મસ્તી-અમસ્તી / હસુભાઈ ‘નવી’ લાવવા નીકળ્યા!

article by raeshmaniar

રઈશ મનીઆર

Mar 17, 2019, 04:05 PM IST

હું દિગ્વિજયસિંહની લવસ્ટોરી વાંચી રહ્યો હતો ત્યાં જ હસુભાઈ ટપક્યા, ‘બસ! હવે તો નવી જ લાવવી છે!’ હસુભાઈ એમના દિગ્વિજયની શરૂઆત હંમેશાં મારા જેવા પાડોશીને ત્રાસ આપીને કરતા.
‘મન તો બધાનું હોય, પણ પરિવાર એવું ન કરવા દે!’ મેં પુરુષ સહજ જવાબ આપ્યો.
‘અરે! હેમા અને હેમિશ બંને પણ રાજી છે, કહે છે નવી જ લઈ આવો.’
હું ઈર્ષા, આઘાત અને આશ્ચર્યનું ત્રિવેણી પૂર ખાળીને બોલ્યો, ‘હસુભાઈ, આ ઉંમરે તમને નવી કોણ આપશે?’
‘ઉંમર વધે એમ વધુ સારી અને વધુ વેલ્યૂએબલ મળે! અને મને તો સેકન્ડ હેન્ડ પણ ચાલે!’
હું ગર્જ્યો, ‘હસુભાઈ! નારી માટે આવી હીન ભાષા ન વાપરો! મહિલાદિન અત્યારે જ ગયો!’
‘અરે! હું નવી ગાડી લાવું એમાં મહિલાઓને શો વાંધો હોય?’

  • ‘માણસે જીવનમાં જે વસ્તુ ઓફિશિયલી બે રાખી શકાય એ તો બે રાખવી જ જોઈએ. થોડા વરસ ગાડીને નિભાવી લો તો તે વિન્ટેજ કાર તરીકે કમાણી કરાવશે!’

હવે મને સમજ પડી હસુભાઈ લાડી નહીં, પણ ગાડીની વાત કરતા હતા.
‘પણ તમારે જૂની કાર શું કામ વેચવી છે? આમેય તમે તો એક્ટિવા પર ફરો છો, તમારી કાર તો પાર્કિંગમાં જ ‘ઇન એક્ટિવ’ પડી રહે છે!’
‘કાર અને પત્ની ઇન એક્ટિવ ભલે હોય, એટ્રેક્ટિવ હોવી જોઈએ!’
‘નવીના ખર્ચા ભારે હશે.’

‘જૂની પણ પોષાતી નથી! યુવાનીના વરસો હું આ જ કારના ડાઉનપેમેન્ટ માટે કમાયો. પછી હપ્તા ભરવા માટે કમાયો અને હવે હપ્તા પૂરા થયા ત્યારે જેટલો EMI ભરતો હતો એના કરતાં હવે મેઇન્ટેનન્સ વધારે આવે છે! આ કારના ટાયર બદલી બદલી હું ‘ટાયર્ડ’ થઈ ગયો છું. એનું PUC કરાવી કરાવી હું ‘એક્ઝોસ્ટ’ થઈ ગયો છું. બસ યાર! હવે મારે નવી કાર જોઈએ!’
‘બજેટ કેટલું છે?’ મેં વ્યાવહારિક સવાલ પૂછ્યો.
‘જૂની કાર વેચતા જેટલા આવશે, એમાં થોડા ઉમેરીશ.’
અને અમે થોડા સમય પછી સેકન્ડ હેન્ડ કારના ડીલરને બારણે હતા. એણે હસુભાઈની જૂની કારની કિંમત કેટલી કાઢી, એ કહેતા મને શરમ લાગે છે. કારની કિંમત કહીને પછી એ બોલ્યો, ‘ફુલ 35 લિટર પેટ્રોલ ભરેલું હશે તો કારની ડબલ કિંમત આપીશ.’
‘એટલે કે જેટલા પેટ્રોલના, એટલા જ ગાડીના, બસ?’
‘હા!’

મેં ગણતરી માંડી, પછી માંડી વાળી અને હસુભાઈને આઇડિયા આપ્યો, ‘હસુભાઈ આને ન વેચાય! માણસે જીવનમાં જે વસ્તુ ઓફિશિયલી બે રાખી શકાય એ તો બે રાખવી જ જોઈએ. થોડા વરસ આ ગાડીને નિભાવી લો તો આ ગાડી વરઘોડામાં વિન્ટેજ કાર તરીકે તમને કમાણી કરાવશે!’ આમેય હસુભાઈની કારની સ્પીડ વરઘોડાની ગતિ જેટલી જ રહેતી અને ફુલ એક્સિલેટર આપો તો બેન્ડની પણ જરૂર ન રહે એટલો વૈવિધ્યસભર અવાજ કારમાંથી નીકળતો.
કારડીલરે પૂછ્યું, ‘એવરેજ કેટલી આપે છે?’

‘કાઢી નથી! અબોવ એવરેજ જ હશે!’ હસુભાઈએ મોઘમ જ જવાબ આપવો પડે એમ હતું. બાકી હસુભાઈની કારની એવરેજ શાહરુખ ખાન અને રજનીકાંતની લેટેસ્ટ ફિલ્મોના નામની વચ્ચેની રેન્જમાં હતી.
મને યાદ છે કે અમારા કેતનભાઈ નામના ડોક્ટરમિત્રએ ભાડું બચાવવા હસુભાઈની કાર અવેતન વાપરવા લીધેલી. કેતનભાઈનું વેતન બચ્યું, પણ એના કરતાં પેટ્રોલ મોંઘું પડ્યું. ગાડી પરત કરતાં એમણે કહ્યું હતું, ‘તમારી ગાડી રૂપિયે ફૂટ ચાલે છે!’
કાર ધ્યાનપૂર્વક જોઈને ડીલરે કુતૂહલથી પૂછ્યું, ‘એક્સટિરિયર પર આર્ટવર્ક કરાવ્યું છે?’

વાત એમ હતી કે હસુભાઈની કારના એક્સટિરિયર પર બહુ સ્ક્રેચ હતા. કલર કરવાનો એસ્ટિમેટ કારની વેચાણ કિંમત કરતાં વધુ આવ્યો. એટલે હસુભાઈએ સોસાયટીનાં બાળકોને કીચેઇન, નેઇલકટર, ડિસમિસ જેવી વસ્તુઓ આપી એમને આવડે એવી કલાકૃતિ દોરવા કહ્યું. ત્યારથી કારનું એક્સટિરિયર સરસ લાગે છે!

પેલા ડીલરે હસુભાઈને પૂછ્યું, ‘નવું વાહન કયું લેશો?’
‘એમને એક્ટીવા ફાવે છે.’ મેં હેસિયત મુજબ વાત કરી.
ડીલરે કહ્યું, ‘આને વેચતાં એક્ટિવાની એક્સેસરીના પૈસા નીકળી જશે.’
અપમાન અનુભવી રહેલા હસુભાઈએ અચાનક સામો સવાલ કર્યો, ‘સૌથી મોંઘી કાર કઈ?’
પેલાએ હસુભાઈને ઉપરથી નીચે સુધી નિહાળી પૂછ્યું, ‘તમે કદીય કોઈ મોંઘા વાહનમાં બેઠા છો?’
‘પૂરા 35 લાખ! અરે! આન, બાન અને શાનથી 35 લાખના વ્હિકલમાં બેઠો છું.’ હસુભાઈ ગર્જ્યા, પછી ધીમેથી મારા કાનમાં બોલ્યા, ‘ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ, એસટીની વાત કરું છું, એ પાંત્રીસ લાખની હોય!’
પાંત્રીસ લાખનો આંકડો સાંભળીને ડીલર જરા ઝંખવાઈ ગયો. એણે ગ્રાહકને ભગવાન સમજી નમ્રતાથી જવાબ આપ્યો, ‘પાંત્રીસથી શરૂ થાય એવી મોંઘી ગાડી લેવી હોય તો મર્સિડીઝ, રોલ્સ રોઇસ, લેક્સસ, બી એમ ડબલ્યૂ!’
હસુભાઈ બોલ્યા, ‘બસ... બસ... બસ... આમાંથી બીજી કોઈ નહીં! બી એમ ડબલ્યૂ ફાઇનલ!’

હું હસુભાઈની ત્વરિત નિર્ણયશક્તિથી નવાઈ પામ્યો, ‘મને તો મારુતિ અને હ્યુન્ડાઈ સિવાય કોઈ કારમાં ગડ પડતી નથી. હસુભાઈ, તમે એક પળમાં સિલેક્શન પણ કરી નાખ્યું! મોંઘી ગાડીઓનું આટલું બધું નોલેજ!’
‘આમાં નોલેજ નહીં, નોલેજનો અભાવ જવાબદાર છે. હું એમ માનું છું કે જે કાર આપણે ખરીદીએ એનો સ્પેલિંગ આપણને આવડવો જોઈએ! બી એમ ડબલ્યૂ! ઇઝી!’
આખરે બે લાખની ગાડી પર બે હજાર રૂપિયાનો બી. એમ. ડબલ્યૂનો ‘ઓરિજિનલ’ લોગો લગાડી આપવાની શરતે હસુભાઈની ડીલ ફાઇનલ થઈ.
જૂની કારની ચાવી ડીલરને સોંપતા ભારે હૈયે હસુભાઈ બોલ્યા, ‘આ કાર સુરતમાં ન વેચતા! મારી જૂની પ્રેમિકા પણ એના નવા પતિ સાથે રસ્તે દેખાઈ જાય છે તો બે દિવસ ખાવાનું ભાવતું નથી.’
[email protected]

X
article by raeshmaniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી