સાિહત્ય વિશેષ / નામવરસિંહ: માર્ક્સ અને સૌંદર્યશાસ્ત્રનો સંયોગ

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Mar 04, 2019, 04:21 PM IST

ફેબ્રુઆરી 19ના રોજ, ત્રાણું વર્ષની ઉંમરે નામવરસિંહજીનું અવસાન થયું. પડી જવાથી હેમરેજ થયું ને સારવાર સફળ ન થઈ. હિન્દી સિવાયની ભાષાઓના અભ્યાસીઓમાં પણ નામવરસિંહ લોકપ્રિય હતા. એ જેવા મોટા વિદ્વાન હતા, એવા જ કુશળ વક્તા હતા.
ઉમાશંકર જોશી ગાંધીજીના માધ્યમથી માર્ક્સ સુધી ગયા, નામવરજીએ માર્ક્સના માધ્યમથી ગાંધી સુધી પહોંચવાની લાંબી યાત્રા કરી. નહેરુ યુગમાં નામવરજીએ મુક્તિબોધની કવિતાના માધ્યમથી સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચેના અદૃશ્ય શીતયુદ્ધનો નિર્દેશ કર્યો હતો- ‘નવી કવિતાની આસપાસ ઘેરાયેલા ઘણા બધા સાહિત્યિક સિદ્ધાંતોમાં શીતયુદ્ધની છાપ છે.’ શિક્ષિત મધ્યમવર્ગનો ‘અવસરવાદ’ અને સામ્યવાદ વિરોધી ‘શીતયુદ્ધ’ની પશ્ચિમી વિચારધારાનો દૂષિત સાંસ્કૃતિક પ્રભાવ જેવાં બે કારણોને નામવરજી નવી કવિતાના વિકાસની રેખામાં દેખાતી વક્તા માટે જવાબદાર ગણાવે છે. ‘કવિતા કે નયે પ્રતિમાન’માંથી પસાર થતાં લાગે કે નામવરજીએ એવી કલાકૃતિનું ગૌરવ કર્યું જે જીવનની યાદ અપાવે. એવું જીવન જે સંકટોમાંથી પસાર થતું આગળ વધે.
નામવરજીની સમીક્ષાની વિશેષતા એ હતી કે તેમાં પક્ષ-વિપક્ષ જેવું નથી, પૂર્વ પક્ષ-ઉત્તર પક્ષ જેવી શાસ્ત્રીય પ્રણાલી હતી.
સાહિત્યિક ગતિવિધિ, સાહિત્યિક કૃતિઓ અને સાહિત્યકારો અંગે પૂર્વસૂરિઓએ જે કહ્યું તે નામવરજીએ તટસ્થતાથી વાંચ્યું, વિચાર્યું, એમાં દૃષ્ટિની સૂક્ષ્મતા અને તર્કની સઘનતા જોવા મળતી. પોતાની વૈચારિક ભૂમિકા પર દૃઢ રહીને તેમણે સૌંદર્યશાસ્ત્રીય દૃષ્ટિથી પુન:મૂલ્યાંકન કર્યું. એમના લખાણમાં સહજ રીતે પ્રગટતા પારિભાષિક શબ્દપ્રયોગ, સૈદ્ધાંતિક સૂત્ર વાંચીને આનંદ થાય. નામવરજીની સમીક્ષામાં સર્જનાત્મક સ્પર્શ જોવા મળે, હજારીપ્રસાદ દ્વિવેદીનાં લખાણોમાં દેખાય તેવો. એક વાક્ય છે: ‘મૂલ્યોને કમાયેલું સત્ય કહેવાય છે.’ ‘જેમ વ્યાકરણ ભાષાના શબ્દોનું નિર્માણ નથી કરતું, તેમ વિવેચક પણ કાવ્યનાં મૂલ્યોનું નિર્માણ નથી કરતો.’

  • નામવરસિંહજીએ માર્ક્સના માધ્યમથી ગાંધી સુધી પહોંચવાની લાંબી યાત્રા કરી હતી

નામવરજીએ મુક્તિબોધને સમજવાની, સમજાવવાની પહેલ કરી. અન્ય માર્ક્સવાદી-કહો કે સમાજનિષ્ઠ સર્જકોનું શિલ્પ એટલું સક્ષમ ન હતું. નવી કવિતામાં મુક્તિબોધની સ્થિતિને તેઓ છાયાવાદના કવિ નિરાલાની સાથે સરખાવતા. નવી કવિતાને પરંપરામાં બાંધવાનો પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રયાસ નામવરજીએ સ્વીકાર્યો નહીં. ‘નવા પ્રતિમાન-માનદંડની દિશામાં આગળ વધવા માટે મૂળથી સ્થગિત સંસ્કારોથી તટસ્થ થવું જરૂરી છે. રંગદર્શી ધારણાઓથી મુક્ત થવાનો યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ.’ નામવરજી લખે છે- ‘પદ્ધતિ વગર માનદંડોની ચર્ચા નિરર્થક’ (કવિતા કે નયે પ્રતિમાન. પૃ. 35).
કવિતાના સ્વધર્મની પ્રતિષ્ઠા સૂચિત કર્યા બાદ માનદંડ વિષયક લેખનું સમાપન નામવરસિંહજી આ શબ્દોમાં કરે છે: ‘રંગદર્શી’ કવિ-વિવેચક જ્યાં ‘ભાવુકતા’ અને ‘સહૃદયતા’ની માગણી કરતા રહ્યા, આધુનિક કવિએ ‘સમજદારી’ની માગણી કરી હતી. (પૃ. 42).
‘રસના માનદંડની પ્રસંગાનુકૂળતા’ લેખ નામવરજીના ઊંડા અધ્યયનનો પરિચય આપે છે. પાશ્ચાત્ય અને ભારતીય બંને કાવ્યશાસ્ત્ર તેમજ સૌંદર્યશાસ્ત્રને નામવરજીએ તત્વાન્વેશીની લગનીથી વાંચ્યા, બલકે ચાહ્યા. ભારતીય ભાષાઓના વિદ્વાનોના ચિંતનના સંદર્ભો હસ્તગત કરી લેતા. નામવરજી લખે છે: ‘આ પ્રસંગમાં ડો. મનોહર કાળેનો વાંધો પણ ઉલ્લેપાત્ર છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો રસ-સિદ્ધાંત કાવ્યના આસ્વાદની માત્ર એક પ્રક્રિયા છે, મૂલ્યાંકનનો કોઈ માનદંડ નહીં.’ (પૃ. 54).
‘મૂલ્યોં કા ટકરાવ: ઉર્વશી વિવાદ’ લેખ રામવિલાસ શર્મા અને મુક્તિબોધના પરસ્પર પ્રતિકૂળ પ્રતિભાવની તુલનાને કારણે રસપ્રદ બન્યો છે. નામવરજી લખે છે: ‘ઉર્વશીની આલોચના કરતી વખતે રામવિલાસ શર્મા એક છેડે છે અને મુક્તિબોધ બીજા છેડા પર-તો આ માત્ર સંયોગની વાત નથી. અંતર ભાષાબોધનું જ નહીં, પરંતુ મૂલ્યબોધનું પણ છે. એકને જે ભાષા ઉદાત્ત લાગે છે, તે બીજાને શુષ્ક આડંબર જણાય છે. એકને જ્યાં શ્રદ્ધાનો સ્વર સંભળાય છે, બીજાને પોથીની દાર્શનિકતા. બંને ‘તાર સપ્તક’ના કવિ છે અને સાથે સાથે પ્રગતિશીલ વિચારધારા પણ ધરાવે છે, છતાં કાવ્યબોધમાં આટલું અંતર? આ ટકરાવમાં મુક્તિબોધની દિશા જ બરાબર છે.’
(પૃ. 71-72).
મુક્તિબોધની અણઘડ અને બેડોળ જણાતી ભાષાની લાક્ષણિકતા સમજાવીને નામવરજી કાવ્યાત્મક ભાષા અને કાવ્યભાષાનો ભેદ સ્પષ્ટ કરે છે. સપાટ કથન ભલે કાવ્યાત્મક ન લાગે તે કાવ્યભાષા બની શકે છે. નામવરસિંહજી જીવનને સમજવાની યથાર્થવાદી દૃષ્ટિના તરફદાર રહ્યા.
નામવરસિંહ વિશે એક મહત્ત્વનો અધ્યયનગ્રંથ એમના નેવુંમા વર્ષે પ્રગટ થયો હતો એનું નામ (ત્રૈમાસિક) ‘બહુવચન’. સંપાદક-ગિરિસ્વર મિશ્ર, પ્રકાશન છે મહાત્મા ગાંધી આંતરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલય, વર્ધાનું.
અલવિદા નામવરસિંહજી!

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી