સાહિત્ય વિશેષ / સ્થળથી મર્મસ્થળ સુધી બનારસ ડાયરી

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Mar 10, 2019, 12:05 AM IST

કવિ હરીશ મીનાશ્રુનો 2016માં પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ‘બનારસ ડાયરી’ અરૂઢ છે, છતાં કવિની પરિચિત ઓળખને વધુ સઘન અને વ્યાપક બનાવે છે. 136 પૃષ્ઠના આ કાવ્યસંગ્રહમાં બનારસ વિશેની અને બનારસ નિમિત્તે સાંસ્કૃતિક ઘટનાઓ-સંકલ્પનાઓ અહીં નોખી રીતે અનુભવાય છે.
હરીશ મીનાશ્રુ કૃત ‘બનારસ ડાયરી’ એટલે ભૌગોલિક ભૂમિકાએથી સાંસ્કૃતિક ઉડ્ડયન માટેનો પ્રબળ પ્રયત્ન. સંગ્રહના આરંભે હરીશભાઈ લખે છે: ‘ઉપરછલ્લી રીતે જોતાં ‘બનારસ ડાયરી’ એક સ્થળકાવ્ય છે તેની ના નથી, પણ કોઈ એને કેવળ સ્થળ-કવિતા તરીકે ખતવી મારે તો? એવું થાય તો તો એ ભયજનક સપાટી વટાવી ગયેલા સ્થૂળ ભાવનનો નમૂનો ગણાશે. ‘પંખીપદારથ’ના ‘સાપુતારા’ કાવ્યની જેમ જ, આ કાવ્ય પણ સ્થળ કવિતામાંથી મર્મસ્થળ કવિતા રૂપે ઉત્ક્રાંત થાય છે.’
(પૃ. 7, ‘બનારસ ડાયરી’)

  • હરીશ મીનાશ્રુ કૃત ‘બનારસ ડાયરી’ એટલે ભૌગોલિક ભૂમિકાએથી સાંસ્કૃતિક ઉડ્ડયન માટેનો પ્રબળ પ્રયત્ન

હરીશ મીનાશ્રુની કવિતામાં કબીરસાહેબ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે શરૂઆતથી જોવા મળે છે. કવિતાનાં વિવિધ સ્વરૂપો હરીશભાઈએ ખેડ્યાં છે. તત્ત્વો અવનવા લયવિન્યાસ અને શબ્દ સંયોજનો એમની વિશેષતા છે. એમણે કરેલા અનુવાદોમાં પણ કવિત્વપૂર્ણ ભાષાશક્તિ જોવા મળે છે. મૂળ વિષયવસ્તુને સ્પર્શીને એનાથી કેટલા દૂર થઈ શકાય એ મુખપૃષ્ઠ પર છાપેલી પંક્તિઓમાં જોઈ શકાય છે:
‘તામ્રપત્ર તે કાશી
ઉપર મરણ ઝીણી નક્કાશી,
કહત કબીર સુનો ભાઈ સાધો,
ટુકુર ટુકુર તાકત હૈ કાહે,
કેવળ તારા ભણી કર્ણિકા
મણિકર્ણિકા.’
મણિકર્ણિકા એ બનારસનું યુગોથી જાણીતું સ્થળ છે. જીવનથી મરણ સુધીના અનેક અધ્યાયો આ સ્થળ સૂચવે છે. ઉપર્યુક્ત પંક્તિઓમાં કબીરસાહેબના નામે કવિ હરીશ મીનાશ્રુ બોલે છે. કબીરની શૈલી અને રચનારીતિમાં હરીશભાઈએ ઘણું લખ્યું છે. પ્રસ્તુત સંગ્રહમાં ‘બનારસ ડાયરી’ નામનો મુખ્ય ભાગ અઢાર રચનાઓ ધરાવે છે.
કબીર અને કવિ હરીશ મીનાશ્રુનું એકત્વ ‘બનારસ ડાયરી’માં કેવી રીતે સિદ્ધ થાય છે એનો નિર્દેશ કાવ્ય ક્રમાંક-7માં જોવા મળે છે:
‘એ દિવસે મારો જનમદિન હતો
એટલે મારા ચહેરા પર
વિષાદની વ્યંજનામાં પરિપક્વ બનેલો આનંદ હતો.
મને એટલી તો ખબર હતી કે
એમનું જનમવર્ષ ઈસવીસન તેરસો નવ્વાણું
એટલે સમજો ને, લગભગ છસો પ્રકાશવર્ષનું અંતર કાપીને કબીર ખાસ મને વધામણી ખાવા આવ્યા.
આ જાણીને હું તો ઠીક, યાયાવર પક્ષીઓ પણ
અચંબામાં પડી ગયાં.’
કાવ્યના અંત ભાગમાં,
‘યાયાવરીની વ્યંજનામાં પરિપક્વ
વિષાદ અને આનંદની આંખોવાળો એકાકી માણસ.’
‘ચંદ્ર વિશે ચાટૂક્તિઓ’ અને ‘કવિતા વિશે ચાટૂક્તિઓ’ ‘બનારસ ડાયરી’ કરતાં સંવેદનાની રીતે જુદી પડે છે. કવિએ પોતે નોંધ્યું છે તેમ છેલ્લાં વીસેક વર્ષમાં લખાયેલી રચનાઓમાંથી પસંદ કરીને અહીં મૂકી છે, એટલે કે ‘બનારસ ડાયરી’માં બનારસની અંદર અને બહારનાં ઘણાં રૂપો સમાવેશ પામે છે.
એક દીર્ઘ રચના છે ‘પુત્રવધૂને’ આ પ્રકારની કવિતા જુદી પડતી લાગે તેમ છતાં બનારસ જે જે માન્યતાઓ અને સંસ્કારોને વ્યક્ત કરે છે એમાં આ પ્રકારનો વિષય પણ બહારનો ન લાગે.
કેટલીક રચનાઓ વિચારને વ્યક્ત કરવા લયની મદદ લે છે.
‘જન્મમરણની ટેવ મનુજને, પરથમ પાકે ધાન,
જરે જીર્ણ થૈ, ફરી ધાનના ધરા ધરે ઓધાન
શીદ રચવા સંકલ્પ કરીને ઉત્પત્તિ સ્થિતિ ને લય?
શીદ રચવા કણકણ વૃદ્ધિ ને વળતા ક્ષણક્ષણ ક્ષય?
શીદ જાવું હું કાયા જે તે નથી ગોત્રના જ્ઞાન?
શીદ કરવા નીંભાડે પેસી શીતળ જળ અનુમાન?’(પૃ. 131, બનારસ ડાયરી)
વિદ્વાન સર્જક બાબુ સુથાર પોતાના સમકાલીનોનો સતત અભ્યાસ કરતા રહ્યા છે. એમને હરીશ મીનાશ્રુની કવિતામાં રસ પડે એ સ્વાભાવિક છે. હરીશ મીનાશ્રુની શૈલીએ કરીબ-ગોરખ આદિના સંદર્ભો બાબુભાઈએ ખપમાં લીધા છે.
‘એક પત્ર હરીશને’ (બાબુ સુથાર)
હરીશ, એ સાંજે હું ત્યાં હતો
જ્યારે કબીરે તને કાનાથી ફટકારેલો.
પણ તેં મને જોયો નહીં.
જ્યારે તેં કહેલું કે,
‘હું સત્સંગ કરવા આવ્યો છું.’ ત્યારે
હું ત્યાં જ હતો. ત્યાં જ
કબીરસાહેબની પરસાળમાં
સાફ કરતો હતો એમની હાથસાળ.
મને બરાબર યાદ છે
એ દિવસે સવારે કબીરે મને કહેલું:
‘બાબુ, આજે તારી ભાષામાંથી
અઢી અક્ષરનો રખેવાળ આવવાનો છે,
કોભાભાઈને ભરી આપતો હતો એવો હોકો ભરી આપજે મને.’
સાહેબનો હુકમ થતાં જ
હું તો દોડેલો બાવનની બહાર,
ત્યાં વહેતા એક ઝરણાના પાણીથી
મેં કબીરના હૂકાનું પાણી બદલેલું.
પછી પાંચ મહાવાક્યોની
ગટલી પીવડાવીને ઉછરેલી તમાકુ મૂકેલી એમની ચલમમાં,
એ દિવસે ઘરમાં દેવતા હતો નહીં
અને બનારસમાં બીજા કોઈનો દેવતા તો કામ લાગે એમ હતો નહીં
એટલે હું તો મારા મન પર સવાર થઈને
પહોંચી ગયેલો ગોરખબાવાને ત્યાં,
‘ક્યૂં આયા હૈ બચ્ચા?’
‘મારી ભાષાના અઢી અક્ષરના રખેવાળને
આજે કબીર પાઠ ભણાવવાના છે,
એ માટે એમનો હૂકો ભરવાનો છે.’
‘હમ ભી આયેંગે’ એમ કહેતાં
ગોરખે પોતે જ
ચીપિયે ચીપિયે ભરી આપેલો દેવતા
સાહેબની ચલમમાં.
પછી માર ખાઈને તું ચન્દ્રની દિશામાં જવા નીકળેલો
ત્યારે હું પણ પૃથ્વીની દિશામાં પડેલો.
મારે પણ સમય થઈ ગયેલો મધુપ્રમેહની ટીકડી લેવાનો.’
‘બનારસ ડાયરી’ને તાજેતરમાં ‘કાવ્યમુદ્રા’નો આ વર્ષનો એક લાખ રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સંગ્રહના પ્રકાશક છે ગૂર્જર સાહિત્ય પ્રકાશન.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી