મસ્તી-અમસ્તી / માલ્યા માનવઅધિકાર માગવા ચાલ્યા

article byn raeshmaniar

રઈશ મનીઆર

Mar 24, 2019, 03:43 PM IST

હસુભાઈ મારા ઘરમાં પ્રવેશ્યા પછી બોલ્યા, ‘આવું કે?’
‘નીરવ મોદી લંડનની સડકો પર જેટલી બેરોકટોક અવરજવર કરે છે, લગભગ એવી જ રીતે તમે મારા ઘરમાં.. અને પાછા પૂછો છો...’
હસુભાઈએ અજિત દોવાલના ક્લાસમેટ હોય એ રીતે પ્રસ્તાવના બાંધી, ‘નીરવ મોદી તેમજ કેટલાક સજ્જનોએ (સજ્જ દુર્જનોનું શોર્ટ ફોર્મ સજ્જનો) માનવઅધિકાર પંચમાં એક અરજી આપી છે. એની એક નકલી નકલ મારી પાસે આવી છે.’
મેં એ અરજી વાંચી!

  • ‘અમે દેશને ચૂનો ચોપડી ગયા’ એમ કહેનારા ભૂલી જાય છે કે શાંતિનો રંગ સફેદ છે. કબૂતરના બદલે કિંગફિશર ઊડ્યું એટલો જ ફરક છે!!

‘વિશ્વ માનવઅધિકાર પંચના પ્ર-મૂર્ખશ્રી,
રાષ્ટ્ર તરફથી ધિક્કાર પામનાર અમે આપની પાસે અ-ધિકાર માગતા ગૌરવ અનુભવીએ છીએ.
અમે નીચે અસલી સહી કરનારા નકલી (ભૂતપૂર્વ તેમજ અભૂતપૂર્વ) ભારતીયો આપની સેવામાં નિવેદન કરીએ છીએ કે ભારતમાં પ્રજા અને મીડિયા દ્વારા અમારી બદનામી થાય છે. (માત્ર નેતાઓ ખાનદાન અને નમકહલાલ છે!)
દુ:ખની વાત છે કે આખો દેશ અમને તુંકારાથી ઉલ્લેખે છે. તમે આલિયાને ‘આલિયા’ કહો તો ચાલે, વાલ્મીકિને ‘વાલિયા’ કહો તો ચાલે, પણ માલ્યાને ‘શ્રીમાન માલ્યા’, ‘માલ્યાજી’, અથવા ‘માલ્યાભાઈ’ કહેવામાં આવે, એવી અમારી લાગણી છે.
અમારી માગણી છે કે શ્રીમાન માલ્યા માટે તેમજ એમના જેવા અન્ય ‘સમસુખિયા’ઓ માટે ‘ભાગેડુ’ જેવો હીન શબ્દ વાપરવામાં ન આવે. શ્રીમાન માલ્યા કંઈ કોઈની પત્ની કે છોકરીને લઈને ભાગી નથી ગયા. માત્ર ‘લોન’ લઈને ‘અલોન’ (alone) ભાગી ગયા છે. (છોકરીઓ તો એમની સાથે રાજીખુશીથી જ જાય છે).
ખરેખર શ્રીમાન માલ્યાની તબિયત જોઈને કોઈને પણ ખ્યાલ આવી જાય કે એ ભાગી શકે એમ છે જ નહીં. ડોક્ટરોને ત્યાં ટ્રેડમિલની તપાસમાં એ દોડી કે ભાગી શકતા નથી. એ પરદેશ કેમ કરીને ભાગી શકે? વિઝ્યુઅલાઇઝ કરો, શું માલ્યાએ એરપોર્ટ પરથી દોડીને દેશ છોડ્યો હશે? જી ના! માલ્યા ચાલ્યા કે મહાલ્યા જ હશે, દોડ્યા નહીં હોય!

એરપોર્ટ અધિકારીઓએ એમને ટીવી પર જોયા હોવા છતાં અને પાસપોર્ટ પર નામ હોવા છતાં માલ્યાને ઝાલ્યા નહીં, એમાં ખરેખર તો માલ્યા જેવી સેલિબ્રિટીની માનહાનિ થઈ કહેવાય. ઇમિગ્રેશન ઓફિસરો તો ઠીક, પણ સ્ટિંગ-એક્સપર્ટ પત્રકારો અને પાપારાઝી ફોટોગ્રાફર્સ પણ આ ક્ષણ કેમ ચૂકી ગયા? આખું જગત જાણે છે કે મીડિયા તૈમુર-મિશાના ફોટા પાડવામાં વ્યસ્ત રહ્યું એમાં માલ્યાભાઈ સલામતીથી ચાલ્યા ગયા. બાકી એ કંઈ ચોર છે કે ભાગે? અરે! જે ચોર હોય એ પોતાના શરીરે દિવેલ લગાડીને ચોરી કરે જેથી કોઈ પકડે તો છટકીને ભાગી શકાય. માલ્યાભાઈ તો બીજાને દિવેલ લગાડી ગયા. એ ચોર ક્યાંથી થયા?
ભગવાન બુદ્ધ ઘર છોડીને ગયા તો તમે એને મહાભિનિષ્ક્રમણ કહો છો. પયગંબરસાહેબ મક્કાથી મદીના ગયા તો એ હિજરત કહેવાઈ. કૃષ્ણ મથુરાનું રણમેદાન છોડી દ્વારકા ગયા તો એ ‘રણછોડરાય’ કહેવાયા. તો માલ્યા ભારત છોડીને ઇંગ્લેન્ડ ગયા એ વિજયી ઘટનાનું અવમૂલ્યન શાને?
યુરોપથી ભારત શોધવા નીકળેલા કોલંબસ અને વાસ્કો-દ-ગામા અમર થઈ ગયા. તો ભારતથી લંડનનો (વાયા એન્ટિગુઆ) નવો રસ્તો શોધનાર નીરવ મોદી બાબતે ઇતિહાસ નીરવ(ચૂપ) કેમ છે? અને એ આવું સાહસ કર્યા પછી શાહમૃગની જેમ રેતીમાં માથું ખોસીને શું કામ જીવે? શાહમૃગના ચામડાનું બનેલું જેકેટ પહેરીને કેમ ન ફરી શકે? આભાર માનો કે ભારતવાસીઓની ચામડીનું જેકેટ નથી પહેર્યું. બાકી, ચામડી તો ઉતારી જ નાખી છે!

નૈઋત્ય દિશામાંથી આવતા પવનો સદીઓથી ભારતમાં મેહુલિયાને લાવે છે. હવે એકવાર વાયવ્ય દિશામાં જતા પવનો એક ‘મેહુલિયા’ને ઉડાવી ગયા એમાં આટલી બધી કાગારોળ શાને?
દેશને આઝાદી ભલે ગાંધીજીએ આપી, પણ આ દેશને આઇ.પી.એલ. તો મોદીજીએ જ આપી ને! (લલિત મોદી) એવી લલિત વિભૂતિનું નામ સાંભળી ચલિત થનારાઓ! કમ સે કમ અટકનો તો જરા મલાજો રાખો!
જે દેશના વડાપ્રધાન પોતાને ગર્વથી ચોકીદાર ગણાવતા હોય, જે પાડોશીને ઘરમાં ઘૂસી ઝાપટ મારી આવતા હોય, એના દેશમાંથી સહીસલામત ભાગવું, એ કંઈ નાનુંસૂનું સાહસ છે? એ સાહસ બદલ અમારા સૌનું નામ ‘ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સ’માં આવવું જોઈએ. એના બદલે દેશ અમારા પર ગિન્નાય છે!
કેવી કમનસીબી છે! ‘અમે દેશને ચૂનો ચોપડી ગયા’ એમ કહેનારા ભૂલી જાય છે કે શાંતિનો રંગ સફેદ છે. કબૂતરના બદલે કિંગફિશર ઊડ્યું એટલો જ ફરક છે. માલ્યાની ઉડાનને ‘એક કિંગફિશરની સૌથી લાંબી ઉડાન’ ગણીને ઇતિહાસમાં સ્થાન ન આપી શકાય?
‘એવોર્ડ’ની અમને લાલસા નથી, પણ જેલના એ વોર્ડનો ડર છે જ્યાં આશારામથી લઈ અબુ સાલેમ સુધીના એ ગ્રેડના મહાનુભાવો રહે છે. અમારો વિદેશ ખાતેનો ‘રેસ્ટ’ ટૂંકાવી અમને ‘અરેસ્ટ’ ન કરવાનું વચન આપો તો અમે માનભેર વતન પરત ફરવા તત્પર છીએ. બ્લેક મની સ્વદેશ લાવવા માગો છો તો બ્લેક લિસ્ટેડ માણસો માટે દેશમાં (જેલ સિવાયની) જગ્યા નથી? આ રંગભેદ નથી તો શું છે?

અબ આખિર મેં, મૈં દુબઈ સે... આપ સમજ ગયલે હોંયગે કિ મૈં કોન લિખ રયલા હૂં! મૈં ઇત્તે સાલોં સે ઈદ યહાં મનાતા હૂં પર દિવાળીતો મૈં જબ મન ચાહે વતન મેં હી (બોન્બ ફોડ કે) મનાતા હૂં. વૈસે તો હમ કિસી કો ભી ‘ટપકા’કર નિપટાતે હૈં, પર આજ ઇસ અરજી પર આખરી ‘ટપકા’(ફુલ પોઇન્ટ) હમારા હૈ. આજ સિર્ફ પેન... આજ સિર્ફ સ્યાહી... માનવઅધિકાર જિંદાબાદ!’
[email protected]

X
article byn raeshmaniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી