‘જીવણ જગમાં જાગિયા થયા નરમાંથી નાર’

article by raghuvirchaudhari

રઘુવીર ચૌધરી

Nov 25, 2018, 12:05 AM IST

બકુલ દવેની નવલકથા ‘જીવણ જગમાં જાગિયા’ જ્ઞાની ભક્તકવિ દાસી જીવણને અભ્યાસપૂર્ણ અંજલિ છે. વિદ્વાન સર્જક અને લોકપ્રિય ભજનિક નિરંજન રાજ્યગુરુ માર્ગદર્શન માટે સદા સુલભ હતા તેથી પાંચ વર્ષના સમયમાં બકુલ દવે પોતાના સ્વાધ્યાયને કથારૂપ આપી શક્યા.
‘યાત્રા: જીવણદાસથી દાસી જીવણ સુધી’ શીર્ષકથી લખેલા પ્રાસ્તાવિકમાં બકુલભાઇ કહે છે: ‘આ નવલકથા લખવાનો ઉદ્દેશ અને અભિગમ ચમત્કારોને નહીં પણ માનવદેહ ધરાવતા જીવણદાસના દાસી જીવણમાં થતા દિવ્ય પરિવર્તનની એની સમાંતરે ચાલતી એમની ઊર્ધ્વારોહણની યાત્રાને આલેખવાનો છે. સંતોને કોઇએ હરતાંફરતાં તીર્થ જેવા કહ્યા છે. એ રીતે જોતાં આ એક પરમ તીર્થની યાત્રાનું વર્ણન છે.’ (પૃ. 5, જીવણ જગમાં જાગિયા)

વીસ વર્ષના જીવણદાસનું વર્ણન કરીને બકુલભાઈએ વ્યક્તિત્વ ઉપસાવ્યું છે, એમાં એમની ભાષાશક્તિ પ્રગટ થઈ છે

દાસી જીવણ (1750થી 1825)નું વતન ગોંડલ નજીકનું ઘોઘાવદર. વ્યવસાયે ‘ભામ’ કહેતાં ચામડા પરના વેરાનો ઇજારો. કુટુંબ આર્થિક રીતે સધ્ધર હશે. ઘોડી રાખતા અને વેશભૂષાથી શોભતા. ઘરમાં ભક્તિનું વાતાવરણ હતું. એ સંસ્કારના બળે એ ગુરુની શોધમાં સક્રિય થયા. સત્તર ગુરુ કરી જોયા પણ છેલ્લે અઢારમા ગુરુ ભીમસાહેબમાં શ્રદ્ધા ઠરી.


કથાનાં પહેલાં બે પ્રકરણમાં સાધુ અભયાનંદના આગમન નિમિત્તે મેઘવાળ વાસ, જગાભાઇ દાફડાનું ચણેલું ખોરડું, એમનાં પત્ની સામબાઇનું અતિથિવત્સલ વ્યક્તિત્વ પ્રત્યક્ષ થાય છે. આ ધાર્મિક દંપતીનો પુત્ર જીવણદાસ બીજા પ્રકરણમાં પ્રવેશે છે. એની પત્ની પ્રસૂતિ માટે જૂનાગઢ પિયરમાં ગઇ છે-સહુકુશળ છે એ સમાચાર સાથે લેખકે જીવણદાસના પ્રભાવક વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. અભયાનંદ નાતજાતના ભેદભાવમાં માનતા નથી, એના સમર્થનમાં એ કબીરદાસને ટાંકતા રહે છે. અઢારમી સદીમાં ગુજરાતમાં કબીરસાહેબનો પ્રભાવ શ્રમજીવી વર્ગ પર હતો એનો ઐતિહાસિક આધાર અહીં ખપમાં લેવાયો છે. સત્સંગ ચાલતો રહે છે. ભજન આરંભાય છે. અભયાનંદ અહીંથી દ્વારિકા જવાના છે. દલિતને ત્યાં જમ્યા છે. એમના આતિથ્ય વિશે એ વિચારે છે:


‘યજમાન પતિપત્નીના સ્નેહથી જાણે એમની વાચા છીનવાઇ ગઇ. એમને થયું આ આતિથ્યનાં મૂળ યજમાન પતિ-પત્નીની ધર્મનિષ્ઠામાં પડેલાં છે કે પછી એમના સ્નેહપૂર્ણ વ્યવહારના પાયા પર ધર્મ ટકી રહ્યો છે?’


સ્નેહપૂર્ણ વ્યવહારના પાયા પર ધર્મ ટકી રહ્યો છે એ વિચાર બકુલ દવેની સૂક્ષ્મ સમજણ સૂચવે છે. વીસ વર્ષના જીવણદાસનું વર્ણન કરીને એમણે વ્યક્તિત્વ ઉપસાવ્યું છે એમાં એમની ભાષાશક્તિ પ્રગટ થઇ છે. એ ભાવકને ઠસાવે છે કે આ લોકો અભણ કે અસંસ્કૃત નથી. એ સમજે છે: ‘અહંકાર દૂર કરવા સારુ જે પોતાની જાત પર નજર રાખે છે એ માણસ જાગે છે એવું કહેવાય.’ (પૃ. 25) આ વાક્ય પણ ભૂમિકારૂપ છે: ‘જે કોઇ રીતે તમે સેવા કરો એ ભજન જ કહેવાય.’ (પૃ. 27)
અભયાનંદના ગયા પછી જીવણદાસ પર એમનો પ્રભાવ ટકી રહ્યો છે. પણ મા સામબાઇ કહે છે: ‘તું એમને ગુરુ બનાવવાનો વિચાર હાલ પૂરતો માંડી વાળ.’


સામબાઇને ખબર છે કે જીવણ મરેલી ગાયની ખોળ ઉતારીને આવે તે દિવસ કશું ખાતો નથી - આ પ્રકારના આચાર કથામાં નોંધાતા ગયા છે. ચોથા પ્રકરણમાં જીવણની પત્ની જાલુ દીકરાને જન્મ આપે છે એના સમાચાર મળે છે. ગૃહસ્થ જીવનનો આનંદ અહીં વર્ણવાયો છે. એ પછી પાંચમા પ્રકરણમાં ભીમસાહેબનાં ભજન અને રવિભાણ સંપ્રદાયનો સંદર્ભ આવે છે. પિતા એ વિશે જીવણને વિગતે વાત કરે છે. ‘શૂદ્રોના ગુરુ ભીમસાહેબ જ્ઞાતિએ બ્રાહ્મણ છે.’ (પૃ. 60)


જીવણદાસ આમરણ જઇ ભીમસાહેબને મળે છે. દૃષ્ટિ મળતાં જ એને થયું કે એ એમને અગાઉ મળી ચૂક્યો છે. હવે શરૂ થતો સત્સંગ ગદ્ય અને ભજનની પંક્તિઓથી આગળ વધે છે. કથાની ભૂગોળ પણ વિસ્તરતી જાય છે. ભીમસાહેબના સ્પર્શથી જીવણ જીવણસાહેબ થાય છે. આ પ્રક્રિયાનું વર્ણન લેખકે કાળજીથી કર્યું છે. હવે બે પરિબળ વચ્ચે ખેંચાણ છે. એક તરફ છે માતાપિતા, પત્ની અને પુત્ર, તો બીજી તરફ છે આત્મજ્ઞાનની પ્રબળ ધખના. પછીનાં પ્રકરણોમાં સમગ્ર પંથકમાં જીવણસાહેબના પ્રભાવનું નિરૂપણ છે અને આત્મજ્ઞાની જીવણસાહેબ પ્રેમમાર્ગી ભક્તિના ગાયક-કૃષ્ણના દાસી બનવા પ્રેરાય છે, વ્યાકુળ થાય છે.


‘દાસી જાણીને મુને દરશન દે,
સંત ઓધારણ ધીરે આવો શામળિયા રે...’ (પૃ. 172)


આ પ્રકારની નવલકથા લખવા માટે શુભ સંકલ્પ જોઇએ. એ બકુલ દવેના વ્યક્તિત્વનો ભાગ છે. આ પ્રકારની નવલકથા પ્રવીણ પુસ્તક ભંડાર પ્રગટ કરે, કેમ કે એ ધર્મ-સંસ્કૃતિ પ્રત્યે આદર જગવતું સાહિત્ય પ્રગટ કરવામાં માને છે. મુખપૃષ્ઠ 4 પર પંક્તિઓ મૂકી છે:
જીવણ જગમાં જાગિયા, થયા નરમાંથી નાર, દાસીપણું દર્શાવ્યું, રાધિકાના અવતાર.

X
article by raghuvirchaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી