સાિહત્ય વિશેષ / ઘરસંસારના સંબંધોનું ગૌરવ કરતી ગઝલો

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Feb 10, 2019, 12:32 PM IST

‘કોઈ હૈયામાં ગયું લાગે છે’ ગઝલસંગ્રહના પાછલા મુખપૃષ્ઠ પર કવિની હસતી મુખમુદ્રા નીચે આ શેર મૂક્યો છે:
આ બધું કેમ નવું લાગે છે?
કોઈ હૈયામાં ગયું લાગે છે.

પૃષ્ઠ પાંચ પર નાની લહરની છ શેરની આ ગઝલના બીજા શેર પણ યાદ રહી જશે:
હાથમાં હાથ મિલાવી રાખો,
આ જગત હાથવગું લાગે છે.

  • ગૌરાંગભાઈએ ઈશ્વરનું સરનામું પોતાની ભીતર શોધી રાખ્યું છે પણ આ તો પ્રેમનો ઝઘડો છે. પ્રકૃતિની જીવંતતા પણ પરમતત્ત્વના પ્રાગટ્યનો અનુભવ કરાવી શકે

જગત હાથવગું લાગે છે એમ કહેતી વખતે સમગ્ર જગત નજીક આવી જાય છે. કલ્પનાની દુનિયા અડોઅડ આવી જાય છે. આમ રૂઢિપ્રયોગ કવિતાની સ્ફૂર્તિ ધારણ કરે ત્યારે સહૃદય વધુ રાજી થાય છે.
બે વ્યક્તિ વચ્ચેના વિરહ-મિલનને ગઝલ સદીઓથી ગાતી આવી છે. પ્રેમ અને લાગણીની વાત કરતી રચનાઓનો તો ગુજરાતી કવિતાઓમાં કોઈ પાર નથી, પરંતુ જ્યારે કોઈ રચનાકાર નવા વિષયો પર નવી દૃષ્ટિ સાથે અભિવ્યક્તિ કરે ત્યારે એ જોઈને આનંદ થતો હોય છે. વિભક્ત પરિવારના માહોલમાં ગૌરાંગભાઈ નાજુક વાત ખૂબ જ નજાકતથી કરે છે. ગૌરાંગ ઠાકરની ગઝલમાં કુટુંબના બીજા સભ્યોને પણ માનભર્યું સ્થાન મળે છે:

ઘરમાં ભલે ને રાચરચીલું ન હોય પણ,
એક બે તમારા ઘરમાં વડીલો તો જોઈએ.
(પૃ. 4)

ભૌતિક સમૃદ્ધિ વધી એ સાથે શહેરી કારકિર્દી ધીરે ધીરે સંબંધો ચૂકી ગઈ. આ સંવેદનશૂન્યતા કથાસાહિત્યમાં વ્યક્ત થતી રહી છે. વૃદ્ધાશ્રમો સગવડ છે તો કૌટુંબિક વિચ્છેદનો દસ્તાવેજ પણ છે. મા-બાપને ગામડાની બસમાં બેસાડી દેનાર ગણતરીબાજ ગૃહસ્થના હૃદયની સંકીર્ણતા સહજ રીતે વ્યક્ત કરે છે અને પોતાનો વાંક જોવાની રીતે કવિ રજૂઆત કરે છે:
ઓ સાંકડા હૃદય તને સૌ ઓળખી જશે.
મા-બાપને જો ગામડાની બસ મળી જશે.
(પૃ. 13)

આ શેર સહૃદયોને સ્પર્શી જતો જોયો છે.
ગૌરાંગ ઠાકર ભારતીય જીવનવીમા નિગમમાં ફરજ બજાવે છે. વ્યવસાયનું આ નોખાપણું પણ એમને અરૂઢ થવા પ્રેરતું હશે. ગઝલ લેખને એમને હકારાત્મક માનવીય અભિગમની જાહોજલાલી આપી છે. વધુમાં લખે છે: ‘ભીતરની પાયમાલીથી બચાવ્યો પણ છે. મારા આ શબ્દોએ મને ભીડમાં એકાંત આપ્યું છે. ઈશ્વર સામે ઊભા રહી એનો આભાર માનવાની અને કશું જ નહીં માંગવાની ખુમારી આપી છે, તો વહાલાંઓ વચ્ચે વહેંચાઈ જવાની સહૃદયતા ઉમેરીને જીવનને નવું કરી દીધું છે.’ (હૈયાની વાત હોઠ પર)
વહાલાઓ વચ્ચે વહેંચાઈ જવાની વૃત્તિ સહજ લાગે છે. ગ્રામજીવનની સહજતા અને નગરજીવનની યાંત્રિકતા કવિને અવારનવાર લખવા-બોલવા પ્રેરે છે:
અમે તો ગામથી આવ્યા નગર,

સમજાય તો સારું,
અમારી આંખને સૌની નજર
સમજાય તો સારું.
અહીંયાં ચાલતા આવ્યા હતા
ને દોડવા લાગ્યા,
મકાન આવ્યુ઼ં, ગયું છે ઘર,
સફર સમજાય તો સારું.
***

નગરની ભીડમાં છૂટી ગયો છે
ભોળપણનો હાથ,
મને આવું બધું આગળ ઉપર,
સમજાય તો સારું.
(પૃ. 51, કોઈ હૈયામાં ગયું લાગે છે.)
ઉપર્યુક્ત એકેએક પંક્તિની પ્રવાહિતા ધ્યાન ખેંચે છે. ‘મકાન આવ્યું, ગયું છે ઘર’- આ ચાર શબ્દો જરૂરી છે એ બધું જ કહી જાય છે.
કંઠસ્થ થઈ જાય એવી અવતરણ ક્ષમતા ધરાવતા શેર અહીં મોટી સંખ્યામાં મળશે. પ્રેમ અને પરમતત્ત્વ બેઉનો નિર્દેશ એકસાથે જુઓ:
આ તને ચાહવાનું છે પરિણામ,
વિશ્વ આખું જ સ્વજન લાગે છે.
(પૃ. 33)

ઈશ્વરને મંદિરમાં ન જોવાનો રિવાજ નવો નથી-ગઝલ જો નવી લઢણ દાખવે તો તાજગીનો અનુભવ થાય.
તું હવે સરનામું પાક્કું આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.
ગૌરાંગભાઈએ ઈશ્વરનું સરનામું પોતાની ભીતર શોધી રાખ્યું છે, પણ આ તો પ્રેમનો ઝઘડો છે. પ્રકૃતિની જીવંતતા પણ પરમતત્ત્વના પ્રાગટ્યનો અનુભવ કરાવી શકે. કવિ જાણે છે:
તરબતર આ બધું એમ જ ક્યાં છે?
કોઈ આઘેથી ભીના રાખે છે.
રાતઘર જાગીને ડાળી ઉપર
ફૂલ ઝાકળની જગા રાખે છે! (પૃ. 44)

ઇમેજનું આ પ્રકાશન સુઘડ છે. ભાષાશુદ્ધિ ધ્યાન ખેંચે છે. ઊઘડતા પૃષ્ઠ પર લખ્યું છે: ‘સૌજન્ય વિદ્યાગુરુ ફાઉન્ડેશન’ અહીં સાહિત્યરસિકોને એક વિગતમાં રસ પડશે. વિદ્યાગુરુ ફાઉન્ડેશનનું નામ સ્થાપનાકાળે હતું: ‘શ્રી રતિલાલ બોરીસાગર વિદ્યાગુરુ ફાઉન્ડેશન.’ પોતાનું નામ આગળ કરાય એ રતિલાલભાઈને કઠતું હતું. એમણે જીદ કરીને ટ્રસ્ટનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવ્યું અને નામ મટી વિશેષણમાં સમાઈ ગયા.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી