કાઢી નાખીને બ્રાહ્મણસત્તા સ્થાપિત કરી એવી માન્યતા છે. બીજી તરફ ‘સૈરાટ’નો હીરો નીચી ગણાતી જાતિનો હોવા છતાં ઉચ્ચ કુળની કન્યાને પ્રેમ કરવાનું, પરણવાનું ‘પાપ’ કરી નાખે છે અને છેવટે જાતિવાદની આગમાં હોમાઈ જાય છે. વિષય સાવ નવો નહોતો, પણ જે રીતે રજૂ થયેલો એણે દર્શકોના લાગણીતંત્રને હચમચાવી નાખેલું. એની વે, અહીં એ ફિલ્મની વાત નથી અને અશોક દેશમુખે ખરેખર ભગવાન પરશુરામ અને પરશ્યા વચ્ચે કોઈ સમાનતા કે અસમાનતા જોયેલી, એ પણ આપણે નથી જાણતાં, પરંતુ એમનાં નામ લઈને તમને એમાંથી કોણ ગમે, એવું પૂછ્યું તો કયો મોટો અપરાધ કરી નાખ્યો? કદાચ એ મશ્કરીના સૂરે પૂછવા માગતા હશે કે ફિલ્મના કેરેક્ટરને તો બધા ઓળખી જશે, પણ પૌરાણિક પાત્ર પરશુરામ વિશે લોકો કેટલું જાણે છે!


વાત ખરેખર હળવાશથી લેવા જેવી હતી, પણ નાંદેડના ગણેશભાઉને ગુસ્સો આવ્યો. બાય ધ વે, એ પોતે પણ સત્તાવીસ વર્ષનો શિક્ષિત યુવાન છે. શક્ય છે કે એણે માત્ર પબ્લિસિટી મેળવવા આ વિવાદ ઊભો કર્યો. ખબર નથી. બાકી આવું કરનારા હમણાં ડગલે ને પગલે મળે છે. એમની સેન્સ ઑફ હ્યુમર કદાચ બીજાંઓને હેરાન કરવા પૂરતી સીમિત રહેતી હશે. જોયું, કેવો પેલાને પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાતો કરી દીધો, એવું બોલીને એ ખડખડાટ હસતા હશે? અને હા, ધારો કે કોઈ કહે કે મને તો ભગવાન પરશુરામ કરતાં સૈરાટનો પરશ્યા વધુ ગમે... તો?
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી