સાધુનાં મા-બાપ સંતાન પાસે ખર્ચ માગી શકે?

article by varsha pathak abhivyakti

વર્ષા પાઠક

Sep 14, 2018, 01:23 PM IST

બહુ પ્રેમથી ઉછેરેલો, દિવસરાત મહેનત કરીને ભણાવેલો, લાડકોડમાં રાખેલો દીકરો મોટો થઇ જાય, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવે, એના હાથમાં સારી મોટી કંપનીનો ઑફર લેટર આવી જાય ત્યારે એનાં માતાપિતાને કેટલો આનંદ થાય? ત્યાં સુધીમાં માબાપ વૃદ્ધ, અશક્ત કે પંગુ થઇ ગયાં હોય તો એવી આશા જાગે કે હવે પનોતો પુત્ર એમને સાંભળી લેશે.


‘દીકરો અમારા ઘડપણની લાકડી બનશે’ એવું માબાપો કહે ત્યારે એ માત્ર આર્થિક ટેકાની આશા નથી દર્શાવતાં. જતી ઉંમરે એમને લાગણીની-હૂંફની પણ ઝંખના હોય છે, પરંતુ ધારી લ્યો કે પુખ્ત વયે પહોંચીને દરેક રીતે સક્ષમ થઇ ગયેલો લાડકવાયો અચાનક એક દિવસ માબાપને કહી દે કે, મારે હવે કોઈ કામધંધો કરવો નથી, આ ઘરમાં તમારી સાથે રહેવું નથી, મેં મારા ઉજ્વળ ભવિષ્યનો માર્ગ શોધી લીધો છે. હવે તમે તમારું ફોડી લેજો, સાજેમાંદે પણ મને નહિ બોલાવતા, મારું નામ પણ ભૂલી જજો.

જવાબદારી|પોતાની જિંદગી જીવવાનો અધિકાર દરેક વ્યક્તિને છે, પણ લીધેલું કરજ ચૂકવવું જ જોઈએ

આવા સંજોગોમાં તમે એ છોકરા પ્રત્યે ધિક્કાર નહિ તો બીજી કઈ લાગણી અનુભવો? અને એ વખતે કોઈ તમને એ છોકરાનો જયજયકાર કરવાનું કહે, એનાં વૃદ્ધ માબાપને ભાગ્યશાળી ગણાવે, દીકરાને જતો રોકવાથી પાપ લાગશે એવો ડર બતાવે, તો તમે શું પ્રતિભાવ આપો? ચોક્કસ તો ન કહી શકું, પણ આ સાંભળીને પહેલાં તો તમે કે હું રાજી ન જ થઈએ, રાઈટ? પરંતુ કમનસીબે, ઠેકઠેકાણે એવું થાય છે. વૃદ્ધ થઇ ગયેલાં કે વૃદ્ધત્વના આરે પહોંચેલાં, ઘણીવાર બધી રીતે અશક્ત થઇ ગયેલાં માબાપ, નાના ભાઈબહેનો અને ઘરની બધી જવાબદારીનો ઉલાળિયો કરીને માણસ ચાલતી પકડે છે, અને એની ટીકા નહિ પણ પ્રશંસા થાય છે. હું અહીં માબાપના જોરે ભણીગણીને, મોટા થયા બાદ સાધુ થઇ જનારા લોકોની વાત કરું છું.


આમ તો જ્યારે પણ સાધુ સાધ્વી થઇ ગયેલા લોકો સંસારીજનોને પોતાનાં માતાપિતા પ્રત્યેની ફરજ યાદ દેવડાવે, માબાપની સેવાથી સ્વર્ગની પ્રાપ્તિ થવાની વાત કરતા સંભળાય ત્યારે ત્યારે મારો પિત્તો જાય છે. પૂછવાનું મન થાય કે હે પૂજ્યજનો, તમે પોતે તમારી ફરજ નિભાવી? પણ આપણે ત્યાં મન થાય તોયે આવા પ્રશ્ન પૂછાતા નથી, કારણ કે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ જવાનો ભય લાગે.


પણ હમણાં અમદાવાદમાં બનેલાં કિસ્સા વિષે વાંચ્યું, જેમાં સાધુ થઇ ગયેલા દીકરાનાં માબાપે જાહેરમાં આ મુદ્દો ઉપાડ્યો છે. તમે એના વિષે વાંચ્યું જ હશે, અને હું પણ જે વાંચ્યું, એના પરથી અનુમાન બાંધું છું. ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસીસ ઑથોરિટી (GSLSA) દ્વારા સામાન્ય લોકોને કાયદાકીય સલાહ અને મદદ આપતા સેન્ટર ચલાવાય છે. આવા એક સેન્ટરમાં ગયેલાં વૃદ્ધ દંપતિએ જે ફરિયાદ કરી એને કદાચ કોર્ટમાં સંતોષજનક ઉત્તર નહિ મળે, પણ એ આપણને વિચાર કરતાં મૂકી દે, એવી તો છે જ.


64 વર્ષના પુરુષ અને એની 62 વર્ષની પત્નીએ કહ્યું કે એમના દીકરાને ઉચ્ચ શિક્ષણ આપવા માટે એમણે એમની જાત ઘસી નાખી, કમાયેલી બચાવેલી પૂંજી વાપરી નાખી પણ જ્યારે એ બંને જણ વૃદ્ધ, અશક્ત થઇ ગયા ત્યારે એમનો સહારો બનવાને બદલે 27 વર્ષનો દીકરો સાધુ થઇ ગયો. માતાપિતાને માથે પોતાની જ નહિ, માનસિક અસ્થિરતા ધરાવતા નાના દીકરાને સાંભળવાની જવાબદારી પણ આવી પડી છે. આ દુઃખી દંપતી કહે છે કે દીકરાએ સાધુ બનવું જ હોય તો અમે એના ભણતર માટે ખર્ચેલા વીસ લાખ રૂપિયાનું રિફંડ આપી દે. એમણે તો ધર્મના નામે દીકરાનું બ્રેઇનવૉશિંગ (એમના શબ્દો) કરનાર લોકો અને સંસ્થાન સામે પણ ફરિયાદ કરી છે.


માબાપના આશ્વાસન માટે સેન્ટરવાળાએ સાધુ બની ગયેલા દીકરાને બોલાવ્યો તો એણે કહ્યું કે એ કોઈની ચડામણીથી નહિ પણ પોતાની મરજીથી સાધુ બન્યો છે, એટલું જ નહિ માતાપિતા પર માનસિક સતામણીનો આરોપ મૂકતા કહ્યું કે આ લોકો એના અધ્યાત્મના માર્ગમાં વિઘ્ન નાખે છે.


હવે પ્રશ્ન એ છે કે આ કિસ્સામાં અદાલત આ વૃદ્ધ માબાપને મદદ કરી શકે? સેન્ટરવાળા કહે છે કે માબાપ એમના સંતાનને ભણાવવા માટે કરેલા ખર્ચનું રિફન્ડ ન માગી શકે, અને સાધુજીવનની દીક્ષા આપનાર સાધુ કે ધાર્મિક સંઘ-સંસ્થાનને આ મુદ્દે આરોપી ઠરાવી ન શકાય. એટલે અત્યારે તો એ કદાચ માબાપને સમજાવવાની કોશિશ કરી રહ્યા હશે. પણ હવે બીજી તરફ જોઈએ. આપણે ત્યાં હવે વૃદ્ધ માબાપ, એમનાં દીકરા-દીકરી પાસે ભરણપોષણ માગી શકે, એવો કાયદો છે. તો પૂછવાનું એ કે એ કે આ નિયમ સાધુ થઇ ગયેલા સંતાનને લાગુ પડી શકે? ઉપરોક્ત કિસ્સામાં પિતાનું અવસાન પહેલાં થયું તો માતાની જવાબદારી એ ગુરુજીએ ઉપાડવાની ફરજ પાડી શકાય?

કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. ગવર્નમેન્ટ કૉલેજમાં ભણીને ડૉક્ટર થનારા લોકોએ ફરજિયાત અમુક વર્ષ ગ્રામ્યવિસ્તારમાં કામ કરવું પડે છે. સરકાર કહે છે કે અમે તમારા ભણતર માટે આટલો ખર્ચ કર્યો, તો એનું વળતર આ રીતે આપો.

આની સામે એવી દલીલ થઇ શકે કે જેની પોતાની પાસે કોઈ દુન્યવી સંપત્તિ ન હોય એની પાસે આશા રાખવાનું યોગ્ય નથી. કમાતો દીકરો હોય તો જુદી વાત છે, પણ સાધુ શું આપે? જોકે અહીં સામી દલીલ થઇ શકે કે સાધુ કહેવાતા લોકો ભલે ખિસ્સામાં રોકડ રકમ કે ક્રેડિટ કાર્ડ્સ ન રાખતા હોય, પણ એમાંથી કોઈ મરજી વિરુદ્ધ ભૂખ્યા નથી રહેતા. એમની બધી સગવડો ભક્તો સાચવી લે છે. અનેક આશ્રમોમાં જોઈએ છીએ કે સાવ ઘરડાં, નબળાં થઇ ગયેલા સિનિયર સાધુઓનું ધ્યાન એમના જુનિયર સાધુ રાખે છે. ટૂંકમાં, એમને કોઈ વાંધો નથી આવતો. તો પછી એમને શું કામ માબાપ પ્રત્યેની ફરજમાંથી મુક્ત રાખવા જોઈએ?


કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. ગવર્નમેન્ટ કૉલેજમાં ભણીને ડૉક્ટર થનારા લોકોએ ફરજિયાત અમુક વર્ષ ગ્રામ્યવિસ્તારમાં કામ કરવું પડે છે. સરકાર કહે છે કે અમે તમારા ભણતર માટે આટલો ખર્ચ કર્યો, તો એનું વળતર આ રીતે આપો. એજ્યુકેશન લોન આપનારી બૅન્ક શરત રાખે છે કે ભણીને કામ કરવાનું શરૂ કરો એટલે અમારા પૈસા વ્યાજસહિત ચૂકવી દેવા પડશે. સરકાર અને સરકારી બૅન્કો પણ આવી શરત રાખી શકે તો માબાપ શું કામ નહિ? સંતાનની વધુ કમાઈ નથી જોઈતી, પણ એને ભણાવવા માટે જે ખર્ચ કર્યો હોય એ કમાઈને પાછો ચૂકવી દે, પછી ભલે છોકરો સંન્યાસી થઇ જતો, એવું કહેવામાં કંઈ ખોટું છે?


અહીં સ્પષ્ટ કરવાનું કે પોતાની જિંદગી કઈ રીતે જીવવી એ નક્કી કરવાનો અધિકાર દરેક વ્યક્તિને છે. કોઈને ફિલ્મસ્ટાર થવું હોય તો કોઈને સાધુ. પણ લીધેલું કરજ ચૂકવવું જ જોઈએ. બીજી વાત એ કે આવી વ્યક્તિને બીજા લોકોને શિખામણ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી. માબાપ, નાનાં ભાઈબહેનો, ઘણીવાર તો પત્ની અને બાળકોને પડતાં મૂકીને આત્માનું કલ્યાણ કરવા નીકળી પડેલા લોકોએ પછી બીજાંને પરિવાર અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની શિખામણ આપવી નહિ. ભારતમાં વધી રહેલા વૃદ્ધાશ્રમો વિષે જાહેરમાં રોદણાં રડવાં નહિ. સાધુ થઇ ગયેલા દીકરાને પગે લાગી રહેલી માતાની તસવીરો જોઈ છે. પણ એ વખતે એકલીઅટૂલી, પારકાં પર અવલંબિત થઇ ગયેલી વૃદ્ધ માતા ખરેખર ખુશ હશે, ખરેખર?

[email protected]

X
article by varsha pathak abhivyakti

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી