મસ્તી-અમસ્તી / થર્ટી ફર્સ્ટ કે થર્સ્ટી ફર્સ્ટ સોમવારે સોમરસ

article by raeesh maniar

રઈશ મનીઆર

Jan 06, 2019, 07:17 PM IST

‘2018 ગયું, 2019 આવ્યું.’ હસુભાઈ નવા વરસની જેમ ધસી આવ્યા.
‘એમાં શું? એક વીત્યું. એક બેઠું.’


‘વીતેલું વરસ કેવું વીત્યું, અને નવું બેઠેલું કેવું બેઠું?’ હસુભાઈએ પૂછ્યું.


મેં કહ્યું, ‘એક પ્રિયંકાના ભાઈ માટે સારું વીત્યું અને બીજી પ્રિયંકાના પતિ માટે સારું વીત્યું!’
‘હું રાહુલ ગાંધી કે નિક જોનસ વાત છોડો, મોદીજી માટે કંઈ કહો!’
‘આ 20-19 બેઠું એમાં પ્રજા હવે કોઈ 19-20 નહીં ચલાવે!’

‘કેમ કે પીધા વગર ભવિષ્યને આવકારી શકાય એમ નથી. જે પીધેલો હોય એ જ ભવિષ્યને આવકારી શકે!’ આર્ષદૃષ્ટા હસુભાઈ બોલ્યા

આગામી લોકસભાની વાત વિદ્વાનો પર છોડી, અમારી સાંધ્યસભાની વાત કહું. ગયા રવિવારની જ વાત છે. હેમિશે એના લો-લેવલ જીન્સને (પેન્ટ અને વારસો, બન્ને અર્થમાં!) ચઢાવતો સાંધ્યસભામાં આવ્યો અને બોલ્યો, ‘થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે 2000 આપો.’
એના પાયજામાધારી બાપા બોલ્યા, ‘2000?’


‘વેલકમ કરવાનું કે નહીં? ‘2019’ આવે છે, આ તો ‘19’ ઓછા માંગ્યા!’


બસો રૂપિયા આપી હસુભાઈ બોલ્યા, ‘વરસ પ્રમાણે પૈસા માંગે છે! નાલાયક! આ ‘સન’નો તો ઈસવીસન ઝીરોમાં જન્મ થયો હોત તો સારું થાત!’
બાબુ બાટલી બોલ્યો, ‘નવું વરહ ઊજવવું તો પડે ને!’


ધનશંકર બોલ્યા, ‘પંચાંગ પ્રમાણે નવું વરસ તો ગઈ 8 નવેમ્બરે બેઠું!’


મનસુખ સટોડિયાથી ન રહેવાયું, ‘અરે જવા દો ને! 2016માં 8 નવેમ્બરે જે વરસ બેઠું હતું, હજુ ઊભું થયું નથી. હવે તો નવું વરસ નહીં, એની વરસી જ આવે છે.’


પ્રોફેસર ધનશંકરે પોતાનો મત રજૂ કર્યો, ‘આધુનિક ભારતીયોના જીવનમાં બે નવાં વરસ આવે છે. એક આસો અમાસની રાતે જે નવું વરસ બેસે છે, તેની સભ્ય અને સંસ્કારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને 31 ડિસેમ્બર રાતે 12 વાગ્યે જે નવું વરસ બેસે છે એની...’
સભામાં ગણગણાટ થયો, ‘અરે યાર જવા દો ને! આ વરસે થર્ટી ફર્સ્ટ વીક-એન્ડ પત્યા પછી સોમવારે આવે છે!’


‘થર્ટી ફર્સ્ટ સોમવાર છે એટલે વરસનો એન્ડ ‘વીક’ રહેવાનો!’ સોમવારના દુશ્મન હસુભાઈએ લોકલાગણીને વાચા આપી.
‘એમાં હું? હનિ-રવિની રજાની હંગાથે હોમની મજા બી જોડી ડેવાની!’ બાબુ બાટલીએ સૌને વીક-એન્ડ એક્સ્ટેન્ડ કરવા ઉકસાવ્યા.


એણે માત્ર ‘સોમની મજા’ કહ્યું પણ સહુ ‘સોમરસ’ની મજા સમજી રંગમાં આવ્યા. ગુજરાતીઓ દિવાળીમાં અને ઉનાળામાં દૂરસુદૂર જાય છે પણ રસિયાઓ અને તરસ્યાઓ જો 31 ડિસેમ્બરે નજીકની નાની ટ્રિપ ન મારે તો એમની સિસ્ટમ ‘ટ્રીપ’ થઈ જાય છે.
સહુ એકમેકને પૂછવા લાગ્યા, ‘થર્ટી ફર્સ્ટે ક્યાં જવાના?’


‘ભારતીયોએ 31 ડિસેમ્બર ઊજવવી જોઈએ એવો કોઈ સાંસ્કૃતિક આધાર નથી!’ મેં કહ્યું.
હસુભાઈ બોલ્યા, ‘નર્મદે જ કહ્યું હતું..


ઉત્તરમાં અંબામાત, પૂરવમાં કાળીમાત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.’
મેં પૂછ્યું, ‘કહ્યું હતું પણ આને થર્ટી ફર્સ્ટ સાથે શું લાગેવળગે?’


‘નર્મદે જે કહ્યું એમાંથી પ્રેરણા લઈને ગુજરાતીઓ થર્ટી ફર્સ્ટના દિને ઉત્તરમાં આબુ, પૂર્વમાં સાપુતારા, દક્ષિણમાં દમણ અને પશ્ચિમમાં દીવ જતાં હોય છે.’
દલપત ડાબેરી બોલ્યો, ‘નેહરુજી કહી ગયા છે, આપણો દેશ ‘વિવિધતામાં એકતા’માં માને છે.’


‘યસ! ઇન્ડિયા ઇઝ અ કોકટેલ કન્ટ્રી!’ શાંતિલાલે નેહરુજીના શબ્દોનું પોતાની સમજ અનુસાર અંગ્રેજી કર્યું.


‘કોકટેલ’નો ગૂઢાર્થ જાણીને ધનશંકરે કહ્યું, ‘આવી મિશ્ર પ્યાલીને ‘કોકટેલ’ એટલે કે ‘મરઘાની પૂંછડી’ જેવું અરુચિકર નામ આપવાને બદલે એને ‘વિવિધતામાં એકતા’ અથવા ‘સોમરસની સમરસ પ્યાલી’ એવું ભારતીય નામ આપવું જોઈએ.’
મેં કહ્યું, ‘નવા વરસે શા માટે પીવું જોઈએ?’


‘કેમ કે પીધા વગર ભવિષ્યને આવકારી શકાય એમ નથી. જે પીધેલો હોય એ જ ભવિષ્યને આવકારી શકે!’ આર્ષદૃષ્ટા હસુભાઈ બોલ્યા.
હેમિશ બોલ્યો, ‘ઇટ્સ નોટ ઓન્લી અબાઉટ અપકમિંગ યર! અમારી યંગ જનરેશન માટે ઈટ્સ એન ઈમોશનલ મોમેન્ટ!’
પ્રેરણાડી બોલી, ‘ઈમોશનલ થઈને 12 વાગ્યે ફટાકડા ફોડીશું!’


‘8થી 10... બસ!’ ધનશંકર સુપ્રીમ સ્વરે બોલ્યા.


‘આ સુપ્રીમ-કોર્ટ પણ ખરી છે! એન્કાઉન્ટર કરનારને છોડી દે છે અને ફટાકડા ફોડનારને પકડે છે!’ દલપત ડાબેરી બોલ્યો!
ધનશંકર બોલ્યા, ‘પણ આમ નવજાત વરસને ફટાકડા ફોડીને ગભરાવવું ન જોઈએ! બિચારું ગભરાઈ જાય!’
‘તો શું પહેલી જાન્યુઆરીને આવકારવા હાલરડાં ગાઈએ?’ હેમિશ બોલ્યો.


‘એટલે કંઈ વિદાય થતા બે હજાર અઢારના મોંમાં ગંગાજળને બદલે મદિરા ન મુકાય!’ મેં કહ્યું.
હસુભાઈ બોલ્યા, ‘મને વિચાર આવે છે કે 2018ની 31 ડિસેમ્બર, 2019ની પહેલી જાન્યુઆરીના કાનમાં શું કહીને જતી હશે?’
મને શેર યાદ આવી ગયો.


‘જનારા ચેતવી દેજે નવા એ આવનારાને
અમે કાઢ્યા નથી કાંદા,
તમે આવીને શું કરશો?’


ધનશંકરે કહ્યું, ‘વરસ તો દર વરસે અચૂક બદલાય છે, પણ માણસ બદલાતો નથી!’


હસુભાઈ બોલ્યા, ‘ના ના! માણસો બદલાય છે! જુઓ ને, લાખ વરસમાં ધીમેધીમે એ વાનરમાંથી માણસ બની જ ગયો ને!’


મેં કહ્યું, ‘એટલે જ 31 ડિસેમ્બરની પાર્ટીમાં માણસો પોતે ઉત્ક્રાંતિ પહેલાં કેવા હતા, એ યાદ કરીને એવો અવતાર ધારણ કરી નાચે છે!’
હસુભાઈ કૌતુકથી બોલ્યા, ‘એ કોણ મદારી છે કે દર વરસે 31 ડિસેમ્બરની ડાળ પરથી પહેલી જાન્યુઆરીની ડાળ પર કુદાવવા માટે વાંદરાને નિસરણી પણ આપે છે અને દારૂ પણ પાય છે!’
હેમિશ બોલ્યો, ‘પૂર્વજોની જેમ વર્તીને નવું વરસ ઊજવવામાં ન આવે તો ઉત્ક્રાંતિ અટકી જવાની શક્યતા છે.’


હસુભાઈએ સુપુત્રને તરત બાકીના અઢારસો સુપરત કર્યા અને કહ્યું, ‘જા! ઉત્ક્રાંતિ કર!’
વાનરવેડામાં પસાર થયેલા વર્ષને વિદાય આપતાં મેં વિચાર્યું, નવા વર્ષે ક્રાંતિ નહીં, ઉત્ક્રાંતિ થાય તોય બહુ છે.

[email protected]

X
article by raeesh maniar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી