મસ્તી-અમસ્તી / પરફ્યૂમ નહિ, બામની સુવાસમાં છુપાયેલો પ્રેમ

article by raeesh maniar

રઈશ મનીઆર

Feb 17, 2019, 03:02 PM IST

‘હસુભાઈ! કેવો રહ્યો તમારો વેલેન્ટાઇન્સ ડે?’
‘અમે તો વેલણ-ટાઇ ડે ઊજવ્યો! હેમાએ ‘વેલણ’ને આરામ આપ્યો, મેં ‘ટાઈ’ પહેરી અને ફાઇવસ્ટાર હોટેલમાં કેન્ડલલાઇટ ડિનર લીધું!’
‘પુત્ર વેલેન્ટાઇન્સ ડે ઊજવવા માંગે તો
તમારી અંદર બાલ ઠાકરેનો આત્મા પ્રવેશે છે અને પોતે ઊજવવાનો હોય તો શશી થરૂર બની
જાઓ છો!’

  • ‘પુત્ર વેલેન્ટાઇન્સ ડે ઊજવવા માંગે તો તમારી અંદર બાલ ઠાકરેનો આત્મા પ્રવેશે છે અને પોતે ઊજવવાનો હોય તો શશી થરૂર બની જાઓ છો!’

‘એવું જ હોય!’ શીશ પર શશી ધરાવતા હસુભાઈ બોલ્યા.
‘હેમાબહેને તમને વેલેન્ટાઇન્સ ડેના દિવસે શું આપ્યું?’
‘રોઝ!’ હસુભાઈના ગાલ દેશી ગુલાબ જેવા થઈ ગયા. હસુભાઈએ એક્શન કરી બતાવી, ‘આપણે આમ રોઝ નીચેથી પકડીને આપીએ ને! પણ હેમાએ આમ ઉપરથી પકડીને આપેલું!
ટોપ ગ્રીપ!’
‘એમ કેમ?’
‘નીચે કાંટા હતા ને એટલે!’
‘તમને કાંટા વાગ્યા હશે!’
‘ખાસ નહીં. મેં નીચેથી ગુલાબ પકડ્યું
હતું, એણે ઉપરથી જલદી છોડ્યું નહીં. મેં સહેજ ખેંચ્યું. એમાં બધી ગુલાબી પાંખડીઓ એના હાથમાં રહી ગઈ, મારા હાથમાં લીલાં ડાળખી-પાંદડાં જ રહ્યાં. ત્યાં એક ફ્રેન્ડ મળી ગયો એ કહેવા લાગ્યો, ‘આમ રાતે કઢીપત્તાં પકડીને કેમ બેઠા છો?’ ત્યારે સમજાયું કે આપણી તો ઇજ્જતની કઢી થઈ ગઈ!’
‘તમે હેમાબહેનને કહ્યું નહીં કે આ રીતે રોઝ ન અપાય!’
‘કહ્યું, તો એ કહે કે રોઝ ભલે બરાબર ન આપ્યું! એ કંઈ રોજ નથી આપવાનું! પણ ડાયાબિટીસની દવાનો ડોઝ બરાબર આપું છું ને! આ ઉંમરે તમારે એ જ જોવાનું!’
‘તમે હેમાબહેનને શું ગિફ્ટ આપી?’
‘પરફ્યૂમની બાટલી!’
‘હેમાબહેન બહુ ખુશ થયાં હશે!’
‘ના, કિંમત પૂછી! કહેવા લાગી આટલા રૂપિયામાં તો એક ડઝન આયોડેક્સ અને બામની બાટલી આવી જાય!’
‘હસુભાઈ! તમારો બેડરૂમ કેવી સ્વાસ્થ્યપ્રદ સુવાસથી મઘમઘતો હશે એની હું કલ્પના કરી શકું છું.’
‘ચાલીસી પછીનો પ્રેમ પરફ્યૂમમાં નહીં, બામ અને આયોડેક્સની સુવાસમાં જ છુપાયેલો હોય છે.’ હસુભાઈએ ‘ચાલીસી’ પછીની ‘લીસી’ ટાલ પર હાથ ફેરવી ફિલસૂફી ઝાડી.
‘ડિનર વખતે તમે વાતો શું કરી?’
‘લગ્ન પહેલાં ડિનર પર જઈએ ત્યારે રસભરી વાતોમાં ને વાતોમાં શું ખાધું તે યાદ નથી રહેતું અને હવે રસસભર ખાવામાં ને ખાવામાં શું વાતો કરી એ યાદ નથી રહેતું!’
‘તોય, તમે કૈંક તો પ્રેમભરી વાતો કરી જ હશે!’ હસુભાઈને મેં ઉશ્કેર્યા.
હસુભાઈ શરમાતાં શરમાતાં બોલ્યા, ‘હા, મેં એને યાદ કરાવ્યું કે હેમા! યાદ છે, તું મંદિરે ભગવાનનાં દર્શન માટે જતી અને હું મંદિરના દરવાજે તારાં દર્શન માટે ઊભો રહેતો! નજરોથી નજરો ટકરાતી.’
મેં અધીરાઈથી પૂછ્યું, ‘એમને યાદ હતું?’
‘એ કહેવા લાગી, બીજું તો ખાસ નહીં, પણ મંદિરમાં જતી વખતે હું તમને પગરખાં સાચવવા કહી જતી એ ઝાંખુંઝાંખું યાદ છે!’
‘ઓહ!’
હસુભાઈએ આગળ ચલાવ્યું, ‘મેં કહ્યું કે હેમા! તને અલ્ઝાઇમર શરૂ થઈ ગયો કે શું? યાદ કર! તને કોલેજ જતી જોવા હું રસ્તાઓ ખૂંદી વળતો, મારો એ પ્રેમ! ભૂલી ગઈ? તો એ કહેવા લાગી, ‘ના રે, એવા તો બહુ ભટકાતા હતા!’
‘પણ એમાંથી એક તમે જ ટક્યા. છેક આજ સુધી!’ મેં હસુભાઈને વધાઈ આપી.
‘હા, મેં પણ એમ જ કહ્યું કે હે માડી! તારું તો ‘રોમ રોમ એન્ટિક’ થઈ ગયું! તો એ કહે કે
25 વરસ જૂના પ્રેમને યાદ કરીને શું વઘાર કરવાનો? આજેય તમે જરૂર પડ્યે મારે માટે
નવી કામવાળી શોધવા રસ્તે નીકળો છો, એ જ તાજો, સાચો અને રોમેન્ટિક અને લોંગલાસ્ટિંગ પ્રેમ છે.’
મેં કહ્યું, ‘હસુભાઈ! ડિનર પછી તમારે કોઈ રોમેન્ટિક પિક્ચર જોવું જોઈતું હતું!’
‘મેં પણ એ જ ઓફર મૂકી, પણ હેમાએ લગ્નની ઓફરમાં એકવાર ‘હા’ પાડી તે પાડી. એ પછી એણે મારી કોઈ ઓફરમાં કદી ‘હા’ નથી પાડી!’
‘ઓહ, તો રોમેન્ટિક મૂવિ ન જોયું?’
‘અરે જવા દો ને, ‘એક લડકી કો દેખા’માં એણે ના પાડી અને ‘મણિકર્ણિકા’ એને બતાવાય નહીં. આમેય હવે એને એકતા કપૂરની સિરિયલો જ ગમે છે!’
‘અરેરે! એમાં તો કજિયા-કંકાસ અને કાવતરાં આવે! એમાં પ્રેમ ક્યાં?’
‘મેં પણ એમ જ કહ્યું. તો એ કહે આ એકતા કપૂરની સિરિયલની વૈભવી સાડીઓ, સેન્ડલ, મોંઘાદાટ ઘરેણાંઓ વગેરે જોતાંજોતાં હું આ તમારી ફાટેલી ગંજી સાંધી રહી છું ને! એ પ્રેમ નથી?’
‘તો શું વેલેન્ટાઇન્સ ડેની તમારી કોઈ સ્વીટ મેમરી નથી?’ મારાથી પુછાઈ ગયું.
હસુભાઈ કહે,‘છે ને! મેં વિચાર્યું, સાથે મળી ચોકલેટ ખાઈને દિવસ પૂરો કરું એમ કહીને મીઠી-મોંઘી ચોકલેટ કાઢી!’
‘વાહ! હાઉ રોમેન્ટિક! બન્નેએ અડધી-અડધી ખાધી હશે નહીં!’
‘ના, એણે એના ભાગની અડધી ખાઈ લીધી અને મારી અડધીના છ ટુકડા કરી ડબ્બામાં મૂકી દીધા. કહે કે આજે વધુ ગળપણ નહીં! આજે મોકટેલ પીધું છે. કાલથી રોજ એક-એક ટુકડો ખાવા આપીશ. અત્યારે રસોડાના પ્લેટફોર્મ પર મેથી કાઢીને મૂકી છે, એનો ફાંકો મારી લો અને સૂઈ જાઓ!’
‘ઓહો! હેમાબહેન કેર કરે કે કેર વર્તાવે બન્ને સરખું! તમારા વેલેન્ટાઇન્સ ડેની તો મેથી મરાઈ ગઈ!’
હસુભાઈ બોલ્યા, ‘ત્રિફળાથી શરૂ થયેલો દિવસ મેથી પર પૂરો થયો. સૂતાં સૂતાં મેં પણ વિચાર્યું, એકબીજા સાથે લહેર કરવી એ પ્રેમ છે, તો શું એકબીજાની કેર કરવી એ પ્રેમ નથી?’
[email protected]

X
article by raeesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી