સાહિત્ય વિશેષ / ચાલો, કાઠિયાવાડી ગુલામ શેખને ઘેર

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Mar 17, 2019, 03:51 PM IST

આંગળીના વેઢે ગણી શકાય એવા ઉત્તમ ગુજરાતી લેખકોમાંના એક છે ગુલામ મોહમ્મદ શેખ. એમનાં પત્ની નીલિમાબહેન પણ વિખ્યાત ચિત્રકાર છે. સંતાનો સમીરા અને કબીરનું પોતાના ક્ષેત્રમાં નામ છે. સહુનું વર્તન સહજ, સરળ, પ્રેમાળ આ એક ગુજરાતી કુટુંબ એવું છે જે આદર્શ ભારતીયનું જ નહિ, બલકે વૈશ્વિકતાનું દૃષ્ટાંત બની શકે.

  • આ કાઠિયાવાડી કબીલાનું ઘર ગાંધીના ભારતનું લાગે. સંસ્કાર કેવી વાણીનું રૂપ ધારણ કરે છે!

મૂળમાં કવિ, ચિત્રકાર અને ગાયક. હા, ગાયક. વડોદરામાં અત્યારે આખું શહેર ભરીને ગરબા ગવાય છે એનું પગેરું છેક સાતમા દાયકા સુધી લઈ જશે. માર્ક્સને પચાવી ગાંધીમાર્ગી થયેલા ભોગીલાલ ગાંધી અને સુભદ્રાબહેનને ત્યાં તોફાનો વખતે રહીને ગુલામ મોહમ્મ્દ શેખ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ શાખામાં અભ્યાસ કરતા હતા. ભોગીલાલ ગાંધી જેવો જ સંપર્ક સુરેશ હ. જોશીનો, અનિરુદ્ધનો પણ. પછી તો વડોદરાના ચિત્રકારો અને ચિત્રકળાના મરમીઓએ ગુજરાતને દિલ્હી સુધી ગાજતું કર્યું. ‘રેસિડેન્સી બંગલો’ નામના સંસ્મરણમાં એમાંના કેટલાક ચિત્રકારોની ઝાંખી થાય છે. આ બંગલા જેવી કેટલીક વિલક્ષણ વસ્તુઓ પણ અહીં જોવા મળે છે. કાવ્યસંગ્રહની સંવર્ધિત આવૃત્તિ ‘અથવા અને’ તેમજ દૃશ્યકળા વિષયક લેખો ‘નીરખે તે નજર’ ગુજરાતી સાહિત્યની ઉપલબ્ધિઓ છે. એમાં આ ત્રીજું પુસ્તક ઉમેરાયું: ‘ઘેર જતાં’.
આ કાઠિયાવાડી કબીલાનું ઘર ગાંધીના ભારતનું લાગે. સંસ્કાર કેવી વાણીનું રૂપ ધારણ કરે છે તેનું આ દૃષ્ટાંત છે.

પ્રથમ સ્મરણ લેખે કેફિયતનો આરંભ જુઓ:
‘ઝાલાવાડી પંથકમાં ભોગાવા કાંઠે વઢવાણ. તે પ્રાચીન કે મધ્યયુગે વર્ધમાનપુરી હતું એવું કહેવાય છે. રાણકદેવીનું મંદિર, માધાવાવ અને ગોબનશા પીરની દરગાહ પણ ત્યાં જ. અંગ્રેજી હકૂમત ટાણે વઢવાણ વધ્યું તે વસાહતી, છાવણીને લીધે કેમ્પ કહેવાયું. લોક એને વઢવાણ ‘કામ્પ’ કહેતા. તે છેવટે વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહના નામે સુરેન્દ્રનગર થયું. આ ગામને દખણાદે ખૂણે ભોગાવોના સૂકા ભાઠે સીધી શેરીનો મુસલમાની લત્તો થયો એ ઘાંચવાડ. આમ તો ત્યાં મેમણ, સૈયદ, સિપાઈ ને મિયાણા જેવી કોમો વસી, પણ બે-ત્રણ કુળના ઘાંચી ભેગા થયા એટલે એવું પડ્યું હશે. શેરીમાં એક મસીદ, મેમણ શેઠની બે-ત્રણ મેડીઓ, બીજું બધું લગભગ એકમાળિયું. મસીદના થોડે અંતરે કાળી કોટન મિલની વંડી તે છેક ભોગાવાના પર લાગી. એ વંડી સામેના એક ખાંચે છએક ઓરડાની ખડકીમાં, આગલા છેડાનું અમારું જન્મે જડ્યું તે ઘર.’
(પૃ. 9, ઘેર જતાં)

લેખક પોતાનું ઘર બતાવવા દૂરથી દૃશ્ય આલેખે છે. લોંગ શોટથી શરૂ કરીને નજીક લઈ આવે છે. નજીક જવામાં બોલચાલના શબ્દો પણ મદદ કરે છે. સરેરાશ લેખકો મસ્જિદ લખે, શેખસાહેબ ‘મસીદ’ લખે છે. વાણી સાથે ભાષાનો આ સીધો સંપર્ક ધ્યાન ખેંચે છે. આખું પુસ્તક આ દૃષ્ટિએ માણી શકાશે. અકિંચન સાદગીનું સૌંદર્ય વ્યક્ત થતું રહે છે:
‘છાપરે ખપાટિયાં ઉપર નળિયાં, એમાં થઈ આકાશના છીંડાં પડે ત્યાંથી શિયાળે-ઉનાળે ગારની ભોંય પર ચાંદરડાં પડે ને ચોમાસે રેલા.’
(પૃ. 9)

- આ સ્મૃતિદૃશ્ય અંકિત કરવામાં કવિ-ચિત્રકારની ગળથૂથીની ભાષા માણી શકાશે.
કુટુંબ, ઘાંચી સમાજ, કશાય આવેશ વિનાના ધાર્મિક રિવાજો પહેરવેશ અને વિસ્તારની ભૂગોળ પછી શિક્ષક લાભશંકર રાવળ શાયર એમના માર્ગદર્શનમાં લેખન અને હસ્તલિખિતનું સંપાદન પછી રવિશંકર રાવળની ભલામણથી શિષ્યવૃત્તિ મળતાં વડોદરા, ત્યાંની અગવડોના જલસા, પછી લંડન જીવનના આ ત્રણેય અધ્યાય એક વ્યક્તિના જીવનમાં ભજવાય એવું ભાગ્યે જ બને, પણ શેખસાહેબે લખ્યું તેથી માની શકાય છે કે આ શક્ય છે, શક્ય છે એક બિનસાંપ્રદાયિક વિશ્વ નાગરિકનું હોવું.
‘મા’ જેવો એક નિબંધ ગુજરાતી ભાષામાં લખાયો છે એમ કહેતાં એક ભાવક તરીકે, એક સંતાન તરીકે હું રોમાંચ અનુભવું છે. ‘મા’ એ માત્ર સંસ્મરણ નથી, અંગત-બિનંગત નિબંધ છે. અહીં પણ મા છે. પરિઘથી કેન્દ્ર ભણી જતી નજર વધુ ને વધુ માર્મિક બને છે. ઉંમરની જે ક્ષણે લેખક અહીં પ્રત્યક્ષ થાય છે ત્યારે એ બે સંતાનના પિતા છે. ભાઈ છે. માનો ઇલાજ કરવાની ઉમેદ છે. સગવડ પણ છે છતાં નિરુપાય. મા જે જીવન આપે છે એને શાંતિની એક ક્ષણ મેળવી આપવાની ક્ષમતા ક્યાંથી લાવવી? છેલ્લું વાક્ય, ‘કયા જલમનાં પાપ...’ કેટલું ત્રાસદાયક અને નિરર્થક છે? અને આ અર્થ સુધી જતાં માનો આજીવન સંઘર્ષ ભૂલ્યો ભુલાતો નથી. વળી, યાદ કરું કાઠિયાવાડી કવિ-ચિત્રકાર ચિંતક-દૃષ્ટાની ભાષા...

‘ઘેર જતાં’ના મોટાભાગના નિબંધો આઠમા દાયકામાં ‘ઊહાપોહ’ અને ‘એતદ્’માં પ્રગટ થયેલા છે. આજે 2018માં ગ્રંથસ્થ થયા છે. અર્પણ- ‘જન્મે જડ્યું તે ઘરના કાઠિયાવાડી કબીલાને અડધી સદીના ઘર અને સંસારની સંગિની નીલુને.’

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી