મસ્તી-અમસ્તી / 32મી માર્ચની વધામણી

article by raesh maniar

રઈશ મનીઆર

Apr 01, 2019, 03:34 PM IST

વડીલો દિવાળી ઊજવીને અને યુવાનો 31 ડિસેમ્બર સેલિબ્રેટ કરીને વીતેલા વરસને ગુડબાય કરે છે, પણ 31 માર્ચના દિવસે હિસાબી વર્ષ પૂરું થાય છે, એની વિદાયમાં કોઈ સેલિબ્રેશન નહીં?
31 માર્ચે ખૂબ વર્કલોડ હોવાથી પ્રજા વીતેલા વરસને સરખી રીતે વિદાય આપી શકતી નથી. તેથી સરકારે આ વરસથી સ્પેશિયલ ઉજવણી માટે 32મી માર્ચની એક વધારાની તારીખ જાહેર કરી છે. પરિણામે નવું હિસાબી વરસ સીધું 2 એપ્રિલથી શરૂ થશે.
સહુ ભારતીયોએ 32 માર્ચના આ દિવસને એપ્રિલ ફૂલ ન સમજી ગંભીરતાથી ધામધૂમથી ઊજવવો એવો આદેશ આપવામાં આવ્યો છે. આ દિવસ ન ઊજવનારને દેશદ્રોહી જાહેર કરવામાં આવશે.
દેશભરમાં 32 માર્ચ માટેની બહુ થ્રિલિંગ જાહેરાતો થઈ છે, પણ આચારસંહિતા લાગી ચૂકી હોવાથી અમારા સિવાય કોઈ એ ન્યૂઝ તમારા સુધી નહીં પહોંચાડે.

  • દેશભરમાં 32 માર્ચ માટેની બહુ થ્રિલિંગ જાહેરાતો થઈ છે, પણ આચારસંહિતા લાગી ચૂકી હોવાથી અમારા સિવાય કોઈ એ ન્યૂઝ તમારા સુધી નહીં પહોંચાડે

ચેનલોનો નિર્ણય
દેશભરની ચેનલોના એન્કરોની મિટિંગ કોલકાતાના મચ્છીબજારમાં મળી હતી. એન્કરોના હાકોટા-પડકારા સાંભળીને માછણો શરમાઈને ભાગી ગઈ હતી. સૌ એન્કરોનાં ગળાં બેસી ગયાં પછી લેખિત તેમજ ઇશારાઓથી ચર્ચાઓ ચાલી હતી. સર્વાનુમતે નક્કી થયું કે આ 32 માર્ચે લોકો ચોંકી જાય એવું કંઈ જુદું કરવું છે. અંતે ચેનલોએ 32 માર્ચે ‘સાચા ન્યૂઝ’ આપવાનું નક્કી કર્યું છે. આશા રખાય છે કે વરસમાં એક જ દિવસ આવું કરવાનું હોવાથી એમના એથિક્સને કોઈ વાંધો નહીં આવે.
સોશિયલ મીડિયાપ્રેમી બહેનોની ખેલદિલી
દેશભરની સોશિયલ મીડિયાપ્રેમી બહેનો ફેસબુકના ચોક પર મળી હતી. પંચાતનાં પકોડાં, ચર્ચાની ચકરી અને કુથલીની કચોરી ખાધા પછી એમણે નક્કી કર્યું છે કે કાલે સહુ બહેનો એમના ડીપી તરીકે કરંટ(વર્તમાન) પિક્ચર મૂકશે. ભલે પછી ‘કરંટ’ લાગવાથી એમના વર્તમાન ચાહકો ‘ભૂત’ થઈ જાય.
ટીવીપ્રેમી પતિ-પત્નીઓને રાહત
આઇપીએલના દિવસોમાં પતિ-પત્ની વચ્ચે ભારત-ચીન વચ્ચે ડોકલામ માટે થતી રસ્સીખેંચ ઝાંખી લાગે એવી રિમોટખેંચ થતી હોય છે. એ ટાળવા માટે નારીવાદી ચેનલોએ જાહેર કર્યું છે કે 32મી માર્ચથી ‘યે રિશ્તા’, ‘કસોટી’, ‘નાગિન’, ‘તારક મેહતા’ વગેરે સિરિયલો બંધ થશે. એ પછી કદાચ બે-ચાર દિવસ સૂર્ય નહીં ઊગે, અમુક વિસ્તારોમાં આકાશ તૂટી પડશે, પણ પછી બધું પૂર્વવત્ થઈ જશે.
સામે પક્ષે આ હિલચાલથી અજાણ એવી સ્પોર્ટ્સ ચેનલે જાહેર કર્યું છે કે પત્નીઓ સુખેથી સિરિયલ જોઈ શકે અને પતિઓ ‘સિરિયલકિલર’ ન બને એ માટે આઇપીએલની મેચોનું પ્રસારણ નહીં કરવામાં આવે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે શેરબજારની ઊતરચડ પરથી જ સ્કોરનું અનુમાન લગાવવાનું રહેશે. પુરુષોને આશ્વાસનરૂપે રશિયન ચિયરલીડરોના વિડિયો પર્સનલ ચેટમાં મોકલી આપવામાં આવશે.
નેતાઓનો સંકલ્પ
સ્વ. લોકશાહીદેવીના શ્રાદ્ધરૂપે ઓલપાર્ટી ‘આ મિલ કે પી લે’ મિટિંગ ગોવા ખાતે ગોઠવાઈ હતી.નેતાઓએ ખોબેખોબે દુ:ખ પીધું. બાઇટિંગ તરીકે મંગાવેલ ગાંઠિયા માટે કાગડાઓ સાથે થયેલી ફાઇટિંગમાં નેતાઓનો વિજય થયો હતો. ભાજપે પ્રપોઝલ મૂકી હતી કે આ વખતે વચન ત્રીસ લાખનું આપીએ.
તો સામે કોંગ્રેસે વિચાર્યું, આ વખતે મરેલાઓને પેન્શન અને નહીં જન્મેલાઓને સ્કોલરશિપ જાહેર કરીએ! પછી થયું કે આ બધું તો આપણે આખું વરસ કરીએ જ છીએ. કમ-સે-કમ આ દિવસે સાચાં વચન આપીએ.
તેથી રાહુલ ગાંધીએ અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે ‘ઊભા’ રહેવાને બદલે પીઠી ચોળી ચોરીમાં ‘બેસી’ જવાનો નિર્ધાર જાહેર કર્યો છે. ‘કોની સાથે’ એ ખુલાસો ન કર્યો હોવાથી બંને પાર્ટીમાં મીઠી ગેરસમજ વ્યાપી ગઈ છે.
મોદીજીએ જાહેર કર્યું છે કે ભાજપ ઇલેક્શન હારી જશે તો ચાની લારી ખોલીશ. બાજુમાં અમિતજી પકોડાંનું (એન)કાઉન્ટર ખોલશે. પકોડાં ખલાસ થઈ જાય તોય (સંબિત) પાતરાં છૂટથી મળશે. અડવાણીજી ચોકી કરશે!
ઇકો-ડ્રિંકનું આગમન
આજકાલ તંદુરસ્તીના અભાવે યુવા પેઢીનું જીન્સ વારેઘડીએ નીચે ઊતરી જતું હોવાથી એમને કટિબદ્ધ કરવા માટે ‘ખોખા-ખોલા’ નામની પીણાંની કંપની હવેથી જેનેટિકલી મોડીફાઇડ નારિયેળી ઉગાડશે. સીધેસીધું નારિયેળમાંથી જ કોલ્ડ્રિંક પીવાનું રહેશે. જોકે, નશીલાં નારિયેળ માટે રિસર્ચ હજુ ચાલુ છે.
અખબારોની પહેલ
અખબારના તંત્રીઓએ ભેગા થઈ અનુભવ્યું કે આજનું છાપું કાલે પસ્તી બની જાય છે. આ વન્યસંપત્તિનો ઘોર બગાડ અટકાવવા પેપર બનાવવાની એવી ટેક્નોલોજી શોધી કાઢવામાં આવી છે કે જેમાં પેપર વાંચી લીધા પછી એને પેપર ઢોંસાની જેમ ખાઈ શકાય છે. બ્રેકિંગ ન્યૂઝનું તરત બ્રેકફાસ્ટમાં રૂપાંતર! ઇટેબલ ન્યૂઝપેપર! જોકે, અમુક અખબારોના સમાચારો પચે એવા હોતા નથી. કહેવાય છે કે આ ટેક્નોલોજીની અનઓફિશિયલ અજમાયશ રાફેલ ફાઇલમાં થઈ ચૂકી છે અને એના ઇટેબલ પેપર સારી રીતે ખવાઈને હજમ થઈ ચૂક્યાં છે.
બાબુ બાટલીની બેઠક
બાબુ બાટલી અને મિત્રમંડળે એ ગુજરાતના મંત્રીઓ સાથે દમણમાં બેઠક કરી હતી. પરિણામે આવતી કાલથી ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાઈ છે. આ જાહેરાતને પગલે ‘પીનારાઓ’માં રમ્ય આનંદ વ્યાપી ગયો છે. જોકે, (દારૂબંધીના નામે) ‘ખાનારાઓ’માં અગમ્ય વિષાદની લાગણી છે. ખાસ કરીને ચેકનાકા પર પીનારાઓનાં મોં સૂંઘીસૂંઘીને નશો કરનારા પોલીસકર્મીઓને વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સ આવશે તો એમને નશામુક્તિ કેન્દ્રોમાં લઈ જવા પડશે એવી ભીતિ સેવાઈ રહી છે.
યુવાનોની યાતના
14મી ફેબ્રુઆરીએ ‘આઇ લવ યુ’ કહી જવાબની રાહ જોઈ રહેલા યુવાનોને વેલેન્ટાઇન્સના બરાબર 45 દિવસ પછી દેશભરની ઇન ડિમાન્ડ હોટ યુવતીઓએ ઠંડે કલેજે અને રહેમરાહે આવતી કાલે ‘આઇ લવ યુ’ કહેવાનું નક્કી કર્યું છે! જ્યોતિષનો અભ્યાસ ન હોય એવા લોકોનું પણ માનવું છે કે ‘આઇ લવ યુ’ કહેવા માટે કાલે શ્રેષ્ઠ મુહૂર્ત છે.
[email protected]

X
article by raesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી