Back કથા સરિતા
વર્ષા પાઠક

વર્ષા પાઠક

સમાજ (પ્રકરણ - 36)
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

પૈસા ધર્યા વિના પ્રસાદ લેવાય?

  • પ્રકાશન તારીખ19 Sep 2018
  •  

ગણેશોત્સવ મારા ફેવરિટ તહેવારોમાંનો એક છે. ટ્રાફિકજામ થાય, ઠેર ઠેર ભીડ થાય, કાન ફાટી જાય એટલો ઘોંઘાટ થાય, પ્રસાદના નામે દસ દિવસ પેટમાં જાતજાતની વાનગીઓ પધરાવીને વજન વધી જાય કે માંદા પડાય. જે થાય તે, પણ ગણપતિ બાપ્પા મોરયા.... મજા આવી જાય. આ એવા દેવ છે, જેમને જોતાં જ સ્માઇલ આવી જાય. શ્રદ્ધાળુઓ ઘેર કે જાહેર મંડપમાં ગણપતિ લઈ આવે પછી દોઢ, પાંચ કે દસ દિવસ રાખે. જેવી જેની અનુકૂળતા. આપણે ઘેરઘેર દર્શન કરવા જઈએ. એમાં ગણેશોત્સવનો પહેલો અને બીજો દિવસ મોસ્ટ હેક્ટિક હોય. ઘરમાં દોઢ દિવસ માટે ગણપતિ લાવનારા સ્નેહીજનો પાસેથી દર્શન માટે આવવાનું નિમંત્રણ મળ્યું હોય. એ બધાંને ત્યાં જવાની ઇચ્છા હોય. બને તો એક દિવસમાં બધે ફરી વળવાનું નક્કી કરીએ, કારણ કે બીજે દિવસે બપોરે તો બાપ્પા ત્યાંથી વિદાય થઈ જવાના હોય અને પછી સજ્જધજ્જ થઈને ઘરની બહાર નીકળીએ. એમાં પહેલો કોઠો વાહનનો હોય.

બીજાને ઘેર ગણપતિનાં દર્શન કરવા જઈએ, ત્યારે લેતીદેતીનો વ્યવહાર પાળવો ફરજિયાત છે?

એ દિવસે ટેક્સી અને ઓટોરિક્ષા મળવાનું મુશ્કેલ. મુંબઈ જેવા શહેરમાં જે મરાઠીભાષી ડ્રાઇવર હોય, એમાંથી ઘણા આ દિવસે રજા પાડે, ઘણા પોતાને ગામ ગયા હોય, એટલે રિક્ષા, ટેક્સી ઓછાં અને એમને બોલાવનારાં વધુ અને તોયે ટ્રાફિકજામ તો ખરો જ. પોતાની ગાડી લઈને પાર વિનાના લોકો નીકળી પડ્યા હોય. એટલે ક્યાં પહોંચતા કેટલો સમય લાગશે, એ ખાતરીપૂવક કહેવાનું જ નહીં. વળી, હમણાં અહીં મેટ્રો રેલનું કામ ચાલે છે અને બાકી ઠેકઠેકાણે ખોદકામ તો બારે મહિના ચાલે. પિક અવર્સમાં દસ કિલોમીટર્સનું અંતર કાપતાં બે-ત્રણ કલાક થાય તોયે નવાઈ નહીં પામવાનું.


સંભવિત ટ્રાફિકજામને લક્ષ્યમાં રાખીને નક્કી કર્યું હોય કે દરેક ઘરમાં 10થી 15 મિનિટ બેસીને નીકળી જવું, પણ આ વળી ચક્રવ્યૂહનો બીજો કોઠો. એક તો જેને ઘેર ગયા હોઈએ એની સાથે વાતોમાં, એમના ગણપતિને નિહાળવામાં જ ઓછામાં ઓછી 15-20 મિનિટ્સ નીકળી જાય. એમને ત્યાં પાર્કિંગ શોધવામાં ઑલરેડી ખાસ્સો સમય તો કાઢી જ નાખ્યો હોય અને પછી એવું થાય કે દર્શન માટે આવેલા મિત્રો, ઓળખીતાં ત્યાં મળી જાય. એમની સાથે ગપ્પાં મારવાની લાલચ ટાળી ન શકાય અને ચા-નાસ્તાની મહેફિલ જામે. ક્યાંક વળી આરતીના ટાઇમે પહોંચીએ તો બીજી 15-20 મિનિટ્સ. ટૂંકમાં, દિવસ ધમધમાટ નીકળી જાય. આશીર્વાદ અને પ્રસાદનો સ્ટોક લઈને મોડી રાતે થાક્યાંપાક્યાં પણ ખુશખુશાલ ઘેર પાછાં ફરીએ ત્યારે એકાદ-બે ગણપતિની વિઝિટ બાકી રહી જ ગઈ હોય. મનોમન એમને અને એ યજમાનને નમસ્કાર કરીને ઘરના ગણપતિને માથું નમાવી લેવાનું. દર વર્ષની આ કહાણી છે. આવતે વર્ષે પણ હોંશભેર દોહરાવશું.


હવે અહીં એક નાનો સવાલ પૂછવો છે. આપણે જ્યાં દર્શન કરવા જઈએ ત્યાં ભગવાનની પૂજા આરતી નમન કરી લીધાં પછી પૈસા મૂકવા જરૂરી છે? અને ન મૂકીએ તો ખરાબ લાગે કે ભગવાનનું અપમાન થયું ગણાય? અને ભગવાનને પૈસા ધરવા એ આપણી પ્રાચીન સંસ્કૃતિનો હિસ્સો છે? આ પહેલાં અનેકવાર કહ્યું છે એમ હું બહુ ધાર્મિક વૃત્તિ નથી ધરાવતી. દરેક તહેવારની પરંપરાગત ઢબે થતી ઉજવણી મને ગમે. હોળીમાં પાણી ન વેડફો, દિવાળીમાં ફટાકડા ન ફોડો, એવી શિખામણો શુભ હેતુથી થઈ હોય તોયે મને બહુ ગુસ્સો આવે. હમણાં ગઈ રક્ષાબંધન વખતે અમુક સ્ત્રીઓએ કહ્યું કે ભાઈને રાખડી બાંધીને એ આપણી રક્ષા કરશે એવું માનનારી નારીઓ પિતૃસત્તાને પ્રોત્સાહન આપે છે અને આનો વિરોધ કરવા માટે એમણે અકેલી, આઝાદ, આવારા એવું કંઈ લખેલી રાખડીઓ વેચવાનું(અલબત્ત મોંઘા ભાવે) શરૂ કરેલું. એની સામે તો મને હિંસક કહેવાય એ હદે ગુસ્સો ચઢેલો. આજકાલ અનેક મોઢે સાંભળવા મળ્યું છે કે આપણે આપણા હિન્દુ તહેવારો મારવા જ બેઠા છીએ, એ ફરિયાદમાં ત્યારે મેં પણ સૂર પુરાવેલો અને સાચ્ચું કહું તો એ વખતે મને મુસ્લિમ તહેવાર બકરી ઈદનો વિરોધ કે ટીકા કરતા લોકો પ્રત્યે પણ પહેલીવાર થોડી નારાજગી ઉપજેલી.

આખું વરસ દેશભરમાં નોનવેજ વાનગીઓ પીરસતી લાખો રેસ્ટોરાં અને લારીઓ માટે લાખો મરઘાં, બકરાં કપાય છે, સી ફૂડ ફેસ્ટિવલ્સમાં નાનાં-મોટાં અનેક જળચર પ્રેમથી ખવાઈ જાય છે. ફિશિંગ એટલે કે માછલી પકડવાની પ્રવૃત્તિને ઘણા સ્પોર્ટ્સ ગણે છે, એની સામે ઝંડા નથી ઉપાડતા, તો એક દિવસ અમુક મુસ્લિમો ધાર્મિક માન્યતા અનુસાર બકરી કાપે, એ જ શું કામ અમુક લોકોને નથી ગમતું? માઇન્ડ યુ, હું શાકાહારી છું(જોકે, દૂધ પીઉં છું એટલે ખુદને શુદ્ધ શાકાહારી કહેવાની ગુસ્તાખી નહીં કરું). એનીવે, ભગવાનને પૈસા ધરવાની વાત પાર પાછા ફરીએ? એની સાથે કોઈ ધાર્મિકતા સંકળાયેલી છે? ગણેશોત્સવ વખતે લોકોના ઘેર જાઉં ત્યારે ગણપતિની મૂર્તિ પર ગુલાલ, ચોખા, ફૂલ ચઢાવીને પૂજા કરી લઉં, પ્રસાદ પણ ખાઈ લઉં, પરંતુ પૈસા નથી મૂકતી. આ ખરાબ કહેવાય?


મંદિરમાં જનારા લોકો જાતજાતની માન્યતા સાથે પૈસા ધરે છે. ભગવાનને મળવા ખાલી હાથે ન જવાય. મંદિરમાં ધરેલા પૈસા સદ્કાર્યમાં વપરાય છે. આ પૈસામાંથી પૂજારીનો પગાર અને મંદિરના રિપેરિંગ જેવા ખર્ચ નીકળી જાય છે વગેરે, પણ કોઈને ઘેર લાવેલા ગણપતિ સામે પૈસા ધરવા પાછળ કઈ માન્યતા હશે? પહેલી વાત તો એ કે દર વર્ષે પોતાને ઘેર ગણપતિ લાવતા લોકોને કોઈએ ધરેલા પૈસાની જરૂર નથી હોતી. તમે ન ધરો તોયે એમને કોઈ ફરક નથી પડતો.

આર્થિક સ્થિતિ સાવ સાધારણ હોય તોય એ લોકો ક્યારેય અંગત ખર્ચ માટે આ પૈસા નથી વાપરતા. પૂજારીને આપી દે છે અથવા તો ક્યાંય દાન-પુણ્યમાં વાપરી નાખે. આવા સંજોગોમાં કોઈ એમને ત્યાં પધારેલા બાપ્પાને ચરણે પૈસા ધરવાનું ટાળે તો યજમાનને ગુસ્સો ભલે ન આવે, પણ વિચિત્ર લાગે એવું બને? એકેય પૈસો ધર્યા વિના ડબલ પ્રસાદ ખાઈ લેતી મારા જેવી વ્યક્તિને પીઠ પાછળ કંજૂસનું લેબલ મળતું હશે? અને સહુથી મહત્ત્વનો પ્રશ્ન ભગવાન ખરેખર હોય તો આ જોઈને એ મારા વિશે શું વિચારતા હશે?
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP