સાિહત્ય વિશેષ / સૌથી લોકપ્રિય કન્નડ નવલકથાકાર ભૈરપ્પા

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Feb 24, 2019, 05:33 PM IST

સને 2018ના સાહિત્ય અકાદમી, દિલ્હીના સંવત્સર વ્યાખ્યાનમાં ભૈરપ્પાજીએ પોતાની સર્જનયાત્રાને વ્યાસગુફાની યાત્રા તરીકે ઓળખાવી હતી. ભૈરપ્પાજીના લેખનનો વ્યાપ વ્યાસની યાદ અપાવે એવો છે.
આ વર્ષે ગોવર્ધનરામ સન્માન સ્વીકારવા ભૈરપ્પાજીને વિનંતી કરી અને એમણે પચાસેક મિનિટના વક્તવ્યમાં સાહિત્ય અને સંસ્કૃતિને લગતા પાયાના પ્રશ્નોની ચર્ચા કરી. ભૈરપ્પાજી માને છે કે મૂળ ધર્મગ્રંથનું જતન થવું જોઈએ. યુગે યુગે અર્થઘટન ભલે બદલાય, પણ પાઠ બદલાવો ન જોઈએ. એમણે કહ્યું કે દેશના બંધારણમાં આજ સુધી એકસો વાર જેટલા સુધારા થયા છે, પરંતુ શ્રીમદ ભગવદ્્ગીતા યથાવત્ છે.

  • ભૈરપ્પાજી માને છે કે મૂળ ધર્મગ્રંથનું જતન થવું જોઈએ. યુગે યુગે અર્થઘટન ભલે બદલાય, પણ પાઠ બદલાવો ન જોઈએ

ભૈરપ્પાએ વડોદરામાં દર્શનશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી. કરેલું અને આણંદ વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપક તરીકે કામ કર્યું હતું. એમણે એ વખતના કુલપતિ બાબુભાઈ જશભાઈને યાદ કર્યા, ‘તેઓ શિક્ષણના માણસ ન હતા, જાહેર જીવનના માણસ હતા, પરંતુ એમની પાયાની સમજણ પ્રભાવક હતી.’ પછી તો ભૈરપ્પાજી દેશનાં વિવિધ મહાનગરોમાં અધ્યાપન અને સંશોધનનું કામ કરતા રહ્યા છે. અત્યારે મૈસૂરમાં નિવૃત્ત જીવન ગાળે છે. અઠ્યાસી વર્ષની ઉંમરે સંપૂર્ણ સ્વસ્થ લાગે છે. એમની નવલકથાઓમાં શિવમંદિરના સંદર્ભો આવે છે. દક્ષિણમાં શિવધર્મનો પ્રભાવ સવિશેષ રહ્યો છે. મેં એમને પૂછ્યું કે તમે શૈવ છો? એમણે કહ્યું કે અમે એક જ પંક્તિમાં કૃષ્ણ અને શિવને યાદ કરીએ છીએ. ભારતીય ચિત્રકળા વિશે પણ એમણે મહત્ત્વની વાત કરી. રાજા રવિવર્મા પશ્ચિમમાં તાલીમ લઈને ભારત આવ્યા અને એમણે દેવદેવીઓનાં જે ચિત્રો દોર્યાં એ પ્રચલિત થઈ ગયાં. ભૈરપ્પાજીએ કહ્યું કે પૌરાણિક પાત્રને સમજીને કલાકારે એનું સ્વરૂપ વ્યક્ત કરવું જોઈએ. પશ્ચિમનું બીબાંઢાળ અનુકરણ બરાબર નથી. એમણે પશ્ચિમના મોટાભાગના દેશોના પ્રવાસો કરેલા છે અને અંગ્રેજીમાં પણ એમના ઘણા ગ્રંથો છે. એમની એક નવલકથાની દર મહિને આવૃત્તિ થતી આવી છે.
એમની આત્મકથનાત્મક નવલકથા ‘ગૃહભંગ’ (હિન્દી અનુવાદ) વિશે મેં ‘દિવ્ય ભાસ્કર’માં દસેક વર્ષ પહેલાં લખેલું. આ પ્રાદેશિક નવલકથા છે અને એક એક ગામના એક એક પરિવારનું ઝીણવટભર્યું નિરૂપણ છે. એની નાયિકા નંજમ્મા જેવી ગુણવાન અને કર્મઠ યુવતી અગવડો, અપમાનો અને યાતનાઓ સહન કરતી જીવનધર્મ બજાવતી રહે છે. કર્ણાટકના તિપટૂર તાલુકા અને આસપાસના ગ્રામીણ જીવનનો ગૃહસંસાર આલેખતી આ કથામાં ગ્રામજીવનની ભૌગોલિક, કૌટુંબિક, સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય રીતરસમોની ઝીણી ઝીણી વિગતોનું કલાત્મક આલેખન થયું છે.
નંજમ્માનો પતિ આળસુ, અજ્ઞાની, ખાઉધરો છે. નંજમ્મા તલાટી કામ શીખે છે, હિસાબ લખવા ઉપરાંત પતરાળી બનાવી, પ્રૌઢ શિક્ષણનો વર્ગ ચલાવી ઘરખર્ચ પૂરો કરે છે. સાસુએ એને બાળકો સાથે અલગ રહેવા ફરજ પાડી છે. પ્લેગમાં મૃત્યુનાં વર્ણન, ચેન્નિગરાયની મદદનો અભાવ, સંન્યાસી મહાદેવપ્પાજી દ્વારા થતી સેવા આ બધાં વર્ણનોમાં મહાન લેખકની સંવેદના અને અભિવ્યક્તિનો પરિચય થાય છે. નંજમ્મા યાતનાઓ વેઠવા છતાં અંતે વિજય નીવડશે એવી આશા સાથે વાચક કથા વાંચતો રહે છે, પણ છેવટે નંજમ્મા પ્લેગનો ભોગ બની પ્રાણ છોડે છે. દોઢ દાયકા સુધી એને અનેક રીતે હેરાન કરતી રહેલી સાસુ ગંગમ્મા એનાં મોંમાં પાણી રેડે છે. ફરી વાંચવાનું મન થાય એવી કથા નંજમ્માના દીકરા વિશ્વા(લેખક પોતે)ને કેન્દ્રમાં રાખી બીજા ભાગમાં આગળ વધે છે. ગ્રામચેતના રાષ્ટ્રભાવને સંકોરે છે. કથા વાંચતાં તૃપ્તિનો અનુભવ થાય છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી