‘એ લોકો’ જીતી ગયા, હવે ભારતનું શું થશે?

article by varsha  pathak

વર્ષા પાઠક

Sep 12, 2018, 12:04 AM IST

આપણે ત્યાં હિન્દુ અને મુસ્લિમો, એમાંય કટ્ટર ધાર્મિક ગણાય એવા હિન્દુ મુસ્લિમ ભાઈઓ કોઈ મુદ્દે એક થઈ જાય, એ કલ્પના કેટલી સુંદર છે? અલબત્ત, વર્ષોથી ઘણા સમજદાર લોકો આવી કોશિશ કરતા રહ્યા છે, પણ ખાસ સફળતા નથી મળી, પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો, ત્યારે આ કલ્પના સાકાર થયેલી લાગી. એવા સમાચાર આવ્યા કે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ ધર્મગુરુઓ અને હિન્દુવાદી સંગઠનોએ એક અવાજે ચુકાદાનો વિરોધ કર્યો.


ભારતની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે ઇન્ડિયન પીનલ કોડ 377માંથી સમલૈંગિક સંબંધોને ગેરકાનૂની ગણાવતો હિસ્સો ગેરબંધારણીય ગણીને રદ કરી નાખ્યો. એટલે કે આપણે ત્યાં હવે બે વ્યક્તિ વચ્ચે પરસ્પરની સહમતિથી બંધાયેલો સેક્સ્યુઅલ સંબંધ ગેરકાનૂની, સજાપાત્ર નહીં ગણાય. સાંભળતાંની સાથે યુપીના પાવરફુલ ગણાતા મુસ્લિમ સંગઠનોએ કહ્યું કે આ ચુકાદો ઇસ્લામ વિરોધી છે અને હિન્દુ મહાસભાએ કહ્યું કે આ ચુકાદાનો અમલ ભારતીય મૂલ્યોનો નાશ કરી નાખશે. બંને જણને સુપ્રીમ કોર્ટ સામે સરખો ગુસ્સો ચઢ્યો છે.

સજાતીય સંબંધને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી દીધી,
પણ આપણામાંથી કેટલા જણ આનાથી રાજી થયા છે?

સામાન્ય સંજોગોમાં એકમેકને શત્રુ ગણતા બે પક્ષે એક અવાજે જેનો વિરોધ કર્યો એ ચુકાદા વિશે અત્યાર સુધીમાં તમે પુષ્કળ વાંચી, સાંભળી નાખ્યું હશે. એટલે એનું બેકગ્રાઉન્ડ કે લાંબી લડાઈનો ઇતિહાસ અહીં વર્ણવવાની જરૂર નથી અને પાંચ જજીસની બંધારણીય બેન્ચે ભલે સર્વસંમતિથી ફેંસલો આપીને 158 વર્ષ જૂનો, રૂઢિચુસ્ત અંગ્રેજોએ ઘડેલો કાયદો રદ કરી દીધો, પણ લડાઈ હજી પૂરી નથી થવાની. એના વિરોધમાં હજી અનેક પિટિશન્સ થશે, ગરમાગરમ ચર્ચાઓ થશે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ તો એવી આશા વ્યક્ત કરી દીધી છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાં સાત જજીસની બેન્ચ બનાવીને આ પાંચ ન્યાયમૂર્તિઓએ આપેલો ફેંસલો ઉલટાવી નાખશે. આરએસએસ તરફથી દહીં-દૂધમાં પગ રાખવા જેવું રિએક્શન આવ્યું છે.

સજાતીય સંબંધોને ગેરકાનૂની નહીં ગણવાના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સાથે એ સહમત છે, પણ સાથેસાથે કહે છે કે આ સંબંધો ‘નોર્મલ’ નથી, એટલે આરએસએસ એને ટેકો તો નહીં જ આપે.
ઘણા લોકો ઘણું કહેશે. નૈતિકતા, ધાર્મિકતા, સાયન્સ, સાઇકોલોજી વગેરેના આધારે કોર્ટમાં અને કોર્ટની બહાર લડાલડી ચાલશે. આમાંથી કોઈ વિષયમાં મારી માસ્ટરી નથી, એટલે જજમેન્ટલ નહીં બની શકું, પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે મને જે પ્રશ્ન થાય છે, એ જ અહીં રજૂ કરવા છે.

પહેલો પ્રશ્ન એ કે ‘નોર્મલ’ એટલે શું? જોયું છે કે ‘નોર્મલ’ની વ્યાખ્યા સમય સાથે બદલાતી રહે છે. યાદ છે, એક જમાનામાં ડાબોડીઓ પણ એબ્નોર્મલ જમાતના ગણાતા હતા? ડાબે હાથે જમતાં, લખતાં બાળકોને વડીલો મારીમારીને પરાણે જમણેરી બનાવતા હતા, કારણ કે ડાબો હાથ ખરાબ, અપવિત્ર ગણાતો, એનાથી કોઈ સારું કામ ન થાય એવી માન્યતા હતી. હવે એ સામાન્ય, નોર્મલ ગણાય છે. આ તો એક દાખલો થયો. આવી બીજી અનેક બાબતો છે. તમે જ વિચારી લેજો.


સજાતીય સંબંધોના વિરોધમાં એક દલીલ એવી થાય છે કે એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે અને એ એટલા માટે કે સૃષ્ટિના વિકાસ માટે દરેક જીવનો વંશવેલો ચાલુ રહે એ જરૂરી છે, પરંતુ સજાતીય સંબંધમાંથી બાળકો જન્મતાં નથી. આ દલીલ વર્ષોથી સેંકડો જ્ઞાનીજનોના મોઢે સાંભળી છે, પણ અહીં મૂંઝવણ એ થાય છે કે આ વાત સ્વીકારીએ તો બ્રહ્મચર્યનું પાલન પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણાય. સૃષ્ટિએ, કુદરતે દરેક જીવની રચના એ રીતે કરી છે કે અમુક ઉંમરે પહોંચ્યા પછી એના તન-મનમાં સેક્સની ઇચ્છા જાગે, પણ અમુક લોકો કુદરતી નિયમોની વિરુદ્ધ જાય છે. ધર્મના નામે સેક્સરહિત જીવન જીવવા તૈયાર થાય છે.

એવું નથી કે આ સહજભાવે થાય છે. હકીકતમાં એના માટે આકરા પ્રયાસ કરાય છે. કુદરતી આવેગોને દબાવી રાખવા માટે શરીર પર રીતસરના અત્યાચાર થાય છે. તેમ છતાં બ્રહ્મચર્યના પાલનને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નથી ગણાતું. ઊલટું એનો મહિમા ગવાય છે. આવું કેમ? અને બીજી વાત કે જે હોમોસેક્સ્યુઅલ છે, એ પણ સૃષ્ટિનો જ એક ભાગ છે કે નહીં? આપણે સ્ત્રી તરીકે જન્મશું કે પુરુષ તરીકે એ કુદરત નક્કી કરે છે, તો પછી એક બાળકમાં હોમોસેક્સ્યુઅલ ટેન્ડન્સી હશે કે હેટરોસેક્સ્યુઅલ, એ પણ સૃષ્ટિ એટલે કે કુદરત જ નક્કી કરતી હશે ને? તો પછી એમને કઈ રીતે સૃષ્ટિથી વિરુદ્ધ ગણવા?


ઘણા લોકો હોમોસેક્સ્યુઅલ્સને સૃષ્ટી વિરોધી જ નહીં રાષ્ટ્ર વિરોધી ગણે છે. રાજ્યસભાના માનનીય સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ‘અમેરિકન ગેમ’ દેખાઈ છે. આનો અર્થ તો એવો થાય કે આખીયે હોમોસેક્સ્યુઅલ જમાત ભારત વિરોધી છે. એમને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો નાશ કરવો છે અને હવે સુપ્રીમ કોર્ટ પણ એમાં ભળી છે. ખરેખર આવું હશે? તો તો ભારે ડરવા જેવું. એમને આર્મીથી માંડીને ઇસરો સુધી ક્યાંય સ્થાન ન અપાય.

બીજીએ ઘણી દલીલો થાય છે, જેમ કે સમલૈંગિક સંબંધોથી એઇડ્સનો ફેલાવો થશે. અહીં સાદો પ્રશ્ન કે આપણે ત્યાં જેટલા એચઆઇવી પેશન્ટ્સ છે, એ બધા હોમોસેક્સ્યુઅલ છે કે એમનો ભોગ બન્યા છે? હોસ્પિટલના રેકોર્ડ્સ તો જુદું કહે છે. પછી અત્યારે સાંભળી રહી છું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ‘આ લોકો’ને છૂટો દોર મળી જશે

પણ અહીં પાછો એ જ જૂનો પ્રશ્ન જાગે કે ભારતીય સંસ્કૃતિ એટલે શું? કેટલાં વર્ષ, કેટલી સદીઓ પાછળ જઈને નક્કી કરવું કે આ અમારી ભારતીય સંસ્કૃતિ છે. સામાન્ય સમજના આધારે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ આ ભૂમિ ઉપરાંત બહારથી આવેલી અનેક સંસ્કૃતિઓનું મિશ્રણ છે. એમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, બધા આવી જાય અને તેમ છતાં દરેકના પોતપોતાના અમુક નિયમ અને પ્રથાઓ છે જે કદાચ બીજા ધર્મ કે સંપ્રદાયને વિચિત્ર લાગે, પોતાની માન્યતાથી વિરુદ્ધ લાગે. તો પછી કોની સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિ કહેવી? અને જો હિન્દુ સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિ ગણીને ગૌરવ લઈએ તો યાદ રાખવું પડે કે એમાં દરેક પ્રકારના લોકો, માન્યતાઓ, પરંપરાઓ, દેવોનો સમાવેશ થયો છે. ભારતીય સંસ્કૃતિ માટે all inclusive જેવો શબ્દ વપરાય છે. બધા અહીં સમાઈ જાય. તો માત્ર હોમોસેક્સ્યુઅલ્સ પર આપણને કેમ ચીડ છે?


બીજીએ ઘણી દલીલો થાય છે, જેમ કે સમલૈંગિક સંબંધોથી એઇડ્સનો ફેલાવો થશે. અહીં સાદો પ્રશ્ન કે આપણે ત્યાં જેટલા એચઆઇવી પેશન્ટ્સ છે, એ બધા હોમોસેક્સ્યુઅલ છે કે એમનો ભોગ બન્યા છે? હોસ્પિટલના રેકોર્ડ્સ તો જુદું કહે છે. પછી અત્યારે સાંભળી રહી છું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ‘આ લોકો’ને છૂટો દોર મળી જશે. જાહેરમાં અશ્લીલ પ્રવૃત્તિઓ થશે. અહીં પણ સવાલ થાય છે કે આપણે ત્યાં સ્ત્રી અને પુરુષવચ્ચેનો સંબંધ કાનૂની છે, તોયે કેટલા જણ જાહેરમાં એનું પ્રદર્શન કરે છે? જેને ‘જુદા’ કહીએ છીએ એ પણ આખરે માણસ છે અને માણસની જેમ જ વર્તશે કે પછી નહીં વર્તે?


બીજા તો ઘણા સવાલ થાય છે, જેમનો અહીં સમાવેશ શક્ય નથી, પરંતુ એક છેલ્લું નિરીક્ષણ કહી દઉં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી મારા પરિચિત ઘણા લોકોનો પ્રતિભાવ પૂછ્યો તો તરફેણમાં બોલનારામાં મોટાભાગની સ્ત્રીઓ હતી. વિરોધ કે નારાજગી દર્શાવનારામાં લગભગ બધા પુરુષ હતા. આવું કેમ? કદાચ સદીઓથી કચડાતા આવેલા લોકોને એકમેક પ્રત્યે વધુ સહાનુભૂતિ થતી હશે કે બીજું કઈ?

[email protected]

X
article by varsha  pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી