મસ્તી-અમસ્તી / તું કોને મત આપશે, મતદાર? કહી દે ને, યાર!

article by raesh maniar

રઈશ મનીઆર

Apr 21, 2019, 04:39 PM IST

આજકાલ આખો દિવસ હું ચેનલ ફેરવતો રહું છે અને ચેનલો આખો દિવસ મારું મગજ ફેરવતી રહે છે. આવામાં અમારી સોસાયટીમાં એક જોરદાર લાઇવ તમાશો થઈ ગયો.
ગાંધીબાપુએ તમામ પક્ષોના નેતાઓને ચોખ્ખું કહી દીધું કે સુરતના સામાન્ય નાગરિક હસુભાઈ જે પક્ષને મત આપશે એ જ જીતશે એટલે રાજકીય પક્ષોએ અચાનક અમારી ‘ડિમલાઇટ’ સોસાયટી પર સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી.
ગાંધીબાપુએ આપેલી ટિપને આધારે નેતાઓએ ઇલેક્શનજન્ય નમ્રતાથી હસુભાઈની ઇચ્છા વિશે પૃચ્છા ચાલુ કરી. એ બિચારાઓને ખબર નહોતી કે એમણે કોનું પૂછડું આમળ્યું છે!
હસુભાઈ જવાબ આપવાને બદલે વાજપેયીજીની જેમ આંખો મીંચી અને મનમોહનસિંહની જેમ મૌનમાં સરી ગયા. એટલે ધનશંકરને પૂછવામાં આવ્યું, ‘હસુભાઈ કોને મત આપશે?’
‘ભણેલાગણેલા શાંત-સમતોલ ઉમેદવારને!’ ધનશંકરે કહ્યું.

  • ‘અરે! અમે બોત્તેર વરસમાં મહામહેનતે સંસદને મચ્છીબજાર જેવી બનાવી દીધી છે, હવે ભણેલાગણેલા શાંત-સમતોલ માણસો ત્યાં જઈને શું કરશે?’

‘અરે! અમે બોત્તેર વરસમાં મહામહેનતે સંસદને મચ્છીબજાર જેવી બનાવી દીધી છે, હવે ભણેલાગણેલા શાંત-સમતોલ માણસો ત્યાં જઈને શું કરશે?’ તડીપાર-કમ-બેડોપાર નેતા બોલ્યો.
મમતાદીદીએ હસુભાઈને સીધો સવાલ કર્યો, ‘હસુભૈયા! તમે ‘મો’ત’ કોને આપશો?’ બંગાળમાં મતનો ઉચ્ચાર ‘મોત’ થાય છે.
‘નાગરિકશાસ્ત્ર અને ક્રાઇમપેટ્રોલ બંનેનું કહેવું છે કે ‘મો’તદાન’ ગુપ્ત હોય છે.’ હસુભાઈ આમ વદ્યા, પણ છેક દિલ્હીથી આવેલા મહેમાનોને આ જવાબ ન સદ્યો.
‘હસુભાઈ, તમારો મત ક્યાં જશે?’ કેજરીવાલે ખાંસી ખાતાં ખાતાં ગુપ્ત જ્ઞાનમાં રસ દાખવ્યો.
હસુભાઈએ સત્ય ઉચ્ચાર્યું, ‘મારો મત મતપેટીને એટલે કે ઈ.વી.એમ.ને જશે!’
ડાબેરી પક્ષો બોલ્યા, ‘ના, ના! એટલે કે તમારો મત કયો પક્ષ લઈ જશે?’
હસુભાઈએ નિર્દોષતાથી કહ્યું, ‘અંતે તો બધા મત તો મતઅધિકારી જ લઈ જશે ને!’
સર્વ કળાના સ્વામી સુબ્રમણ્યમ ખેલ પાડવા મેદાનમાં આવ્યા, ‘અરે! અમે સર્વાનુમતે એમ પૂછવા માગીએ છીએ કે આપ ઈ.વી.એમ. મેં કૌન-સા બટન દબાઓગે?’
‘વો તો મેરા અંતરાત્મા લાસ્ટ મોમેન્ટ પર કહેગા કિ ઇસકો ‘મત’ દે ઔર ઇસકો ‘મત’ દે.’
બહુ ઓછાને સમજાયું કે આમાંથી પહેલાં ‘મત’નો અર્થ ‘વોટ’ થાય અને બીજા ‘મત’નો અર્થ ‘ના’ થાય. સ્વામીને થયું આ બટન તો પછી દબાવશે, પણ એ પહેલાં હું આનું ગળું દબાવી દઉં.
માયાવતી સહુ વતી બોલ્યાં, ‘અરે હસુજી! અમારા ઉત્તરપ્રદેશમાં તો બધા જવાબ આપી દે છે કે કયું બટન દબાવવાના છે.’
‘તમારા ‘ઉત્તર’ પ્રદેશમાં મતદારો ‘ઉત્તર’ આપતા હશે, અમારા ‘ગુજરાતી’ તો ‘ગુજરી’ જાય તોય ન કહે કે કોને આપ્યો!’
અમિતભાઈ કુનેહથી બોલ્યા, ‘બસ એટલું કહી દો, આ વખતે તમે શહીદોના નામે મતદાન...’
હસુભાઈએ સ્નેહથી સામો સવાલ કર્યો, ‘નોટબંધીની લાઇનમાં 105 જણા ગુજરી ગયા એને પણ શહીદ કહેવાય?
મણિશંકરે ત્રાંસી આંખે પૂછ્યું. ‘તો પછી... આ વખતે તમે બેરોજગારો માટે..?’
‘કેમ તમારા પક્ષે આ વખતે બધા બેરોજગારને જ ઊભા રાખ્યા છે?’
રાહુલ ગાંધીએ નવીનવી ઉદ્્ભવેલી હોશિયારી વાપરીને કહ્યું, ‘હસુભાઈ, આ ચૂંટણીની ગરમી, આ ઊથલપાથલ, ચહલપહલના અંતે તમને શું લાગે છે, શું થશે?’
હસુભાઈ બોલ્યા, ‘શાંતિ સ્થપાશે.’
દિગ્વિજય અશાંત થતાં બોલ્યા, ‘એવું તમે કઈ રીતે કહી શકો?’
‘ડોબાને પણ ખબર હોય કે કકળાટ પછી શાંતિ જ હોય.’
કુમાર વિશ્વાસે ખૂબ ચિંતન કરી સવાલ શોધી કાઢ્યો, ‘એ શાંતિનો રંગ કેવો હશે? કેસરી કે ત્રિરંગો?’
હસુભાઈએ રોકડું પરખાવ્યું, ‘શાંતિનો રંગ સફેદ જ હોય. લોકશાહીના કફન જેવો.’
એમ. જે. અકબરે મુદ્દા પર આવતાં સવાલ પૂછ્યો, ‘કોંગ્રેસ અને ભાજપ બે મુખ્ય પક્ષોમાંથી, તમને શું લાગે છે, કોણ બાજી મારશે અને કોણ દિલ્હીમાં સરકાર બનાવશે?’
‘જેને વધુ સીટ મળશે તે!’ હસુભાઈ બોલ્યા.
સોનિયા ગાંધીએ પરસેવો લૂછતાં પૂછ્યું, ‘કયા પક્ષને વધુ ‘સીટ’ મળશે?’
હસુભાઈને હવે મજા આવવા લાગી, ‘જે શક્તિશાળી હશે તેને.’
‘બે પક્ષોમાંથી શક્તિશાળી કોણ છે?’ જેટલીની કીટલી ગરમ થઈ ગઈ એટલે એ ચિલ્લાયા!
‘બેમાંથી જે કમજોર છે, એ સિવાયનો...’
શશી થરૂર પોતાના જ વાળ ખેંચી ચિલ્લાઈને બોલ્યા, ‘તો કમજોર પક્ષ કોણ છે?’
‘જેની માએ સવાશેર સૂંઠ ન ખાધી હોય તે.’
આશાનું કિરણ દેખાતાં વિજય રૂપાણી બોલી ઊઠ્યા, ‘ઇટાલીમાં સૂંઠ ક્યાંથી હોય? એ તો વડનગરવાળા પાસે જ હોય ને?’
સૂટવાળો હવે સૂંઠવાળો થઈ ‘વિજયી’ નીવડશે એ સંકેતથી છાવણી ‘આનંદી’ થઈ ગઈ.
ત્યાં જ આવી ચડેલાં હેમાબહેન બોલ્યાં, ‘પણ ધારો કે કોઈની માએ સવાશેર સૂંઠ ન ખાધી હોય, પણ કોઈની દાદીએ અઢી શેર સૂંઠ ખાધી હોય તો... એનો ચાન્સ ખરો?’
નવો એંગલ નીકળવાથી અમુક એંગલથી દાદી જેવાં દેખાતાં ‘સિઝનલ’ લીડર પોતાના ‘સિઝન્ડ’ ભાઈને ભેટી પડ્યાં.
અખિલેશ-માયાવતી કન્ફ્યૂઝ્ડ થઈ ગયાં.
‘તમારે શું ચિંતા? જિસ તડ મેં લડ્ડુ ઉસ તડ મેં હમ!’ હસુભાઈ બોલ્યા.
મેં હસુભાઈને કહ્યું, ‘તમે મત કોને આપશો એ નહીં કહો ત્યાં સુધી આ ટોળું વિદાય નહીં થાય!’
હસુભાઈએ મને પૂછ્યું, ‘ભારતમાં કેટલી પાર્ટી છે?’
મેં કહ્યું, ‘કુલ 2075 પક્ષો છે!’
‘બધાને એક-એક દિવસ સરકાર ચલાવવા દઈએ તો પાંચ વરસ નીકળી જાય ને?’
‘બધાને? અરે! આમાંથી અમુક પક્ષો તો નોંધાયેલા પણ નથી!’
‘વત્સ! આપણા દેશમાં કાર ચલાવવા માટે લાઇસન્સ જરૂરી છે, સરકાર ચલાવવા માટે નહીં!’

[email protected]

X
article by raesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી