મસ્તી-અમસ્તી / ગુજરાતી ફિલ્મોનાં ટાઇટલ વાયડાં કે ફાંકડાં?

article by amiraeesh

રઈશ મનીઆર

Feb 24, 2019, 05:38 PM IST

એક મિત્રને અર્બન ગુજરાતી ફિલ્મ માટે નવું ટાઇટલ જોઈતું હતું. હું મારી સદ્્બુદ્ધિ પ્રમાણે ટાઇટલ વિચારવામાં નિષ્ફળ રહ્યો. મને લાગ્યું, આમાં હસુભાઈની દુર્બુદ્ધિ વધુ ઉપયોગી નીવડશે. એમના ઘરે ગયો ત્યાં હસુભાઈ હેમિશને ખિજાઈ રહ્યા હતા. એમની વાતના ટુકડા કાને પડ્યા તો એમાંથી જ અમુક મસ્ત ગુજરાતી ટાઇટલ મળી ગયાં.
‘શું માંડ્યુ છે?’
‘(આ ઘરમાં આવું) નહીં ચાલે’
‘જાગ, ભાગ, કામે લાગ’
‘ગૂગલે-આઝમ!’
‘નોકરી મળે તો છોકરી મળે!’
‘વાઇફાઇ મળે તો વાઇફનું શું કામ?’
‘પપ્પા તમને ટપ્પા નહીં પડે’
‘માવડી! પપ્પા કેમ રાઉડી?’
‘પપ્પા! અપસેટ ન થાઓ! અપડેટ થાઓ!’
‘માવડી! તને આઉડી અપાવીશ!’
શાંતિ સ્થપાતાં મેં કહ્યું, ‘આજકાલ ગુજરાતી ફિલ્મોનાં ટાઇટલ ફાંકડાં આવે છે, નહીં!’

  • ‘શોલે’ને સ્ત્રીસશક્તિકરણની ફિલ્મ ગણાવી આઠમી માર્ચે રિલીઝ કરવી હોય તો ‘જેઠાણી ચાબુકવાળી, દેરાણી ફાનસવાળી’ એવું નામ રાખી શકાય!

‘રાંકડાં, વાયડાં, ચાંપલાં અને બાયલાં ટાઇટલ આવે છે!’ હસુભાઈ ગર્જ્યા, ‘વિચાર આવે છે કે ‘શોલે’ અર્બન ગુજરાતીમાં બનાવ્યું હોત તો એનું નામ ‘અમે બે દોસ્તાર’ અથવા ‘ચાલ બદલો લઈએ’ અથવા ‘ટાંગાવાળી સાથે ટાઇમપાસ’ જેવું હોત!
મેં પણ ટાંગ અડાડી, ‘ગુજરાતીમાં ‘આવારા’નું નામ ‘ગુજ્જુભાઈ હિન્દુસ્તાની’ થાય અને ‘મુઘલે-આઝમ’નું ‘બાપ રે બાપ’ થાય!’
હવે હસુભાઈ બોલી ઊઠ્યા, ‘અરે! ‘દીવાર’ ગુજરાતીમાં હોત તો શશિકપૂર અમિતાભને કહેતો હોત, ‘ભઈલા પાછો વળ!’ અને એ જ ગુજરાતી ટાઇટલ થઈ જાત!’
ધનશંકર આવીને ચાલુ ગાડીએ ચડ્યા, ‘પેલી ગિરીશ કર્નાડની ‘સૂરસંગમ’ ગુજરાતમાં પ્રદર્શિત કરવી હોય તો?’
‘એનું નામ ‘તંબૂરો’ રાખવું પડે!’ હેમિશ બોલ્યો.
‘સંગમ’નું અર્બન ગુજરાતી?’ મેં પૂછ્યું.
‘બહુ લાંબી હતી ને એટલે ‘ચિંગમ’ રખાય!’ રાજકપૂરના ચાહક હસુભાઈ સામે જોઈને હેમાબહેન બોલ્યાં.
‘અને હમણાં બહુ ગાજી એ ‘ઉરી’નું નામ ‘ચાલ કેમેરામેન જીતવા જઈએ’ હોવું જોઈએ.’ મેં કહ્યું.
‘પેલી ‘પીકુ’ ફિલ્મમાં કબજિયાતની સમસ્યા છે, એ ફિલ્મનું નામ ‘કેવી રીતે જઈશ’ યોગ્ય કહેવાય.’ ધનશંકરનું વિચારજગત પોતાની સમસ્યાઓ સુધી સીમિત રહેતું.
હવે હેમિશનેય મજા આવવા લાગી, ‘ગુજરાતીમાં ‘સંજુ’નું વધુ પ્રોપર નામ ‘અણસમજુ’ થાય!’
હસુભાઈએ કહ્યું, ‘જો ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ગુજરાતીમાં રજૂ થાય તો પહેલા જ દિવસે આવું નામ રાખવું પડે, ‘આજે છેલ્લો દિવસ!’’
મેં કલ્પના આગળ વધારી, ‘કોંગ્રેસવાળા ‘માય નેમ ઇઝ રાગા’ ફિલ્મ ગુજરાતીમાં રિલીઝ કરે તો ‘મારો વારો ક્યારે?’ એવું નામ રખાય.’
‘જોકે, એ પત્તું ખોલવા કરતાં કોંગ્રેસવાળાએ ‘નમો’ ફિલ્મને ‘છેલ્લું વરસ!’ એવું નામ આપીને રિ-રિલીઝ કરવી જોઈએ!’ હસુભાઈ બોલ્યા.
ધનશંકરે પ્રશ્નો શરૂ કર્યા, ‘તો ‘લગાન’નું ગુજરાતી ‘વીતેલી સદીનો જી.એસ.ટી’ થાય? શાહરુખની ‘ઝીરો’નું નામ ‘શૂન્યમ’ થાય?’
‘એ તો સાઉથમાં! ગુજરાતીમાં તો ‘મીંડુ વાળ્યું’ થાય!’ હેમિશે કહ્યું.
‘અને ‘રોક્સ્ટાર’નું ‘કોઈ આને રોકો યાર’ થાય!’ હસુભાઈ પોતાના રોકસ્ટાર સપૂત સામે જોઈ બોલ્યા.
મેં વિષય બદલ્યો, ‘હસુભાઈ! ટર્બન યુગ પ્રમાણે હિન્દી ફિલ્મોનાં ગુજરાતી નામ.’
હસુભાઈ ચાલુ થઈ ગયા, ‘પેલી ‘પિંક’નું નામ ‘ગોરી તારા ગાલ ગુલાબી’
‘અને ગ્રામ્ય ગુજરાતમાં ‘દંગલ’ નામ ન ચાલે, ત્યાં તો ‘છોરો લાખનો, છોરી સવા લાખની’ એવું નામ ચાલે!’ ધનશંકર બોલ્યા.
‘અને ‘બધાઈ હો’નું પાઘડી વર્ઝન ‘ઠાઠડી બંધાવવાની ઉંમરે પારણું બંધાવ્યું’ થાય!’ હસુભાઈ બોલ્યા.
‘અમે તો એનું ટૂંકું ટચ ‘થઈ ગયું’ કહીએ એટલે બસ!’ હેમિશ બોલ્યો.
‘કદાચ ‘પદ્માવત’નું નામ સંજય લીલા ભણશાલીએ ‘લંકાની લિજ્જતદાર લાડી, માળવાનો મોળો વર’ રાખ્યું હોત તો કોઈ સમસ્યા જ ન આવત!’ ધનશંકરે મત રજૂ કર્યો.
‘જોધા અકબર’ને ‘સલીમની અમ્મા! તને ઘણી ખમ્મા!’ નામ આપવામાં આવ્યું હોત તો રિતિક વિક્રમ રાઠોડના હરીફ થઈ જાત!’ હેમિશની અમ્માએ કલ્પના કરી.
‘અને ‘દેવદાસ’નું ગુજરાતી ‘દીવનો દીવાનો’ અથવા ‘આબુમાં બેકાબૂ’ થાય.’ સુપુત્ર બોલ્યો.
હવે પિતાનું મગજ ફટાફટ ચાલવા લાગ્યું, ‘પાકીઝાનું નામ ‘કોઠાની કબૂતરી’ થાય, ‘ગંગાજમના’ને બદલે, ગુજરાતમાં નર્મદા અને સાબરમતીનો સંગમ થયો હોવાથી ‘સાબર! તારાં ઉછીનાં પાણી’ નામ રખાય.’
‘ઇવનિંગ ઇન પેરિસ’, ‘લવ ઇન ટોક્યો’, ‘ન્યૂયોર્ક’ અને ‘નમસ્તે લંડન’ આ બધી ફિલ્મો ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ની સિક્વલ તરીકે હાલે!’ મને વિચાર આવ્યો.
હેમિશ બોલ્યો, ‘ઓફબીટ ફિલ્મનું પાઘડી વર્ઝન કરીએ તો ‘ક્વીન’નું નામ ‘દીકરી ને ગાય ફાવે ત્યાં જાય’ થાય અને ‘લંચબોક્સ’નું નામ ‘ચિઠ્ઠી તારી મિઠ્ઠી લાગી’ રખાય!’
ધનશંકર ઉત્સાહિત થઈ ગયા, ‘અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નું પુન:નિર્માણ(રિમેક) ‘લીંબડીના લુખ્ખાઓ’ નામે કરી શકાય!’
‘ટર્બન ગુજરાતીમાં ‘ડોન’ જેવું ટૂંકું નામ ન ચાલે. પોસ્ટર ભરાય એટલાં માથાં જોઈએ અને પોસ્ટરના બન્ને છેડે પહોંચે એટલું લાંબું નામ જોઈએ.’ મેં ચિંતન કર્યું.
હસુભાઈએ ઉકેલ કાઢ્યો, ‘તો પછી ‘બો’ન! બીજું કોણ? હું જ અહીંનો ડોન’ એવું વિસ્તૃત નામ ચાલે.’
‘શોલેનું ટર્બન નામ થાય, ‘ઠાકુરની ઠાકુરાઈ અને ગબ્બરની ગબાગીરી.’
‘એના કરતાં ‘શોલે’ને સ્ત્રીસશક્તિકરણની ફિલ્મ ગણાવી આઠમી માર્ચે રિલીઝ કરવી હોય તો ‘જેઠાણી ચાબુકવાળી, દેરાણી ફાનસવાળી’ એવું નામ રાખી શકાય!’
‘ને ‘સિલસિલા’ જેવા પ્રણયત્રિકોણનું ગુજરાતી નામ શું થાય?’ ધનશંકરે પૂછ્યું!
‘બે બઈ એક ભઈ!’
પેલા મિત્રને મેં આ લેખ મોકલી આપ્યો છે. આમાંથી કોઈ ગુજરાતી ફિલ્મ આગામી દિવસોમાં લાઇમલાઇટમાં આવે તો અમને ‘ડીમલાઇટ’વાળાઓને યાદ કરશો.
[email protected]

X
article by amiraeesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી