સાહિત્ય વિશેષ / રવીન્દ્રનાથનાં ‘સપ્તપર્ણી’ મુક્તકો

article by raghuvir chaudhari

રઘુવીર ચૌધરી

Jan 06, 2019, 07:09 PM IST

જયંતભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર. વર્ષો સુધી ઉત્તમ પુસ્તકોના ‘પ્રસાર’નું કામ કર્યું. એ જવાબદારી હવે એમના સુપુત્ર નીરજ સંભાળે છે. જયંતભાઈ સ્વાધ્યાય અને લેખનમાં સમય આપે છે. ‘વિચારોની વસંત’ કદાચ ‘પ્રસાર’નું છેલ્લું પ્રકાશન હશે. એમાં વીણી વીણીને ગુજરાતીમાં ઉતારેલાં વિચારપુષ્પો છે. દાખલા તરીકે કન્ફ્યુસિયસનું વિચારપુષ્પ છે,
‘હું સાવ નાના ઘરમાં વસું છું, પણ મારી બારીઓમાંથી વિરાટ વિશ્વ નીરખી શકું છું.’


વિચારોની વસંત પૂર્વે જયંતભાઈએ રવીન્દ્રનાથની કબિતિકાઓ એટલે કે કાવ્યાત્મક મુક્તકોનો સંચય ‘તણખલાં’ આપ્યો હતો. સને 2007થી અત્યાર સુધી ‘તણખલાં’ની પાંચ આવૃત્તિઓ થઈ છે. રવીન્દ્રનાથનાં મુક્તકોનો અંગ્રેજી પરથી જયંતભાઈએ અનુવાદ કર્યો છે અને બંગાળી જાણતા મિત્રોને બતાવ્યો પણ છે. તાજેતરમાં ‘સપ્તપર્ણી’નું પ્રકાશન થયું છે. એ પણ ‘તણખલા’ની જેમ ત્રણસો કબિતિકાઓનો સંચય છે. બે, પાંચ કે આઠ પંક્તિનાં લઘુકાવ્યોને રવીન્દ્રનાથ ‘કબિતિકા’ નામે ઓળખાવતા હતા. એના કુલ પાંચ સંચય છે.

પ્રેમ, પ્રભુ અને પ્રકૃતિ વિષયક આ મુક્તકો સંવેદન જગવે છે તો ક્યારેક વિચાર પણ જગવે છે

બે અંગ્રેજીમાં, બે બંગાળીમાં અને એક બેઉ ભાષાઓમાં. પ્રેમ, પ્રભુ અને પ્રકૃતિ વિષયક આ મુક્તકો સંવેદન જગવે છે તો ક્યારેક વિચાર પણ જગવે છે. રવીન્દ્રનાથનાં ગીતો, કાવ્યો, સંવાદકાવ્યો, નિબંધો, નાટકો અને નવલકથાઓમાંથી મોટાભાગનું સાહિત્ય ગુજરાતીમાં સુલભ છે. બાકી હતું તે ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ, સુજ્ઞા શાહ અને શૈલેશ પારેખે અનુવાદ કે આસ્વાદ રૂપે ગુજરાતી ભાવકો સુધી પહોંચાડ્યું. કવિવર નિરંજન ભગતે તો ‘રવીન્દ્ર ભવન’ નામની ભાવાત્મક સંસ્થાના નામે જીવનની છેલ્લી પા સદી અર્પણ કરી.

રવીન્દ્રનાથનું સાહિત્ય આજના ભારતીય ભાવક માટે કેટલું બધું પ્રસ્તુત અને ઉપકારક છે એ નિરંજનભાઈ ઉમાશંકરની જેમ જાણતા હતા. આ પરંપરામાં જયંતભાઈ મેઘાણીએ બીજાં બે પુસ્તકો આપ્યાં છે: રવીન્દ્રનાથના પત્રોનો સંચય ‘રવીન્દ્ર-પત્રમધુ’ અને રવીન્દ્રનાથના જીવન અને સર્જન વિશે સમજ કેળવનારું પુસ્તક ‘રવીન્દ્ર સાંનિધ્યે’ પણ ‘સપ્તપર્ણી’ સાથે આપ્યું છે. ઝવેરચંદ મેઘાણીએ રવીન્દ્રનાથનાં ગીતોને ગુજરાતીમાં સાકાર કરવાનું શરૂ કરેલું. આમ, બે પેઢીએ રવીન્દ્ર-વંદના ચાલુ રાખી એ નોંધપાત્ર ઘટના ગણાય. અહીં મોટા ભાઈ મહેન્દ્રભાઈનું પણ સાદર સ્મરણ થાય.


‘સપ્તપર્ણી’માંથી કેટલાંક મુક્તકો માણીએ? રવીન્દ્રનાથ પ્રભુમાં માને છે, જે મનુષ્યના પ્રીતિપાત્ર દ્વારા સુધાનો આસ્વાદ કરાવે છે. મનુષ્યવિહોણા ઈશ્વરની એ વાત નથી કરતા. ‘સપ્તપર્ણી’ના પૃષ્ઠ 18 પર એક પંક્તિની રચના છે, ‘મનુષ્યગુણ વિહોણો ઈશ્વર અધૂરો દેવ છે.’
અહીં જે મનુષ્ય સૂચવાયો છે એ વૈશ્વિક છે, વિશ્વમાનવ છે. એ કોઈ પણ પ્રકારની સંકીર્ણતાથી મુક્ત છે. રવીન્દ્રનાથની ‘ગોરા’ નવલકથા પણ આવું જ પ્રતિપાદન કરે છે. આ ઈશ્વરની અભિરુચિ કેવી છે!
‘બાળકો દેવળમાંથી ભાગીને ધૂલિમાં ખેલે છે, પ્રભુ એ રમત જોવા રોકાયા, મંદિરના પૂજારીને વીસર્યા.’(પૃ. 7, ‘સપ્તપર્ણી’)


દરેક કબિતિકા સાથે મૂળ અંગ્રેજી પાઠ પણ આપ્યો છે. જેને બેમાંથી એક ભાષા આવડતી હોય એ વાચકને બીજી ભાષા શીખવા આ મુક્તકો મદદરૂપ થશે.
રવીન્દ્રનાથ નિષ્ફળતાઓ સામે સતત રચનાત્મક દૃષ્ટિ દાખવતા આવ્યા છે. લખે છે,
‘સ્વપ્નશીલ માનવીઓ પોતાની વિફળતાઓ
ધરતી પર વેરતા જાય છે, પછી એ અંકુરિત થાય છે, તેને ફળ બેસે છે.’(પૃ. 14)
વળી એક વિચારપુષ્પ પરમાત્મા વિશે-
‘સર્જનમાં જ પરમાત્માનું સાર્થક્ય છે.’(પૃ. 18)


મહત્ અને ગૌણ બેઉની ઉપકારકતા રવીન્દ્રનાથ સ્વીકારે છે. એમનું કોડિયું આથમતા સૂરજને વચન આપે છે. હું મારા ગજા પ્રમાણે અજવાળું ફેલાવીશ. આ ભાવ અહીં તારક અને આગિયાના પ્રતીકથી સૂચવ્યો છે:
‘પ્રભુ તો પુરાતનકાળથી પ્રકાશતા
કોઈક તારકના અજવાળાને જોઈને મલકે છે,
એટલો જ ખુશ થાય છે
એકલ આગિયાના ક્ષણિક ઝબકારાને નીરખીને.’(પૃ. 19)
ક્યાંક કલ્પન સૂક્ષ્મ સંવેદન જગવે છે.
‘હું એવી કેડી જેવો છું જે રાત્રિના નીરવ સંસારમાં
પોતાની સાંભરણોના પગરવ સાંભળે છે.’
આનું મૂળ અંગ્રેજી યાદ રહી જાય એવું છે,


‘I am like the road in the night listening to the foot falls of the memories in silence.’
છેલ્લે, વર્તમાન ક્ષણનો મહિમા,
‘ભાવિની આકાંક્ષાઓને આંબવા વલખાં મારતો
હું ભિખારી નથી પ્રિયે,
આ વર્તમાન ખુદ જ કેવી ભવ્ય ભેટ છે!’
(પૃ. 24)
કબિતિકાઓ સાથે રેખાંકનો પણ છે. ગૂર્જર દ્વારા આ પુસ્તકનું પ્રકાશન થયું છે.

X
article by raghuvir chaudhari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી