મસ્તી-અમસ્તી / મહિલાદિને સ્ત્રીઓએ પુરુષોને શું ગિફ્ટ આપી?

article by raeesh maniar

રઈશ મનીઆર

Mar 10, 2019, 12:05 AM IST

ગઈ આઠમી માર્ચે સવારે હસુભાઈ આવ્યા, ‘કવિરાજ, આજે આપણું આવી બન્યું!’
મેં અનુભવના આધારે કહ્યું, ‘આવું તો રોજ કહી શકાય.’
‘પણ આજે આઠમી માર્ચ છે.’
‘આઠમી માર્ચે એવું તે શું છે?’
‘આ એક ઐતિહાસિક દિવસ છે!’
મેં કહ્યું, ‘ઓહો! એ તો બારમી માર્ચ, દાંડીકૂચ! હજુ ચાર દિવસની વાર છે!’
હસુભાઈ કહે, ‘ના રે, હેમાએ તો આજે સવારે જ હાથમાં દાંડી પકડી મારી પાસે કૂચ કરાવી. આજે સવારે ઊંઘમાં નસકોરાં બોલાવતો હતો, ત્યાં હેમાએ ઉઠાડ્યો અને કહેવા લાગી કે અવાજ નહીં જોઈએ, આજે આંતરરાષ્ટ્રીય મહિલાદિન છે.’
‘એમ?’

  • ત્યક્તા નારી નારીનિકેતનમાં જાય! પણ ત્રસ્ત પુરુષ માટે જગતના કોઈ ખૂણે કોઈ ‘નરનિકેતન’ની વ્યવસ્થા નથી!’ હસુભાઈ બોલ્યા, ‘નર ‘ઘર’ છોડી ‘બાર’માં જાય!’

‘મેં કહ્યું એને, હું ક્યાં જાણી જોઈને... આ તો નસકોરાંનો... તો હેમાએ કહ્યું હું કંઈ ન જાણું! યુગોથી પુરુષનાં નસકોરાં સ્ત્રીઓનાં નસકોરાં કરતાં મોટાં કેમ હોય છે? શા માટે સ્ત્રીઓનાં નસકોરાંનો અવાજ મનુસ્મૃતિના સમયથી દબાવી દેવામાં આવે છે?’
હવે મને સમજ પડી, ‘હસુભાઈ! હેમાબહેન મહિલાદિન ઊજવવાના મૂડમાં છે.’
‘તમારી જ પાસે આઇડિયા માંગવા આવી રહી છે. તમે ન્યૂટ્રલ છો ને એટલે.’
જોકે, પુરુષ અને સ્ત્રીની વચ્ચે ‘ન્યૂટ્રલ’ હોવું એ કોઈ સન્માનની વાત નથી ગણાતી, તોય હું ખુશ થયો.
ત્યાં જ હેમાબહેન ધસ્યાં, ‘આપણી સોસાયટીમાં આજે 8મી માર્ચે સોસાયટીની બહેનોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલાદિન’ ઊજવવાનું નક્કી કર્યું છે.’
મેં પૂછ્યું, ‘એમાં અમે પુરુષો શું કરી શકીએ?’
‘નડશો નહીં!’
‘અમે ક્યાં જઈએ? ત્યક્તા નારી હોય એ નારીનિકેતનમાં જાય! પણ ત્રસ્ત પુરુષ માટે જગતના કોઈ ખૂણે કોઈ ‘નરનિકેતન’ની વ્યવસ્થા નથી!’
હસુભાઈ ધીમેથી બોલ્યા, ‘નર ‘ઘર’ છોડી ‘બાર’માં જાય!’
થોડીવારમાં તો હેમાબહેનના રણટંકારના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં બહેનોનાં ટોળેટોળાં થઈ ગયાં, ‘આ દિવસ નોવેલ્ટીથી કેવી રીતે ઊજવી શકાય એનો કોઈ આઇડિયા આપો.’
મેં પહેલો સાદો આઇડિયા આપ્યો, ‘આજનો દિવસ તમારા ઘરમાં બધું જ તમારી મરજી મુજબનું થવું જોઈએ.’
મહિલાઓ આ સુઝાવથી ખાસ ઉત્સાહિત ન થઈ, ‘કંઈ નવું કહો.’
મેં કહ્યું, ‘સોસાયટીની કોઈ સ્ત્રી આજે રસોઈ નહીં બનાવે.’
એટલે ધનશંકરનાં પત્નીએ વિરોધ નોંધાવ્યો, ‘આ કંઈ શીતળા સાતમ નથી, આ તો માર્ચ આઠમ છે.’
મેં સહુને એક નવો ડ્રેસ માગવાનું કહ્યું, પણ એ તો દર મહિને મળતો હતો.
મને નવો આઇડિયા આવ્યો, ‘આ દિવસે બધી બહેનોએ પોતાને પિયર જવું.’
તરત બહેનોએ વિરોધ કર્યો, ‘આ સ્ત્રીઓની ખુશીનો તહેવાર છે, પુરુષોની ખુશીનો નહીં!’
હેમાબહેન બોલ્યાં, ‘વળી, પિયરમાં ભાભી આ દિવસ ઊજવવા પોતાને પિયર ગઈ હોય તો આપણે જાતે જ રસોઈ બનાવવી પડે અને
રસોઈમાં તાજા ટેવાયેલા પતિઓ કરતાં બરડ થઈ ગયેલા બાપાઓને ચૂંધી વધારે
હોય છે.’
આ લિબરેશનનો દિવસ કેવી રીતે ઊજવવો? હિન્દુસ્તાનને બદલે અફઘાનિસ્તાન હોત તો ‘બુરખા’ઓથી
મુક્તિ માગી હોત, પણ અહીં તો ‘મૂરખા’ઓથી મુક્તિ મેળવવા સિવાય બીજું કંઈ માગી શકાય એમ હતું નહીં.
સ્ત્રી સ્વાતંત્ર્યના આજીવન પ્રચારક એવાં કુસુમકુમારી બોલ્યાં, ‘તમે બધા આ દિવસે માંગવાની જ વાતો કેમ કરો છો? શું સ્ત્રીઓ ભિખારી છે?’
આ સ્વમાની વાત સૌને સ્પર્શી ગઈ. એટલે સ્ત્રીઓએ પુરુષોને કંઈ આપવાનું નક્કી કર્યું.
ઉજવણીમાં પુરુષોને બોલાવવામાં આવ્યા. સૌએ તૈયાર થઈને કોમન પ્લોટમાં આવવાનું નક્કી કર્યું. જોકે, બહેનોને તૈયાર થવામાં થોડીવાર
થઈ એટલે સૌ 8મી માર્ચને બદલે 9મી માર્ચે ભેગા થયા.
ગિફ્ટ મેળવવા માટે ઉત્સાહિત પુરુષોની સામે સ્ત્રીઓ બોલી, ‘આજે અમે આપને કંઈ આપવાનું નક્કી કર્યું છે.’
ભાઈઓએ હર્ષનાદ કર્યો.
‘અમે નક્કી કર્યું છે અમે પુરુષોને ‘ઠપકો’ આપીશું.’ ભપકો કરીને આવેલી મહિલાઓએ ટહુકો કર્યો.
લેખિત ઠપકો વાંચવાની શરૂઆત કરતાં એક બહેન બોલ્યાં, ‘જગતભરના બધા પુરુષો ખામીભરેલી પ્રોડક્ટ છે.’
બાબુ બાટલીએ પાછળથી બૂમ પાડી, ‘તો પરણ્યા શું કામ?’
‘પ્રેમ કરીએ ત્યારે તો ખૂબી જ દેખાય, પણ પુરુષોની ખામીઓ જાણવા માટે એમની સાથે પરણવું પડે.’ હેમાબહેને સ્પષ્ટતા કરી.
કુમુદકુમારી બોલ્યાં, ‘તમે તો ભૂલ કરી નાખી, પણ હું ગર્વથી ઘોષણા કરું છું કે હું કુંવારી છું અને મારી પાસે મારા પોતાના ‘વિચારો’ છે.’
હેમાબહેને પણ પ્રાસ બેસાડ્યો, ‘હું ગર્વથી કહું છું કે હું પરણેલી છું અને મારી પાસે પોતાનો ‘બિચારો’ છે!’
સોસાયટી પ્રમુખ શાંતિલાલના અભણ પુત્રની ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી વહુ ગૂગલિયુ
ક્વોટ ઊગલી ગઈ, ‘સ્ત્રીને તમે પુરુષો સમજો છો શું? એ ભલે ટી-બેગ જેવી નાની અને નાજુક દેખાય, પણ એ ઉકળે ત્યારે જ ખબર પડે એ કેટલી સ્ટ્રોંગ છે!’
બાબુ બાટલીએ સવાલ કર્યો, ‘સ્ત્રી ટી બેગ જેવી છે તો પુરુષ કેવો છે?’
હસુભાઈ બોલ્યા, ‘પુરુષ બીન બેગ જેવો છે, દેખાય કદાવર પણ જ્યાંથી જેટલો દબાવો એટલો દબાય.’
વાતાવરણ ઠંડું પાડવા મેં પૂછ્યું, ‘સ્ત્રીની ઓળખ શું? પત્ની? માતા? પ્રેમિકા?’
અત્યાર સુધી ચૂપ બેઠેલી પ્રેરણાડી બોલી, ‘અ વુમન ઇઝ અ વુમન ઇઝ અ વુમન! શી ઇઝ અ ટેમ્પરરી લવર, શી ઇઝ અ ટેમ્પરરી વાઇફ, શી ઇઝ અ ટેમ્પરરી મધર! શી ઇઝ ઓનલી અ પરમેનન્ટ વુમન!’
હેમિશ બોલ્યો, ‘વાહ! આવો એટિટ્યૂડ રાખે તો લેડીઝને ક્યારેય ડિપ્રેશન ન આવે!’
હેમિશના બાપાએ ઉમેર્યું, ‘અને જેન્ટ્સ ક્યારેય ડિપ્રેશનમાંથી બહાર ન આવે!’
[email protected]

X
article by raeesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી