યુગદ્રષ્ટા ઉ.જો. અને કુવેમ્પુ: સમાનધર્મા સર્જકો

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Sep 16, 2018, 12:05 AM IST

ઉમાશંકર જોશી (1911-1988) અને કુ. વેં. યુરપ્પા (1904-1994)ને સને 1967માં ત્રીજો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એકસાથે એનાયત થયો હતો. આ ગુજરાતી-કન્નડ સર્જકો વચ્ચે જેટલું ભૌગોલિક અંતર હતું એટલું સાંસ્કૃતિક અંતર ન હતું, બલકે બંને સાંસ્કૃતિક નવવિધાનના શિલ્પી હતા. શિક્ષણ સાથે સીધા સંકળાયેલા હતા એમ કહેવાને બદલે સમગ્ર સમાજની કેળવણી માટે કૃતસંકલ્પ હતા. માત્ર સાહિત્ય નહીં, સંક્રાંતિકાળના એકેએક પાસા સાથે એમને નિસબત હતી. વર્તમાનના પારખુ અને ભવિષ્ટના દ્રષ્ટા હતા, એટલું જ નહીં પ્રાચીન વારસાને મૂલવી નીર-ક્ષીર વિવેક દાખવ્યો હતો.


બેંગલુરુમાં કુવેમ્પુ ભાષા ભારતી પ્રાધિકાર નામે સંસ્થા છે. એણે કુવેમ્પુનાં પાંચ વ્યાખ્યાન બધી ભારતીય ભાષાઓમાં અનુવાદ દ્વારા પહોંચાડવા સંકલ્પ કર્યો છે. એ સંચયનું નામ છે ‘બહુભાષી ભારતીને એકતાની આરતી’ ગુજરાતી અનુવાદ કર્યો છે કવિશ્રી પ્રવીણ પંડ્યાએ. પ્રકાશન કર્યું છે કુવેમ્પુ ભાષા ભારતી પ્રાધિકારે. (વિશ્વવિદ્યાલય પરિસર પાછળ, બેંગલુરુ, પિન-560056)
કુવેમ્પુની પુરસ્કૃત કૃતિ ‘રામાયણ દર્શન’ એમની સુધારક જીવનદૃષ્ટિ સૂચવે છે. જે આંદોલનકારી સંગઠનો બધું પ્રાચીન સાહિત્ય બાળી મૂકવા તત્પર અને સક્રિય પણ હતા એમને કુવેમ્પુ વારે છે. પોતે બધા ધર્મોની પુરોહિતશાહીનો વિરોધ કરે છે પરંતુ પ્રાચીન સાહિત્યને બાળી મૂકવા સામે ચેતવે છે:

જે આંદોલનકારી સંગઠનો રામાયણ સહિતનું બધું પ્રાચીન સાહિત્ય બાળી મૂકવા તત્પર
અને સક્રિય પણ હતા એમને કુવેમ્પુ વારે છે

‘એક વખત દ્રાવિડ કડગમવાળા મને અધ્યક્ષ સ્થાન આપવા આવ્યા હતા. મેં તેમને પૂછ્યું, ‘એ બધું તો ઠીક છે, પરંતુ તમે લોકો પ્રાચીન મહાકાવ્યોને શા માટે બાળી નાખો છો? અને ત્યાં અમારા સન્માનનીય વ્યક્તિઓને અપમાનિત કરો છો?’ તેઓએ જવાબ આપ્યો કે તે બધું બ્રાહ્મણો માટે છે. તેઓ બ્રાહ્મણ વર્ગથી જ બન્યા છે...’ ચર્ચા આગળ ચાલતાં કુવેમ્પુ પૂછે છે, ‘તમારાં કાકી જે ઘરેણાં પહેરતી હતી એ તમારી પત્નીએ ચૂલામાં ફેંક્યાં?’ ‘ના, ના, શું કામ ફેંકે?’ ‘તો શું કર્યું?’ ‘તે બધાંને ગાળી નાખીને તે જ સોનામાંથી પોતાની પસંદગીના દાગીના બનાવી તેનો ઉપયોગ કર્યો...’ તે જ રીતે રામાયણ-મહાભારત કે કોઈ પણ કથા હોય, તેને ફેંકવી ન જોઇએ. તેને ગળાવીને, આપણાં નવાં ધ્યેય, નવી ઇચ્છાઓ અનુસાર આપણા સાહિત્યનાં બીબામાં ઢાળવી જોઇએ, કારણ કે તે બીબાંથી (આકારથી) તે કથા તમને તમારા ધ્યેયનો પ્રચાર કરવામાં સહાયતા મળશે. લોકોને જલદી સમજમાં આવશે. (પૃ. 14, બહુભાષી ભારતને એકતાની આરતી).


કુવેમ્પુ એમના નાટક ‘શુદ્રતપસ્વી’માં રહેલા નવા અર્થઘટનની ચર્ચા કરે છે. તપસ્યાનો નિષેધ નથી કર્યો. કોઇ પણ તપસ્યા કરે તપસ્યા મહત્ત્વપૂર્ણ છે.


કુવેમ્પુ કહે છે કે આપણી જાતિવ્યવસ્થા અને ચાતુરવર્ણાશ્રમ વ્યવસ્થાનું પ્રાકટ્ય પહેલાં ન હતું. તેનો પ્રારંભ પુરાણોના કાળમાં થયો.


‘ચાતુર્વણ્ય મમા સૃષ્ટમ્’- અર્થાત્ ચારેય વર્ણોની રચના મંે કરી છે એવું કહ્યું, તે કારણથી આખી ગીતાનો બહિષ્કાર ન કરવો જોઇએ.’ આચાર્યોએ આ અલગ અલગ જાતિઓ બનાવી દીધી અને ભગવાનને માથે થોપી દીધી.


કુવેમ્પુ અહીં શ્રી અરવિંદને યાદ કરે છે:
‘શ્રી અરવિંદે કહ્યું છે: ચાર વર્ણોની વાત મન:શાસ્ત્ર સાથે સંકળાયેલી છે, જેનો ધર્મશાસ્ત્ર સાથે કોઇ સંબંધ નથી.’
(પૃ. 17).


પોતે કુલપતિ-વાઇસ ચાન્સેલર થયા ત્યારે પૂર્વેના બધા મહાનુભાવોએ આચરેલા અવિવેકને ચાલુ રાખવો? એવું ન થાય.


આ દેશમાં પુરોહિત કર્મ કરનારા પાંચ ટકા જ હતા, પણ બાકીના બધા પર એમનું નિયંત્રણ હતું. એ દૂર કરવા વ્યાપક જાગૃતિ જરૂરી છે. એમાં કવિતાની ગેયતા ઉપકારક નીવડી શકે એમ કહી એમણે પોતાની પંક્તિઓ ટાંકી છે. ‘તમારા હૃદયનો સૂર જ ઋષિ છે, તમે પોતે જ મનુ છો.’ ‘નથી સ્વર્ગ જતું, નથી નરક આવતું. સ્વર્ગનરક કાંઇ જ શાસ્ત્રાર્થ નથી, હૃદયના સૂર જ ધર્મનિધિ છે. કર્તવ્ય જ ભાગ્ય છે. તેના પર વિશ્વાસ કર. તેના સિવાય કોઇ ઋષિ નથી.’
(પૃ. 20)


મોટાભાગનું કન્નડ સાહિત્ય ભૂસું છે- બસવલિંગપ્પાના આ ઉદ્્ગારની અસરની ચર્ચા રસપ્રદ છે.
ત્રીજા પ્રકરણમાં દીક્ષાના પ્રવચન છે, સમય છે 1974નો. ભારતમાં પ્રવર્તતી સમસ્યાઓના ઉલ્લેખથી એનો આરંભ થાય છે. દેશ ગાંધી માર્ગે ચાલ્યો નથી એનો વસવસો રોષ અને વ્યગ્રતાથી કર્યો છે:


‘આઝાદી મેળવવા આપણે રાષ્ટ્રપિતાનો ઉપયોગ તો કરી લીધો. તે માટે આપણે તેમનું માર્ગદર્શન, સ્વદેશી, સત્યાગ્રહ, અહિંસા, ગ્રામસ્વરાજ, સાદું જીવન વગેરે યુદ્ધ સ્તરે અપનાવ્યાં હતાં, પરંતુ આઝાદી મળી કે તુરંત તેને દૂર પણ કરી દીધાં... જોકે દેશ અને વિદેશના કેટલાક રાજનીતિજ્ઞોએ તથા અર્થશાસ્ત્રીઓએ સાવધાન કર્યા, પરંતુ આપણે પરવા કરી જ નહીં, તેને પ્રતિગામી સૂચના કહી નકારી નાખી.’ (પૃ. 37)


પ્રવચનને અંતે કવિ ચાળીસ વર્ષ પૂર્વે રચાયેલા પોતાના એક ગીતને રજૂ કરે છે, જેનાં ભેદજન્ય અંતરાયો દૂર કરી માનવધર્મ સ્વીકારવા અનુરોધ થયો છે.
ચોથું પ્રવચન ભારતીય જ્ઞાનપીઠ સંદર્ભે છે. ઉમાશંકર સાથે બેઠા હતા. બંનેના વિચારોમાં સામ્ય છે એનો ઉલ્લેખ જુઓ:

‘રાજ્યની દૃષ્ટિએ હું કર્ણાટકનો છું. ભાષાની દૃષ્ટિએ કન્નડભાષી છું, પરંતુ સંસ્કૃતિ અને રાષ્ટ્રની દૃષ્ટિએ ભારતીય છું. મારું પ્રાદેશિક તત્ત્વ ભારતીયતા સાથે ક્યારેય ટકરાતું નથી... કર્ણાટકનો કવિ ‘જય હો કર્ણાટક માતા’ કહીને ગાય છે, ત્યારે જયગાનનો આરંભ ‘જય ભારત જનનીની તનુ જાયા’ કહીને જ આરંભ કરે છે... પ્રત્યેક પદના અંતિમ ચરણમાં ભારતીય એકતાની રક્ષા માટે ઘોષણા કરી છે.’ (પૃ. 44)


અનુવાદક પ્રવીણ પંડ્યાના નિવેદનમાં જાણવા મળે છે કે કર્ણાટક સરકારની સંસ્થા છે કુવેમ્પુ ભાષાભારતી પ્રાધિકારણ. ગુજરાત સરકારે ‘હું ગુર્જર ભારતવાસી’ ગાતા ઉમાશંકર જોશીના વારસાને વ્યાપક બનાવવા હજી સુધી તો કંઇ કર્યું નથી. કંઇ વાંધો નહીં. એમનાં સુપુત્રી સ્વાતિબહેન ઉમાશંકરભાઇના અપ્રગટ લેખનને ગ્રંથસ્થ કરી રહ્યાં છે, કેટલાક અનુવાદો થયા છે. નિરંજન ભગતે ઉ.જો.ના અંગ્રેજી લેખોનું સંપાદન કરીને શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીને મોકલી આપ્યા છે. એના આચાર્ય વડાપ્રધાન હોય છે. એમને સમય મળે અને પ્રસ્તાવના લખે તો પ્રકાશન થાય. ભગતસાહેબ રાહ જોતા હતા. ખેર.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી