સાહિત્ય વિશેષ / પંકજ-મુક્તાની આંખો ગઈ પણ દૃષ્ટિ મળી

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Apr 21, 2019, 04:33 PM IST

મીના કીર્તિ મહેતાએ પંકજભાઈ અને એમનાં પત્ની મુક્તાબહેન ડગલી વિશે ‘અંધકારની આરપાર-અંતરનો ઉજાસ’ નામે જીવનચરિત્ર લખ્યું છે. આ ‘અમૂલ્ય’ પ્રકાશન એક પ્રજ્ઞાચક્ષુ દંપતીનાં આજીવન સેવાકાર્યની ઝાંખી કરાવે છે. પુસ્તક પંકજભાઈના સહકાર્યકરો અને સ્વજનોએ વાંચ્યું છે. સત્તાવીસ પૃષ્ઠમાં એમનાં લાગણીસભર મંતવ્ય આપ્યાં છે. કનકસિંહ જાડેજા લખે છે:
‘મારા ગુરુ એવા પંકજભાઈ કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને વલણ વિશે તરત જ જાણી જાય છે. સમયની સાથે ચાલવાની તેમનામાં એક આગવી સૂઝ છે, પોતે વેપારી પરિવારમાંથી આવતા હોવાથી પાણી અને વાણી સમજીને જ વાપરે છે. પોતાની વાત ખૂબ સરળતાથી સામેની વ્યક્તિને સમજાવી શકે છે. સંગીત અને સાહિત્યનો તેમનામાં અદ્્ભુત સંગમ થયો છે. કોઈ પણ વ્યક્તિ સાથે સંકલન સાધવાની તેમનામાં આગવી પદ્ધતિ છે. જૂના વિચારોને નવા સમય સાથે ખેંચીને રાખવા અને નવા સમયને અવગણવો પણ નહીં તે તેમની ખાસ લાક્ષણિકતા છે.’
(પૃ. 142, અંધકારની આરપાર)
પુસ્તકનું સમાપન કરતાં સાઠ વર્ષના પંકજભાઈ વિશે લખવાનો વિચાર આવ્યો એ ક્ષણને લેખિકા મીનાબહેન શુકનવંતી ગણે છે. સર્વ ધર્મોના ઇષ્ટદેવને પંકજભાઈ શ્રદ્ધાથી જોતા આવ્યા છે. સંસ્થામાં દાખલ થનાર સહુ સામે એ આત્મીયતા દાખવતા આવ્યા છે. પંકજભાઈ અને મુક્તાબહેન એકમેકનાં પૂરક બની અન્ય પ્રજ્ઞાચક્ષુઓ માટે એકસરખી કરુણા દાખવે છે.

  • પંકજભાઈના જીવન-સંઘર્ષનું આ પુસ્તક વાંચતાં જીવનની શક્યતાઓનો અનુભવ થાય છે. માનવધર્મનો મર્મ સમજાય છે

આ દંપતી એકસાથે ચાર સંસ્થાઓ સંભાળે છે, તેથી શાંતિપૂર્ણ સહજીવન શક્ય નથી. જૈન ધર્મના ત્યાગ, તપ અને સંયમને બંને વરેલાં છે. મુક્તાબહેને
લખ્યું છે. મેં લગ્નગ્રંથિથી જોડાવા છતાંય નિ:સંતાન રહી સેવાકાર્યમાં લીન રહેવું એવો સંકલ્પ પાળ્યો છે. સંસ્થા ‘વૃક્ષ’ નામે માસિક પ્રગટ કરે છે.
પંકજભાઈના જન્મને પાંચ મહિના થયા હતા. તાવ અને આંચકીની બીમારી આવી. મોટીબાને ખ્યાલ આવી ગયો કે બાળકે આંખો ગુમાવી છે. સારવાર, ડોક્ટરી તપાસ, પ્રાર્થના-કશુંય ન વળ્યું.
પાંચેક વર્ષની ઉંમરે પંકજને બ્લાઇન્ડ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. મોટાભાઈ જયસુખભાઈ સાઇકલ ઉપર મૂકવા-લેવા જતા. ચોથા ધોરણથી છાત્રાલયમાં મૂક્યા. શરૂઆતમાં ગતિ મંદ રહી, પણ પાછી બ્રેઇલ લિપિ શીખ્યા. વાયોલિન અને હાર્મોનિયમ વગાડતા થયા. માતા વિજયાબહેન અને પિતા કાંતિભાઈ ડગલી દીકરાને દેખતો કરવા ઘણા પ્રયત્નો કરતા, તાંત્રિકની પણ મદદ લીધેલી. ભાઈ-ભાભી પણ ઘણી કાળજી લેતાં.
યુવાન પંકજભાઈને જાતે કમાઈને આજીવિકા ચલાવવાનો વિચાર આવ્યો. તેમને સ્વાવલંબી બનવું હતું. સંગીત અને અભ્યાસનો આધાર મળ્યો. સંગીતસ્પર્ધાઓમાં ભાગ લેતા થયા. અભ્યાસ જારી રાખ્યો. બી.એ. થયા. પ્રવીણભાઈ રાવલ વાંચી આપવા આવતા. એમ. એ. થયા. સંગીત શિક્ષકની નોકરી મળી. પગાર રૂ. 459 માસિક. સુરેન્દ્રનગરથી થાન અપ-ડાઉન કરતા હતા.
મુક્તાબહેન સાથે લગ્ન. મુક્તાબહેને શરત મૂકી: ‘આપણે બાળક નહીં થવા દેવાનું. જો બાળક થાય તો બધો પ્રેમ એને આપવાનો થાય. તો પછી આપણે અનેક પ્રજ્ઞાચક્ષુમાં આપણા પ્રેમનો ખજાનો કેવી રીતે વહેંચી શકીએ?’ અરસપરસ સમર્પણની ભાવના જાગી. વંશ નહીં, ઇતિહાસ રચવાની ભાવના જાગી.
આગળ ભણવાનું નક્કી કરીને બંને બી.એડ્. થયાં. ભાલ વિસ્તારના ગરીબો માટે કામ કરવા કૌશિકભાઈએ સૂચવ્યું. આર્થિક સહાય મળવા લાગી. પંકજભાઈ પર્યુષણમાં અઠ્ઠાઈ કરે છે. સંસ્થાની સેવા બદલ પંકજભાઈને ભગવાન મહાવીર એવોર્ડ મળે છે. દંપતીનાં સન્માન થતાં ગયાં. રક્તદાન કરી એનો મહિમા વધાર્યો.’
અગિયાર પ્રજ્ઞાચક્ષુ દીકરીઓનાં લગ્નનો ઉત્સવ યાદગાર બન્યો.
કોઈ દીકરીને સાસરિયાં હેરાન કરે, પુત્રને બદલે એને પુત્રી જન્મતાં છૂટાછેડા લેવાની ફરજ પડે તો એ દીકરી પંકજભાઈ-મુક્તાબહેન પાસે આવે. એને કામ મળે, એની દીકરીનો ઉછેર થાય. આવી ઘટનાઓ અહીં નોંધાતી રહી છે. બંને અન્યની અધૂરપને મધુરપમાં ફેરવતાં જાય છે. સંસ્થા માટે જમીન મળે છે, દાન-અનુદાન મળે છે. દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ બ્યૂટી કોન્ટેસ્ટનું આયોજન થાય છે. મીનાબહેન લખે છે:
‘પંકજભાઈ અને મુક્તાબહેને હંમેશાં કુદરતે મૂકેલી ખોડ સાથે ભગવાનને ફરિયાદ કરવાને બદલે ખોડને ખૂબી બનાવી જિંદગીને જિંદાદિલીથી જીવવાનું જ સહુને શીખવ્યું છે.’ (પૃ. 69, અંધકારની આરપાર)
એક શિક્ષક, સફળ આચાર્ય, સંચાલક, ઉદ્્ઘોષક, લેખક, સંગીતકાર, સ્વરનિયોજક-વિપુલ વ્યાસની જેમ અનેક શિષ્યો-ચાહકોએ પંકજભાઈ પ્રત્યે સ્નેહાદર દાખવ્યો છે. આ પુસ્તક વાંચતાં જીવનની શક્યતાઓનો અનુભવ થાય છે. માનવધર્મનો મર્મ સમજાય છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી