મસ્તી-અમસ્તી / કાપલી બનાવવી એ ‘શરમ’નું નહીં, ‘શ્રમ’નું કામ છે

article by raesh maniar

રઈશ મનીઆર

Apr 07, 2019, 04:44 PM IST

‘મોટા માથાનો નબીરો કાપલી બનાવતા પકડાયો.’ હસુભાઈ એક આંખ હેમિશ તરફ અને બીજી હેમાબહેન તરફ રાખી ચિલ્લાયા.
‘હવે મોટું માથું કોઈ નથી. બધા ચોકીદાર અને બેરોજગાર છે.’ મેં કહ્યું.
‘બિચ્ચારો! કાપલીની ચોકી ન કરી શક્યો! હવે બેરોજગાર બનશે?’ હેમાબહેને ખરખરો કર્યો.
‘તમારી યુવાપેઢી કાપલીપુરાણ વિશે શું માને છે?’ મેં હેમિશ-પ્રેરણાને પૂછ્યું. નોટ અને પેન લઈ એમનું મુખકમળ ઊઘડે એની રાહ જોવા લાગ્યો.
હેમિશ બોલ્યો, ‘અંકલ, કાપલી પર નબીરાઓનો કોઈ ઇજારો નથી. અમીર-ગરીબ સહુ કાપલી બનાવે છે.’
‘પણ સત્તાધારી પક્ષના...’
‘કાપલીને પક્ષાપક્ષી લાગુ ન પાડો. કાપલી સાર્વત્રિક ટ્રિક છે!’
પ્રેરણાડી બોલી, ‘અંકલ, આપણી શિક્ષણપદ્ધતિ ભલે મેકોલે નામના વિદેશીએ બનાવી છે, પણ લાગે છે કે કાપલીની પદ્ધતિ આપણી મૌલિક ‘સ્વદેશી’ કળા છે. અંગ્રેજોનું એ ગજું નહીં!’
‘ડફોળ હોય એ કાપલી બનાવે!’ હસુભાઈ ગર્જ્યા. પોતે ડફોળ હતા એ અધ્યાહાર રાખી બોલ્યા, ‘ભણવું એ સરસ્વતીની આરાધના છે!’
‘પપ્પા! જેમની પાસે મેમરીની મૂડી છે એવા નીચી મૂંડીએ ભણનારા બે-પાંચ મૂડીવાદીઓ જ આજકાલ સરસ્વતીદેવીને પૂજે છે. આવા અલ્પમતિ ચંબુઓ-ચાંપલીઓને બાદ કરતાં બહુમતી વિદ્યાર્થીઓ કાપલીદેવીમાં માને છે!’
‘હાય હાય! છોકરીઓ પણ કાપલી બનાવે?’ હેમાબહેનને આઘાત લાગ્યો.

  • ‘આજકાલ ભણનારા ઘટતા જાય છે અને પરીક્ષાઓ વધતી જાય છે. આ સંજોગોમાં કાપલી જ વિદ્યા અને અવિદ્યાના બે કિનારા વચ્ચેનો સેતુ છે.’

‘જે ગર્લ્સ પોપ્યુલર હોય એને બોયફ્રેન્ડ્સ કાપલી બનાવી આપે. બાકી પેરેન્ટ્સ બનાવે. પેરેન્ટ્સ બહુ ચીકણા હોય તો એ ચોટલી બનાવી આપે, કાપલી આપણે જાતે બનાવવી પડે!’ પ્રેરણાડી બોલી.
‘ગર્લ્સની મમ્મીઓને ગર્લ્સના બોયફ્રેન્ડ દીઠે નથી ગમતા, પણ પરીક્ષાના દિવસોમાં એ બોયફ્રેન્ડ પ્રત્યે થોડા સોફ્ટ થઈ જાય છે! એ લોકો પેપર ફોડી લાવે તો મમ્મીઓએ કાપલીઓ ઓછી બનાવવી પડે ને!’ હેમિશે સ્વાનુભવ કહ્યો.
‘આજકાલ છોકરા-છોકરીઓ આખું વરસ એકબીજાને કાપલી લખે છે અને છેલ્લે એક અઠવાડિયું પરીક્ષા માટે કાપલી લખે!’
‘ઓહો! એટલે તમારા માટે કાપલી સાહિત્યનો બારમાસી પ્રકાર છે, એમ?’
‘અંકલ, તમે લેખક છો, તમે જે કંઈ પણ લખો એ ‘છપાવવાનું’ હોય, અમે લોકો જે કંઈ લખીએ એ ‘છુપાવવાનું’ હોય! યાદ રાખો! છપાવવું એ ‘લાલસા’ છે, છુપાવવું એ ‘સંયમ’ છે!’ હેમિશે મને ઝપેટમાં લીધો.
‘એટલે તમે કાપલાને નૈતિક ગણો છો?’ મેં વેધક સવાલ કર્યો.
પ્રેરણાડી ચિડાઈ ગઈ, ‘કાપલા? વોટ ડુ યુ મીન બાય કાપલા? ‘કાપલી’ શબ્દ હંમેશાં નારી જાતિમાં જ વપરાય છે. ‘કાપલું’ કે ‘કાપલો’ ન ચાલે, કાપલીમાં જે નમણાશ છે, નજાકત છે એ આધેડ સુપરવાઇઝરોને ક્યાંથી સમજાય?’
‘બધા જ કાપલી બનાવી લાવે તો હોશિયાર-ડફોળ વચ્ચે ભેદ કઈ રીતે ખબર પડે?’
પ્રેરણાડીએ ભેદ ખોલ્યો, ‘હોશિયાર એ છે જેને ખબર હોય છે કે કયા સવાલની કાપલી કઈ છે! અને ડફોળ તો સમાજવિદ્યાના પેપરમાં વિજ્ઞાનની કાપલી લઈને જાય!’
મારી અને હસુભાઈની આંખો મળી. ભૂતકાળ યાદ આવી ગયો જ્યારે ભૂલથી...
‘ઓહો! આ કાપલીકળાની બીજી કોઈ ખાસિયત?’
પ્રેરણાડીએ ઉમેર્યું, ‘કાપલીની એક મહત્ત્વની ખાસિયત એટલે સારા અક્ષરો! વિદ્યાર્થી વર્ષભર નોટબુકમાં ગમે તેવા અક્ષરે લખે તો ચાલે, કેમ કે નોટબુક શિક્ષકે વાંચવાની હોય છે. કાપલી ચોખ્ખા અક્ષરમાં લખવી પડે, કેમ કે એ પોતે વાંચવાની હોય છે!’
હેમિશે બીજી ખાસિયત બતાવી, ‘જાદુગરો બાંય કે બગલમાંથી કબૂતર કાઢે એ રીતે પરીક્ષાખંડમાં કાપલી કાઢવી પડે છે અને 25-27 કાપલીમાંથી જોઈતી કાપલી શોધી કાઢવી એ પણ જાદુગરી નથી?’
‘હા, એ ‘શરમ’નું નહીં, ‘શ્રમ’નું કામ છે!’ પ્રેરણાડી હિંમતથી બોલી.
‘યુવાનોને કાપલીકળાની કોઈ ટિપ્સ આપી શકો?’
હેમિશ બોલ્યો, ‘ચોક્કસ, કેમ નહીં? ધ્યાન એ રાખવું જોઈએ કે પરીક્ષાના આગલા દિવસે બહુ વાંચ-વાંચ કરવાથી કાપલી બનાવવાનો ટાઇમ રહેતો નથી. બીજું, ઢગલાબંધ કાપલી બનાવવાનો લોભ ન કરવો જોઈએ, કેમ કે આગલા દિવસે અઢળક કાપલી લખી-લખી થાકી જવાથી પરીક્ષામાં લખવાનો મૂડ રહેતો નથી.’
સવાલો ખૂટી ગયા એટલે મેં પૂછ્યું, ‘કાપલીનું ભવિષ્ય કેવું લાગે છે?’
‘ઉજ્જ્વળ! આજકાલ ભણનારા ઘટતા જાય છે અને પરીક્ષાઓ વધતી જાય છે. આ સંજોગોમાં કાપલી જ વિદ્યા અને અવિદ્યાના બે કિનારા વચ્ચેનો સેતુ છે.’
હસુભાઈને ફી બચાવવાનો વિચાર આવ્યો, ‘તમે લોકો આમ છેલ્લે પરીક્ષાખંડમાં કાપલી જ બનાવવાના હોવ તો આ બધી શાળાઓ-કોલેજોનો કોઈ અર્થ ખરો?’
હેમિશે રોકડી પરખાવી, ‘એ બધું પણ જરૂરી છે જ. કોલેજ છે તો જ કેન્ટિન છે, સ્ટડી છે તો જ બંકની મજા છે, લાઇબ્રેરી છે તો જ બોયઝ-ગર્લ્સને સામસામે બેસવાની સગવડ છે, આખો રવિવાર સંતાનો મા-બાપની ટકટકથી બોર થઈ જાય તો રિલેક્સ થવા માટે સોમથી શનિ શાળા-કોલેજ જોઈએ કે નહીં?’
હું બડબડ્યો, ‘પણ કાપલીથી તો શિક્ષણની બરબાદી...’
‘કાપલી એ અમારી એકમાત્ર આઝાદી છે. કહેવત છે ને કે ‘સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો’! એ રીતે આખું વરસ યુનિવર્સિટી અને સરકાર અમારા ભવિષ્ય સાથે મરજી મુજબની છેડખાની કરે, તો અમે ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક દિવસ કાપલી ન બનાવી શકીએ?’
પ્રેરણાડી બોલી, ‘અંકલ! આ તમે શું લખી રહ્યો છો?’
‘લેખ માટે નોટ્સ લઈ રહ્યો છું. દરેક લેખ એ મારી પરીક્ષા છે!’ મેં ગૌરવપૂર્વક કહ્યું.
‘તો આ તમે બનાવો છો તે કાપલી નથી?’
[email protected]

X
article by raesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી