દોડો દોડો, ગેરંટી પિરિયડ પૂરો થઈ જશે

article by varasha pathak

વર્ષા પાઠક

Dec 12, 2018, 03:28 PM IST

મુંબઈમાં ઘણી જગ્યાએ કોઈ દુકાન બરાબર ચાલતી ન હોય તો વેપારી એની દુકાનની બહાર ભેળ, સેન્ડવિચ જેવા ફાસ્ટફૂડ વેચનારાને એનો સ્ટોલ લગાવવાની પરમિશન આપે છે અને મહિને સારું એવું ભાડું કમાઈ લે છે. શહેરના એક જાણીતા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ક્લિનિક ધરાવતા ડૉક્ટરને ચક્કર આવી ગયા જ્યારે ફ્રૅન્કી બનાવીને વેચતા ફેરિયાએ આવીને એમની સામે આ પ્રપોઝલ મૂકી.

અમુક નંગ પહેરવાથી બધાં
દુઃખ દૂર થઈ જશે એવું માનતા હો તો પણ ક્યારેય પૂછો છો કે એવો ચમત્કાર થવામાં કેટલો સમય લાગશે?

દવાખાનાની બહાર એનો સ્ટૉલ લગાવવા માટે એ બહાદુર મહિને સત્તર હજાર રૂપિયા ભાડું આપવા તૈયાર હતો. ખિજાયેલા ડૉક્ટરે એને કાઢી મૂક્યો, પણ પછી ખૂબ હસ્યા. આ વાત લગભગ 10 વર્ષ પહેલાંની છે. અત્યારે એ કોમ્પ્લેક્સમાં લોકોની વસ્તી અને જગ્યાના ભાવની સાથે સાથે સ્ટ્રીટ ફૂડ વેચતા ગેરકાનૂની સ્ટૉલ્સની સંખ્યા પણ વધી ગઈ છે. ફેરિયાને જગ્યા ભાડે આપતા દુકાનદારને એવી આશા પણ રહે કે બહાર ભેલપૂરી ખાનારની નજર દુકાનની અંદર પડે તો કદાચ એને પણ ઘરાકી થાય.


બીજાં શહેરોમાં આવી બંને પક્ષે ફાયદો કરાવનારી અરેન્જમેન્ટ ચાલે છે કે નહીં, એની ખબર નથી, પણ મુંબઈમાં આ જ પ્રકારનું બિઝનેસ મોડ્યુલ હવે અમુક નાના જ્વેલર્સ પણ અપનાવવા લાગ્યા છે. અફકોર્સ, સોના-ચાંદીના દાગીના વેચનારા વેપારી સેન્ડવિચવાળા સાથે તો સમજૂતી કરે નહીં. એ લોકો વધુ રિસ્પેક્ટેબલ કહેવાય એવા ભાડૂઆત શોધે છે. એ હોય છે જ્યોતિષીઓ, ગ્રહદશાનું નિવારણ કરી આપવાનો દાવો કરનારા એક્સપર્ટ્સ. દુકાનની બહાર બોર્ડ માર્યું હોય કે તમારી તકલીફના નિવારણ માટે જ્યોતિષીની મફત સલાહ જોઈતી હોય તો અંદર પધારો. ‘મફત’ શબ્દમાં અજબ મોહિની હોય છે. વળી, જે વ્યક્તિ ખરેખર મુસીબતમાં હોય એને કોઈ નિષ્ણાતની સલાહ મફતમાં મળવાની વાત તો તરત લલચાવી જાય.

એ દુકાનમાં જાય અને દુકાનદારે સાચું જ કહ્યું હોય. અંદર બેઠેલો ગ્રહદશા એક્સપર્ટ આવનારની બધીયે વાત સાંભળીને કહી દે કે એને કયો ગ્રહ નડે છે અને એ નડતર દૂર કરવા માટે વીંટીમાં કયો નંગ(સ્ટોન) પહેરવો જોઈએ. આ સલાહ બિલકુલ મફત મળે છે. દુઃખિયો જીવ પૂછે કે આવું નંગ ક્યાં મળે તો એની સેવામાં દુકાનદાર હાજર જ હોય. સાહેબ, બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. અહીં તો પાછી ગેરંટી અપાય કે અમુક ચોક્કસ સમયની અંદર ગ્રાહકનું કામ નહીં થાય તો પૈસા પાછા. એ લોકો બરાબર જાણે છે કે સામેવાળાનું કામ ન થાય તોયે એ પૈસા પાછા લેવા નહીં આવે. રાજકારણીઓની જેમ જ જ્યોતિષીઓ પણ પોતે આપેલા વચનનું પાલન કરવા કાયદેસર બંધાયેલાં નથી અને કોઈ એમને વચનભંગ માટે પોલીસમાં કે અદાલતમાં ઘસડી નથી જતું. દસે આંગળીએ વીંટીઓ પહેર્યા પછીયે સંકટનું નિવારણ ન થાય ત્યારે વ્યક્તિ ભાગ્યને દોષ આપીને બેસી રહે.


પણ મુંબઈમાં રહેતા એક ભાઈએ ચૂપ રહેવાને બદલે કાયદાકીય તકરાર માંડી. બહુ કોશિશ કર્યા પછીયે એ લગ્નોત્સુક ભાઈને કન્યા નહોતી મળતી. જ્યોતિષીઓની સલાહ લીધી, પાઠપૂજા કરાવ્યા, પણ મેળ નહોતો પડતો. આજથી ત્રણેક વર્ષ પહેલાં એમની નજર એક જ્વેલરી શોપ પર પડી, જેની બહાર લખ્યું હતું કે અહીંથી ખરીદેલા નંગ પહેર્યા પછી માત્ર ત્રીસ દિવસની અંદર સમસ્યાનું સમાધાન નહીં થાય તો પૈસા પાછા અપાશે. એક મહિનામાં પત્ની મળી જશે એવી આશા સાથે એ ભાઈએ લગભગ સવા લાખ રૂપિયા ચૂકવીને બે કીમતી કહેવાયેલા નંગ ખરીદ્યાં. એટલું ઓછું હોય એમ એના પિતાએ પણ જીવનમાં સફળતા મેળવવા માટે ત્યાંથી સાડા સત્તાવીસ હજાર રૂપિયાનું એક નંગ ખરીદ્યું. મહિનો વીતી ગયા પછીયે કન્યા મળી નહીં તો યુવાન દુકાનમાં પાછો ગયો. પેલા લોકોએ કહ્યું કે આવું તો ભાગ્યે જ બને, પણ થોડી રાહ જુઓ.

પેલાએ વધુ એક મહિનો રાહ જોઈ, પણ નસીબ આડેથી પાંદડું ખસ્યું નહીં એટલે પાછો દુકાને ગયો, પાછી વધુ રાહ જોવાની સલાહ સાથે પાછો ફર્યો. ચાર-પાંચ મહિના પછી ભાન થયું કે ઉલ્લુ બની ગયો, પણ નસીબને દોષ આપવાને બદલે એ ગ્રાહક પંચાયતમાં ગયો અને તાજેતરમાં ત્યાંથી ચુકાદો આવ્યો કે દુકાનદારે ગ્રાહકને એના પૈસાનું રિફન્ડ આપવું પડશે. અહીં જોવાનું એ કે જે દુકાનદારે ગ્રાહકને મહિનો વીતી ગયા પછીયે વધુ થોડા મહિના રાહ જોવાની સલાહ આપેલી, એણે પોતાના બચાવમાં એવું કહ્યું કે ગ્રાહકને સંતોષ ન થાય તો એણે રિફંડ માટે મહિનાની અંદર જ પાછા આવવું એવી શરત હતી. કન્ઝ્યુમર ફોરમે આ બચાવ માન્ય રાખ્યો નહીં.


તમારી સાથે આવો વચનભંગ થાય તો તમે લડવા નીકળો? વર્ષો પહેલાંની વાત છે. કોણે, ક્યાં, કોની પર કેસ કરેલો એ યાદ નથી, પણ કેસનો ફેંસલો સુણાવતી વખતે અદાલતે કહેલી એક વાત યાદ રહી ગઈ છે કે ચૂંટણી વખતે આપેલાં વચન રાજકારણીઓ પાળે નહીં તો એમના પર છેતરપિંડીનો કેસ થઈ ન શકે. આડકતરી રીતે જજસાહેબે ફરિયાદીને કહી દીધું કે ચૂંટણી વખતે તો દરેક પક્ષ મત મેળવવા જાતજાતનાં વચન આપે. એ જાણતાં જ હોય કે આનું પાલન કરવાનું નથી, પણ મતદાર એ હવાઈ વાતોને માનીને મત આપી દે તો વાંક એનો કહેવાય. ચમત્કારિક કહેવાય એવા નંગ અને યંત્રો વેચનાર પણ આ જ રીતે સુરક્ષિત રહે છે.

આ કેસ વિશે સાંભળીને અમદાવાદની એક ગૃહિણીએ ઇન્ટરેસ્ટિંગ પ્રતિભાવ આપ્યો. એના કહેવા પ્રમાણે આપણા લોકોને કોઈ પ્રોડક્ટ કે સર્વિસથી સંતોષ ન થાય તોયે પૈસા પાછા માગવામાં શરમ આવે છે કે આળસ નડે છે. એણે પોતે ટીવી પર જોઈને ધનવર્ષાની ગેરંટી આપનારું યંત્ર મંગાવેલું. પચીસ દિવસ પછી પચાસ સિક્કા પણ વરસ્યા નહીં એટલે ફોન કર્યો. સામેવાળાએ ગલ્લાતલ્લા કર્યા તો પોલીસમાં જવાની ધમકી આપીને એમની લોકલ ઓફિસનું એડ્રેસ લીધું અને જાતે પેલી ચમત્કારિક ચીજ પરત કરીને પૂરા પૈસા પાછા લઈ આવ્યાં. એ કહે છે કે જે જોવું હોય, કરવું હોય એ બધું ગેરંટી પિરિયડમાં કરી લેવાનું.


જીવનમાં બીજી અનેક વાતોમાં પણ આ સિદ્ધાંત લાગુ પાડવા જેવો છે ને? આપણે તનમનધન ઘસાઈ જાય ત્યાં સુધી પરિસ્થિતિ સુધરવાની રાહ જોયા કરીએ છીએ અને છેવટે માથું કૂટીએ કે હવે શું કરવું, પાછા જવા માટે હવે બહુ મોડું થઈ ગયું.
[email protected]

X
article by varasha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી