સાહિત્ય વિશેષ / પાકિસ્તાનમાં પાંચ દિવસ, સને 1916માં

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Mar 24, 2019, 03:36 PM IST

જેમના પૂર્વજોનું વતન પાકિસ્તાન હતું એવા બે મિત્રો રાકેશભાઈ અને લલિતભાઈ સાથે આચાર્ય કિશોરસિંહ સોલંકીએ 1916માં પાકિસ્તાનનો પાંચ દિવસનો પ્રવાસ કર્યો એનું આ વૃત્તાંત છે: ‘ધાંધારથી ગાંધાર.’ પાલનપુર અને મહેસાણા વચ્ચેના વિસ્તારને કિશોરસિંહ ધાંધાર કહે છે અને જેની રાજધાની તક્ષશિલા હતી એ ગાંધાર સાથે ભૌગોલિક સામ્ય જોઈ પ્રાસ મેળવે છે: ‘અમે મૂળ ધાંધારના.’

ભારત-પાક. વચ્ચેની વાઘા બોર્ડર અને એના વહીવટનો પરિચય આપતા પૂર્વે લેખક અમૃતસરના સુવર્ણમંદિરનો પરિચય આપે છે: ‘મંદિરની ઉપરના ઘુમ્મટને તાંબાના પતરા ઉપર સુવર્ણના પતરાથી મઢેલો હોવાથી તે ‘સુવર્ણમંદિર’ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલું શીખોનું પવિત્ર સ્થાન છે. આખા પરિસરમાં પગ મૂકવાની જગા નહોતી, છતાંય, ન ધક્કામુક્કી ન રાડારોડ! વ્યવસ્થામાં જોડાયેલા સેવકોની વિનમ્રતા આપણા હૃદયને સ્પર્શી જાય એવી હતી.’ (પૃ. 13, ધાંધારથી ગાંધાર)
લાહોર વિશે સ્વતંત્ર પ્રકરણ છે. રામના પુત્ર લવના સમયથી આ શહેરનો ઇતિહાસ નોંધાયો છે. જહાંગીર ઈ.સ. 1605થી 1628માં આ શહેરમાં રહેલો. લાહોર ઇસ્લામિક સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું, જૂનાં મકાનોની બાંધણી પણ એ સૂચવે છે. વીસમી સદીના ચોથા દાયકાએ શહીદોની આ કર્મભૂમિ હતી. 1929માં અહીં પંડિત નહેરુના પ્રમુખપદે પૂર્ણસ્વરાજનો ઠરાવ થયેલો. લાહોરમાં રાતના બાર વાગ્યા સુધી અવરજવર જોવા મળેલી.

  • સાહિત્યના અધ્યાપક કિશોરસિંહે ભૂગોળ-ઇતિહાસને કેન્દ્રમાં રાખીને કથાસાહિત્ય રચ્યું છે

બેગોવાલા રાકેશભાઈની માતૃભૂમિ-પિતૃભૂમિ છે. ત્રણ પેઢી પૂર્વે બધું ગુમાવ્યા છતાં એ સંબંધ જાળવી રહ્યા છે. કિશોરસિંહ અહીં ભાગલાની ઘટનાને યાદ કરે છે: ‘23મી માર્ચ, 1940ના મુસ્લિમ લીગના લાહોર ખાતેના અધિવેશનમાં મહમદઅલી ઝીણાએ આપેલા અધ્યક્ષીય ભાષણમાં ભાગલાનાં બીજ પડેલાં છે. એમને સાંભળવા માટે અલગ અલગ પ્રાંતમાંથી ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમો અને કેટલાક હિન્દુઓ પણ આવેલા.’

તોફાનોમાં રેલવે સ્ટેશન, ગામ, માણસો-બધાની દુર્દશા કેવી રીતે થઈ એનું વિગતવાર વર્ણન છે. જુલાઈ 1947ના એક કારમા દિવસની એ ઘટનાઓમાંથી થોડાક લોકોને બચાવી જમ્મુમાં સલામત સ્થળે લઈ જવાયેલા. ઘણાનો પત્તો ન હતો. રાકેશભાઈએ એ સ્થળ- કાળ વિશે નાની ડોક્યુમેન્ટરી બનાવી છે.
કુંજા લલિતભાઈના પૂર્વજોનું વતન છે. અહીં અમૃતા પ્રીતમનો વતનપ્રેમ સૂચવતો પ્રસંગ છે. વતનની માટી ભેટ મળતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડેલા. (પૃ. 32)

બાબરી મસ્જિદનો ધ્વંસ થયો ત્યારે આ ગામના યુવકોએ એક જૂના મંદિરની છત તોડેલી. આ ખંડેરમાં એક ગરીબ કુટુંબ રહે છે. સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં તટસ્થતા અને સમજણ વર્તાય છે.
તક્ષશિલાની દિશામાં જતાં વચ્ચે ઇસ્લામાબાદ, ત્યાં પત્રકારો-કાર્યકરો સાથે મિલન, શહેરનું રાત્રિવર્ણન લેખકની કવિત્વશક્તિનો પરિચય આપે છે. સને 1958માં અય્યુબખાને રાવલપિંડી પાસેના સ્થળને પસંદ કર્યું. 1968થી રાજધાની બની.
તક્ષશિલાનું નામકરણ ચીની પ્રવાસી ફા-હ્યાને કરેલું. ‘ચુ-ચા-શી-લો’ એનો અર્થ થાય છે કપાયેલું માથું. સંસ્કૃતમાં નાગ લોકોના રાજકુમાર તરીકે ઉલ્લેખ છે. તક્ષ એટલે કપાયેલું માથું એવો અર્થ પણ થાય છે. લેખક અહીં પોતાના તરફથી ઉમેરે છે. આપણા માટે તો તક્ષશિલા કપાયેલું મસ્તક જ છે.
કિશોરસિંહ સાહિત્યના અધ્યાપક હતા અને ભૂગોળ-ઇતિહાસને કેન્દ્રમાં રાખીને એમણે કથાસાહિત્ય રચ્યું છે. એમના સ્વાધ્યાયનો લાભ અહીં પણ મળે છે:

‘તક્ષશિલાની પ્રથમ પ્રગટ જાણકારી આપણને વાલ્મીકિ રામાયણમાં મળે છે. રાજા રામના વિજયના સિલસિલામાં આપણને જાણવા મળે છે કે એમના નાના ભાઈ ભરતે પોતાના નાના કૈકયરાજ અશ્વપતિના આમંત્રણ અને સહાયતાથી ગાંધર્વોનાે દેશ (ગાંધાર) જીતી લીધો અને પોતાના બંને પુત્રોને ત્યાંના શાસક તરીકે નિયુક્ત કર્યા. ભરતના બંને પુત્રો તક્ષ અને પુષ્કલે તક્ષશિલા અને ‘પુષ્કરતાવતી’ નામે પોતાની રાજધાનીઓ વસાવી.’ (પૃ. 45)

વિવિધ ગ્રંથો અને સંશોધકોના અભિપ્રાયો નોંધીને લેખકે આ પ્રકરણને વજનદાર બનાવ્યું છે. આજે આ ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળની શી દશા છે? રસ્તાને અડીને ‘પાકિસ્તાન ઓર્ડનન્સ ઇન્ડસ્ટ્રી’ આવેલી છે. એમાં માનવજીવનનું ભલું કરનારા જુદા જુદા વિષયોનું જ્ઞાન નહીં, પણ માનવ સંહારક હથિયારો અને દારૂગોળો બનાવવામાં આવે છે, એ આજની કરુણ વાસ્તવિકતા છે.

‘તક્ષશિલા મ્યુઝિયમ’ પ્રકરણ પછી પુસ્તકને અંતે વિવિધ શિલ્પ-સ્થાપત્યના ફોટોગ્રાફ આપ્યા છે. આ ભાગ ઝીણવટથી જોવાનો ગમશે.
આ પુસ્તકમાં માનવસંબંધો, સ્થળકાળની વિગતો સાથે લેખકની આજના જગત વિશેની સમજણ પણ વ્યક્ત થઈ છે. રોજેરોજના અકળાવનારા સમાચારો કરતાં જાગૃત માણસોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સૂક્ષ્મ-અતૂટ સંબંધ છે એવો અણસાર મળતો રહે છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી