મસ્તી-અમસ્તી / મારી આપઘાતનિવારણ સેવાનો કરુણ અંત

article by raeesh maniar

રઈશ મનીઆર

Mar 04, 2019, 04:26 PM IST

પરીક્ષાની મોસમ આવી રહી છે. પેપરમાં રોજરોજ આપઘાતના સમાચાર આવે છે. મેં નક્કી કર્યું કે આ વરસે મિનિમમ એક આપઘાત અટકાવીશ. ઓનલાઇન હેલ્પલાઇન શરૂ કરી, પણ કોઈ ફરક્યું નહીં એટલે આપઘાત અટકાવવા ઘરની નજીક તાપીના કાંઠા પર વોચ કરવાનું નક્કી કર્યું. નદીમાં પાણીનું પ્રમાણ જોઈ વિચાર આવ્યો કે આ તાપીમાં તો છબછબિયાં જ થાય, આપઘાત તો સાબરમતીમાં થાય.
તાપીકાંઠે બે કલાક બેઠો પણ કોઈ આપઘાત કરવા આવ્યું નહીં. જીવનમાં પહેલીવાર વિના મૂલ્યે સમાજસેવાનું કામ કરવા બહાર નીકળ્યો, પણ સેવાની તક ન મળી. અઢી કલાકને અંતે હતાશા વધી જતાં મને પોતાને જ આપઘાત કરવાનું મન થવા લાગ્યું.
ત્યાં જ મને હસુભાઈનો હેમિશ પાણીની નજીક જતો દેખાયો. મને થયું, ‘અરેરે! મારી પાડોશમાં જ રહેતો યુવાન આયુષ્ય ટૂંકાવવા માગે છે અને મને ખ્યાલ જ ન આવ્યો?’
હેમિશનો હાથ પકડી એને બાંકડે બેસાડી કીધું, ‘બેટા, મમ્મી તો પ્રેશર આપે. જોજે કોઈ આડુંઅવળું પગલું...’

  • ‘અંકલ, વિચાર કરો, બોર્ડે તો પરીક્ષા પહેલાં ક્વેશ્ચન પેપર સાચવવાનું અને પરીક્ષા પછી આન્સર પેપર સાચવવાનું, અમારે ખાલી ત્રણ કલાક સાચવવાના!’

હેમિશ કહે, ‘ના અંકલ, હમણાં મેરેજનો કોઈ વિચાર નથી.’
મેં ખુલાસો કર્યો, ‘અરે! આડુંઅવળું પગલું એટલે સ્યુસાઇડ!’
‘અરે’ ‘સ્યુસાઇડ’ કોણ કરવા માગે છે? હું તો ‘સાઇડ’માં જઈને ‘સૂ’ કરવા જતો હતો!’
એના પ્રવાહી ખુલાસા પછીય થોડાં ગોખેલાં વાક્યો બોલવાની લાલચ હું ટાળી શક્યો નહીં, ‘બેટા, જીવનમાં કોઈ પરિણામ કે ચુકાદો આખરી નથી હોતો.’
હું માર્ચની ‘પરીક્ષા’ની વાત કરતો હતો, એણે ફેબ્રુઆરીમાં મળેલી વેલેન્ટાઇન ‘પરી’ઓની વાત માંડી, ‘હા, અંકલ, કોઈ ચુકાદો આખરી નથી. મારા ફ્રેન્ડ્સમાંથી વેલેન્ટાઇન્સ ડે પર જેટલાને ‘ના’ થયેલી, એ બધાની અઠવાડિયામાં મેટર રિવાઇઝ થઈને ‘હા’ થઈ ગઈ અને જેટલાને ઇન્સ્ટન્ટ ‘હા’ થયેલી, એમાં પાછળથી છોકરીઓ ‘વાઇઝ’ થઈ ગઈ અને એ બંદરોનું પંદર દિવસની અંદર ‘બ્રેકઅપ’ થઈ ગયું.’
મને થયું કે હવે એક પણ વાર એ ‘બ્રેકઅપ’ શબ્દ બોલશે તો ધક્કો મારી નદીમાં ડુબાડી દઈશ. હિંસક વિચારો પર માંડ બ્રેક મારી મેં સહાનુભૂતિ ટકાવી રાખી, ‘તને ટેન્શન હશે ને? પરીક્ષા છે ને?’
‘કઈ?’
‘બોર્ડની...’
‘અરે! બોર્ડની પરીક્ષા હોય તો બોર્ડને ટેન્શન! મને શું?’
મેં આ વાક્ય ડાયરીમાં ટપકાવી લેવાનું નક્કી કર્યું, ક્યારેક સ્પીચમાં કામ લાગે એવું હતું.
તોય કરવા ખાતર દલીલ કરી, ‘બોર્ડને શેનું ટેન્શન? એણે પરીક્ષા લેવાની છે, તમારે આપવાની છે!’
‘ટેન્શન આપવાની મજા આવે કે લેવાની?’
‘આપવાની!’
‘બસ, તો પરીક્ષાનુંય એવું છે! આપવાની મજા આવે. બોર્ડે પરીક્ષા લેતા પહેલાં સત્તર વિચાર કરી, નિયમો પાળી સવાલ કાઢવા પડે. અમારે જવાબ આપવામાં કોઈ વિચાર કરવાની કે નિયમ પાળવાની જરૂર નથી. અંકલ, વિચાર કરો, બોર્ડે તો પરીક્ષા પહેલાં ક્વેશ્ચન પેપર સાચવવાનું અને પરીક્ષા પછી આન્સર પેપર સાચવવાનું, અમારે ખાલી ત્રણ કલાક સાચવવાના! બોલો કોનું કામ ભારે? બોર્ડનું કે અમારું?’
‘પણ પાસ કે ફેલ થઈશું, એની તો..?’
‘એ શું બોલ્યા? પાસ થયા તો એડમિશન-નોકરીની વ્યવસ્થા સરકારે કરવાની, ફેલ થયા તો શેરીમાં ઊતરી આંદોલન ન કરીએ એય સરકારે જોવાનું! અને સાચું કહું? શાળા કોઈને સંઘરતી નથી, આચાર્ય અને પટાવાળા સિવાય. પિત્તળના ઘંટ ત્યાં લટકી રહે છે, અમારા જેવા ઘંટ નીકળી જાય છે.’
મને યાદ આવ્યું કે હું અને હસુભાઈ અગિયારમાં હતા ત્યારે બારમા ધોરણવાળા શિક્ષકો હસુભાઈ માટે કહેતા કે આને પાસ ન કરશો, બારમા ધોરણનું વાતાવરણ બગડશે! પણ તોય હસુભાઈ પાસ થઈ ગયા, કેમ કે અગિયારમાવાળા શિક્ષકો અગિયારમા ધોરણનું વાતાવરણ ચોખ્ખું કરવા માંગતા હતા.
મેં પૂછ્યું, ‘તોય બારમા પછી શું? એની તને ચિંતા હશે!’
‘ના રે, બારમા પછી શું હોય બીજું? તેરમું!’
એ ભણતર અને શ્રાદ્ધની પરિભાષાનું સામ્ય શોધી લાવ્યો, તોય શ્રદ્ધા રાખી મેં કહ્યું, ‘કરિયરની ચિંતા નથી?’
‘અંકલ, એમાં તો એવું છે ને ‘કરિયાવર’ મળે તો ‘કરિયર’ની ચિંતા નહીં! આજકાલ સિંગલ ડોટરનો જમાનો છે!’ એમ કહી એ ‘ચિંતા..ટા ચિંતા..ટા’ ગાવા લાગ્યો.
મને એહસાસ થયો કે આપઘાતનિવારણ માટે સામી વ્યક્તિ ઉપદેશ આપી જાય એવી નહીં, ઉપદેશ ગ્રહણ કરે એવી હોવી જોઈએ. મનમાં અપશબ્દો સૂઝતા હતા, તોય મુખથી મેં સુવાક્યોનો મારો ચલાવ્યો, ‘તમે સ્કૂલમાંથી માત્ર પરિણામ લઈને નથી નીકળતા, ‘કેરેક્ટર’ લઈને નીકળો છો, તમારા માર્ક્સ નહીં, તમારી ‘વેલ્યૂ’ કેટલી છે, એ..’
કેરેક્ટર હેમિશ બોલ્યો, ‘પપ્પા, એકવાર પેરેન્ટ્સ મીટિંગમાં આવ્યાં ત્યારે પ્રિન્સિપાલે પણ આ જ વાત કરી હતી, માર્ક્સ નહીં, વેલ્યૂ જુઓ. એટલે પપ્પાએ કુતૂહલથી પૂછ્યું હતું, ‘વોટ ઇઝ માય સન્સ વેલ્યૂ?’ પ્રિન્સિપાલથી તરત બોલાઈ ગયું, ન્યૂસન્સ વેલ્યૂ!’
‘પપ્પા દુ:ખી થઈ ગયા હશે!’
‘શું કામ? પપ્પાએ ગર્વ લેવો જોઈએ. મારા આચાર્ય રેન્કરને નથી ઓળખતા, મને ઓળખે છે. આજે કોઈ યુવાનેતા સમાજસેવાનું કામ કરે તો ન્યૂઝમાં નથી આવતો, પણ ચક્કાજામ કરી કામ ખોરંભે પાડે તો ન્યૂઝમાં આવે છે. ગુર્જરો શાંતિથી ખેતી કરતા હતા તો કોઈ ચેનલ એમનું કવરેજ નહોતી કરતી. ટ્રેનો રોકી ત્યારે જ એ લોકો લાઇમલાઇટમાં આવ્યા. આજની દુનિયામાં સફળ થવું હોય ને, તો ‘ન્યૂસન્સ વેલ્યૂ’ ઊભી કરતા શીખો. પછી તમને આપઘાતનો કદી વિચાર નહીં આવે! પછી તમારા કારણે લોકોને...’
[email protected]

X
article by raeesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી