મસ્તી-અમસ્તી / હસુભાઈ કામવાળી શોધવા નીકળ્યા..

article by raeesh maniar

રઈશ મનીઆર

Jan 20, 2019, 12:05 AM IST

ભગવાન બુદ્ધે અડધી રાત્રે મહાભિનિષ્ક્રમણ કરેલું. હસુભાઈ ધોળે દહાડે કામવાળી શોધવા નીકળ્યા.


વાત જાણે એમ હતી કે હસુભાઈના ઘરમાં અને હેમાબહેનના રાજમાં યુ.પી.એ.ની સરકાર ટકે એટલુંય નવી કામવાળી ટકતી નહોતી. એટલે દર થોડા દિવસે હેમાબહેન જૂના પતિને નવી કામવાળી શોધવા મોકલતાં. એ ક્રમ અનુસાર હસુભાઈ ‘સઘન કામવાળી શોધો અભિયાન’ પર ઉપડ્યા.
આમ તો હસુભાઈને ભારતીય હોવાનો ગર્વ છે, કેમ કે એમના એન.આર.આઇ. સાઢુભાઈ અમેરિકામાં સંપન્ન હોવા છતાં કામવાળી રાખી શકતા નથી.


અમુક દેશોમાં સહુ ધનવાન હોય છે એટલે કોઈ કામવાળીનું કામ કરવા માગતું નથી એટલે કામવાળી મળતી નથી. અમુક દેશોમાં સહુ ગરીબ હોય છે એટલે સહુ કામવાળી તરીકે કામ કરવા તૈયાર હોય, પણ કામવાળી રાખનાર કોઈ મળતું નથી. ભારત એવો દેશ છે જ્યાં બન્ને વર્ગ સપ્રમાણ છે.


મોદીજી આ કામ(વાળી)સુખ બાબતે વૈશ્વિક મંચ પર ભારતની સર્વોપરિતા પુરવાર કરવાનું ચૂકી ગયા છે. કામવાળીની મુક્ત ઉપલબ્ધતા પણ ભારતનો એક ટ્રમ્પ કાર્ડ છે, એમ મોદીજીએ ટ્રમ્પને ચોપડાવી દેવું જોઈએ.

  • આજકાલ કામવાળીઓ ‘જેટ’ સ્પીડે કામ કરે છે છતાં ‘બજેટ’ વધારતી રહે છે. ‘લેટ’ આવી ‘બુલેટ’ ટ્રેનની જેમ નીકળી જાય છે. કામવાળી ‘જિઓ’ વાપરતી થઈ અને આપણો ‘મરો’ થઈ ગયો

મહિને 15 રૂપિયામાં આખા દિવસની કામવાળી રાખી હોય એવા કેટલાક વડીલો હજુ જીવંત છે અને સુવર્ણકાળને યાદ કરી કરી દુ:ખી થાય છે. હવે સમય બદલાયો છે. આજકાલ કામવાળીઓ ‘જેટ’ સ્પીડે કામ કરે છે છતાં ‘બજેટ’ વધારતી રહે છે. ‘લેટ’ આવી ‘બુલેટ’ ટ્રેનની જેમ નીકળી જાય છે. ધીરેધીરે ભારતમાં કામવાળી ‘જિઓ’ વાપરતી થઈ અને આપણો ‘મરો’ થઈ ગયો. હસુભાઈની છેલ્લી કામવાળીના દાંત પાન ખાવાથી લાલ હતા, એ રીતે એ ‘રેડ-ટૂથ’ હતી, પણ કામ કરતી વેળા કાનમાં ‘બ્લૂટૂથ’ નાખી વાત કરતી.


હેમાબહેનને એવી કામવાળી જોઈતી હોય છે જે પકાઉ ન હોય અને ટકાઉ હોય, પણ છેલ્લી કામવાળી તો બંડ પોકારી જતી વેળા કહી ગઈ, ‘હું કંઈ હસબન્ડ નથી કે ટકી રહું!’
આવી હાઇફાઇ કામવાળીઓએ હેમાબહેનની હાય હાય બોલાવી દીધી અને હસુભાઈએ કામવાળીની તલાશમાં નીકળવું પડ્યું.


હેમાબહેનની ડિમાન્ડ કંઈ એવી હોય કે કામવાળી કામગરી હોય પણ કામણગારી ન હોય, જેથી એના આગમનથી હેમાબહેન ભલે ખુશ થતા પણ હસુભાઈ ખુશ ન થવા જોઈએ. એકવાર બહુ ટીપટાપવાળી કામવાળી રાખી હતી ત્યારે અજાણ્યા મહેમાને એને હેમાબહેન સમજી નમસ્કાર કર્યા હતા અને હેમાબહેન પાસે પાણી મગાવ્યું હતું. ત્યારથી હેમાબહેન સાઇડ રોલમાં ચાલે એવી જ કામવાળી રાખે છે.


આમ તો હસુભાઈ આ ઉંમરે હવે ‘નિષ્કામ’ થઈ ગયા છે, છતાં એક પુરુષસહજ ઇગોના કારણે એમ ઇચ્છે છે કે મારી કામવાળી શાંતિલાલ અથવા મનસુખ સટોડિયાની કામવાળી કરતાં વધારે રૂપાળી હોય.


કામવાળી વગર હેમાબહેન હતાશ થઈ ગયાં. ઘરે ‘નોક-રાણી’ હોવાથી તેઓ ‘રાણી’નું સુખ ભોગવતાં હતાં. હવે જીવન ખારું લાગવા માંડ્યું. સંસાર અસાર લાગવા માંડ્યો. એમણે આત્મહત્યાનો વિચાર રજૂ કર્યો.
હસુભાઈએ કહ્યું, ‘સ્ત્રીઓ અનેક પ્રકારનાં દૂષણ અને શોષણને કારણે આત્મહત્યા કરે છે, પણ અત્યાર સુધી કોઈએ કામવાળીના ત્રાસથી કે અભાવથી આત્મહત્યા કરી હોય એવી વાત સામે આવી નથી.’
હેમાબહેને કહ્યું, ‘વિકાસશીલ ભારતમાં બહુ જલદી આવા કિસ્સાઓ સામે આવશે.’


એવો કિસ્સો બનવાની શરૂઆત પોતાના ઘરથી ન થાય અને હેમામાતા સીતામાતાની જેમ ધરતીમાં ન સમાઈ જાય એ માટે હસુભાઈએ રામાવતાર (રામાનો અવતાર) ધારણ કરવો પડ્યો. હેમાબહેનની હાલત જ એવી હતી કે હસુભાઈ ‘પોતાં’ મારી આપે તો જ ‘પોતાના’ લાગે. એ પણ થોડીક જ વાર. પછી કચરા જેવા લાગે.


હેમાબહેને પોતે બે-ચાર જણાને નવી કામવાળીના રેફરન્સ માટે ફોન કરી જોયા, પણ અમુકજણાએ તો સામેથી દુ:ખડાં રોયાં. આખરે હસુભાઈને કહેવામાં આવ્યું કે બહાર નીકળો અને કામવાળી લીધા વગર આવો તો મને મોઢું ન બતાવશો.
હસુભાઈને કન્યા તો શોધ્યા વગર મળી ગઈ હતી અને સાચવ્યા વગર સચવાઈ ગઈ હતી,
પણ હવે કામવાળી શોધવાનું કપરું કામ એમને સોંપાયું હતું.


હસુભાઈએ ઓફિસમાં રજા પાડી. ધોળે દહાડે બંને આંખોમાં બે ટોર્ચ લઈને કામવાળી શોધવા લાગ્યા. કમળો હોય તે પીળું દેખે, એમ રસ્તેથી પસાર થતી દરેક સ્ત્રીમાં એમને કામવાળીનાં દર્શન થવા લાગ્યા, પણ જે સ્ત્રી ફ્રી હતી, એ કામવાળી નહોતી અને કામવાળી હતી એ ફ્રી ન હતી. આમ હરતીફરતી એમ્પ્લોયમેન્ટ એજન્સી બનેલા હસુભાઈ કામવાળીને નહીં, પરંતુ નિષ્ફળતાને વરી થાકેલા-હારેલા મોં છુપાવી ઘરે આવતા.


પછી તો રોજ નીકળી હસુભાઈ ‘આ કામવાળી જ હશે’ એવી ધારણા કરી ‘ગમે’ તે બહેનોને પૂછતાં, ‘તમે મારે ઘરે કામ કરવા આવશો? સારી રકમ આપીશ!’ તેથી હેબતાઈને સોસાયટીની અમુક બહેનોએ મેકઅપ વગર બહાર નીકળવાનું બંધ કરી દીધું. એક બે જગ્યાએ ગફલત થઈ, કંગના રાણાવત જેવી દેખાતી કુલીન બહેનોને આવું પુછાઈ ગયું અને એમની ગાળો સાંભળવા મળી એટલે હસુભાઈએ બહેનોને પૂછતા પહેલાં એમને વધુ ધ્યાનથી જોવાનું
નક્કી કર્યું, પણ એમની આ ઘૂરવાની પ્રવૃત્તિથી ગરવી કામવાળીઓનાં મનમાં વધુ વરવી શંકા નીપજતી.


અંતે કામવાળી વગર સાત દિવસ સાત જનમ જેવા લાગવાથી હેમાબહેને હસુભાઈને સ્પષ્ટ ધમકી આપી, ‘આપણું સાત ભવનું લેણું પૂરું થયું!’
આ વાત પર હસુભાઈ ભૂલથી દુ:ખી થવાને બદલે મરક્યા.


આ જોઈને હેમાબહેને એમનો ઊધડો લીધો, ‘જુઓ તો! ચહેરો લાલ થઈ ગયો. હું મરી જઈશ એટલે બીજાં લગ્ન કરશો, નહીં?’
હસુભાઈ મનમાં એમ વિચારતા રહ્યા કે કદાચ હું વિધુર થઈ જાઉં અને પછી નસીબસંજોગે જો દેવોનેય દુર્લભ એવી સારી કામવાળી મળી જાય તો એને જ સાચવીશ, પછી સુલભ પત્ની શું કામ શોધું?
[email protected]

X
article by raeesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી