સાહિત્ય વિશેષ / પ્રણવના પિતા: નાનાની મોટાઈનું મોટું ઉદાહરણ

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Apr 01, 2019, 03:29 PM IST

પ્રકાશિત લેખો-લઘુનિબંધોમાંથી અડધા પસંદ કરીને પ્રણવ પંડ્યાએ ‘શ્વાસનું રિચાર્જ’ પુસ્તક રચ્યું છે. પરિચિત ભાવ, પ્રચલિત વિચાર, તહેવાર કે જાણીતી કાવ્યપંક્તિ લઈને પ્રણવ પોતાની સમજણ વ્યક્ત કરે છે. એમાં વચ્ચે વચ્ચે નિજી સંવેદન ભળવાથી સર્જકતાનો અનુભવ થાય છે. અંગત સંબંધોનાં તથ્યો અતિશયોક્તિ વિના રજૂ થયાં છે એમાં બિનંગત નિરૂપણ જવાબદાર છે.
રમેશ પારેખની સમગ્ર કવિતાનું ત્રણ ભાગમાં સંપાદન કરવામાં પ્રણવનાે સક્રિય સહયોગ રહ્યાે છે. રમેશની કેટલીયે પંક્તિઓ બલકે રચનાઓ એમને કંઠસ્થ છે. એક સમય હતો જ્યારે રમેશ પારેખ, હર્ષદ ચંદારાણા, અરવિંદ ભટ્ટ અને છેલભાઈ વ્યાસ આદિ સર્જકો-ભાવકોએ અમરેલીને કવિતા અને સંગીતનું થાણું બનાવ્યું હતું. આજે પણ ત્યાં સર્જન અને આસ્વાદની પ્રવૃત્તિઓ ચાલે છે.

  • પરિચિત ભાવ, પ્રચલિત વિચાર, તહેવાર કે જાણીતી કાવ્યપંક્તિ લઈને પ્રણવ લેખોમાં પોતાની સમજણ વ્યક્ત કરે છે

પ્રણવ પંડ્યાનો કાવ્યસંગ્રહ ‘કવિતાથી વધુ કંઈ નહીં’ વિવિધ શહેરોમાં લોકાર્પણના કાર્યક્રમો દ્વારા પ્રચાર પામેલો. પ્રણવ લયસિદ્ધ જાગૃત કવિ તો છે જ, એ ઉપરાંત કવિસંમેલનોના સંચાલક અને ગંભીર કાર્યક્રમોને હળવા રાખતા પ્રવક્તા તરીકે એની પ્રતિષ્ઠા છે. એને દૃઢ કરવામાં રામકથા સાથેનો નાતો પણ નિમિત્ત બનતો રહે છે. કહે છે: સમયની કાંટાળી કેડી પાર કરવામાં કથાની કાખ તેડી રાખે છે. વ્યાસપીઠની વિદ્યાપીઠ આપણા શ્વાસને પ્રાણવાન રાખે છે. ‘મધુર મધુર નામ સીતારામ સીતારામ’ જેવી ધૂન બાપુ સાથે ચોથા-પાંચમા સપ્તકમાં ગાવાથી પ્રાણાયામની ગરજ સારે છે. તો જાતુષ જોશીની ભાષામાં મૌનનો મહિમા કરે છે:
મૌન આંખો, મૌન શ્વાસો, મૌન મન ગાતું રહે,આપણા પ્રત્યેક શબ્દે મૌન સર્જાતું રહે.
132 પૃષ્ઠના આ પુસ્તકમાં એથી વધુ કાવ્યપંક્તિઓ વાંચવા મળે છે. પ્રણવ કદાચ અંગ્રેજી ભણાવે છે, પણ હિન્દી કવિતાનું એમનું વાંચન ધ્યાન ખેંચે છે.
સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો,
સભી હૈં ભીડ મેં, તુમ ભી નિકલ સકો તો ચલો.- નિદા ફાઝલી.
આ પંક્તિઓ પ્રણવના પિતાશ્રીની પણ ઓળખ આપે છે. નામ છે: વિનોદભાઈ. અમરેલીમાં અંગ્રેજીના અધ્યાપક હતા. ‘પપ્પાની નોકરીનાં ચાલીસ વર્ષ એટલે એમણે શ્રદ્ધાથી કરેલા અધ્યાપન ચાલીસા.’
કેટલાંક વાક્યો પ્રણવની શૈલીના નમૂના છે:
‘છેલ્લે સ્કૂટી પર પોર્ટફોલિયોમાં પ્રેમ લઈને પપ્પાને હરહંમેશ હોશપૂર્વક કોલેજ જતા જોયા છે.’ (પૃ. 23)
‘પપ્પાને લગભગ બધા વિદ્યાર્થીઓનાં નામ, એમનું ગામ, ગામની વિશિષ્ટતા, અરે-એમનાં મોસાળ સુધીની માહિતી હોઠવગી. એમની વિદ્યાપ્રીતિ અને વિદ્યાર્થીપ્રીતિ અનન્ય છે. પપ્પાના સેવાનિવૃત્તિ સમારંભમાં આખા ઘરમાંથી એક હું જ હાજર હતો. મેં ના પાડેલી છતાં ખાતરી હતી તે પ્રમાણે એ રડેલા.’
વિનોદભાઈએ કેવી કેવી અગવડોમાંથી, નાનાં-મોટાં કામ કરતા રહીને સંઘર્ષને સહેલો કર્યો છે એની વિગતો પ્રણવે આપી છે.
બાળપણમાં વિનોદભાઈ હાલરડાંને બદલે બાળકોને સ્તોત્રગાનથી સુવડાવતા. અધ્યાપક તરીકે ભારે ઉદ્યમી. વિદ્યાર્થી જ આરાધ્ય.
‘સંયમ અને સરળતા એ પપ્પાનાં સ્વાભાવિક કવચ અને કુંડળ છે. ગમે તેવા તંગ વાતાવરણની વચ્ચે એમની ધીરજ ટકી રહે અને ‘જનકલ્યાણ’ વહેંચવા જેટલી સમતુલા રાખી શકે. જ્યારે ચારે બાજુ વ્યવહારુતાનો વાયરો ફૂંકાતો હોય ત્યારે એમની સરળતા ન સમજાય તેવી છે. આજેય એમનું કુતૂહલ અકબંધ રહ્યું છે. એમનું જીવન ખુલ્લી કિતાબ જેવું છે અને એના પર રેપર લગાડવાની એમની સહેજ પણ ઇચ્છા નથી.’
દાદા-દાદી સાથેના સંયુક્ત કુટુંબમાં સહુની કાળજી લેતાં ‘પૈડાંની ધરી નીકળી જતી હોય ત્યારે આંગળી રાખીને પરિવારના રથને ચલાવતી અનન્ય શક્તિ એટલે વિનોદભાઈ.’
લેખક માના અને પિતાના પ્રદાનની તુલના કરવાની તક પણ જતી કરતા નથી. ‘દિવસના બે ટંક ભોજન બનાવતી મા તો મહાન જ છે, પણ જીવનભર ભોજનની વ્યવસ્થા કરનાર પિતાની પિછાણ કરી છે આપણે.’ હોસ્પિટલની લોબીમાં આમતેમ આંટા મારતા પિતાના પગરવની બેચેની લેબર રૂમમાં પીડાતી માની ચીસો જેટલી જ ભારે અને કષ્ટભરી હોય છે. (પૃ. 25)
માતા-પિતાનાં સંતાનો સાથેના નાતા અને સંતાનોનાં માતા-પિતાના નાતાને પ્રણવ એક નિરીક્ષણ દ્વારા નોંધે છે: ‘ક્યારેક ચાલતાં ચાલતાં ઠેસ આવે તો તરત બોલાઈ જાય ‘ઓ મા’, પણ રસ્તા વચ્ચે બે જ ડગલાં દૂર આવીને ટ્રક બ્રેક મારે તો તરત જ બોલાઈ જાય ‘બાપ રે’. જીવનમાં નાની-નાની ઠોકરો, નાનાં-નાનાં સંકટોમાં મા યાદ આવે પણ મોટી દુર્ઘટનાઓ કે આફતોમાંથી પાર પાડનાર તો પિતા જ.’ (પૃ. 27).
પ્રણવ પંડ્યા અત્યારે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના ટ્રસ્ટી છે અને વહીવટની જવાબદારી વધારી રહ્યા છે. એમના આ સેવાભાવમાં વિનોદભાઈનો વારસો વરતાય છે.
મનોહર ત્રિવેદીની એક રચનામાં પુત્ર પિતાને પૂછે છે: તમે શીદ અમારી આટલી ચિંતા કરો છો? પિતા કહે છે: ‘એ રીતે હું મારા બાપુને યાદ કરી લઉં છું.’

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી